Education Exclusive Gujarati Writers Space

Exclusive : પરીક્ષા પર ચર્ચા 2.0

બાળકોની પરીક્ષાઓ નજીક હોવાથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા દિલ્લીમા એક મસ્ત મજાનો પરીક્ષાલક્ષી કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા 2.0’ થઈ ગયો. આ કાર્યક્રમ માટે દરેક રાજ્યના અમુક વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. એક પ્રકારે તો મોદી સાહેબની હાજરીથી જ આ પ્રસંગ રાજનૈતિક બની ગયો, પણ વાસ્તવમાં અહી રાજનીતિ સિવાયની અને વિદ્યાર્થીઓના પરીક્ષાને લક્ષ્યમાં રાખી જ જરૂરી મુદ્દાઓની ચર્ચા થઇ હતી. તો ચાલો આજે જોઈએ કેટલાક મહત્વના મુદ્દાઓ સહજ દ્રષ્ટીએ…

સંસ્કૃતિક, શાળાકીય તેમજ નૃત્ય જેવા વિવિધ કાર્યક્રમો પછી સ્ટેજ મોદી સાહેબે સંભાળી લીધો. પણ, પ્રધાનમંત્રી પદ કદાચ એમણે ચર્ચા પૂરતા સમય માટે સ્ટેજની નીચે જ મૂકી દીધું હતું. જાણે કે અહી એ માત્ર વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળવા જ આવ્યા હતા. ચર્ચાની શરૂઆતમાં વિદ્યાર્થીઓનો ઉત્શાહ જાણવા માટે પૂછ્યું ‘હાઉ’સ ધ જોશ…?’ અને આખું સ્ટેડીયમ ‘હાઈ સર’ના નાદથી ગુંજી ઉઠ્યું. જો કે પ્રોગ્રામની શરુઆતમાં એમણે ખાસ જોર્જ ફર્નાન્ડીઝને પણ યાદ કર્યા, તેમજ આપાતકાલ સમયમા એમના અભૂતપૂર્વ યોગદાનને પણ યાદ કર્યું. ત્યાર બાદ એક મિત્રના નાતે અથવા અંગત ફેમીલી મેમ્બર તરીકે જ બધા એમની સાથે ચર્ચા કરે એવા શબ્દો સાથે આખા સ્ટેડીયમને એમણે પોતાના કરી લીધા.

એક પ્રકારે તો આ ચર્ચા વિદ્યાર્થીઓ અને એમની પરીક્ષા લક્ષી મૂંઝવણો માટે જ હતી. પણ, બાળકો સીધા અથવા આડકતરી રીતે જેમના પ્રભાવમાં રહે છે, એવા શિક્ષકો અને માતાપિતાને પણ અહી જોડવામાં આવ્યા હતા. એટલે કે બાળકના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને જ આ આખું રાષ્ટ્રીય કક્ષાનું આયોજન થયું હતું, કારણ કે ભવિષ્ય નિર્માણમાં બાળક જેટલું જ મહત્વ શિક્ષકો અને પેરેન્ટસનું પણ છે. ત્રણેય પક્ષના પાર્ટીસીપેશન દ્વારા જ સહજ શિક્ષણ આકાર લઇ શકે છે.

◆ પરીક્ષાનું મહત્વ તો છે, પણ શું આ જીવનની પરીક્ષા છે…? 

પેરેન્ટ્સ દ્વારા આવતા પ્રેશર અંગે વાત કરતા કહ્યું હતું કે પરીક્ષા એ જીવનના સાતત્ય માટે જરૂરી છે. પરીક્ષા વગરનું જીવન તો શક્ય જ નથી. કારણ કે જીવનના દરેક સ્ટેજ પર તમારે કોઈને કોઈ પરીક્ષાનો સામનો તો કરવો જ પડે છે. એટલે પરીક્ષા એક પ્રકારે તો જીવનની સાશ્વત જરૂરિયાત છે. પણ સાવ એવું નથી કે પરીક્ષાના ગલીયારામાંથી નીકળીને જે બહાર આવે એ જ સાચું શિક્ષણ ગણાય. કારણ કે શાળાના બહાર પણ આખું એક જીવંત વિશ્વ હોય છે આપણી સામે. આ સંવાદ દરમિયાન કોઈ અજ્ઞાત કવિની પંક્તિ યાદ કરતા એમણે કહ્યું કે ‘कुछ खिलोनो के टूटने से बचपन नही मरा करता हे’ એટલે કે એકાદ પરીક્ષામાં નિષ્ફળ જવું એ જીવનની નિષ્ફળતા ન કહી શકાય. પણ, હા એમાં પાર ઉતરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. કારણ કે પરીક્ષા વગરનું જીવન શક્ય નથી. જો જીવનને પરીક્ષામાં મુકીશું જ નહિ, તો જીવન અટકી જશે અને અટકી ગયેલા જીવનનો કોઈ અર્થ જ નથી હોતો.

◆ ચર્ચાઓ સમાધાન માટે હોવી જોઈએ, મૂંઝવણ માટે નહી 

જ્યારે બાળક અને પેરેન્ટ્સ વચ્ચે થતા ઘર્ષણની વાત નીકળી ત્યારે એમણે કહ્યું કે બાળકોએ પણ પેરેન્ટ્સને સાંભળવા અને સમજવા જોઈએ, એ જ રીતે પેરેન્ટ્સ દ્વારા પણ બાળકો પ્રત્યે આ જ વલણ જળવાઈ રહે એ જરૂરી છે. જ્યારે પણ બેમાંથી કોઈ એક પક્ષ મૂંઝવણ અનુભવે ત્યારે ચર્ચા કરી એનું સમાધાન લાવી શકાય છે. કારણ કે ચર્ચા દ્વારા જ આપણે એકબીજા સાથે જોડાયેલા રહીએ છીએ, અને જ્યા ચર્ચાનો અભાવ હોય છે ત્યાં ટકરાવ જન્મ લે છે. આ જ ટકરાવ સમય જતા ગુસ્સો, અણબનાવ અથવા સ્ટ્રેસનું સ્વરૂપ ધારણ કરે છે. જે લાંબા ગાળે બેય પક્ષે હાનીકારક છે.

◆ માતા-પિતાએ પોતાના અધૂરા સપના બાળકો પર ન થોપવા જોઈએ 

સામાન્ય રીતે બાળક અને પેરેન્ટ્સ વચ્ચે સૌથી વધુ કોઈ સમસ્યા હોય, તો એ સમસ્યા છે પેરેન્ટ્સ બાળકના ભવિષ્યનું નિર્ધારણ પોતાના સપના આધારિત કરે છે. જો કે દરેકના રસ અને પસંદગીનો પ્રવાહ અલગ જ હોય છે, પરિણામે ઘર્ષણ જન્મ લે છે. કારણ કે જ્યારે બાળક નિષ્ફળ જાય અથવા એ નિષ્ફળ ગયું છે એવું લાગે, ત્યારે એની સફળતા આપણે ભૂલી જતા હોઈએ છીએ. જેમ બાળપણમાં પેરેન્ટ્સ બાળકની દરેકે દરેક નાની-મોટી સ્વૈચ્છિક પ્રવૃતિઓ સ્વીકારી એના ઉત્સાહમાં વધારો કરે છે, એ જ પ્રકારે જીવનમા દરેક ક્ષણે બાળકોને નાના ભૂલકા સમજીને જ માતા-પિતાએ સ્વીકારવા જોઈએ. બાળકોને જવાબાદારી સોપવી એ કાઈ ખોટું નથી, પણ સમયાંતરે જવાબદારીનું વહન કરતા શીખવી એને સમય સાથે પ્રવાહિત કરવાનું કાર્ય મહત્વનું છે.

◆ ઈચ્છાઓ હોવી જોઈએ. પણ, નિરાશાઓ ન હોવી જોઈએ 

જીવનમાં ઉત્સુકતા જ તો જ્ઞાનની પોષક છે. એ જ પ્રકારે ઈચ્છાઓ પણ ભવિષ્યના ઘડતર માટે આવશ્યક છે. એટલે જ્યારે આ ઈચ્છાઓ પૂર્ણ ન થાય, ત્યારે એનાથી જ નિરાશા જન્મ લેતી હોય છે. પણ અનુભવ દ્વારા એમાંથી નિરાશ ન થઇ, ભવિષ્ય માટે સફળતાનો વિશ્વાસ હોવો જોઈએ કે હું આ કરી શકીશ. કારણ કે કોઈ પણ પરીક્ષા જીવનની અંતિમ પરીક્ષા તો નથી જ હોતી. પણ હા, ઈચ્છાઓનો ઉદભવ વ્યક્તિ અને ભવિષ્યના વિકાસ માટે જરૂરી છે. આ કહેતા એમણે ઉમેર્યું, ‘હું પણ એવું ઈચ્છું છું, કે આ દેશના સવા સો કરોડ લોકોના મનમાં નવા એસ્પીરેશન જાગે અને એ સપનાઓને પુરા કરવા માટે તેઓ પ્રયત્ન કરે’. કારણ કે ભવિષ્યનો આધાર આજના પ્રયત્નો પર રહેલો છે.

◆ પ્રેસર દ્વારા એક્શન નહી, રીએક્શન વધે છે. 

જ્યારે સમાજમાં સતત વધતા શૈક્ષણિક દબાણ વિષે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું હતું કે સમાજમાં વધતું જતું પ્રેશર ખરેખર હાનીકારક છે, કારણ કે આ પ્રેસર દ્વારા મળતા પરિણામો હકારાત્મક ઓછા અને નકારાત્મક વધારે હોય છે. કદાચ પેરેન્ટ્સ દ્વારા થતા દબાણનું એક મુખ્ય કારણ એ પણ હોય કે બાળકના પરિણામને પેરેન્ટ્સ પોતાના સોશિયલ સ્ટેટ્સ સાથે જોડી દે છે. કોઈ પ્રસંગમાં જતી વખતે પણ માતા-પિતા બાળકના પરિણામને જ પોતાના વીઝીટીંગ કાર્ડ તરીકે લઈ જાય છે. ત્યાં પણ આ વિષે જ ચર્ચાઓ થતી હોવાથી, જ્યારે નબળું પરિણામ એમને મૌન કરે ત્યારે એ લોકો બાળકો પર દબાણ ઠાલવતા હોય છે. પણ, વાસ્તવમાં બાળક પ્રયત્ન કરતું હોય છે. આપણે એના પ્રયાસોને બારીકાઈથી જોઈ જ નથી શકતા, કારણ કે આપણે એને સ્વતંત્ર અસ્તિત્વ તરીકે ક્યારેય સ્વીકારી જ નથી રહ્યા હોતા. આપણે એનું અસ્તિત્વ અન્યની તુલનામાં જ કરવા જઈએ છીએ, અને ત્યાં જ નિષ્ફળતા સાંપડે છે. કારણ કે મોટે ભાગે અમુક ઉમર પછી આ તુલના દ્વારા પેરેન્ટ્સ પણ આડકતરી રીતે બાળક અને એની સફળતાની સતત અવગણના કરતા હોય છે.

◆ મોબાઈલ અને ઓનલાઈન માધ્યમો દ્વારા થતી અસરો 

યે પબજી વાલા હે ક્યાં…? આ વાક્ય લગભગ બધાયે પાછળના દિવસોમાં સાંભળ્યું હશે. જેને લઈને અસંખ્ય મેમે સોશિયલ મીડિયામાં ફરતા થઇ ગયા. પણ આ પાછળ એક ગંભીર સ્થિતિ છે, જે આકાર લઇ રહી છે. એની ગંભીરતા તો કદાચ જ કોઈએ જોઈ હશે, કે આ પ્રકારની ઓનલાઈન ગેમ્સ અને સોશિયલ મીડિયાના એડિકશનને કારણે બાળકો સતત માતાપિતા અને વાસ્તવિક જગતથી દુર થઇ રહ્યા છે. ઘણા સ્થાને તો આના ગંભીર પરિણામો પણ આપણે જોયા છે. કદાચ આ જ ચર્ચાઓ PM ઓફીસ સુધી પણ પહોચી હશે. જેના પરિણામે ચર્ચામાં પણ એનો ઉલ્લેખ સાહેબે પંચ મારીને કર્યો. તો શું ટેકનોલોજીનો ઉપયોગ સમસ્યા છે…? ના એવું પણ જરાય નથી. હા, એ ટેક્નોલોજીનો ઉપયોગ કયા પ્રકારે કરવો એની અજ્ઞાનતા સમસ્યા છે. કારણ કે ઘણીવાર ટેકનોલોજીના એડિકશન વાસ્તવિક જગત સાથેનો આપણો તાર જ કાપી નાખે છે. કદાચ જ્યારે ટેકનોલોજીનો સકારાત્મક ઉપયોગ અને જરૂરિયાત મુજબ ઉપયોગ કરવાની સમજ કેળવાશે ત્યારે જ બાળકો પ્લે સ્ટોર પરથી પ્લે ગ્રાઉન્ડ સુધી આવી શકશે.

◆ નિશાન ચૂક માફ, નહી માફ નીચું નિશાન 

જ્યારે પ્રશ્ન લક્ષ્યના નિર્ધારણ બાબતે પૂછવામાં આવ્યો ત્યારે મોદી સાહેબે ગુજરાતી કહેવત ‘નિશાન ચૂક માફ, નહી માફ નીચું નિશાન’નું દ્રષ્ટાંત આપતા એમ કહ્યું કે લક્ષ્ય ચુકી જઈએ તો ચાલે, પણ જો લક્ષ્ય જ ન હોય તો એ પ્રયત્ન પણ નિષ્ફળ જાય છે. એટલે કે ઘણી વાર આપણે ઊંચા લક્ષ્યો રાખીને થોડાક માટે ચુકી જતા હોઈએ, છીએ પણ ત્યારે આપણે એમાંથી ઘણું શીખતા હોઈએ છીએ. જો આ પ્રક્રિયાનું સતત સ્વ-નિરીક્ષણ કરીએ તો ઘણું જાણવા મળે છે, કે ક્યાં અને કયા સ્ટેજ પર આપણે નિષ્ફળ નીવડ્યા છીએ. પણ જો આપણે લક્ષ્ય જ નીચું રાખીએ, તો ક્યારેય સરળતાથી સફળતા મળી શકતી નથી. આ વાત લક્ષ્ય નિર્ધારણ વિશે સમજાવે છે, જ્યારે વધુમાં એ પણ સત્ય છે કે લક્ષ્ય ઊંચા રાખવાનો અર્થ એમ પણ નથી કે તમે અશક્ય હોય એવા લક્ષ્યોને પામવા દોડી પડો. કારણ કે સામાન્ય રીતે છત પર જવા માટે દરેક સીડીઓ એક પછી એક જ ચડવું પડે છે, ત્યાં સીધા જઈ શકાતું નથી. એજ પ્રકારે ભવિષ્યના લક્ષ્યો પામવા માટે પણ નાના નાના લક્ષ્યો પુરા કરવા પડે છે. એટલે સીધા જ મોટા લક્ષ્યને આધારે આપણે નાના લક્ષ્યોને સફળ બનાવવા લાગી જવું જોઈએ. અને હા મહત્વની વસ્તુ એ છે કે લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઈએ, કારણ કે ઘણીવાર અસ્પષ્ટ લક્ષ્ય જ નિષ્ફળતાનું કારણ બની જાય છે.

◆ ટાઇમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું જોઈએ…? 

અત્યારના યુગનો સૌથી મોટો પ્રશ્ન છે, ટાઈમ નથી. આ પ્રશ્નના જવાબમાં સાહેબે ‘મા’નું ઉદાહરણ આપ્યું. મા કે જે આખો દિવસ ઘરના કામ કરે છે, છતાં પોતાના સંતાન અને પરિવાર માટે એની પાસે હમેશા ટાઈમ હોય જ છે. એ જ પ્રકારે એમણે ઘરે કામ કરવા આવતી કામવાળીના ટાઇમ મેનેજમેન્ટને પણ દર્શાવતા કહ્યું હતું. શું આ બાઈ એમબીએ કરેલ હોય છે…? કે પછી કોઈ વિખ્યાત લેખકની બુકમાંથી એ ટાઈમ મેનેજમેન્ટ શીખે છે…? આ આખાય પ્રશ્નમાં મુખ્ય વસ્તુ છે, જે તે કામ માટે આપણું સમર્પણ. ક્યાં કામ માટે આપણે કેટલો ટાઈમ ફાળવીએ છીએ એ સમજવું સૌથી વધુ જરૂરી છે. જ્યારે તમે સમય નથી એવી ફરિયાદ કરો છો, ત્યારે તમે કદી એ વાતનું મનોમંથન કર્યું છે કે રોજ દિવસનો કેટલો ટાઇમ તમે એમ જ વેડફી નાખો છો…? જો આ સમજશો અને સમયની કિંમત કરતા શીખી જશો, તો સમયનો અભાવ તમને જીવનમાં ક્યારેય નહી નડે. છેલ્લે એમણે કહ્યું, કે જ્યારે સમયની કિમત સમજાઈ જશે ત્યારે સમયનું મેનેજમેન્ટ પણ જાતે જ થઇ જશે. કારણ કે વાસ્તવમાં તો ઈશ્વરે દરેકને સમય ૨૪ કલાકનો સરખો આપ્યો છે.

◆ પરીક્ષા માટે ન જીવો, સામર્થ્ય માટે જીવો 

શિક્ષણ પ્રત્યે વધતું દબાણ અને સ્પર્ધા શિક્ષણમાં બાળકોના રસને સતત ઘટાડી રહ્યું છે. જ્યારે શિક્ષણને ઉત્સવ સમજીને કઈ રીતે જીવી શકાય એ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે સાહેબે કહ્યું કે ‘कसोटी कसती हे, कसोटी कोशने के लिए नही होती’ એટલે કે પરીક્ષાઓ જ આપણને ભવિષ્ય સાથે લડવા સક્ષમતા આપે છે. એટલે પરીક્ષાઓ આપણા વિકાસ માટે જરૂરી છે એને સ્વીકારવી જોઈએ એને કોસવાથી આપણે આપણું જ નુકશાન કરતા હોઈએ છીએ. કારણ કે પરીક્ષાઓ જ તો છે જે આપણને સતત આગળ નીકળવામાં મદદરૂપ થાય છે. વાસ્તવમાં આપણે કોઈ પણ સ્થિતિથી દુર ભાગીને સ્વનું નુકશાન કરતા હોઈએ છીએ. પરીક્ષા માટે જીવવાનું છોડીને આપણે સામર્થ્ય કેળવવા જીવતા શીખવું જોઈએ. કારણ કે આપણા અંદર એવું તો કેટલુય બધું છે, જે આવી પરીક્ષાની એરણ પર મુકાયા પછી જ આપણને મળે છે. એટલે મહત્વનું એ નથી કે તમે એનો વિરોધ કરો, મહત્વનું એ છે કે તમે તમારા અંદર રહેલા સામર્થ્યને ઓળખો. કારણ કે આપણા અંદર રહેલું સામર્થ્ય જ આપણને પોતાના માટે કઈક અલગ કરવાની પ્રેરણા આપે છે. એટલે પરીક્ષા આ પ્રેરણા મેળવવાનો માર્ગ છે, એને અવસર સમજીને સ્વીકારી લો.

◆ મેઈન સમસ્યા વિઝન છે : જે લગભગ કોઈનું સ્પષ્ટ નથી 

ઘણી વાર આ પ્રશ્ન હોય છે કે મારે આ નથી કરવું છતાં મારા મમ્મી-પપ્પાના કહેવાથી મારે આ કરવું પડે છે. સામાન્ય રીતે અહી એ સ્પષ્ટ છે, કે આજના પેરેન્ટ્સ દ્વારા બાળકનું ભવિષ્ય વાળવામાં આવે છે. જ્યારે મહત્વનું તો એ છે, કે બાળક એ જ દિશામાં આગળ વધે જે વિષયમાં એની રૂચી છે. મોટા ભાગના બાળકો પોતાની રૂચી પેરેન્ટ્સને સમજાવી નથી શકતા અથવા પેરેન્ટ્સ બાળકની રૂચી સમજી નથી શકતા. તો આ સ્થિતિમાં જો પેરેન્ટ્સનો સકારાત્મક અભિગમ મળે તો બાળકના જીવનની દિશા પણ બદલાઈ શકે છે. કારણ કે ઘણી વાર બાળકનો એક નિર્ણય એના ભવિષ્ય પર હાવી થઇ જાય છે. ઘણી વાર બાળકો પોતે જ પસંદગીમાં અસ્પષ્ટ હોવાથી પસંદની સ્ટ્રીમમા જવા માટે પ્રયત્નો નથી કરતા. કારણ કે વિશ્વાસ, પસંદગી અને આત્મવિશ્વાસનો અભાવ છે.

આ નથી ગમતું, એ તો સમજાય છે. પણ, આના સ્થાને શું થઇ શકે…? એ અસ્પષ્ટ છે. એટલે બાળકોએ પણ સૌથી પહેલા તો એ સમજવાની જરૂર છે, કે આપણને પોતાના વિષયમાં કેટલી ખબર છે…? આપણી રૂચી કયા વિષયમાં છે…? જો છે તો આપણે એમાં ભવિષ્ય બનાવી શકીશું…? આ પહેલા એ ક્ષેત્રમાં આપણે કઈ ઉત્તમ કર્યું છે…? આ પ્રશ્નો જ આપણને આગળના નિર્ણયો લેવામાં સહાયક થાય છે. વાસ્તવમાં ધોરણ ૧૦ અથવા ૧૨ પછી બાળકોએ પોતાના સામર્થ્યને ઓળખવું જોઈએ, અને જે વિષય અથવા સ્ટ્રીમ પસંદ કરે, એમા સફળતા માટે વિશ્વાસ અને ડેડીકેશન પણ હોવું જોઈએ.

◆ જ્યા તુલના થાય છે, ત્યાં બાળક કમજોર લાગે છે 

સામાન્ય રીતે તુલના કરવાના સ્વભાવે સમાજમાં એવી હરીફાઈના વાતાવરણને જન્મ આપ્યો છે, જેમાં અભિભૂત થઈને પેરેન્ટ્સને પોતાનું બાળક કમજોર જ લાગે છે. કારણ કે અમુક સમય પછી જીવનના દરેક આયામમાં બાળકની તુલના અન્ય બાળકો સાથે જ થવા લાગે છે. સફળતા માટે સતત પ્રયત્નો કરતુ બાળક ખરેખર સ્વની તુલનામાં સતત આગળ વધતું જ હોય છે, પણ તુલના જ્યારે અન્ય સાથે થાય ત્યારે તે કમજોર જ લાગે. આ તુલનાના કારણે થતી કીચકીચ બાળકોના મોરલને તોડી નાખે છે. આજ કાલના માતા પિતા પણ બાળકોને પ્રોત્શાહન આપવાના સ્થાને, સતત એમને નિષ્ફળ સિદ્ધ કરવામાં જ રચ્યા પચ્યા રહેતા હોય છે. એટલે પેરેન્ટ્સે પણ એ વાત યાદ રાખવી જોઈએ, કે બાળક પોતાના ભૂતકાળના કાર્યો સાથે તુલના કરે અન્યના પરિણામ સાથે નહિ. કારણ કે દરેક બાળકના પોતાના પસંદગીના વિષયો હોય છે. દરેકની પોતાની માસ્ટરી હોય છે, શક્ય છે કે એ અન્ય વિષયમાં એ દરેકથી વધુ હોશિયાર હોય જ્યા ભણતરમાં એ બધા કરતા પાછળ છે.

◆ એજ્યુકેશન સિસ્ટમમાં પરિવર્તન 

શિક્ષણ અને વાસ્તવિકતા વચ્ચે કોઈ તાલમેલ નથી. 

પાછળના ત્રણેક પ્રશ્નોમાં એક પ્રશ્ન એજ્યુકેશન સિસ્ટમમાં થતા બદલાવ વિષે હતો. ત્યારે સાહેબે આડકતરી રીતે કહ્યું કે આજના આધુનિક યુગમાં સતત કોઈકને કોઈક પ્રકારે માતા-પિતા, શિક્ષક અને બાળકો વચ્ચે એક ખાઈનું નિર્માણ થઇ રહ્યું છે. એવું પણ હોય કે શિક્ષક બાળકમાં રસ ત્યારે જ લે, જ્યારે બાળકને ભણાવવામાં પેરેન્ટ્સને પણ એટલો રસ હોય. પણ ક્યાંક સમસ્યા એ પણ છે, કે શિક્ષણને જીવન સાથે જોડવાના સ્થાને પરીક્ષા સાથે જોડવામાં આવી રહી છે. એટલે ભણતરની વાસ્તવિક પ્રણાલી ભૂલી આપણે સતત રેન્કિંગની હોડમાં દોડી રહ્યા છીએ. આ દોડમાં સતત ત્રણેય પક્ષમાં ક્યાંકને ક્યાંક એકબીજા પ્રત્યે છૂપો રોષ આકાર લેતો રહ્યો અને એમના વચ્ચેના સામંજસ્યમા દુરી વધતી રહી. કદાચ આ એકબીજા પ્રત્યેની અવગણના જ છે, જે આખી સિસ્ટમને બદલી રહી છે. આજે શિક્ષક આને બાળક વચ્ચે, બાળક અને માતા-પિતા વચ્ચે તેમજ માતા-પિતા અને શિક્ષકો વચ્ચે પણ એવા સબંધો નથી જેવા શિક્ષણ વ્યવસ્થાના મૂળમાં હતા. તો ક્યાંકને ક્યાંક આ સ્થિતિ સુધારવાની જરૂર છે. આ ત્રણેય પક્ષ વચ્ચેનું અંતર ઘટાડવાની જરૂર છે, અને કદાચ આ શરૂઆત સાથે જ શિક્ષણ વ્યવસ્થામાં પણ બદલાવ આકાર લેશે.

કારણ કે ઘણી વખત આ સ્થિતમાં બાળકો એડજસ્ટ નથી થઇ શકતા. જ્યારે આ સ્થિતિ આકાર લે છે ત્યારે એકલાપણું અને ધીક્કારભાવનાને કારણે ડીપ્રેશન જન્મ લે છે. જોઈન્ટ ફેમિલીઓ હવે વિભાજીત થઇ રહી છે, એટલે બાળકો સતત એકાંત અનુભવે છે અથવા કોઈને મનભરીને વાત કરી શકાય એવા વ્યક્તિનો અભાવ વર્તાઈ રહ્યો છે. પેરેન્ટ્સ ખુલીને કોઈ વાત જ નથી કરતા, એટલે બાળક અને માતાપિતા વચ્ચેનો સંવાદ સતત ઘટતો જઈ રહ્યો છે. કાઉન્સેલિંગ બાબતે પણ સામાજિક અસરકારકતા વધુ ગંભીર સમજાતી હોવાથી એનો પણ અભાવ છે. એટલે સાથ સહકાર અને પ્રેમનો અભાવ સતત ડિપ્રેશનનું નિર્માણ કરે છે. પણ આ બધાથી છુટવા માટે તમે પ્રકૃતિનો સહારો લઇ શકો છો. અથવા જીવનમાં કોઈ એવા વ્યક્તિ સાથે મિત્રતા કેળવો, જેને તમારા જીવનમાં ઘટેલી દરેક સારી ખરાબ બાબત તમે ખુલીને કહી શકો.

અંતે બસ એટલું જ કે બાળક હોય, પેરેન્ટ્સ હોય કે શિક્ષકો હોય. પણ જ્યારે એકબીજાને સમજવાનો સમય આવે છે ત્યારે તેઓ પોતાના સ્થાને રહી એને સમજવા કરતા, એનું સ્થાન લઈને સમજવા પ્રયત્ન કરવો જોઈએ. કદાચ પોતાના સ્થાન પર એ પણ યોગ્ય જ હોય…? કારણ કે બાળકને માત્ર એજ્યુકેશન નહી સાથે ટ્રેનીંગની પણ જરૂર છે.

કાર્યક્રમ : ૨૯ જાન્યુઆરી, ૨૦૧૯
તાલકટોરા સ્ટેડીયમ, દિલ્હી

~ સુલતાન સિંહ ‘જીવન’

( નોધ : આ આર્ટીકલ એજ્યુકેશન સિસ્ટમના અંકમાં છપાયેલ છે. )

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.