Gujarati Writers Space

જે-ઓલિવનું સ્ટોરી બોર્ડ : આપણું બાળપણ ઘડનાર માણસ

1988થી 2005ના સમયગાળામાં જેટલા પણ બાળકોની ઉત્પતિ થઈ, તેઓ આ સમયને ન ભૂલી શકે. આ એ સમય હતો જ્યારે કાર્ટુનનું એકચક્રિય શાસન ચાલતું હતું. દુરદર્શન પણ હિ-મેન જેવા યૌદ્ધાનું કાર્ટુન અડધી કલાકના સ્લોટમાં ચલાવતું હતું. કાર્ટુન નેટવર્ક પહેલા તો ઈંગ્લીશમાં અને પછી બાળકોની માગને તૃપ્ત કરવા માટે હિન્દીમાં આવી. તેમાં બાળકોને ગમતા સુપરહિરો લાવવાનું કામ જે ઓલિવે કર્યું. અને હજુ પણ ફિલ્મો અને એનિમેશન કાર્ટુન દ્વારા પોતાની ટેલેન્ટ થકી આ માણસ બાળકોને મનોરંજન આપતો રહે છે. વચ્ચે તો એવી પણ વાત ઉડેલી કે, ઓલિવ હવે કાર્ટુન બાબતે હિંસક થતા જાય છે. તેમના શરૂઆતના કાર્ટુન પરના સ્ટોરીબોર્ડ ખાલી વિલનની ધોલાઈ કરવાના હતા. સુપરમેન પોતાના સુપરમેન પંચથી એમેઝો જેવા વિલનને એક ઢીંકામાં જમીનદોસ્ત કરી નાખે. ત્યાં સુધી તો બરાબર હતું, પણ પછી તલવારથી વિલનોના ગળા કાપવા, તેમની આંખમાં તીક્ષ્ણ હથિયાર ઘોંચી દેવા. તેમના પેટને ચીરી નાખવું. આવુ બધુ આવતું એટલે ગવર્મેન્ટે પણ ઓલિવને કહેલું કે, ‘‘તમે તમારા હાથની કરામતને થોડી ઢીલાસ આપો. બાળકો આવુ બધુ જુએ તો તેઓ પણ આટલા હિંસક બની જશે.’’

વાત સાચી, બાળકો જે કાર્ટુનમાં જુએ છે, તેને પોતાના જીવનના એક અંગ તરીકે માની લે છે. એમાં જે છે, તે સાચુ છે, એવું માની લે છે, ભીમનું જ સ્કુલ બેગ લેવું, સકલક બુમ બુમની જ પેન્સિલ લેવી. બે-બ્લેડથી રમવું આ કાર્ટુનની બાળકના માનસપટ પર થતી કામચલાઉ અસર છે, કાયમી અસર પણ થઈ જાય છે, જેમ કે હું… પણ સરકાર ગઈ તેલ લેવા. છેલ્લી એનિમેશન ફિલ્મ સુધી તેઓ ન અટક્યા. અને સ્ક્રિન પર ધબધબાટી બોલાવે રાખ્યા.

તો પહેલા તો આ સ્ટોરીબોર્ડ… જેવું કામ શું છે ? તે જાણી લઈએ. સત્યજીત રે ઉમદા દિગ્દર્શક હતા તેની પાછળનું કારણ તેમના ચિત્રો હતા. પહેલા ચિત્રો દોરીને તેઓ નક્કી કરતા કે સિન આવી રીતે શૂટ કરવામાં આવશે. આ વસ્તુને કહેવાય સ્ટોરી બોર્ડ. જેનું કામ પણ આવું જ. સુપરહિરોના સ્ટોરીબોર્ડ તૈયાર કરવાની જવાબદારી તેમના સીરે નાખવમાં આવી. માથાના દુખાવા સમાન આ કામ હતું. પણ સ્ટોરીબોર્ડના કામમાં ઓલિવ સૌથી હોશિયાર અને કાબિલ છે. અત્યારે પણ જ્યારે સુપરહિરો ફિલ્મ બનાવવાની હોય ત્યારે મેકર્સની પહેલી પસંદગી ઓલિવ જ બનતા હોય છે. ચાઈનીઝ જેવો દેખાતો આ ચહેરો ધીમે ધીમે ચિત્રોને એવા આકાર આપે કે, સ્ક્રિન પર પ્રેઝન્ટ થયા બાદ ભુક્કો કાઢી નાખે. તેમની આવી જ કળાના અપાર દર્શન કરાવું તો…

1996માં સ્પાઈડર-મેનની સિરીઝ આવેલી. તેમાં પેલું ગીત. સ્પાઈડર મેન… સ્પાઈડર મેન… જે મહોમ્મદ રફી ટાઈપ ધીમા અવાજમાં અને ઓછા સંગીતમાં ત્યારે બનાવવામાં આવેલું. આ એનિમેટેડ સિરીઝનું સ્ટોરીબોર્ડ કામ ઓલિવને સોંપવામાં આવ્યું. ઓલિવે આરામથી તેના ચિત્રો દોરી આપ્યા. સ્પાઈડર મેન વેબ શૂટર બિલ્ડિંગ પર ફેંકે તો તેનું એક ચિત્ર. વિલનને મુક્કો મારે તો તેનું એક પેઈન્ટીંગ. આવી એક સિરીઝ માટે 2થી 3000 ચિત્રો તેમને દોરવા પડતા હતા. ફોક્સ ટીવીમાં કામ કર્યા પછી સોની સાથે કરાર કર્યો. આ સ્ટોરીબોર્ડનું કામ મુશ્કેલ હતું તેના સિવાય એ પણ પ્લસ પોંઈન્ટ હતો કે, ત્યારે આ કોર્ષ કરવાવાળા લોકો જ ઓછા હતા. જેમ સ્ટીવ જોબ્સે કેલિગ્રાફી શીખી પણ તેનો ઉપયોગ કઈ જગ્યાએ કરવો એ તેમને ભવિષ્ય સાથે ખબર હતી. જેમ કેલિગ્રાફીમાં ઓછા સ્ટુડન્ટ હતા, તેવો જ હાલ ત્યારે સ્ટોરી બોર્ડનો હતો. તેમાં પણ એડમિશન લેનારા વિદ્યાર્થીઓ તો ઓછા જ હતા. એટલે ભાવતુ’તુને વૈદ્યે દીધુ જેવો ઘાટ થયો અને ઓલિવને મોટી કંપનીઓની ઓફરો મળવા લાગી.

એક્સટ્રીમ ઘોસ્ટબસ્ટર્સ, ફેમસ ગોડઝીલાની સિરીઝ જેના પરથી ફિલ્મ બનાવવામાં આવી. હેવી ગીઅર, મેક્સ સ્ટીલ પછી જે સિરીઝ આવી તેના કારણે ઓલિવ દુનિયાભરમાં ફેમસ થઈ ગયા. આ સિરીઝનું નામ હતું જેકી ચેન. જેકી ચેન ઓલરેડી ફિલ્મોના કારણે પોપ્યુલર હતા. જેનો સીધો ફાયદો ઉપાડવા માટે તેમના પરથી કાર્ટુન કેરેક્ટર બનાવવામાં આવ્યું. તમને ખ્યાલ હોય તો પોગો અને કાર્ટુન નેટવર્ક પર આવતી આ સિરીઝ પૂરી થાય એટલે સોરી શક્તિમાનની માફક જેકી ચેન આવીને થોડી ટીપ્સ આપતો. એકવાર તેમાં સિરીઝનો અસલી હિરો કોણ છે આ માટે ઓલિવ પણ પહેલીવાર ટીવીની સ્ક્રિન પર ચમકી ગયેલા. પણ ત્યારે બાળકોને ઓલિવ સાથે શું લેવાદેવા. મને પણ બે દિવસ પહેલા જ ખબર પડી હતી..

જેકી ચેનની કાર્ટુન સિરીઝમાં ડિમાન્ડ વધી ગઈ એટલે ઓલિવની માથે એક વધુ ભારણ ઠોકવામાં આવ્યું. જેનું નામ જેકી ચેન એડવેન્ચર્સ. ઓલિવે તે પણ સફળતાપૂર્વક પાર પાડી દીધુ. ભારતમાં તેઓ હિ-મેન માસ્ટર ઓફ યુનિવર્સના કારણે ખ્યાતનામ થયા. ઓલિવના જીવનમાં કોઈ દિવસ ગરીબી આંટો નથી લઈ ગઈ. તેમને જે ગમતું હતું તે કરતા હતા, રૂપિયા મળતા હતા. અમેરિકામાં સારૂ એવું મકાન હતું. પણ નસીબ ત્યારે ખુલ્યું જ્યારે તેમણે ડિસી કોમિક્સના સુપરહિરો પર કામ કરવાનું શરૂ કર્યું. હવે તેઓ એનિમેશન સિરીઝો પૂરતા સિમિત ન હતા. જેકી ચેનની છેલ્લી સિરીઝ ચાલું હતી ત્યારે તેઓ સોની કંપની પાસે પોતાનો વિચાર લઈ ગયા, ‘‘મારે આ માણસ પર કામ કરવું છે.’’ આ માણસ પર ફિલ્મો અને ટેલિવિઝન શ્રેણીઓ અઢળક બનેલી, પણ કાર્ટુનમાં કેવી રીતે. સોનીએ આખરે જેકી ચેન સિરીઝ પછી ઓલિવ પર ભરોસો મુકવો રહ્યો ! કંપનીએ હા કરી દીધી અને બેટમેનની એન્ટ્રી થઈ.

બેટમેનની એન્ટ્રી સાથે જ ઓલિવના ફિલ્મી દરવાજા પણ ખુલી ગયા. તેમને પહેલી ફિલ્મ મળી જેની પોપ્યુલારીટી આજે પણ અકબંધ છે ? ખબર છે કઈ ? સ્ટુઅર્ટ લિટલ. સ્ટુઅર્ટ લિટલનો એ નાનકડો ઉંદર થીએટરમાં દેખાડવાવાળા જે હતા. ઓલિવે આ ઉંદરને એટલો ક્યુટ બનાવ્યો હતો કે, લોકો સફેદ ઉંદરને પાળવા લાગેલા. તેમને સ્ટુઅર્ટ જેવા કપડાં પહેરાવતા હતા. હવે ઓલિવ ઘરે ઘરે પોપ્યુલર હતા. પણ નહીં…. માફ કરશો અહીં ઓલિવ નહીં પણ તેમણે સ્ટોરીબોર્ડ પર કરેલી કરામતો પોપ્યુલર હતી. ઓલિવની સાથે કોઈને નિસ્બત ન હતી. આંબામાં ઉગતી કેરીથી આપણને મતલબ છે, આંબા સાથે પણ મતલબ છે, પણ કેરી પહેલા તેમાં આવતા મોર સાથે આપણે કોઈ લેવાદેવા નથી. તેવું ઓલિવના કિસ્સામાં હતું.

પણ બે હાથમાં લાડવા હતા જેના હાથમાં. એક તરફ માર્વેલ સ્ટુડિયોએ ઓલિવને તેના કેરેક્ટર ડિઝાઈન કરવાનું કહ્યું. બીજી તરફ બેટમેનની વધતી પોપ્યુલારીટીના કારણે તેમને ટીન ટાઈટન્સ અને જસ્ટીસ લીગનું કામ સોંપવાનું નક્કી કરવામાં આવ્યું. ત્યારે કાર્ટુન માટે સારા સ્ટોરીબોર્ડ તૈયાર કરનારા ઓલિવ જ હતા. જસ્ટીસ લીગની એનિમેશન શ્રેણીઓ સફળ જઈ રહી હતી અને માર્વેલનું ક્યાંય ઠામ ઠેકાણું ન હતું. કામને પ્રાયોરીટી આપી ઓલિવે બંન્ને સાથે કામ કરવાની હા પાડી દીધી. માર્વેલ માટે તેમણે ઈન્વિસિબલ આયર્ન મેન સિરીઝ અને ડો.સ્ટ્રેન્જના સ્ટોરીબોર્ડ બનાવ્યા. અને ડીસી માટે તો રાબેતા મુજબ કામ કરતા હતા.

પણ તેમના કામને કારણે ડિઝનીની તેમના પર નજર પડી ગઈ. આ માણસ જો આવુ બધુ કામ કરતો હોય તો પછી આપણી નેક્સટ સિરીઝના સ્ટોરીબોર્ડમાં આને ધંધે લગાવો. અનગિનત મહેનતાણું આપો. અને કંપનીની પોલીસી પ્રમાણે ઉંઘેમાથ કામ કરાવીને ટેલેન્ટને લૂંટો. વોલ્ટ ડિઝનીમાં તેમણે એક જ વખત કામ કર્યું. માય ફ્રેન્ડસ ટીગર એન્ડ પુ નામની સિરીઝ બનાવી. જે ભારતમાં સાંજે 6 વાગ્યે સોની પર પ્રસારીત થતી હતી. કંપનીની પોલીસી ઓલિવને પસંદ ન આવતા તેમણે આવજો કરી નાખ્યું.

સ્ટોરીબોર્ડ બનાવવા છે, પણ કામ તો એ સ્ટોરીબોર્ડ પર જ કરવું છે, જેમાં મઝા આવે. સુપરહિરોગીરી તરફ પાછા વળ્યા અને વિશ્વને બેનમૂન એનિમેશન સિરીઝ આપી, સુપરમેન એન્ડ ધ ડુમ્સડે. આ સાથે જ જસ્ટીલ લીગની માફક પોતાની ટુકડીને ઉતારવા તલપાપડ થઈ રહેલી માર્વેલ માટે તેમણે અવેન્જર્સ બનાવી આપ્યા. દિવસે હલ્ક તૈયાર કરવાનો અને રાતે વન્ડર વુમન બનાવવાની. પણ હવે તેમને એનિમેશન ફિલ્મોના ડિરેક્ટર બનવું હતું. માર્વેલને તેમણે કહ્યું, તો તેમણે ના પાડી દીધી. તેમની પાસે સારા ડિરેક્ટરો હતા, ઓલિવને ખાલી તેની ટેલેન્ટ થકી સ્ટોરીબોર્ડ બનાવી આપવાના હતા. ઓલિવને ખોટુ લાગી ગયું. આજ ઓફર તેમણે ડિસી પાસે કરી, ડિસીને તો જ્યારે ભાવતું ભોજન મળી ગયું હોય તેમ ઓલિવને ઉપાડી લીધા. અને એટલે જ ફિલ્મોમાં ભલે માર્વેલ પોપ્યુલર હોય, પણ કાર્ટુન ફિલ્મોમાં ડીસી જ પોપ્યુલર છે. જેના ખાતામાંથી દર વર્ષે ફિલ્મ આવે છે. ગ્રીન લેન્ટર્ન ફસ્ટ ફ્લાઈટ, સુપરમેન-બેટમેન પબ્લિક એનીમી, જસ્ટીસ લીગ વોર, જસ્ટીસ લીગ ડાર્ક, ફ્લેશપોંઈન્ટ પેરાડોકસ, જસ્ટીસ લીગ ક્રાઈસીસ ઓન અર્થ, જસ્ટીસ લીગ થ્રોન ઓફ એટલાન્ટિયસ, બેટમેન અંડર ધ રેડ હુડ…. વગેરા વગેરા…

આ સાથે જ માર્વેલને ખ્યાલ આવી ગયો કે, ઓલીવને તેની કિંમતનું ન આપી તેની સાથે અપમાન જેવું કરી આપણે આપણા જ પગમાં કુહાડો માર્યો છે. માર્વેલ ઓરિજનલ તો કાર્ટુન અને કોમિક છે. ફિલ્મો ફ્લોપ જઈ શકે, પણ કાર્ટુન તો કદાપી નહીં. એ બાળકોને ગમવાના જ છે. એટલે ઓલિવ સાથે મનામણાં કરી તેમણે અવેન્જર્સ અર્થ્સ માઈટીએસ્ટ હિરો નામની સિરીઝ બનાવડાવી. જેના કારણે માર્વેલ અત્યારે પોતાના હિરોને લઈ ઈન્ફિનીટી વોર બનાવી શક્યું છે. અને ગગનમાં ઉડી રહ્યું છે.

પણ ઓલિવને જ્યારે ડિસી સાથે વધારે જ પ્રેમ હોય તેમ, બેટમેન ધ ડાર્ક નાઈટ રિટર્ન્સ નામની એનિમેશન ફિલ્મ બનાવી. ઓલિવની આ ફિલ્મને એ સમયે રોટન ટોમેટોસે 100 પર્સેન્ટ વોચ લિસ્ટમાં રાખેલી.

એન્ટમેન ફિલ્મ તમને જોવી એટલા માટે ગમે કે તેના સ્ટોરીબોર્ડ ઓલિવે બનાવ્યા છે. ડેડપુલના પણ તેણે જ તૈયાર કર્યા છે. ડેડપુલ જે ચિત્રો દોરીને સૌને હસાવતો હોય છે, તેની પાછળ હાથ ઓલિવનો છે. મેન ઓફ સ્ટીલની લાંબી ક્લાઈમેક્સ સીનવાળી ફાઈટ ઓલિવે તૈયાર કરેલી. આ જે-ઓલિવ જ હતા, જેમના કારણે ડિરેક્ટર જેક સ્નીડરે આખા ન્યૂયોર્કની બિલ્ડિંગો ધરાશાય કરી દીધેલી. તમે જ્યારે પણ સુપરહિરો ફિલ્મ જુઓ એટલે તેની એક્શન સિક્વન્સ સમયે હવે પછી મોંમાંથી ઉદ્દગાર અચૂક કાઢજો… આ કમાલ જે-ઓલિવની છે. બાકી સુપરમેન આટલો ઉંચો ન ઉડી શકે, બાકી બેટમેન બેન કે જોકરને આવી રીતે ન મારી શકે, બાકી હલ્ક અને આયર્નમેનના હલ્ક બસ્ટરની આવી ફાઈટ જોવા ન મળી શકે.

એનિમેશન માટે તેમણે પોતાની ટીમ તૈયાર રાખી છે, જેસન ઓમારા, ઈથન સ્પુડલીંગ, સ્ટુઅર્ટ એલન, મેટ રાયન, કેમિલિયા, સીન જેવા કલાકારોના વોઈસ ઓવર તેની ફિલ્મોમાં હોય છે. અને કોઈ વખત તેમને ઓલિવના કામથી નારાજગી નથી થઈ. સુપરહિરો ફિલ્મ ડિરેક્ટ કરવાની ઓફર હોવા છતા અને એનિમેશન ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે તો પણ, જે ઓલિવનો પ્રથમ પ્રેમ સ્ટોરીબોર્ડ જ રહ્યો… અને કદાચ રહેશે.

~ મયુર ખાવડુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.