Poet's Corner Gujarati GU

વાદ ને સંવાદની ચર્ચા કરું

Font Size:
વાદ ને સંવાદની ચર્ચા કરું કાગળ ઉપર. જીવ બળતો હોય ને, ત્યારે ઠરું કાગળ ઉપર. હું છુપાવું છું, ઉદાસીની હકીકત ને પછી- સાવ સાચું એક કારણ ચીતરું કાગળ ઉપર. ના દવાઓ કે દુઆઓની અસર થઈ એટલે, ઘાવ ભરવા શબ્દ અક્સીર નોતરું કાગળ ઉપર. વારસો આપી જવાની છે પ્રથા, બસ એટલે- દર્દના આકાર ઝીણાં કોતરું કાગળ ઉપર. ઋણ ચૈતરનું અને વૈશાખનું ઉતારવા, ગુલમહોરી ગીત થઈને અવતરું કાગળ ઉપર. સાવ લીલા પાનથી ભીના થશે એ બીકથી, પાનખર કોરી લઈને પાથરું કાગળ ઉપર. આ ત્વચાના સાત પડ વીંધીને દિલનું દર્દ પણ- થઈ વિવશને ઊતર્યું છે સોસરું કાગળ ઉપર. સુખ અને સગવડના નામે ઝાંઝવા પીધા પછી, રોજ ઊગું, આથમું, જીવું-મરું કાગળ ઉપર.
~ લક્ષ્મી ડોબરિયા
✍️

Laxmi Dobariya

Contributing Writer • Sarjak Literary Platform

View Writer Profile →
← Back to All Articles More in Poet's Corner →