ડાયરીનું એક પાનું..
તારીખ : ૧૯-૧૦-૨૦૧૨
સમય : રાત્રે ૧૧-૩૦
“દીવાલનું હોવું ક્યાં હૂંફાળું છે અને ક્યાં બદ્ધ છે તે જાણી લઈએ તો આપણું આકાશ આપણાં હાથમાં જ છે”
ગઈકાલે ઉદ્દેશના તાજા અંકના.. તંત્રી લેખમાં દીવાલ વિશે વાંચ્યું.
ખૂબ ગમ્યું.
કવર પેજ પર રોબર્ટ ફ્રોસ્ટનું “દીવાલની દુરસ્તી” કાવ્ય (ગુજરાતી અનુવાદ) વાંચ્યું. જેનાથી ખૂબ પ્રભાવિત થવાયું.
આપણે શા માટે દીવાલો ચણતાં હોઈએ છીએ? જ્યારે સત્ય તો એ છે કે આપણને કોઈને દીવાલ ગમતી નથી!!
દરેકને ખુલ્લાંપણું ગમે છે. છતાં દીવાલ ચણાતી હોય છે! સ્થૂળ દીવાલ તો ક્યારેક આવા પ્રશ્નોના ઉકેલ તરીકે તૂટી પણ શકે પણ મનમાં સુક્ષ્મસ્તરે ચણાતી દીવાલોનું શું? આવી અગણિત દીવાલો આપણાં જ વિચારોને..માન્યતાઓને કુંઠિત કરે છે, બદ્ધ કરે છે. બહારથી અંદરની અને અંદરથી બહારની અવર-જવર રોકે છે. તાજા વિચારોને પણ પ્રવેશબંધી હોય છે.
આપણે આપણાં જ કોચલામાં કેદ થઈને રહી જતાં હોઈએ છીએ.
અલબત્ત અમુક દીવાલ જરૂરી પણ હોય છે..કે જે આપણને સ્વચ્છંદ થતાં રોકે. આવી દીવાલને ઓળખવી પડે ને એનું જતન પણ કરવું જોઈએ.
બાકી આપણને ખરેખર જો આપણું ખુલ્લાંપણું ગમતું હોય.. તો જરા અંદર જોવું જોઈએ અને આવી ન દેખાતી “હું પણાંની” દીવાલોને તોડીને અન્યોના ખુલ્લાંપણાંને પણ સ્વીકારવું જોઈએ. અન્યોને મોકળાશ આપીશું તો આપણી દીવાલો આપોઆપ તૂટતી જશે ને હળવાશ લાગશે.
ઈશ્વરના તમામ શુભ તત્ત્વોને પ્રાર્થના કે મને આવી દીવાલો પારખવાની “દૃષ્ટિ”આપે. આભાર 🙏
લક્ષ્મી ડોબરિયા
1o may
Leave a Reply