Gujarati Writers Space

પંકજ ત્રિપાઠીનું ફેસબુક ID મજ્જાનું છે..

વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી કરી લીધી. સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો શેર કરી નાટક સાથે જોડાયા હોવાની વાતો તખ્તનશીન થયા હોય તેમ સ્વીકારી લીધી. એક સમયે રંગમંચ પર આપણી ધાક બોલતી તેની વાતો કરી લીઘી, અને હજુ પણ કેટલાકની બોલે છે, તે કહી પણ દીધુ. વાત અહીં પડદા પાછળ કે આગળ કામ કરનારા લોકોની નથી. વાત છે અભિનયની. નાટકના અભિનયમાં ખાસ વસ્તુ એ ધ્યાનમાં રાખવી કે ધોતી પહેરી છે તો સમય આવ્યે ઉતરી ન જવી જોઈએ. આવુ મેં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માઈમ સ્પર્ધામાં જજીસ દ્વારા સાંભળેલું હતું. આપ તમામ લોકો સોશિયલ મીડિયાનો મારી માફક ઉપયોગ કરો છો, સ્ટાર્સની ચહલપહલ અને ગોસીપ પર નજર કરો છો, પણ પોતાની પ્રતિષ્ઠા કરવા સિવાય કોઈ સ્ટારે સોશિયલ મીડિયા પર તમને કશું શીખવ્યું ? ફલાણો સ્ટાર ન્યૂઝિલેન્ડ કે સ્વીત્ઝર્લેન્ડની વાદીઓમાં એ વાદીઓ જેવી જ રસાળ અને વળાંકો ધરાવતી કન્યાઓ સાથે આટા મારતો હોવાની વાતો કરતો હોય છે, આ સિવાય તે કશું નથી કરતો કે કહેતો. તેને લાઈક મેળવવાથી મતલબ છે, પોતાની પોપ્યુલારીટીથી મતલબ છે, તેમના ફેન્સને કશું શીખવાડવાથી નહીં ! પણ અભિનયમાં ઉમદા અને છેલ્લા વર્ષે મેં લિખ કે દેતા હું ડાઈલોગથી પોપ્યુલર થયેલા પંકજ ત્રિપાઠીએ અભિનય બાબતે એક સુંદર પોસ્ટ શેર કરેલી. આમ તો પંકજ આર્ટ ફિલ્મોના બાદશાહ છે, પણ મનોરંજન અને પેટ રળવા પૈસા કમાવવાની જરૂરિયાત પ્રમાણે તેમણે કેટલીક ધડ અને માથા વગરની ફિલ્મોમાં પણ જંપ લાવ્યું છે. બાકી આ ફિલ્મોમાં પણ તેમણે અભિનયમાં કોઈ કચાસ નથી રાખી. રાખવાની હોતી જ નથી. તેમની ફેસબુક પોસ્ટ પર આપણા ગુજરાતી લેખકો કરતા પણ ઓછી લાઈક હોય છે, બૌદ્ધિકતા અને નવુ શીખવાની વૃતિ કોને માથે સવાર થઈ છે !! ઓકે પંકજ ત્રિપાઠી છે આમ માની લાઈક કરી લોકો ચાલ્યા જાય છે.

કિન્તુ પંકજ ભૈયાએ અભિનય એટલે શું એ તેમની પોસ્ટમાં સરસ મજાની રીતે શીખવ્યું છે. તેમની ફેસબુક પોસ્ટ પર કંઈ અભિનય અને પોતાની પ્રતિષ્ઠાના અહમને સંતોષવાની વાતો નથી હોતી. તે સારા લેખક પણ છે. એ ક્યારેક તેમની ફેસબુક પોસ્ટ વાંચશો તો ખ્યાલ આવી જશે. મારી જેમ રોજ રોજ દેઠોક લખ્યા નથી કરતા, પણ જ્યારે લખે છે, ત્યારે શબ્દો અને વાતનો સાર જ્યારે અર્ક કાઢતા હોય તેમ કાઢે છે. તો શું કહ્યું તેમણે અભિનય વિશે….. હવે ગુજરાતીમાં મારા દ્વારા થયેલો અનુવાદ ઉર્ફે ભાવસ્પર્શી અનુવાદ વાંચો…

– મિત્રો વારંવાર તમે મને અભિનય સંબંધિત વાતો પૂછતા રહો છો, અને મારી પાસે તેનો જવાબ આપવાનો સમય નથી હોતો. ઈનબોક્સમાં આવેલા સવાલનો જવાબ દરેક વ્યક્તિને આપવો એ થોડુ મુશ્કેલ કામ છે. પ્રયત્ન રહેશે કે આ પોસ્ટ દ્વારા તમારા તમામ સવાલોનો હું જવાબ આપી શકુ. એક્ટિંગનો કોર્ષ, સંસ્થા આવી વાતો તો તમે જાણતા જ હશો, પણ ચાલો હવે થોડી દિલની વાતો કરીએ.

– એક્ટિંગ એક કળા છે અને કળા ભાવનાઓના નાના એવા તણખાઓના માળાઓથી બને છે. એક એક તણખો તમારે ખુદની મેળે મહેનત કરી પ્રાપ્ત કરવો પડે છે.

– સમાજ સાથે જોડાવ, પ્રકૃતિ સાથે વાત કરો. સવાર પડતા સુર્યોદયની મજા લેવા માટે નીકળી પડો. ઉગતો સૂરજ, પંખીઓનો કલબલાટ, ધીમેથી પસાર થતી હવા, સૂરજની પહેલી કિરણનો હલકો એવો સ્પર્શ. આ બધી વસ્તુ તમને કશું કહેશે, નિર્દેશ કરવા માગે છે, તો તેને સાંભળો.

– તમારી આસપાસના લોકોને મળો, તેમની આંખોને સાંભળો, દરેક આંખ કંઈક કહેતી હોય છે. દર્દ, ઉમ્મીદ, હોસલો, વિશ્વાસ, પ્યાર, આ બધુ સાંભળો.

– માત્ર કુદરત નહીં રાતમાં બાલ્કની પર ઉભા રહી પસાર થતી ગાડીનો અવાજ પણ સાંભળો.

– જ્યારે આ બધી વસ્તુને તમે સાંભળશો ત્યારે તે ખુદમખુદ તમારો માર્ગદર્શક બની જશે. તમારો હાથ પકડી લેશે. તમારી આંખ તમારા દિલની ભાષાઓ બોલવા લાગશે. અને પછી તમારી એક્ટિંગ બોલશે.

– દિલને હંમેશા નાજુક રહેવા દો. કોમળ રહેવા દો. આંખોને કોઈ દિવસ રડી લેવા દો. ભાવનાઓ કળાને જીવતી રાખે છે. માણસને પણ અને માણસાઈને પણ. જેના બદલામાં કળા, રંગમંચ અને સિનેમાનો આગલી પેઢીને અનુભવ કરાવે છે, પરિચય કરાવે છે. આ એક પારસ્પરિક પ્રવાહ છે. પ્રેમ,કરૂણા અને માણસાઈ હંમેશા પેઢીઓ સુધી જીવંત રહે છે. માણસને માણસ બનાવીને કળા રાખે છે. ખુદને પાષાણ બનવા ના દો, માણસાઈ અને કળાની સાથે જોડાવ.

– સમય આનાથી વધારે ન લખવાનું કહી રહ્યો છે અને આનાથી વધારે તમે વાંચી નહીં શકો, ફરી મળીશું, ફરી કહીશું, ફરી સાંભળીશું….

આમ તો આવી વાતો કરનારાઓની ગુજરાતી કે ઈવન હિન્દીમાં પણ કમી નથી. પણ પંકજ ત્રિપાઠીને છેલ્લી લાઈનમાં જ ખ્યાલ આવી ગયો કે વાંચકોને અત્યારે લાંબુ વાંચવુ નથી ગમતું. એટલે તેમણે ખુદ કહી દીધુ કે હવે રોકાવ છું, પણ બીજા હપ્તા સાથે તે પ્રગટ થઈ શકે છે. કળાને સાચવવા માટે તેની અનુભૂતિ કરવા માટે ખુદને કોમળ બનાવવુ પડે. આપણે લખીએ તે કળા નથી. કારણ કે આપણને કિ-બોર્ડ, પેન, કાગળ જેવા માધ્યમોની જરૂર રહે છે. અભિનય કે નૃત્યને કળા કહી શકાય, કારણ કે તેમાં વ્યક્તિએ પોતાના શરીરની સાથે વાતો કરવાની છે અને ભાવનાઓ જતાવવાની છે. માણસનું શરીર તેના જીવનની વાસ્તવિકતાઓ કહેવા માટે બન્યું છે. સ્ટેજ પર એક ઓડિયન્સ તરીકે તે વાસ્તવિકતા પોતાની છે એ ત્યારે લાગે જ્યારે અભિનયમાં કલાકાર પોતાની વેદના ઠાલવતો હોય. પછી તે વેદનામાંથી સર્જાતુ હાસ્ય હોય કે વેદનાની પણ વેદના હોય.

પંકજ ત્રિપાઠીએ આંખની નહીં કાનની વાત કરી છે. માણસ જે જુએ છે તેને સત્ય માની લે છે, વિશ્વાસ કરી લે છે, પણ વિશ્વાસ સાંભળેલી વાત પર કરવાનો હોય છે. તમારી પાસેથી ગાડી નીકળી તે કોઈ બીજો કહે તો તમને ખ્યાલ નહીં આવે. પણ તમે જોઈ નથી છતા તેની ધરરરરાટીનો અવાજ સાંભળો તો તમને ખબર પડે કે, હા ગાડી નીકળી ખરી. એટલે કુદરતને સાંભળો અભિનય આપોઆપ આવડી જશે. કોઈ મોટા અને ખોટા હાવભાવ કે એક્સપ્રેશનની જરૂર નહીં પડે. અહીં માણસાઈની વાત પંકજે કહી કારણ કે એકવાર અભિનય સમ્રાટ બન્યા બાદ પગ જમીન પર રહેવા જરૂરી છે. તમે કંઈક બની ગયા પછી ભૂતકાળમાં તમારી સાથે રહેનારા લોકોને તમે ગણકારો નહીં તો તમારૂ હ્રદય પંકજ ભાઈએ કહ્યું તેમ પાષાણ છે, જે શિયાળામાં ઠંડો હોવાથી, ઉનાળામાં ગરમ હોવાથી અને ચોમાસામાં તો કોઈ તેની આસપાસ ફરશે પણ નહીં.

એવુ લાગતું હશે કે પંકજ ત્રિપાઠી ફેસબુક પર આટલું જ્ઞાન વહેંચી રહ્યા છે અને આપણે શું કરીએ છીએ. આ તેના જેવુ છે કે પંકજ શીખવવાની નવી ફિડલ વગાડતો હતો અને આપણે બધા ડિજેના ડાન્સ તળે તેને દબાવી દેતા હતા. નુકશાન તો આપણું જ ને !

અરે એ માણસ ફેસબુક પર ફુલ ટુ અપડેટ છે. પણ વ્યર્થ વાતો કરવી તેને નથી ગમતી. મેમે શેર કરવા, આપણા બધાની જેમ હસી મજાક કરવો તેને ગમતો નથી. હા તેની લોકપ્રિયતાની વાતો અને ઈન્ટરવ્યૂ તે તેના મિત્રો સાથે શેર કર્યા કરે છે. અંગ્રેજીની મારામારી હશે એટલે જ કદાચ જેની સાથે મૂળીયા જોડાયેલા છે તે હિન્દીભાષાનો રિપીટ શુદ્ધ હિન્દી ભાષાનો પ્રયોગ કરવો તેને લાઝમી લાગે છે. બીજા બધા સ્ટારની માફક પંકજ ત્રિપાઠીનું ફેન કલ્બ પણ છે, જેને 2000 અને વધારાના 500 લોકોએ લાઈક કરેલુ છે. હમણાં છેલ્લી પોસ્ટ એનએસડી જ્યાંથી તેમણે પ્રશિક્ષણ લીધુ ત્યાંની મુકી છે. કહ્યું છે કે, ‘એનએસડી મારા જીવનનો એક હિસ્સો છે.’ તમને કદાચ ખબર નહીં હોય પણ તેઓ કવિ પણ છે. લિખ કે દેતા હું આ ડાઈલોગ આવ્યા પહેલાથી તેઓ કવિજીવ તરીકેનું જીવન ગુજારે છે. સોશિયલ મીડિયામાં લોકો પોતાની કવિતા શેર કરે તેમ તે પણ કરે છે. તેમના એક મુક્તકથી આ લેખની સમાપ્તિ કરીએ.

आंखों में भर विश्वास इतना
अधूरे ख्वाब की कोई जगह न हो
जी जान से कर प्रयास इतना
कि हार की कोई वजह न हो।

~ મયુર ખાવડું

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.