Gujarati Writers Space

પલટન – લઘુ નવલકથા ( પ્રકરણ – ૬ )

વહેલી સવારે, ધરમશાળાની બાજુના મંદિરમાં ચાલતી આરતી અને ઘંટારવના આવાજથી પલટન આખીની ઊંઘમાં ખલેલ પડી…! પણ હરામ જો કોઈ ઉઠ્યું હોય તો. ઊંઘ બગડી હોવા છતાં ઢોરની જેમ પડ્યા પડ્યા આળોટી રહ્યા હતા. અને મિત્રાતો ઊંઘમાં પણ બોલવાનું ન ચુકયો, ‘શાંતિથી સુવાનું પણ નસીબમાં નથી લખ્યું…!’

પણ એકાએક પાર્થને ઊંઘમાં રાખડીઓ દેખાવા માંડી, અને અલી જનાબ જબકીને જાગી ગયો. બધા છોકરાઓ, એક બીજાની પથારી પર આળોટી રહ્યા હતા, બાજુમાં કોણ સુતું છે, એનું પણ ભાન નહિ…!

કોઈ એકબીજાના પગ પર પગ ચઢાવીને સુઈ રહ્યું છે, તો કોઈ તકિયાને બાથ ભરી હોય એમ બાજુ વાળાને બાથ ભરીને સુતું છે…! (જરાક તો શરમ કરો નમુનાઓ…!)

અલી જનાબે, ધીરે ધીરે એક એકની નજીક જઈ, કાનમાં હળવી ફૂંક મારી, અને પછી બબડ્યા.
‘અલ્યાઓ ઉઠો, આજે રક્ષાબંધન છે…!’
સામાન્ય સંજોગોમાં કોઈને ઊંઘમાંથી ઉઠાડવું એટલે સોયથી પહાડ ખોતરવો ! અને એમાં પણ છોકરાઓને ઉઠાડવું તો કાઠું કામ…! પણ રક્ષાબંધન નામનો શબ્દ કાને પડતા જ, એક પછી એક બધા આંખો મીંચતા ઉભા થયા…!

અને જેમનાથી ખતરો હતો, એવી દુશ્મન ટોળી પર નજર ફેરવી…! ત્રણેય છોકરીઓ હજી સુધી ઘોટાઇ રહી હતી…! અને એમની ઊંઘ જોતા લાગી રહ્યું હતું કે, છોકરીઓ એ તેમની વાતો સામે રાતનો પણ ભોગ આપ્યો છે…! (છોકરીઓને ધન્ય છે હોં…!)

અરે પણ આ કાકા ક્યાં ગુમ…?
બધાએ કાકાને શોધવા આખી ધરમશાળા ફેંદી નાખી, પણ એ ક્યાંય ન હતા…! અને ત્યાં જ એ મહાનુભાવ ધરમશાળાના પ્રાંગણમાં પ્રગટ થયા. હાથમાં ખોબલુ ભરીને સિંગ-સાકરયા લઈને આવ્યા હતા…!

‘લ્યો પ્રસાદ લ્યો…!’
લે, આ માણસ તો ફરવા નીકળે તો પણ મંદિર નથ મુકતો…! અને એમણે આ જે કહ્યું ને ‘પ્રસાદ લ્યો’ એમાં બધાને બસ સિંગના દાણા જ પકડાવતા હતા. સાકરિયા તો પોતાના માટે બચાવી રાખ્યા હતા…! નક્કી કાકી આમને મીઠુ ખાતા રોકતા હશે, એટલે જ આવા ટીપીકલ વડીલ વેડા કર્યા હશે…!

બધાએ એમનો દીધેલ પ્રસાદ લઇ, ચર્ચા કરતાં કરતાં, એક ટાર્ગેટ નક્કી કર્યો. કે આ બધી નામુનીઓ ઉઠે એ પહેલા જ તૈયાર થઇ જવું છે બસ…! અને પછી એક પછી એક બધાએ બાથરૂમ તરફ દોડ મૂકી…!

ધાર્મિક સ્થળો અને હોટલોમાં બાથરૂમ વાપરો, તો એક વાત માર્ક કરજો, ત્યાની દીવાલો પર જેટલી પણ હોઝીયરી બ્રાંડના સ્ટીકર લાગેલા હશે, એમાંથી માંડ 10% નામ જ તમે સાંભળ્યા હશે ! બાકીના નામ વાંચી પોતાનું જનરલ નોલેજ ઈમ્પ્રુવ કરી લેવું…! એટલીસ્ટ કંઇક તો નવું જાણવા મળે, પછી ભલેને… ડીકસી સ્કોટથી માંડી, આલિયા-માલિયા બ્રાંડની બનિયાનના સ્ટીકર્સ હોય…! (હવે જાહેર બાથરૂમ યુસ કરો, તો આવું પણ જો જો જરાક…!)

છોકરાઓની આખી ટોળી તૈયાર થઈને આવી ગઈ. અને છેક ત્યારે જઈ, પેલી ટણપીઓએ એમની આંખોના પેચડા સાફ કર્યા હતા ! અને એમની નજરો સામે આખી બોય્સ ગેંગ તૈયાર થઈને ફરી રહી હતી. અપ ટુ ડેટ તૈયાર થઈને…! (ઓલ આર હેન્ડસમ યુ નો…) કોઈક શર્ટ-જીન્સમાં તો કોઈક ટી-શર્ટ-કેપ્રીમાં. તો કોઈક પાછા ઈન્ટરવ્યું માટે આવ્યા હોય એમ ફોર્મલ કપડામાં…! પણ એક વાત બધાની સરખી, એકેએકના બંને હાથ તેમના ખિસ્સામાં ચુસ્ત રીતે ખૂંપાવેલા…! (હાથ વધારે અંદર નાખવામાં નક્કી આજે કોઈકનું ખિસ્સું ફાટી જવાનું…!)

પણ હા, જેમ બધેજ અપવાદ હોય, એમ અહીં પણ એક અપવાદ હતો જ. આનંદ ! આ નમૂનાને કોઈક રાખડી બાંધી જશે, એની લેશમાત્ર બીક નહિ. ઉપરથી બાથરૂમ પાસે, છોકરીઓ ભૂલી ગઈ હોય તો યાદ કરાવવાની વાતું કરતો હતો…!

પણ આ શૈતાન ટુકડીએ એને અગાઉથી ધમકાવી મુક્યો હતો, ‘કે ખબરદાર જો દોઢો થયો છે તો, એમણે યાદ આવશે ત્યારે જોયું જશે…! પણ જો તે યાદ કરાયું છે તો…’ (તો કંઈ નહિ… આમના કંઈ થવાનું નથી…!)

છોકરીઓને ફ્રેશ થવા મોકલી, છોકરાઓ પોતાનો સામાન લઇ બસ નજીક પંહોચ્યા…!
એક એકના ધબકાર વધી રહ્યા હતા, અને એમાં પણ કાકા અને આનંદને મઝા આવતી હતી.
‘અરે આટલું કેમ ઘભરાઓ છો. બધી બહેનો જ તો છે તમારી…!’ કાકા બોલ્યા.
બધા નમુના કાકા ને તિરસ્કારથી જોવા લાગ્યા…! આ માણસ નક્કી આપણી ખેંચી રહ્યો છે, હુહ…!

‘અરે કાકા, શુભ શુભ બોલો સવારના પહોરમાં ! શું તમે પણ, કંઈ પણ બોલો છો…!’ દશલો બોલ્યો.

‘અને જ્યારે તમને કોઈ અજાણી કાકી ભાઈ બનાવવા રાખડી બાંધવા આવશેને, ત્યારે તમને આમારી તકલીફ અનુભવાશે…!’ મિત્રા રીતસરનો કાકા પર બગડ્યો.

‘અલ્યાઓ, પણ તમને લોકોને રાખડી બંધાવામાં વાંધો શું છે…?’ આનંદ એ નિર્દોષ બની જઈ પૂછ્યું.

‘તું તો ના બોલે તો જ સારું છે, તારા માટે… આ બધું તારા કારણે જ થઇ રહ્યું છે…!’ નીખીલ બોલ્યો.

‘એમ વાંધો તો કઈ નથી. પણ…!’ અલી જનાબે કહ્યું.
હા, બસ એ પણમાં જ જવાબ છુપાયેલો છે. દરેક છોકરાને ભાઈ બનવામાં વાંધો તો નથી જ…! પણ ભાઈ બનવું જ કેમ છે…? એ પણ પરાણે…! પોતાના ભાઈ સિવાય રાખડી બાંધી શકાય એવો રીવાજ જ કેમ અસ્તિત્વમાં છે…!?

એટલે ટૂંકમાં વાંધો એ હતો, કે વાંધો કઈ જ નહોતો…! પણ છતાય વાંધો તો હતો જ હં…! (અઘરું છે, પણ આ જ કટુ-સત્ય છે…!)

‘અલ્યાઓ ડરો છો કેમ…? આપણને કાકા મદદ કરશે ! કેમ કાકા… કરશો ને મદદ…?’ જેકીએ કાકાને બાટલીમાં ઉતારવાની ટ્રાય કરી.

પણ કાકા પણ હોંશિયાર. એમ થોડા માને, અને તાડૂક્યા. ‘હું અને તમારી મદદ કરું એમ…? જાઓ જાઓ હવે… એમ પણ પહેલાથી મારી હાલત બગાડી મૂકી છે…! નાની નાની વાતે હેરાન કરવા ઈનબોક્સમાં દોડી આવ્યો છો, અને મારે તમારી લવારી સાંભળ્યા કરવાની…? અને પાછા આ મિત્રા જેવાઓ તો વગર પગારે મારી પાસે પ્રૂફરીડરનું કામ કઢાવી જાય છે, એ અલગ…! અને હવે તો કોઈ મદદની આશા રાખતા જ નહી…!’ એ સાથે કાકાએ એમના હથિયાર હેઠા મૂકી દઈ બધા છોકરાઓને ઝટકો આપ્યો.

દુરથી પેલી ત્રેણય ભમરારિયું લટક-મટક કરતી આવતી હતી, અને એ જોઈ આખી પલટન નાઠી બસમાં…! બધા નમૂનાઓ સીટ પર ગોઠવાઈ, ખિસ્સામાં હાથ ખૂંપાવી દઈ, ઊંઘવાનું નાટક કરવા માંડ્યા…! (કલાકાર એટલે, એકદમ અવ્વલ દરજ્જાના ! કાંઈ નો ઘટે, ઘટે તો ખાલી ઓસ્કર લેવો ઘટે…!)

બધાના બસમાં ગોઠવાયા બાદ, બસ ઉપડી.
પણ આશ્ચર્યની વાત તો એ હતી કે, બસને ઉપડ્યે દસેક મિનીટ થઇ ચુકી હતી. અને ત્યારથી માંડી અત્યાર સુધી ફક્ત બસની ઘઘરાટી જ સંભળાતી હતી…!

‘કાબરોનો આવાજ કેમ નથી આવતો…?!’ આ પ્રશ્ન દરેક નમુનાના મનમાં ઉઠ્યો હતો, પણ હરામ જો એમાંનો કોઈ એક પણ આંખ ખોલે અને જુએ, કે બસમાં થઇ શું રહ્યું છે…! (બધા જ સ્વાર્થી…!)

થોડીવારે કાકા પાર્થની સીટ નજીક આવ્યા અને તેને જગાડવાનો પ્રયાસ કરવા લાગ્યા…! પણ પેલા અલી જનાબને તો એમ કે કોઈક છોકરી જગાડી રહી છે, તે ઊંઘમાં હુંકારા ભરતા હોય એમ, ‘ઊંહ…ઊંહ…’ કરવા લાગ્યા…!

‘ઉઠને… વાયડીનો થાતો પાછો…!’ કાકાએ એને બુમ પાડી.
અલી જનાબ ઉઠી ગયા, (ઊંઘમાંથી, સાચે નથી ઉઠી ગયા !), અને ખરેખર ઊંઘમાંથી ઉઠ્યા હોય એમ એક્ટિંગ કરવા લાગ્યા,

‘હવે રેહવા દે ટોપા… આવા હત્તર નાટક મેં પણ જવાનીમાં કરેલા છે…! મને ખબર છે, તમ હંધાય નાટક કરી રહ્યા છો…!’

બધાએ એક પછી એક ઝીણી આંખે જોવા માંડ્યું.
એ જોઈ કાકા વધારે ગુસ્સે થયા,
‘હવે નાટક બંધ કરો છો કે પછી પેલીઓ સુતી છે, એમને જગાવી યાદ કરાવું કે આજે રક્ષાબંધન છે એમ…!’

‘અરે ધીરે બોલો કાકા…’
‘અરે ના… ના કાકા…’
‘અરે તમે કહો એમ કરીએ બસ… પણ એમણે યાદ ન કરાવશો પ્લીઝ…!’ વગેરે વગેરે બોલતા બધા ટપોટપ ઊઠવા લાગ્યા. અને પછી દરેકે કાકાને સમજાવવા માંડ્યા. અને પછી, બધાએ પૂરી પંચાવન સેકન્ડની ચર્ચા કર્યા બાદ, જેકીને આગળ કર્યો, અને કન્ફર્મ કરવા મોકલ્યો કે, સાચે જ પેલીઓ સુઈ જ રહી છે ને એમ…!

જેકી ધીરે ધીરે આગળની સીટો તરફ આગળ વધ્યો. ડ્રાઈવર કેબીનમાં બેઠો આનંદ પાછળની નૌટંકી જોઈ દાંત કાઢી રહ્યો હતો…!

જેકી બિલાડી પગે તેમની સીટ પાસે પંહોચ્યો.
ત્રણેય છોકરીઓ એક બીજાના ખભે માથા ઢળીને સુઈ રહી હતી.
જેકીએ પૂરી બે મિનીટ અને ઓગ્ણીસ સેંકડ ત્યાં ઉભા રહી, તેમની આંખો આગળ હાથ કરવો, તેમની નાક નજીક આંગળીઓ કરવી, અને કાન પાછળના વાળ ગાલ પર લઇ આવવા, જેવી સળીઓ કરી જોઈ. પણ કોઈ હરકત ન થતા, તેમની સુઈ રહ્યાની ખાતરી કરી…!

બધા છોકરાઓના જીવ તળીએ બેઠાં, અને હાશકારો અનુભવ્યો.
આમની રાતની લાંબી ચાલેલી ડિસ્કશન બાદ ઊંઘ પૂરી થઇ ન હતી, અને એટલે જ બધ બસમાં પડતાની સાથે ઘોરાઈ ગઈ. અને એમાં બધા છોકરાઓ ભાઈ બનતા બચી ગયા…! (પણ બધા છોકરાઓ જન્મથી જ ભાઈ હોય છે હં…! સમજાય તો હસજો…! હહહહ)

પણ હજી મુશ્કેલીઓ ટળી ન હતી…! રક્ષાબંધન હોય અને છોકરીઓને યાદ ન આવે એવું બને જ નહિ…! (ભેટની લાલચ…!)

બધા એ પ્લાન બનાવ્યો કે આનંદ પાસેથી આગળના પોઈન્ટની જાણકારી મેળવવી, અને એને અનુરૂપ પ્લાન બનાવવો…!

બધા એક પછી એક ડ્રાઈવર કેબીન તરફ દબાયેલા પગે ચાલવા માંડ્યા. અને પછી એક સાથે ડ્રાઈવરના કેબીનમાં ઘૂસ મારી…!

‘અરે બબુઆ, પીછે આરામ સે બેઠીયેગા ના… ઇન્હા કાહે આયે…!’ ડ્રાઈવર ધૂળધાણીએ સહેજ ઊંચા અવાજે કહ્યું.

‘અરે તમે હમણાં શાંતિ રાખોને બોસ, અહીં અરજન્ટ કામ છે આમારે…!’ દશલાએ કહ્યું.
બધાએ આનંદ પાસે આગળના પ્લાનની ડીટેલ જાણી, જે મુજબ હવે એક રિસોર્ટમાં ઉતરવાનું નક્કી થયેલ હતું. જે બસ હવે અડધા કલાક દુર હતું…!

પણ જો હવે પાછળ ગયા, તો છોકરીઓ બસમાંથી ઉતરતી વખતે ઝાલી પાડશે. એના કરતા બહેતર છે કે અહીં ડ્રાઈવર કેબીનમાં જ બેસી રહીએ…! જેમ બસ ઉભી રહે, ઉતરી પડશું…!

અને બધા નમૂનાઓ ત્યાં જ બેસી રહ્યા.
આખી બસમાં માત્ર કાકા અને ત્રણ છોકરીઓ…! આમ તો બસમાં જગ્યા માટે લડાલડી થાય, અને જગ્યા ન મળે તો ડ્રાઈવર કેબીનમાં બેસવાનો વારો આવે. પણ અહીં આખો સીન જ ઉન્ધો હતો…! (નમૂનાઓ ખરાને… સીધું કામ આમને ગમે નહી…)

અને અડધા કલાકે બસ રિસોર્ટ પર ઉભી રહી.
બ્રેકના ઝટકાથી ત્રણેય નમુનીઓ જાગી…! એ જોઈ છોકરાઓ રીતસરના એકબીજાને ધક્કા મારતા નીચે ઉતરવા માંડ્યા.

બધાના ઉતર્યા બાદ આનંદે સૂચનો આપવાનું ચાલુ કર્યું. હંધાય છોકરાઓ છોકરીઓથી સાડી સત્તર ફૂટની દુરી રાખી ઉભા હતા…! પણ અમારા આનંદ સાહેબને ક્યાં કોઈનો ડર છે જ…! (સાચું કહું, આ આનંદ પુરુષ જ નથી…! ના, ના, તમે સમજ્યા એવું કંઇ નથી. હું તો એમ કહેવા માંગું છું કે એ પુરુષ નહીં, પણ મહાપુરુષ છે એમ…! શું તમે પણ, કંઈ પણ વિચારી લો છો…!)

અને આનંદે બોલવાનું ચાલુ કર્યું,
‘મિતતતતરોરોરોઓઓઓ… (સાહેબની સ્પીચની ફીલિંગ આવે છે?), આપણે આ રિસોર્ટમાં લગભગ દોઢ કલાક જેવું રોકાઈશું…! અહીં પુલ ક્લબ છે, જીમ છે, સ્વીમીંગ પુલ છે, કેસીનો છે, બાર છે, કડિસ્કો ક્લબ છે, રેસ્તોરન્ટ છે, અને આવું બીજું ઘણું બધું છે, જે સાંભળી હમણાં તમારા ચેહરા જેમ ખીલી રહ્યા છે, એ વધુ ખીલી જશે…!

પણ…! પણ આમાંથી કશું આપણે વાપરવાનું નથી…! (તો આટલી લાંબી લીસ્ટની લવારી શું કામ કરી… હેં?)

આપણે અહિયાં ફક્ત નાસ્તો કરવા અને સહેજ આરામ કરવા રોકાઈશું, અને પછી તરત નેકસ્ટ પોઈન્ટ તરફ પ્રયાણ કરીશું…! અસ્તુ.

આનું અસ્તુ કહેવું અને ટોળીનું વિખેરાવું !
છોકરાઓ એ ગણીને સત્તર ફૂટની દુરી હજી બરકરાર રાખી હતી…! પણ હજી છોકરીઓ એમની વાતોમાં જ મસ્ત હતી. (જે એકંદરે ફાયદાકારક જ હતું…!)

અને બધાએ રિસોર્ટમાં પ્રવેશ કર્યો. તહેવારના કારણે ભીડ પણ ઠીક પ્રમાણમાં હતી…! શું તો એનું સ્ટ્રક્ચર…! પુલમાં સુંદરીઓ જલપરીની જેમ ગોતા મારી રહી હતી…! (જોડે, ફૂલેલી તોંદ લઈને નાહતા કરચલા પણ હતા…!) પુલની એક તરફ રેસ્ટોરન્ટ હતી અને બીજી તરફ જીમ અને ડાન્સ ક્લબ, જેની બહાર લાગેલા કાચના દરવાજાના કારણે, અંદર વાગતા ગીતોના માત્ર પડઘા જ સંભળાઈ રહ્યા હતા…! (નીખીલ જેવા, બહાર ઉભા રહી એ પડઘાની ધૂન પર કબૂતરની જેમ ડોક હલાવી રહ્યા હતા…!)

બધાએ રેસ્ટોરાંમાં પ્રવેશ કર્યો.
આજે પણ વિશુએ એની અંગ્રેજીમાં પૂછ્યું, ‘વ્હોટ વ્હોટ ઇસ…?’
પણ વેઈટરે એને, સાવ એટલે સાવ અવગણી નાખી…! (બધા થોડા એના ભાઈ હોય, જે એનું હાઈ-ક્લાસ અંગ્રેજી સમજી શકે…!)

આનંદે બધા માટે સેન્ડવીચ અને કોફીનો ઓર્ડર આપ્યો.
કાકાનું ધ્યાન રેસ્તોરાંમાં ઓછું અને પુલ સાઈડ વધારે હતું…! ઉત્સાહમાં આવી, ઉંમર ભૂલી જઈ એકાદ ભૂસકો મારી દે તો નવાઈ નહી !

અહીં છોકરાઓને ડર તો હતો જ, પણ જોડે જોડે હમણાં રિસોર્ટની બધી સગવડોનો આનંદ લેવાનું પણ મન હતું. પણ રોણા સાહેબે પહેલાથી બધાને ચોખ્ખી ના પાડી દીધી હતી.

હજી તો માંડ છોકરાઓએ સેન્ડવિચની સ્લાઈસ હાથમાં લીધી હતી, ત્યાં જ મેડમ બોલ્યા…
‘ચાલો, પહેલા રક્ષાબંધન ઉજવી લઈએ… પછી નાસ્તો કરીએ…!’
પત્યું, આને તો પહેલાથી યાદ જ હતું. અને હવે આ શાંતિથી નાસ્તો પણ નહિ કરવા દે ! અને બધા છોકરાના મોઢાં ઉતરેલી કઢી જેવા થઇ આવ્યા, એકબીજાનો ચેહરો તાકતા, એમણે આંખોથી, છટકી જવાનો ઈશારો કર્યો.

‘હું આવું, બસમાં સામાન રહી ગયો છે’
‘હું આવું, બાથરૂમ જઈને.’
‘ઓય ઉભો રે… હું પણ આવું…’ (બાથરૂમમાં પણ જોડે જોડે…?)
અને એક પછી એક કરી બધા ભાગી નીકળ્યા.
કોઈ પુલ પાસે ચાલી ગયું, તો કોઈ જીમમાં ઘુસી ગયું. તો કોઈક ક્લબમાં…!
અહીં છોકરીઓ એમની રાહ જોવા લાગી. પણ ઢબૂડી આખી વાત સમજી ચુકી હતી…!
‘એ હવે કોઈ પાછા નથી આવવાના. રાખડીઓ બાંધવી હોય તો એમની પાછળ પડવું પડશે…!’ કોફીની સીપ લેતા લેતા એ બોલી.

પણ રોણા તો ત્યાં જ હાજર હતા. અને રાખડી બંધાવા એટલા ઉત્સાહિત પણ…! સામેથી જ હાથ ધરી બેઠાં…!

ક્વીયત્રીઓએ હોંશે હોંશે આનંદને રાખડીઓ બાંધી અને બદલામાં આનંદે એમની ગમે તેવી પોસ્ટ પર લાઇક કમેન્ટ્સ આપવાનું વચન આપ્યું…! (એસી ગીફ્ટ કોન દેતા હે ભાઈ…!?)

બાકીના નમૂનાઓ છુપાઈ રહીને આ બધું જોતા હતા. અને એક તો શહીદ પણ થઇ ગયો એમ વિચારતા હતા…! (આને શહીદી ન કહેવાય… આત્મહત્યા જ કહેવાય…!)

છોકરીઓએ ભાઈ બનાવ્યા ના નાતે, એક એકને પકડવામાં આનંદની મદદ માંગી. આનંદ માટે ધરમસંકટ જેવુંજ આવી બન્યું…! પણ અમારો ભાઈ પરાયો થઇ ગયો. જુના મિત્રોને ભૂલી જઈ, નવી બહેનોનો થઇ ગયો…! અને પછી બધી છોકરીઓ, આનંદ અને કાકા. એક એકને શોધી કાઢવા આખી રિસોર્ટમાં ફરવા માંડ્યા…!

નીખીલ તો પાછો રેસ્ટોરન્ટમાં પંહોચી ગયો, કે આ બધા ગયા ક્યાં…? અને ત્યાં જ આનંદે એને પકડી લઇ, છોકરીઓ સામે હાજર કર્યો…! એને પણ કચવાતા મને રાખડી બંધાવી પડી અને હવે પોતે બંધાવી છે, તો બીજાને થોડી છોડશે…! એટલે વિરોધી ટીમમાં સામેલ થઇ ગયો…! અને આમ બીજો એક શહીદ થયો…!

 

( ક્રમશ: )

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.