Gujarati Writers Space

પલટન – લઘુ નવલકથા ( પ્રકરણ – ૪ )

અહીં જેકી દર્શન સાથે બેઠો બોર થઇ રહ્યો હતો, અને પાછળ બીજા નબીરાઓએ કાકા સાથે મસ્તી કરવાની ચાલુ કરી દીધી હતી. ‘કોને કેટલી છોકરીઓએ, કઈ રીતે અને કયા કારણથી બ્લોક માર્યા, એની ચર્ચા જોરો પર હતી. અને બ્લોક્લીસ્ટમા અવ્વલ નંબર પર સળીખોર દશલો અને જૂનાગઢના (સાવજ?) નીખીલ જ બિરાજમાન હતા…!

આવી અનેક આડી અવળી વાતો વચ્ચે, મિત્રા, એનો ઓલ ટાઇમ ફેવરીટ ડાયલોગ બોલ્યો,
‘ભૂખ લાગી છે યાર…!’
(આ નમુનાને ગમે ત્યાં, અને ગમે ત્યારે ભૂખ લાગી જાય છે…!)
પણ આ વખતે એની વાત વ્યાજબી હતી. અને જેના પરિણામે બધાએ સુરમા સુર પરોવ્યા. ‘હા, અમને પણ ભૂખ લાગી છે…!’

બસના વડીલ (માત્ર ઉંમરથી) એવા કાકાએ નાસ્તો કરી લેવાનું સૂચન આપ્યું, અને એમના સેનાપતિ એવા આનંદને સંદેશો પાઠવવામાં આવ્યો કે બસને ઉભી રાખવામાં આવે…!

થોડીવારે બસ, હાઇવે પરની એક નાનકડી હોટલ પર ઉભી રહી. બધા નમૂના એક પછી એક, ટપોટપ ઉતારવા લાગ્યા !

આ હોટલને હોટલ કહેવી કે ઢાબુ, એ કહેવું જરા મુશ્કેલ હતું…! ગણીને બેથી ત્રણ ખાટલા પાથરેલા હતા. અને એ પણ વરસાદી કીચડની ઉપર…! વ્યક્તિના નામ પર માત્ર એક, ચાની તપેલીમાં કડછો ગુમાવતો છોકરો, અને જોડે, ખાઈ-ખાઈને ફુગ્ગાની જેમ ફૂલેલ પેટ ધરાવતો માલિક, જે હમણાં 10-12 જણને સાથે લાવેલ બસને જોઈ હરખાઈ રહ્યો હતો. (હાશ… કોઈક તો આવ્યું !)

‘હું તો અહીં નહી ખાઉં…!’ મિસ. ડિમ્પીએ કાદવ-કીચડ જોઈ મમરો મુક્યો…!
અને એમાં વિશુએ સુર પુરાવ્યો,
‘યા, બહેન… લુક, ઇટ ઇસ સો ગંદુ (ડર્ટી)…! એન્ડ ટુ મચ અસ્વચ્છ (અનહાયજીનીક) ઓલ્સો…!’ અને જોડે નાક ચડાવી મોઢું બગાડ્યું એ અલગ…!

એ બંનેને ત્યાં જ મૂકી, ઢબુડી મેડમ જઈ બેઠાં ખાટલે…! અને એમની પાછળ થયા છોટુ મહારાજ…!

અને પછી બધા, કીચડથી પગ બચાવતા બચાવતા ખાટલે જઈ ગોઠવાયા…!
થોડીવારે પેલી બે કવિયત્રીઓ પણ કચવાતા મને સાથે આવીને ગોઠવાઈ.
પેલો છોકરો ઓર્ડર લેવા આવ્યો,
‘વ્હોટ વ્હોટ ઇસ…?’ વિશુ એ પૂછ્યું. (મતલબ કે, ‘શું શું છે?’)
‘એવરીથિંગ ઇસ…! ગાંઠિયા ઇસ, હોટ ચાય ઇસ, સમોસા ઇસ, કચોરી ઇસ, અને મેની મોર ઇસ…!’ લ્યો, આ પણ વિશુનો ભાઈ જ નીકળ્યો. કાં તો એનું અંગ્રજી પહેલાથી જ આવું હતું, અથવા તો એ વિશુના ચાળા પાડતો હતો…!

‘યુ આર ટુ સરસ ઇન અંગ્રેજી હોં…!’ વિશુએ એને કોમ્પ્લીમ્નેટ આપ્યું.
‘મહોતરમા, તારીફ બાદ મેં કરીએગા, પહેલે કુછ મંગવા લે તો બહેતર રહેગા…!’ ભૂખ સહન ન થતા અલી જનાબ બોલ્યા…!

એને જોઈ ડિમ્પીએ આંખો બતાવી, અને જનાબે ડાચું જ નીચું ઝુકાવી દીધું.
‘યસ… યસ… ચોક્કસ…! વ્હોટ વુડ બધા (ઓલ) લાઈક ટુ હેવ…?’
‘કંઇ પણ… બસ મંગાવો હમણાં…!’ બધાએ ભૂખ્યા ભાંડ બની જવાબ આપ્યો.
‘ડુ વન વર્ક (એક કામ કર), ટેક સમ ગાંઠિયા, વિથ હોટ ઇન હોટ ટી, (ગરમાગરમ !)’ ખરેખર ભગવાન જ બચાવે આના અંગ્રેજીથી તો…!

થોડીવારે ઓર્ડર આવ્યો, અને બધા રીતસરના તૂટી જ પડ્યા…!
પણ કાકા કંઇક ઉદાસ લગતા હતા…!
‘વ્હોટ થયું કાકા…?’ વિશુ એ પૂછ્યું…!
અને કાકા એની તરફ એમ જોઈ રહ્યા હતા જાણે, કહી જ દેવા માંગતા હતા,
‘દીકરા તું તો રેહવા જ દે જે. તારું અંગ્રેજી સાંભળીને હું મારું દર્દ તો ભૂલી જ જઈશ, પણ જોડે શ્વાસ લેવાનું પણ ભૂલી જઈશ…!’

પણ એ વાત મનમાં જ રહી ગઈ, અને કાકા બોલ્યા,
‘કઈ ખાસ નહિ… બસ એમની યાદ આવી ગઈ…!’
‘ઓઓઓવ… સો સ્વીટ ના…!’ છોકરીઓએ ટીપીકલ ટોનમાં એકબીજા સામું જોતા કહ્યું.
પણ છોકરાઓ એ જે રીતે એક બીજા સામું જોયું, એમાં ઓઅ… ઉહ… જેવું કઈ હતું જ નહિ. એમાં સાફ લાગતું હતું કે, કાકા આપણા બધા સિંગલયાઓનો જીવ બાળે છે…! (જલે પે નમક. હુહ…!)

અને એમણે પોતાની ભડાશ, ગાંઠિયા પર બમણી ગતિથી હલ્લો બોલાવ્યો કાઢી.
ડ્રાઈવર અને કંડકટર એમનો નાસ્તો કરી બસમાં ગોઠવાઈ ગયા.
અહીં છોકરીઓને કાકા-કાકીની લવસ્ટોરીના કિસ્સાઓ સાંભળવાની મઝા પડી ગઈ…! અને કાકા પણ એટલી જ ઘેલમાં કહી રહ્યા હતા…!

‘હું આવું થોડી વારમાં.’ કહી ડિમ્પી ઉભી થઇ.
‘આઈ એમ ઓલ્સો, આવું છું…!’ કહી વિશુ પણ જોડે ઉભી થઇ…
અને ત્યાંજ દશલાએ બુમ પાડી….
‘એય, ક્યાં ભાગો છો બંને…? તમારા ભાગનું પેમેન્ટ કરો ચાલો…!’
‘યુ આર સો રૂડ…!’ ડિમ્પી બોલી.
‘એ મને ઘણીએ અગાઉ કહેલ છે હોં. કઈ નવું કહેવું હોય તો બોલ…!’
‘તું મને પછી એકલામાં મળજે. બરાબરની મહેમાન નવાજી કરું તારી…!’ લેડી ગબ્બર, ડિમ્પીએ દશલાને ખખડાવ્યો.

‘હા, હા હવે…! એમ તો બહુ મોટી મોટી વાતો કરો છો ને. સમાનતાની ! તો પેમેન્ટ ખાલી છોકરાઓ જ કેમ ભોગવે હેં…!’

અને બીજા બધા છોકરાઓએના સૂરમાં સુર ભેળવ્યો…!
‘સાચી વાત છે, દશલા… એકદમ સાચી વાત…!’
એ સાંભળી ભાઈ વધારે ફોર્મમાં આવી ગયા અને બોલ્યા,
‘આ તમાર જેવી છોકરીઓ જ હોય છે, જે આગળ જતા ઢીંચાક પૂજા બની બેસે છે…!’ દશલાએ દલીલનું છેલ્લું સળગતું તીર છોડ્યું. પણ એ તીર તો અલગ જ જગ્યા એ જઈ પૂગ્યું. નીખીલ પર…!

‘ખબરદાર જો ઢીંચાક વિષે કઈ પણ એલફેલ કહ્યું છે તો…!’ આ ફેરે સાચે સાવજ જેવું જ ગર્જી ગયો…! ( પણ કોના માટે, એ તો જુઓ…? ઢીંચાક માટે બોલો…?)

અને પછી તો બસ, જોવા જેવી જ થઇ આવી…! દશલો અને નીખીલ રીતસરના લડવા જ માંડ્યા…! અને પેમેન્ટનો મુખ્ય મુદ્દો તો વિસરાઈ જ ગયો, બંને કવિયત્રીઓ સરકીને બસમાં ગોઠવાઈ ગઈ…!

આમનો ઝઘડો જોઈ કાકાએ બુમ મારી.
‘અલ્યાઓ બંધ થાઓ…! ઓલી બંને જતી પણ રહી…! અને પેમેન્ટ તો હું કરું છું. એમાં તમે બે કાં બાઝો છો…?’

અને બંને બસ એકબીજાના મોઢાં તાકતા રહી ગયા,
કાકા એ પેમેન્ટ કર્યું, અને બધા બસ તરફ ચાલવા લાગ્યા, પણ હજી પેલા બંનેનો બબડાટ ચાલુ જ હતો.

‘જો મારી ઢીંચાકને કઈ નહી કહેવાનું હોં…!’
‘તમારા થી થાય ઈ કરી લ્યો…!’
અને ફરી બસ ચાલી, મહેસાણા તરફ…!
આ વખતે તકનો લાભ લઇ છોટુ એ બોરિંગ દર્શનથી પીછો છોડાવવા, સીટ બદલી નાખી.
હવે ધમ્માચકડી મચવાની હતી એ નક્કી જ હતું…!
અને પાછળ બેઠા એકથી એક સળીબાજો એના વિષે જ ચર્ચાઓ કરી રહ્યા હતા.
અને ત્યાં જ ડીમ્પલે બેગમાંથી એની ડાયરી કાઢી અને ખોંખારો ખાતી ઉભી થઇ…!
‘સો દોસ્તો… જેમ કે આપણે બધા ફેસબુક પરથી એકબીજાને મળ્યા છીએ, અને હમણાં સુધી ત્યાંજ આપણે એકબીજાને ઓળખ્યા છે, તો કેમ નહિ હવે એકબીજાને વધારે ઓળખી લઈએ…!’

‘ક્લેપ્સ…’ કહી વિશુ એકલી એ તાળીઓ પાડી.
(હવે એમાં તાળીઓ પાડવા જેવું શું હતું…!?)
‘કહેના ક્યાં ચાહતી હો…!’ પાર્થ સીટ નીચે ડોકું ઘાલી રહી બોલ્યો.
‘આઈ મીન, આપણે એકબીજાની રચનાઓ વાંચી સંભળાવીએ…!’
પત્યું હવે…! આ કવિયત્રીઓ જ્યાં સુધી શો-ઓફ નહિ કરે ત્યાં લગી આમને ચેન નહિ આવે…! અને રચનાથી પર્સનલ ઓળખ…? સાવ લોજીક વિનાની વાત…! (પાછું અહીં તો લાઇક કમેન્ટ પણ ન અપાય. એટલે આ દેવીઓ ગુસ્સે પણ થઇ જાય…!)

અને ડિમ્પી એ જ પહેલું ચાલુ કર્યું.
‘મારા હેડફોનની આત્મકથા…’
‘આનો જન્મ એક ફેકટરીમાં થયો હતો, (ઓબવ્યસલી, ત્યાં જ થાય, દવાખાનામાં તો ના જ થાય ને…!) પછી એ કંપનીમાંથી માર્કેટમાં આવ્યું, અને ત્યાંથી મેં ખરીદ્યું. (હરામ જો કોઈ છોકરી, એની ખરીદેલી વસ્તુની પ્રાઈઝ કહે તો…!) અને મેં આની પર કેટલાય ગીતો સાંભળ્યા છે… (હેડફોનમાં એ જ થાય બેન…!), પણ એક દિવસે, મારા ફોન પર વિશુએ ફોન કરેલ, અને બદનસીબે મેં હેડફોન દ્વારા વાત કરેલ. બસ એ દિવસથી એ બરાબર નથી ચાલતું…! (કારણ…? વિશુનું અંગ્રેજી જ તો વળી…!), અસ્તુ (હાશ…, પત્યું !)

‘હેડફોન 150 વાળું હતું ને હેં…?’ દશલા એ ધીરેથી સળી કરી…! પણ પેલીએ પાર્થને આંખો બતાવી, પાર્થના ચેહરે એક જ ભાવ, ‘અબ મેંને ક્યાં કર દિયા…?’

પછી અમારા બીજા કવિયત્રી આવ્યા, વિશુ…
‘ક્યાં છે તું, (હેં?)
તને મેં ક્યાં ક્યાં નથી શોધ્યો,
ફૂલની પાંદડીઓ વચ્ચે શોધ્યો,
ઝાડની ડાળીઓ વચ્ચે શોધ્યો,
ઘરની ખુલ્લી બારી વચ્ચે શોધ્યો,
તો ક્યારેક રસોડામાં પડેલ,
ચાસણી વચ્ચે શોધ્યો,
પણ તું ક્યાં છે…!’
(હાશ, આ અંગ્રેજીમાં નહોતું, બચ્યા…!)

‘અલા, આ માણસને શોધ્યો કે કીડીઓને…?’ આ વખતે છોટુએ સળી કરી.
‘ટોપાઓ, જપીને બેસો ને…! પોતે તો કઈ કરતા નથી, ને છોકરીઓ કરે છે તો સળીઓ કર્યા કરો છો…!’ કાકાએ બધા છોકરાઓની ઝાટકણી કાઢી. અને એ જોઈ પેલી છોકરીઓ એમની બત્રીસી બતાવવા માંડી ! (હા, એ વાત અલગ છે કે એમની બત્રીસી પીળી હતી…!)

‘નક્કી… છોકરીઓએ કાકાને એમના પક્ષે કરી લીધા છે…!’ છોકરાઓની ટોળીમાં ગણગણાટ ચાલુ થઇ ગયો.

‘ચાલો, હવે ઢબુડીનો વારો…!’ ડીમ્પલ બોલી.
‘હું ક્યાં કઈ લખી શકું છું. તમતમારે હથોડા મારવાના ચાલુ રાખો…!’
‘હથોડા’ કીધા બાદ પણ જો એને બોલવા ઉભી કરી હોત તો…? જોવા જેવી જ થાત…!
‘અલ્યા, છોકરાઓ તમારે કઈ બોલવું છે…?’ કાકાએ પૂછ્યું.
‘હું બોલીશ…!’ કહી સ્ત્રીવીરોધી માણસ દશલો ઉભો થયો…!
‘આજ હવાઓ મેં સે કૂછ અચ્છીસી મહેક આ રહી હેં….’
‘વાહ, વાહ…’ અલી જનાબ ઉત્સાહિત થઇ આવ્યા,
‘અરે આગે તો સુનિયે જનાબ…!’
‘આજ હવાઓ મેં સે આચ્છી સી મહેક આ રહી હેં,
ક્યુકી લગતા હે, આજ યે તીનો લડકિયા નહા કર આ રહી હેં…!’

(હવે બોલો કોઈ ‘વાહ વાહ…’ ડિમ્પલના હાથની બે પડે ના તો કહેજો…!)

‘ચાલ, ચાલ હવે બેસ, વાયડીનો થા મા…!’ કાકા બોલ્યા.
‘હજી કોઈ કંઇક કહેશે…!’
‘ના….’
‘હું કંઇક કહું…?’ અત્યાર સુધી બારી બહાર તાકી રહેલ દર્શનયો બોલ્યો.
અને એનો અવાજ સાંભળતા જ ઢબુડી નો ચેહરો ખીલ્યો…!

‘હું, અને તું… સાવ અજાણ્યા જ છીએ. તો પણ, ચાલ એકમેકમાં ભળી લઈએ.
‘થોડું તું મને ઓળખ, થોડું હું તને ઓળખું…
અને એમ જ એકબીજામાં ખુદને જડી લઈએ…!’
ઢબુડી શરમના મારે નીચું જોઈ ગઈ, અને બસ આખી ‘વાહ…વાહ’ થી ગુંજી ગઈ.

બસ એક જ પ્રાણી શાંત બની બેઠું હતું. છોટુ…! રીતસરના ધુમાડા કાઢી રહ્યો હતો, અને હમણાં દર્શનની લાઈન પર ‘વાહ, વાહ’ કરી રહેલ એના ભેરુ, એવા મિત્રા અને દશલાને ગુસ્સાથી જોઈ રહ્યો હતો…! (આવી જ બની આજે તો આ બંનેની…!)

અને બસ આમ જ થોડી ઘણી વાતો, મસ્તી, તકરાર સાથે બસ મહેસાણા વોટરપાર્ક આવી પંહોચી.

‘પણ…!’
‘આ શું…?’
ગેટ પર જ મસમોટું તાળું અને સાઈનબોર્ડ મારેલ. ‘પાર્ક ત્રણ દિવસ બંધ છે…!’
થઇ ગયું કલ્યાણ…! અને જેમ વોટ્સઅપ ગ્રુપમાં ડખો થાય, ત્યારે મેમ્બર્સ એડમીનના કોલર પકડે તેમ, બધાએ પ્લાનના હેડ એવા આનંદના કોલર ઝાલ્યા. રીતરસનો એને ઝાટકવા મંડ્યા.

‘તને કઈ ભાનબાન છે કે નહિ હેં, હું છેક કોડીનારથી આ ટ્રીપ સાટું આવી. અને પહેલો જ પ્લાન ફ્લોપ કેમ…?’ હમેશા ગુસ્સો નાક પર લઇ ફરતી ડીમ્પલે કહ્યું.

‘ઈ જ તે…’ નીખીલે સુર પુરાવ્યો.
‘નાવ શું…? (વ્હોટ…?) મારી લોટ્સ ઓફ ઈચ્છા હતી, વોટરપાર્ક ઇન ગોઇંગ… (માં જવાની…) !’ વિશુ બોલી.

‘મેં તો ના જ પાડી હતી કે આવી કોઈ ટ્રીપ જ ન ગોઠવાય…!’ મિત્રા બોલ્યો.
‘અરે એ બધું જવા દો, હવે શું કરી શકીએ એ વિચારો…!’ દશલો બોલ્યો.
‘હવે શું…? ધૂળને ધાણી…!’ જેકી અમસ્તા જ બોલ્યો.
‘હેં બબુઆ, હમકા યાદ કિયે કા…?’ અસલ ધૂળધાણી એનું નામ સાંભળતા જ દોડી આવ્યો.
‘અબે જાને અહીંથી યાર…! પહેલાથી જ બવ લોડ પડે છે…! અને એમાં તારું તો બિલકુલ સહન નહિ થાય…!’ આનંદે ગુસ્સામાં આવી કહ્યું.

કાકા એને શાંત પાડવા સાઈડ પર લઇ ગયા. આખી પલટન અહીં એકબીજા પર આક્ષેપ બાજીમાં લાગી ગઈ…!

આકાશમાં વાદળો ઘેરાયેલા હતા, અને હવે ધીરેધીરે વરસવા પણ માંડ્યા હતા…! જેના કારણે, પલટન આખી એક પછી એક બસમાં બેસવા દોડવા માંડી. બસ બહાર રહી ગયો તો પેલો વરસાદ પ્રેમી મિત્રા…!

‘અલ્યા, અંદર આવ બીમાર પડીશ…!’ છોટુએ બુમ મારી કહ્યું.
પણ આ તો રહ્યા અમારા મિત્રા સાહેબ, અડધી રાત્રે પણ પલળવા ઉઠે એવા…! અને ઉપરથી ફિલોસોફી આમનો રસનો વિષય…! (પણ ખાલી બીજા સામે ઝાડવી હોય ત્યારે જ…!)

‘અરે પલટન… આપણે અહીં નાહવા જ આવ્યા હતાને, તો આ કુદરતી વરસાદમાં જ કેમ નહી…! એટલીસ્ટ ક્લોરીન વાળા પાણીથી તો બહેતર જ છે…! આવી જાઓ બહાર…!’ અને આખી વાનર સેના બહાર…! (તણખલાને આગ બનવા હવા જોઈએ, બસ એમજ આમની પાસે કંઇક કરાવવા માટે, ફૂંક મારવી પડે…!) એયને પછી તો નહાયા, અડધો કલાક…! અને પછી એક પછી એક બસમાં જઈ ચેન્જ કરી આવ્યા, બાકીના બહાર ઉભા રહ્યા ત્યાં સુધી.

થોડીવારે બસ ઉપડી…!
જેણે બધાને નાહવા માટે હવા ભરી હતી, એ મિત્રા જ હમણાં થથરી રહ્યો હતો…! અને એની હાલત પેલા ગીતના લીરીક્સ જેવી થઇ ગઈ હતી, ‘ના… ના… રે રહેવાય… ના… ના… રે સહેવાય, ના કોઈને કહેવાય, આય હાય….! (પણ અહીં ઉડતી ઓઢણીની વાત નથી હોં કે…!)

એને જોઈ હમણાં બધા હસી રહ્યા હતા ‘કરેલા ભોગવો હવે.’ ડીમ્પલ બોલી…!
પણ એક જ માણસ શાંત…! દર્શન…! એણે થર્મોસ બોટલ કાઢી, અને દરેકને ગરમ ચા ઓફર કરી…!

કસમથી ત્યારે એ દર્શનયો કોઈ દેવદૂતથી કમ નહોતો લાગતો હોં…! (ખોટ નથ કેહતો…)
‘જયારે, ઠંડી જ લાગી જાય છે, તો પલળે છે જ કેમ…?’ મિત્રાને એણે પૂછ્યું…!
પણ એ નવાબ જવાબ પણ શું આપે…!
આખી બસમાં દર્શનની વાહ વાહ થઇ ગઈ… અને જેકી ભાઈ (ની) બળીને ખાખ…!
આગળ બેઠા આનંદને એક જ વાતનું ટેન્શન થતું હતું, ‘જો આ લોકોને હવે આગલા પોઈન્ટ પર મઝા ન આવી તો…? તો… તો આવી જ બન્યું મારું….!’ અને આ પલટન પણ કંઇ ઓછી થોડી હતી. બસ રાહ જ જોઇને બેઠી હતી. કે ક્યારે આનંદને એની સાત પેઢીની યાદ દેવડાવીએ એમ…!

( ક્રમશઃ )

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.