Gujarati Writers Space

પલટન – લઘુ નવલકથા ( પ્રકરણ – ૨ )

દસેક જણ તૈયાર હોવા છતાં, વચ્ચે થોડા ઘણા રિસામણા મનામણા થતા રહ્યા અને આખરે 6 ઓગસ્ટનો એ દીવસ આવ્યો. આજે ફેસબુકથી સંપર્કમાં આવેલા આ દરેક નમૂનાઓ પહેલી વખત એકબીજાને ફેસબુકમાંથી ફેસ કાઢી પરસ્પર મળવાના હતા. (અમુક એવા પણ હોય જેના ફેસ પણ હજી જોયા ના હોય. કહેવાની જરૂર ખરી કોણ, એમ !)

આનંદે આગલી રાત્રે મેસેજ પર મેસેજ કરીને પ્લાનનું કન્ફર્મેશન કરી લીધું. અને એક પ્રાઇવેટ મીની બસ પણ નોંધાવી લીધી.

સવારે 5ના ટકોરે બસવાળો આનંદના ઘર બહાર આવી પહોંચ્યો. હોર્ન મારી મારીને એની અને આજુબાજુ વાળાઓની પણ ઊંઘ બગાડી.

‘આટલી જલ્દી કેમ આવ્યા… હજી તો પાંચ વાગ્યા છે…!’ આનંદે બસ નજીક પહોંચી, આંખો સાફ કરતા કહ્યું.

‘ઉ કા હે કી હમ સુબહ મેં જલ્દી કામ પર જાને કી આદત હે, તો આજ સીધા ઇન્હા હી આ પંહુચે…!’ હિન્દી ભોજપુરી મિક્ષ ભાષામાં એણે જવાબ આપ્યો.

‘પર આપકો 7 બજે કા બોલા થા. અભી તો સિર્ફ પાંચ બજે હે…!’ આનંદે એની ભાષા હિન્દી મોડ પર કરી.

‘તો ક્યા હુઈ ગવા. હમ પાંચ બજે આ ગયે, અબ તુમ ઇક કામ કરબા. જલ્દી સે નહા લો…’ પહેલો એવો ડ્રાઈવર જે કસ્ટમરને ઓર્ડર આપી રહ્યો હતો.

‘અરે યાર ક્યાં આવીને ફસાયો…!’ અને આનંદ ફ્રેશ થવા ચાલી ગયો.
થોડીવારે એ નીચે આવ્યો, હવે ઠીકઠીક પ્રમાણમાં અજવાળું થઇ ચુક્યું હતું. અને હવે બસ નબીરાઓની પુગવાની રાહ જોવાઈ રહી હતી.

બધા આવે એ પહેલા આનંદે ડ્રાઈવરને રૂટ સમજાવવાનું ચાલુ કર્યું.
‘દેખો ભૈયાજી… ઇન્હા સે હમકો પહેલે મહેસાણા કો નિકલના હેં. વહાં વોટરપાર્ક મેં રુકેંગે…! ઠીક હે !’

‘હમ કા કહત રહે કી, પહેલે ઇન્હા સે કંહી ઔર ચલત હે, બાદ મેં તુમ જન્હા બોલો ઉન્હા ચલ દેંગે…!’

‘અબે પ્લાન હમરા હે કી તોહાર…?’ આનંદની હવે હટી આવી…!
‘જૈસે તુમ બોલો, હમ તો તોહર ભલાઈ કે વાસ્તે કહત રહી, પર હમ કા જાને, ભલાઈ કા તો જમાના હી નહી રહા…!’

‘અલ્યા કેમ સાહેબ માણહને હેરાન કરે હે…?’ પાછળથી એના સાથીદારે એન્ટ્રી મારી.
સુકલકડી શરીર અને એના પર ખાખી વર્દી. જાણે કપડા સૂકવવા જ નાખ્યા હોય એવું લાગે…!

‘અરે હું ક્યાં હેરાન કરું છું. આ તો આમના સારા માટે જ કહું છું!’ ડ્રાઈવર અચાનક ભોજપુરી માંથી ગુજરાતી બોલવા માંડ્યો.

‘તને ગુજરાતી આવડે છે…?’ આનંદે આશ્ચર્ય સાથે પૂછ્યું.
‘હા, હમકા ઉ ભી આવત હે…!’
‘તો લોટા ક્યારનો બોલતો કેમ નથી…? સવાર સવારમા દિમાગની નસો ખેંચાવી નાખી…!’
‘ઉ કા હે કી હમરે તનિક દોસ્ત હે, જો ઐસે બતિયાતે હેં. ઇસી વાસ્તે હમકાભી ઇસકી આદત લગ ગઈ બા…!’

‘ભલી થાય તારી, બને ત્યાં સુધી સમજ પડે એ રીતે બોલજે. તો તારી ખુબ ખુબ મહેરબાની થશે મારી પર…!’

બધા આવે ત્યાં સુધી આનંદે ટાઇમ પાસ કરવા માટે પેલા ડ્રાઈવરના સાથીદારને પકડ્યો.
‘અલ્યા, આ બસ તો પ્રાઇવેટ કમ્પનીમાંથી બોલાવી છે. તો તું ખાખી વર્દીમાં કેમ આવ્યો છે?’

‘એમાં એવું છે ને કે, મને ખાખી વર્દીમાં કંડકટર જેવી ફિલિંગ આવે છે. મારે નાનપણથી જ કંડકટર બનવું હતું. પણ એ સપનું તો અધૂરું રહી ગયું. એટલે આ કંપનીની બસમા વર્દીમાં ફરી લઉં…!’

‘તું પણ કઈ પેલાથી ઉતરે એવી નોટ નથી હો…!’
‘બાય ધ વે, તમારા બંનેનું નામ શું છે?’
‘પેલા જાડિયા ડ્રાઈવરનું નામ મી. ધૂળધાણી અને મારું નામ મી. દાળમાંપાણી!’
‘હેં… આવા કેવા નામ…!’
‘જે છે એ આ જ છે સાહેબ…!’
અને ત્યાં જ પહેલા નામુનાએ એન્ટ્રી મારી.
મીત્રા…
આવતા ની સાથે જ આનંદ પર ફાટ્યો.
‘કેમ રોણા, બહુ ચૂલ નહિ તારે ફરવાની…!’
‘અરે ભાઈ તું છે કોણ…? એ તો બોલ પહેલા…!’ મિત્રાને એણે આજ સુધી જોયો ન હતો, એટલે આ સવાલ વ્યાજબી હતો.

‘તારી હમણાં કહું મેં…! હું પેલો જ છું, જે તને થોડી થોડી વારે હેરાન કરવા આવી પંહોચે છે…!’

‘અલા તું મિત્રા છું…?’ અને એણે ખડખડાટ હસવાનું ચાલુ કરી મુક્યું.
‘એમાં હસવા જેવું શું છે…!’ મિત્રા એ ત્રાંસી નજરે જોતા એને પૂછ્યું.
‘તું પોતાને અરીસામાં જોઈ લે, સમજાઈ જશે…!’
‘હશે ભાઈ હશે…’ કહી એ બસમાં પોતાનો સામાન મુકવા ચાલી ગયો.
જોડે ઉભા મી. દાળમાંપાણીને જોઈ કહ્યું, ‘જુઓ આ આજના છોકરાઓ, આ લેખકો બનશે બોલો. આવી બન્યું હવે તો…!’

ઓલા ભાઈને આનંદની વાતમાં લગીરેય રસ નહોતો, છતાં ડોકી હલાવી બત્રીસી બતાવી રહ્યા હતા. અને ત્યાં જ અમારા બીજા નમુના આવી પહોંચ્યા.

દર્શીલ ચૌહાણ ઉર્ફે દશલો !
આવનારા સમયનો હાસ્યલેખક ! નો ડાઉટ, કેટલાય લોકો હમણાં હ્યુમર લખે જ છે, પણ આ દશલાનું ઓબ્સર્વવેશન એની ઉમરની સરખામણી એ ઘણું ઉંચી કક્ષાનું છે, અને એ જ એનો પ્લસ પોઈન્ટ છે…! અમારા આ લાલા બીજી એક ખાસ વાત માટે પણ જાણીતા છે, ફેસબુક સમાજમાં સ્ત્રી-વિરોધી માણસ તરીકે પણ ઓળખાય છે…! હાલ બે કામમાં ગળાડૂબ રહે છે, એક તો આ સ્ત્રીઓનો વિરોધ કરતી પોસ્ટ્સ મુકવામાં, અને એમની એન્જીનીયરીંગ ! જો કે બંનેમાં સફળ થશે પણ કે કેમ, એ એક જ્વલંત પ્રશ્ન છે…!

દશલાને એક ચાન્સ મળ્યો નથી, કે એણે વાતમાં એન્જીનીયરીંગ ઘુસાડ્યું નથી…! આવા અમારા હ્યુમર કિંગ ‘દશલો’ બસ એક યોગ્ય ચાન્સની રાહ જોઇને બેઠો છે લાલો…!

દશલો આવ્યો અને આનંદને એમ મળ્યો જાણે જન્મો જન્મથી છુટા ન પડ્યા હોય…!
બસમાં જઈ સામાન ગોઠવ્યો, અને ત્યાં પેલો ઉગતો લેખક એની આદત મુજબ કાનમાં ડાટા નાખીને ગણગણી રહ્યો હતો, એ તો પોતાને પ્રોફેશનલ બાથરૂમ સિંગર પણ ગણાવે છે !

દશલો બહાર આવી ગયો, અને આનંદ અને બંને વાતોના વડા તળવા બેઠા. ત્યાં અમારા બીજા ખાસ મિત્ર એવા દર્શન પંચાલ આવ્યા.

ખભા પર બેગ અને જોડે હાથમાં ગીટાર…! દેખાવમાં સુકલા જ છે, પણ સાવ પેલા કંડકટર જેવા પણ નહી હોં !

આમની ખાસિયત એ એમનું આર્ટ ! કાગળ પર તેમની કળા દ્વારા ભલભલા ચેહરા એમણે જીવંત કરેલ છે ! અને એથી વિશેષ ‘થોડામા ઘણું’ કહી જવાની ખૂબી પણ છે…! બાકી સ્વભાવે તો અંતર મુખી પ્રકારના છે. પોતાનામા જ મસ્ત…! આવી ટ્રીપ પર આવવા કઈ રીતે માની ગયા એ જ મોટો પ્રશ્ન ! આ ટ્રીપમાં, શાંત પાણી જ વધારે ઊંડા હોય એ કહેવતને સાર્થક કરે તો નવાઇ નહિ…!

આ હજી બસ નજીક પંહોચે ત્યાં જ એમની પાછળ રીક્ષા આવીને ઉભી રહી, અને એમાંથી ચાર જણ ઉતર્યા, ત્રણ છોકરીઓ અને એક છોકરો.

આમાંના ત્રણ હતા, નીખીલ, વિશુ અને ડીમ્પલ…! પણ આ ચોથીતો કોઈ આઉટ ઓફ સિલેબસ નો જ પ્રશ્ન હતી.

અને ત્યાં જ પેલા મિસ. ડીમ્પલ એ રીક્ષા વાળા સાથે લડવાનું ચાલુ કરી દીધું…
‘તમને કઈ ભાન બાન છે કે નહી…! આ તમારી લીધે જ અમદાવાદના રીક્ષા વાળાઓ બદનામ છે…! સ્ટેશનથી અહીં આવવા ના કઈ 50 રૂપિયા હોતા હશે. અમારે કોડીનારમાં 10 રૂપિયા તો ઘણા થઇ ગયા…!’

‘અરે ડીમ્પલ અહીં એવું જ હોય, અને આપણે ચાર જણ આવ્યા એ તો તું જો…!’ હમેશની જેમ નીખીલે એને સમજાવવા માંડી.

પણ આ તો અમારા મેડમ…! એમ તો કઈ થોડી સમજે. અને ફરી એને ખખડાવવા લાગી.
‘ડીમ્પલ, યુ ગો. આઈ એમ આવું છું…!’ અંગ્રેજી માસ્ટર વિશુએ એને ત્યાંથી જવા કહ્યું. આનું અંગ્રેજી જો અંગ્રેજોએ સાંભળ્યું હોત તો એક પણ શબ્દ બોલ્યા વિના દેશ છોડીને ચાલ્યા જાત…! (ખોટુ નથ કેતો !)

‘જો એને ૨૦થી ઉપર એક રૂપિયો ના આપતી…!’ કહી મિસ. દલાવરી બસ સુધી આવ્યા.
વિશુ અને નીખીલે પેલા ભાઈની માફી માંગી અને પૈસા ચૂકવ્યા.
‘સી બ્રો… હર માઈન્ડનો સ્ક્રુ ઇસ થોડા ઢીલા…!’ એનું અંગ્રેજી સાંભળી પેલાના સ્ક્રુ ઢીલા થાય એ પહેલા જ એ ત્યાંથી વટકી ગયો.

અરે, આમનો પરિચય તો આપવાનો રહી જ ગયો.

વિશુ ચૌહાણ,
વિશાવદરના ઉગતા કવિયત્રી કહી શકો. આમનો મુખ્ય વિષય લાગણીઓ ! આમની પોસ્ટ વાંચીને જેને પ્રેમ ન થયો હોય એને પણ પ્રેમ થયાનો ભ્રમ થવા લાગે…! અને એ સાથે સાથે બ્રેકઅપ ટોનિક પણ આપે જ છે, સો ડોન્ટ વરી ! એમની પોસ્ટમાં ક્યારેક મિલન તો ક્યારેક વિરહનું દર્દ ઉછાળા મારતું રેહતું હોય છે…! ક્યારેક એવું ભારે ભારે પણ લખે કે, પૂછવાનું મન થાય, ‘આખિર કહેના ક્યાં ચાહતી હો…!’

બીજા અમારા, મિસ. ડીમ્પલ દલાવરી,
પોતાના સ્કુલ બેગથી માંડી, ઘરની બારી સુધીના વિષયો પર લખી ચુક્યા છે, એ પણ ઉગતા કવિયત્રીની કેટેગરીમા જ આવે છે. બોટની પર સ્નાતક છે, અને હમણાંથી જ ટીચર બનવાના અભરખા(ચુલ) છે, એટલે હમણાંથી જ પોતાની જ કોલેજમાં લેકચર લેવા માંડ્યા છે. હવે એ ત્યાં પોતે રીવીઝન કરે છે, કે પછી છોકરાઓને ભણાવે પણ છે, એ એમને વધારે ખબર !

નીખીલ વધવા,
જુનાગઢના વતની અને પોતાને રસાયણશાસ્ત્રના રસિયા તરીકે ઓળખાવું પસંદ કરે છે…! એમના મત અનુસાર એમનો પહેલો પ્રેમ કેમેસ્ટ્રી છે… (ઓહ ગોડ !) અવારનવાર કંઇક લખતા રેહતા હોય છે, પણ હવે એક ઓનલાઈન પ્લેટફોર્મ પર ઓફિશીયલી લખવાનું પણ શરુ કરી ચુક્યા છે ! અને એ બીજું અગત્યનું જે કામ કરે છે, તે છે. ભેંસની જેમ ‘હમમમ’ ‘હમમ’ કર્યા કરવું…! (મિસ. દલાવરી પણ આમાં સમાનતા ધરાવે છે !)

પોતાના ઝાંખરા જેવા વાળ સીધા કરતા કરતા ડીમ્પલ બસ નજીક આવે છે, અને પાછળ વિશુ અને નીખીલ આવે છે…! એમને આવકારવાને બદલે બધાનું ધ્યાન પેલી અજાણી છોકરી પર છે. જે હમણાં ચોપડીમાં ડાચું ઘાલીને વાંચી રહી છે…!

ડીમ્પલ ને બધાનો પ્રશ્ન સમજાઈ જાય છે,
‘વ્હોટ…? આમ કેમ જોવો છો મને…! શી ઇસ ‘ઢબુડી’, માય સ્ટુડન્ટ કમ ફ્રેન્ડ. અને જગ્યા હશે જ એમ કરીને એને હું સાથે લઇ આવી…!’

‘ઓહ પ્લીઝ ડીમ્પલ, અહીં તો આ નામ ના બોલ યાર. ઇટ્સ ત્રિશા, ઢબુ એ ઘરનું નામ છે યાર !’

દેખવામાં સુંદર અને જુવાનડી છોકરીનું નામ જેણે પણ ઢબુડી રાખ્યું હશે, એને નરકમાં એક સ્પેસિફિક જગ્યા મળશે !

આ નવી નમુનીને જોઈ આનંદે કચવાતા મને ‘ચાલશે હવે,’ કરી હકારમાં ડોકું ધુણાવ્યું.
‘છોકરીઓનું તો આવું જ રેહવાનું રોણા ભાઈ…!’ સ્ત્રીવીરોધી માણસ, દશલાએ મમરો મુક્યો અને બસમાં ચઢી ગયો.

આ ત્રિપુટીએ બસમાં સામાન ગોઠવ્યો અને નીચે આવ્યા…
‘આનંદ, અંદર બીજું કોણ છે…? નાના છોકરા જેવો…?’ નિખિલે પૂછ્યું.
પણ આનંદ જવાબ આપે એ પહેલા જ પાર્થ ભાઈ ઉર્ફ અલી જનાબ આવ્યા.
‘આદાબ… ગુસ્તાખી માફ ! વો હમે જરા આનેમેં દેર હો ગઈ…!’ પોતાના ઉર્દુ લહેકામાં બધાનું અભિવાદન કર્યું.

પાર્થ ત્રિવેદી…
ફ્યુચર ડેનટીસ્ટ, અને એટલા જ સારા લેખક અને શાયર. આ માણસ સારો ડોક્ટર બનશે કે લેખક એ નક્કી કરવું મુશ્કેલ છે ! મેડીકલ ફિલ્ડમાં હોવા છતાં, ઈત્તર વાંચન માટે સમય ચોરી લે છે…! અને સૌથી મહત્વની વાત, સર્વધર્મ સમાનનું વાક્ય ખરેખર સાચી રીતે જીવનમાં ઉતારી જાણે છે ! હા, ક્યારેક એમના ઉર્દુ શબ્દો ઉપરથી પણ ચાલ્યા જતા હોય છે, ત્યારે ઉર્દુ શબ્દકોશ ફંફોળ્યા વિના સીધું એમને જ પૂછી લેવું વધુ હિતાવહ છે !

આ દરેક પાર્થ સાથે વાત કરવામાં પડ્યા અને ત્યાં જ સુધીર કાકા અને જેકી આવ્યા.

કાકા ઉર્ફે સ્વયં !
ફેસબુક સમાજના લોકલાડીલા ! શૃંગાર રસથી લઇ વિરહરસ સુધી લખ્યું છે, અને બોનસમાં સ્વયંવાણીના વનલાઇનર્સ તો ખરા જ ! ઉંમરથી પચાસ ઉપર, પણ દિલથી વીસથી પણ નીચે !

જેકી ઉર્ફ છોટુ,
મૂળ રાજકોટનો અને નવસારી ભણતો (રખડતો !) લખી તો લે જ છે. અને સાથે ક્લિક પણ કરી લે છે, આઈ મીન ફોટોગ્રાફીનો શોખ ધરાવે છે ! અને હમણાં પણ કેમેરો તો ગળામાં વરમાળાની જેમ લટકેલ જ છે ! (સો ટીપીકલ ના !)

કાકાને જોયા નથી ને બધા વાયડીના થયા નથી…! ટપોટપ પગે લાગવા ઝૂકવા લાગ્યા. કયો નબીરો પગે લાગી રહ્યો છે એ પણ કાકાને ખબર નથી, અને દશલા જેવા સળી કરવા પગે લાગી રહ્યાને પાછળથી ધક્કા પણ મારી રહ્યા છે !

હજી આમનો સ્નેહ મેળાપ પત્યો જ, ત્યાં જ બધા સામે બીજો પ્રશ્ન ! આ અજાણી છોકરી તો સમજાણી, પણ પેલો સુકલી કાઠી વાળો, બસમાંથી આવીને પગે લાગ્યો એ કોણ ?

અને આનંદે ફોડ પાડ્યો… ‘આ મિત્રા છે…’

‘આ મિત્રા છે…? આવો…?’
હવે આવો એટલે કેવો, જેવો છે એવો આ જ છે…! હા થોડોક બટકો છે, અને શરીરથી પણ એકદમ હુકાયેલો ખેપટી છે. હા, ચલો માન્યું કે ઓવરઓલ લઘર-વઘર જ લાગે છે, પણ એને સાવ આવો તો ન ગણાવી દેવાય ને !

સૌથી વધુ આઘાત લાગ્યો હોય તો એ હતો જેકી ઉર્ફ છોટુ ! નહીં નહીં, તો સો વાર મિત્રાએ ચોખવટ કરી હશે કે હું છોકરી નથી હું છોકરો છું. પણ આ નવાબ માને તો ને ! એમને એ વહેમમાંથી બહાર જ નહોતું આવવું…! અને આજે બધા સપનાઓ, એય ને કડક્ભુસ્સ…!

પણ એ આઘાત ક્ષણીક જ નીકળ્યો…! એના દિલમાં આશાનું એક નવું કિરણ નીકળી આવ્યું, જ્યારે એણે નવી નમુની, ઢબુડીને જોઈ ! અને એના મોઢામાંથી લાળ ટપકવા લાગી.

આનંદે બધાનું ઇન્ટરો કરાવ્યું, અને બધાને બસમાં જગ્યા લેવા જણાવ્યું.
પણ કાકાએ વચ્ચે મમરો મુક્યો, આઈ મીન એક શરત મૂકી, કે બધાએ પોતપોતાના ફોન ત્યાં જ આનંદના ઘરે મૂકી દેવા. કારણ કે આપણે ફરવા નીકળ્યા છીએ, નહી કે મોબાઈલ મચેડવા !

થોડીક દલીલો બાદ બધા સહમત થયા, અને ફોન મુકાયા.
‘કાકા, હું ગીટાર તો જોડે જ લઈશ…!’ શાંત પ્રાણી દર્શન આખરે કંઇક બોલ્યો.
‘આ એનું ટુનટુનીયું લેશે તો હું પણ મારો કેમેરો લઈશ…!’ જેકી બોલ્યો.
દર્શને એને ત્રાંસી નજરે જોયું, અને બબડ્યો,
‘સીરીયસલી મેન…! ટુનટુનીયું…? ઇટ્સ ગીટાર બ્રો…!’
‘હા એ જે હોય એ હવે… મારે શું !’
દર્શન અને જેકી વચ્ચે ખચકાટનો નાનકડો તણખલું સળગ્યું.

કાકાએ ગીટાર અને કેમેરા માટે સંમતી આપી, અને પછી બધા બસમાં ગોઠવાયા.
‘મહોતરમાં, જરા ગૌર ફરમાઈએ… ઔર આકે યહાં પર તશરીફ રખીએ…’ બસમાં પાર્થે ડિમ્પલને સીટ ઓફર કરી.

‘ના, ના… હું તશરીફ-બશરીફ નથી લાવી. ખાલી આ એક બેગ જ જોડે લાવી છું, અને એ ઉપર મૂકી દીધું છે !’

‘અરે ડિમ્પી… હી મીન્સ, પુટ યોર સીટ ત્યાં…!’ વિશુ એ અંગ્રેજીની જનની-ભગીની એક કરતા કહ્યું.

‘ના જોઈ હોય તો વાયડી, વહેતીની થા ન્યાથી… છોકરીઓ સામે સીટની વાતું કરો છો…!’
‘અરે મહોતરમાં આપ હમે ગલત સમજ રહી હેં…’ પાર્થે એનો બચાવ કર્યો, પણ…!
‘હેં…! માં? કોણ મા હેં…? મારે હજી પૈણવાનું પણ બાકી છે !’
‘ચલ પાર્થ, અહીં આપણું કામ નથી…!’ કહી જેકી પાર્થને પાછળની સીટ પર લઇ ગયો.
દર્શન અને મિત્રા બંને એમની આદત મુજબ, વિન્ડો સીટ છીનવાઈ જાય એ પહેલા જ અડ્ડો જમાવી બેસી ગયા. અને બીજા બધા આડાઅવળા થઇ બેસી ગયા.

‘કાકા, જરા સાચવી લેજો હો…!’ આનંદે વિનંતી ભર્યા સ્વરે કહ્યું,
‘હેં… મારે સાચવવાનું છે !? હું તો મોજ કરવા આવ્યો છું હો…! પ્લાન તારો હતો, તું તારે જોઈ લે…!’ કહી કાકા સીટ પર ગોઠવાઈ ગયા…! અને આનંદને હ્રદયમાં ફાળ પડી, મતલબ આ બધાને મારે સાચવવા ના છે…?’ એ સ્વગત બબડ્યો. એની નજરો સામે આખી વાનરસેના અહીંથી તહી કુદાકુદ કરતી હતી…! હરામ બરાબર જો કોઈ એક મિનીટ માટે પણ શાંતિથી બેઠું હોય !

નીખીલની મસ્તી, વિશુનું અંગ્રેજી, પાર્થનું ઉર્દુ, દશલાના કટાક્ષ, જેકીનો ઢબુડી તરફનો ઝુકાવ, અને મિત્રાનું નકામું પણું… ભલે હમણાં એ પ્રાણી શાંત બેઠું છે, પણ નક્કી એ પાછળથી ઉત્પાત જરૂર મચાવશે ! આટલા બધા નેગેટીવ પરિબળો સામે બે જ પ્લસ પોઈન્ટ, દર્શનનો શાંત સ્વભાવ, અને કાકાની મેચ્યોરીટી ! પણ એટલાથી તો શું થાય, એ બે શાંત બેસશે, પણ બીજાઓનું શું…! અને ઉપરથી બોનસમાં આનંદને કંડકટર અને ડ્રાઈવર પણ નમુના જ ભટકાણા…!

‘આ ટ્રીપ તો થઇ રહી પાર હવે…!’ એ બબડ્યો. એને અંદાજ આવી ચુક્યો હતો, કે એણે જ સામે ચાલીને સાંઢને લાલ કપડું બતાવ્યું હતું. અને એ હમણાં એ અમંગલ ક્ષણને કોસી રહ્યો હતો, જે ક્ષણમા એને આવો ભયાનક વિચાર આવ્યો !

એના એવા વિચારોમાં ખેલેલ પડી, અને મી.ધૂળધાણી એ ઝાટકા સાથે બસ હંકાવી મૂકી !

( ક્રમશઃ )

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.