Gujarati Writers Space

એક પ્રેમ આવો પણ ( પ્રકરણ – ૫ )

એક મોટી, બંધ કારખાના જેવી જગ્યા, જ્યાં થોડી થોડી જગ્યાએ મોટા ખાલી પીપ પડેલા છે, તો ક્યાંક મોટા મોટા બોક્સ મુકેલા પડ્યા છે ! અજવાળું તો બસ નામનું જ આવે છે, એમ કહો તો ચાલે ! જ્યાંને ત્યાં કરોળિયાના જાળ બાઝેલાં છે અને દીવાલો પર તો ગરોળી, વંદાઓનો ડેરો જ સમજો ! થોડોક વેરવિખેર કાટમાળ અને ભંગાર ચીજો પડેલી છે. બંધ કારખાના ના ખૂણાઓમાં પોતાનો સંસાર માંડીને રહેતા અને આમતેમ ઉડાઉડ કરતા કબૂતરોની પાંખોના ફાફડાટ થી કારખાનામાં પડતા પડઘાથી અર્જુન સહેજ ડરીને જાગી જાય છે !

સામે બધું ધૂંધળું દેખાઈ રહ્યું છે, બાજુમાં, ખુરશીમાં કાનજી બાંધેલી હાલતમાં હજી પણ બેભાન પડ્યો છે, અને એ જ રીતે પોતે પણ બંધાયેલો છે ! બંને જણાના પગ અને હાથ ખુરશીના પાયા અને હાથા સાથે ચુસ્ત રીતે બાંધેલા છે ! અને મોંઢામાં ડૂચો ભરાવી ફરતે કપડું બાંધેલ છે, બોલવાનું તો દૂર પણ મોં ખોલવામાં પણ તકલીફ થઇ રહી છે !

છતાં અર્જુન હુંકારા ભરી કાનજીને જગાવાનો પ્રયાસ કરી રહ્યો છે ! કાનજી જાગે એ પહેલાં એની નજર કારખાનાંના સામેના છેડે પડે છે… દૂર ખૂણામાં ત્રણ મોટા હષ્ટપુસ્ટ કદના પુરુષો ખાટલો ઢાળીને સુઈ રહ્યા છે ! એ હાલ કઇ જગ્યાએ છે એનો પણ એને કોઈ અંદાજ નથી. અને સાથે માથાના પાછળના ભાગે અસહ્ય વેદના પણ થઈ રહી છે !
થોડા સમય બાદ કાનજી ને હોશ આવે છે. એની નજરોમાં એ જ પ્રશ્નાર્થ છે… એ બંને ત્યાં આવ્યા ક્યાંથી? બંને મુંજાતા એકબીજાને તાકી રહ્યા છે. સામેથી એક પુરુષ હાથમાં પાણીની ખાલી બોટલ લઇ તેમની દિશામાં ઊંઘમાં ચાલતો હોય એમ આવી રહ્યો છે, અને થોડેક દૂર પડેલ માટલામાંથી પાણી ભરવા લાગે છે. કાનજી અને અર્જુન બંને જોરથી હુંકારા ભરે છે અને એનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે !

‘તો તમે બંને ઉઠી ગ્યા એમ ને…’, એ પુરુષ તેમની નજીક આવીને આંખો સાફ કરતા કહે છે, એ સાંભળી બંને વધુ જોરથી અવાજ કાઢી, આંખના ઈશારા બાંધેલી દોરી તરફ કરી, પોતાને છોડવા માટે કહે છે,

‘ફારૂક ભાઈ, યે દોનોં બંદે ઉઠ ચુકે હૈ… કયા કરું ઇન્કા…?’, સામે છેડે બુમ પાડી વાત કરે છે,
‘ઈતની સુબહ સુબહ મેં મુજે પરેશાન મત કર… ચૅન સે સોના ભી નસીબ નહીં હૈ…! જા અંદર જાકે ‘ઝેબા બેગમ’ કો જગા… વહી નિપટેગી ઇનસે !’

‘જી જનાબ’, કહી એ અંદર ચાલ્યો જાય છે.
‘આ ઝેબા બેગમ કોણ?’, કાનજી અને અર્જુનના મનમાં એક સરખો જ પ્રશ્ન ઉઠે છે, પણ એના સામે આવ્યા સિવાય જવાબ મળવો અશક્ય છે.

થોડીવારે કાનજી અને અર્જુન સામે એક છોકરી બગાસાં ખાઈ, આળસ ખંખેરતી, આવીને ઉભી રહે છે, જેને જોઈ બંનેની આંખો ફાટીની ફાટી રહી જાય છે… બંનેની નજરો સામે એ વ્યક્તિ ઉભી છે, જેને તેઓ ‘મિતાલી’ના નામે ઓળખે છે !

‘તો બંને નબીરાઓ ઉઠી ગયા એમ ને !’, એ નાનું બગાસું ખાતા એ કહે છે.
કાનજી વધુ જોરથી ધમપછાડા કરવા માંડે છે એ જોઈ ઝેબા બેગમ કહે છે,
‘ઇઝી ઇઝી માય કાનજી ડાર્લિંગ… ખોલું છું બંને ને…!’
એણે કાનજી અને અર્જુનના મોંઢા ફરતે બાંધેલો પાટો કાઢ્યો, બંને એ મોંઢામાં પડેલ ડૂચો થુંકી ફેંક્યો…

‘આ બધું શું છે મિતાલી…?!’, કાનજીએ અકળાઈ ઉઠીને પૂછ્યું, અર્જુન હજી ખાંસી ખાઈ રહ્યો છે, અને મોં ખોલી ખોલીને શ્વાસ લેવાનો પ્રયાસ કરી રહ્યો છે.

‘મિતાલી નહીં ડાર્લિંગ… હું ઝેબા બેગમ છું, બટ યુ કેન કૉલ મી ઝેબા!, કહી એ ખડખડાટ હસી પડી.

‘તમે બંને અંદરોઅંદર થોડી વાતો કરી, રામ-ભરત મિલાપ કરી લો… હું અંદરથી ચા પીને આવું… તમે શું લેશો ‘ચા કે કોફી’, અમે અમારા મહેમાનોનું ખૂબ ધ્યાન રાખીએ હ…!’, કહી એ હસવા માંડી.

‘હાક… થું!’ કહી કાનજી એની સામે થુંકયો.
‘બહુ ગુસ્સો ભર્યો છે તારામાં… કદાચ આ ગુસ્સો તમારા દેશને બચાવવામાં પણ કામ લાગતો!’, કહી એ અંદર ચાલી ગઈ.

બંનેને કંઈ જ સમજણ નથી પડી રહી કે તેમની સાથે થઈ શું રહ્યું છે !
‘કાનજી આપણે અહીં કઇ રીતે આવ્યા…? અને આ મિતાલી આમ કેમ કરે છે, એ પોતાને ઝેબા કેમ કહી રહી છે. મને છેલ્લે કઇ ઘટના બની એનો સહેજ પણ અંદાજો નથી. માથું ફાટી રહ્યું છે. સાલું આ થઈ શું રહ્યું છે…!’, કહી અર્જુને જોરથી ચીસ પાડી.

‘અર્જુન મારી પણ એ જ હાલત છે… ટૉટલી બ્લેન્ક!’
થોડીવાર એમ જ વિચાર કર્યા બાદ અર્જુન ઝબકીને એકાએક બોલી ઉઠે છે,
‘કાનજી છેલ્લે આપણે ગાર્ડન હોટલમાં હતા… અને તેં….’
‘અને મેં સિયાનો હાથ પકડી લઇ એનો નકાબ ખેંચી કાઢ્યો હતો…’
‘કાનજી… કાનજી એ ચેહરો… એ ચેહરો ક્યાંક જોયેલો લાગતો હતો નહિ…?’
‘હા…મને પણ એમ લાગ્યું જ હતું. પણ બુકાની ખેંચાયાની ગણતરીની જ સેકન્ડ્સમાં એણે ચેહરો ફરી ઢાંકી દીધો હતો, અને પછી…’

‘પછી એ અને મિતાલી હોટલ બહાર ચાલ્યા ગયા હતા, અને આપણે પણ એમની પાછળ થયા હતા. મિતાલી કોઈને ફોન પર ફોન જોડી રહી હતી.’

‘અને પેલું આપણી પાછળ બે જણ બાઇક પર આપણો પીછો કરી રહ્યા હતા એ…!’
‘હા… થોડું થોડું યાદ આવે છે. પણ માથું ફાટતું જાય છે મારું!’
‘અને પછી એ બંને એક સુમસાન રસ્તા પર ગાડી ઉભી રાખી દે છે, અને આપણે પણ ગાડી છોડી એમની સાથે વાત કરી રહ્યા હોઈએ છીએ, અને પછી એકાએક માથામાં જોરદાર ફટકો. બસ એના પછીનું કંઈ પણ મને હમણાં યાદ નથી આવી રહ્યું. બસ આંખો સામે અંધારું જ છવાઈ ગયું જાણે !’

‘એક્ઝેટલી ડાર્લિંગ!’, અંદરથી મિતાલી હાથમાં ચાનો કપ લઇ બહાર આવે છે, અને સામે પડેલ એક સ્ટુલ પર બેસે છે,

‘એના પછી કંઈ ખાસ બન્યું પણ નથી…!’, ચાનો ઘૂંટ મારતા એ કહે છે !
‘સિયા ક્યાં છે મિતાલી…!’, અર્જુન ગુસ્સાથી પૂછે છે
‘શસ્સસ… એ અંદર સુવે છે, એની દરેક ઈચ્છા અમારા માટે અગત્યની છે, અને એની ઊંઘ પણ… એન્ડ ડોન્ટ કૉલ મી મિતાલી. આઈ એમ ઝેબા, ઝેબા બેગમ…!’

‘તું મિતાલી હોય કે ઝેબા એનાથી અમારે શું લેવાદેવા. અમને અહીં કેમ લાવવામાં આવ્યા છે એ બોલ..?’, કાનજી એ પૂછ્યું.

‘કાનજી તારો ગુસ્સો જોઈ હું તારા પર આફરીન થઈ ગઈ છું. કસમથી, જો મારો ‘શૉહર’ અહીં ન હોત તો હું તને ચૂમી બેઠી હોત…!’

‘શૉહર…!?’, બંને લગભગ જોડે જ બોલી ઉઠ્યા!
‘હા… શૉહર! જો પેલા સામે દેખાય છે, લાલ પઠાની પહેરીને સુતા છે ને એ… ‘ફારૂક’ નામ છે એમનું!’, ઝેબા એ આંગળીથી ખૂણામાં ખાટલામાં સુતા પુરુષને દર્શાવતા કહ્યું.

‘તું મેરિડ છે…?’, કાનજીએ સહેજ આઘાતમય સ્વરે પૂછ્યું.
‘ઓહ યસ…!’, એણે ગર્વ લેતા કહ્યું.
‘તો પછી પેલું ફેસબુક એકાઉન્ટ, આપણી વાતો, આપણી મુલાકતો… એ બધું શું કામ…?’, કાનજી કઇંક ગુમાવી બેઠો હોય એવા સ્વરમાં પૂછ્યું.

‘એ બધું જ બનાવટ હતી… એક મોટા હવનમાં આહુતિ આપતા પહેલાની પૂર્વતૈયારીઓ માંની એક!’

‘મિતાલી કે ઝેબા, તું જે હોય એ… હવે મને એનાથી કોઈ ફરક નથી પડતો. અમને અહીં કેમ લાવ્યા છો, એ કહો…?’, કાનજીએ અકળાઈને પૂછ્યું.

‘તમે સિયાનો ચેહરો જોઈ ચુક્યા છો, અને શું તમને એને પહેલા પણ ક્યાંક જોઈ હોય એવું લાગ્યું…?’, ઝેબા એ પગ પર પગ ચઢવતાં કહ્યું.

અર્જુન અને કાનજી બંને એકબીજાને જોવા લાગ્યા.
ઘડીભર રહી ઝેબાએ બોલવાનું ચાલુ કર્યું,
‘હોલ્ડ ઓન… હું પણ ક્યાં તમને પૂછું છું…? ગઈકાલ રાતની વાત તમને માંડ યાદ હોય તો બે વર્ષ પહેલાં નજરે ચડેલો ચેહરો હમણાં ક્યાંથી યાદ આવે…?’

બંનેની મૂંઝવણમાં વધારો જ થતો રહ્યો, બંને પાસે પૂછવા માટે અઢળક પ્રશ્નો હતા, જેની હાલ એમને ચોખવટ જોઈતી હતી!

‘જુઓ તમને સમજાવું…’, કહી ઝેબાએ આજુબાજુ ચાલતા ચાલતા બોલવાનું શરૂ કર્યું.
‘જેને તમે સિયા તરીકે ઓળખો છો એનું નામ છે ‘કાવ્યા ચૌધરી’,
બંનેના મગજમાં એક આછો ઝબકારો થઈ ગયો અને એમના હાવભાવ જોતા વાતનું કનફર્મેશન કરતા ઝેબાએ કહ્યું, ‘હા… બસ એ જ! તમારી મનની નજરો સામે જે ચેહરો આવ્યો એ જ આ કાવ્યા ચૌધરી! એ જ ચેહરો જે બે વર્ષ પહેલાં છાપે અને ટીવી સ્ક્રિનસ્ પર તમને પણ નજરોએ ચઢ્યો જ હશે. એકચ્યુલી અમારી સિયા છે જ એવી સુંદર કે એને એક વખત જોનારો ક્યારેય એનો ચહેરો ન વિસરી શકે !’

‘પણ એ કાવ્યા ચૌધરી તો…’, કાનજીએ દિમાગ પર જોર આપવા પ્રયાસ કર્યો, છતાં યાદ ન આવ્યું કે કઈ બાબતે એનો ચહેરો છાપે ચઢ્યો હતો.

‘એ માટે તમારે કાવ્યા ચૌધરીની આખી વાત જાણવી પડશે. એની કહાની કઇંક આવી છે.’, કહેતાં એણે કાવ્યા ઉર્ફ સિયાની વાત કરવાની ચાલુ કરી…

‘કાવ્યા ચૌધરી, કચ્છની ધરતીનું એવું નામ જેને જીંદગી પાસે કોઈ મોટી મોટી માંગણી નથી. એણે ક્યારેય પિતાનો ચેહરો પણ નથી જોયો, બસ એક મા જ હતી જે એની સાથીદાર હતી! ખેતીકામ કરીને એ ઘર ચલાવતી, અને એકની એક દીકરીને ઉછેરતી. એમનું ખેતર બોર્ડર નજીક હોવાથી અવારનવાર નાના મોટા છમકલાંની એ સાક્ષી બનતી રહેતી. એની માને સૈનિકો માટે ભારે માન… એમને અવારનવાર મુશ્કેલીના સમયે ભોજન કરાવતી તો ક્યારેક ઘણા સમયે ઘરે જતા સૈનિકોને પોતાના ખેતરના તાજા પાક કોથળા ભરીભરીને પણ આપતી! કાવ્યાની જીંદગી શાંતીથી જ વીતી જતી. જો એના જીવનમાં એ ભયંકર રાત ન આવતી તો!

એક રાત સરહદ પાર કરી, કેટલાક ગુસણખોરો ઘુસી આવ્યા, અને છુપાવવા માટે કાવ્યાના ખેતરમાં પેઠા. જવાનોને વાતની જાણ થતાં અંધારામાં ગોળીબાર ચાલુ કરી દીધો. સદનસીબે બધા ગુસણખોરો મરીને ઠાર થયા! પણ કાવ્યાનું બદનસીબ કે એ જ રાત્રે એની મા પણ કામ અર્થે ખેતરમાં મોડા સુધી રોકાઈ હતી. અને પછી મૃત્યુને ગળે લગાવી ઘરે પાછી ફરી હતી! આ ઘટનાના આઘાતે એના મનમાં ગાંઠ વાળી દીધી કે એની માની મોતનું કારણ એના પોતાના દેશના સૈનિકો જ છે…!

એણે બદલો લેવાનું નક્કી કર્યું અને ગામ આસપાસ નાના નાના છમકલાં કરવાનું શરૂ કરી દીધું, ક્યારેક એ છુપી રીતે સેના પર પથ્થરમારો કરી આવતી તો ક્યારેક એના જેવા બીજા થોડા નવજુવાનોને સેના વિરુદ્ધ ભડકાવતી! એક દિવસ તો એણે બધી હદો વટાવી નાંખી! એક પરિચિત સૈનિકને ઘરે જમવા આમંત્રીત કરી એને જીવતો સળગાવી મુકવાનો પ્રયાસ કરી બેઠી! મળેલી ટ્રેઈનિંગનો ઉપયોગ કરી સૈનિક તો બચી ગયો. અને કાવ્યાની ધરપકડ કરવામાં આવી! અને છાપે અને ટીવીએ ફોટા સાથે નામ ચઢ્યું

‘સૈનિકને જીવતો સળગાવી દેવાના પ્રયાસમાં કચ્છની 19 વર્ષની યુવતી કાવ્યા ચૌધરીની ધરપકડ!’

એની ન્યૂઝ સાંભળી મેં મારા શૉહરને કહ્યું કે, ‘કેમ પણ કરીને મારે આ છોકરી જોઈએ…!’
ગુનાને અનુરૂપ કેદ કાપ્યા બાદ એ છૂટી આવી અને મારા શૉહર દ્વારા એ મારા સંપર્કમાં આવી, એનો બદલો હજી પત્યો ન હતો, અને ગુસ્સો તો સાતમા આસમાને!

બસ એ જ વાતનો મેં ફાયદો ઉઠાવવાનું નક્કી કર્યું, મેં એને મારા મિશનમાં એક પ્યાદા તરીકે વાપરવાનું નક્કી કર્યું, અને મારું ડ્રિમ મિશન અસ્તિત્વમાં આવ્યું…’ મિશન બુમમમ…!’

અર્જુન અને કાનજી ફાટી આંખે બધું સાંભળતા રહ્યા. પગતળે જમીન જ ન હોય એવું લાગતું હતું!

‘તો તમે બધા અહીં કેમ આવ્યા છો…?’, થોડીકવાર ડઘાઈ રહી અર્જુને પૂછ્યું.
‘મિશન પૂરું કરવા…!’
‘પણ આ વિસ્તાર એટલો પણ મોટો નથી કે તમારા મિશન માટે યોગ્ય પણ નથી…!’, કાનજી એકાએક બોલ્યો. ઘડીભર અર્જુન પણ વિચારતો રહી ગયો, કાનજીનો ટોન સામે પક્ષની તરફેણમાં હોય એમ લાગતું હતું…!

‘એ જ તો કાનજી…! અમે નાના નાના શહેરોને જ ટાર્ગેટ કરવા માંગીએ છીએ. મોટા શહેરોમાં સલામતીના ઘણા પ્રશ્નો નડતા હોય છે, જ્યારે નાના સેન્ટરમાં પ્રમાણમાં અગવડ ઓછી પડે છે, અને પૂરતો સહકાર પણ મળી રહે છે…!’

‘સહકાર… કેવો સહકાર…?’, અર્જુને પૂછ્યું.
‘કેટલાક લોકલ પોલિટિશિયન્સનો સહકાર… એ બધું તમારી સમજની પરે છે! ટૂંકમાં કહું તો ક્યારેક આગળ વધવા માટે એ લોકો પોતાના મૂલ્યો વેચે છે, અને અમારા જેવા આવી તકનો લાભ લઇ લે છે!’

‘તો તમારે સિયા અને મિતાલી બનવાનું નાટક કેમ કરવું પડ્યું, અને લાયબ્રેરી, આપણી મિટિંગ્સ, એ બધું નાટક કેમ…?’, અર્જુને બમણા ગુસ્સાથી પૂછ્યું.

‘મિશન સફળ કરવા માટે કેટલાય પરિબળો પર ધ્યાન આપવું પડે છે, જેમાંથી એક હોય છે ‘રેકી કરવી’, મતલબ કે આસસપાસના મહોલનું નિરીક્ષણ અને એમાં ભળવાના પ્રયાસ! સિયા અને મિતાલી બનવા અમે અમારા ડુપ્લીકેટ કોક્યુમેન્સ્ટ બનાવડાવ્યા, અને સોશિયલ રેકી કરવા માટે મેં એક લોકલ ફેસબુક એકાઉન્ટ હૅક કર્યું. આવા ખોટા ડોક્યુમેંન્ટ્સ બનાવા અને હેકિંગ જેવું કામ તો અમારે રોજબરોજની દિનચર્યાનો એક ભાગ જ ગણી લો! અને રહી વાત લાયબ્રેરીની તો અમેં ત્યા ફક્ત સિયાના વાંચનના શોખના કારણે આવતા હતા, એને વાંચનનો ગજબનો શોખ, અને એની ઈચ્છા પુરી કરવી ખૂબ જ જરૂરી, અફટરઓલ, અમારા મિશનનું ઘણું અગત્યનું અંગ છે એ! અને નકલી ડોક્યુનેન્ટ્સ હોવાથી ક્યાંય પણ પ્રવેશવું સહેલું જ હતું. બસ સિયાનો ચેહરો ન ઓળખાય એની જ કાળજી અમારે લેવાની હતી. અને આ કાવ્યા… માય ગૉડ! એને જોઈતું મળી રહ્યા બાદ બમણાં ઉત્સાહથી ફારૂકને કાઉન્સિલિંમાં સાથ આપતી!’

‘કેવું કાઉન્સિલિંગ…?’, અર્જુને પૂછ્યું.
‘તમે એને બ્રેઇનવોશ કહી શકો…! એને ટ્રેઈન કરવામાં ફારૂકને છેલ્લા દોઢ વર્ષથી દિવસરાત એક કરવા પડ્યા છે, અને અમને વિશ્વાસ છે કાવ્યા અમને જોઈતું કામ બખૂબી પૂરું પાડશે!’

‘પણ તમે બંને એ અમને આ બધામાં કેમ સંડોવ્યા…?’, અર્જુને પૂછ્યું.
‘અમે તમને નથી ફસાવ્યા, તમે જાતે જ એમાં ફસાયા છો. જ્યાં સુધી આપણે સંપર્કમાં નહોતા ત્યાં સુધી બધું સુવ્યવસ્થિત ચાલતું હતું, હું લાયબ્રેરીમાં પણ કાવ્યાનુ બ્રેઇનવોશ કરતી, તમારા આવ્યા બાદ એમાં અગવડ થવા લાગી. અને આપણી પહેલી મુલાકાત વાળી વાત…! એ અંગે તો માંડ માંડ બચ્યા હતા અમે! એમાં બન્યું એમ હતું કે મિટિંગ નક્કી થઈ એ દિવસે તમે થોડાંક મોડા પડ્યા હતા, અને હું અને કાવ્યા શેલ્ફ પાસે ઉભા મિશન અંગે થોડી અગત્યની ચર્ચાઓ કરી રહ્યા હતા, અને પાછળ ઉભો એક ડોશો અમારી વાત સાંભળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પણ મારી બેટી કાવ્યા અદાકારા પણ ઊંચા ગજાની! એણે, અચાનકથી મિટિંગ ગોઠવવાની બાબત માટે મારી ઝાટકણી કાઢવા માંડી! અને પછી એટલામાં અર્જુન મુર્ખ બુક ફાડીને લાવ્યો અને સાહેબે એની ઝાટકણી કાઢી, એમ દરેકનું ધ્યાન એમાં ગયું, પણ પાછળ ઉભા ડોશાને હજી પણ અમારી જ વાતોમાં રસ પડતો હતો, એટલે અમે તમને ‘મારો કાનજી’, ‘ઘેલો’, એવું કહેતાં વાતનો દોર ચાલુ રાખ્યો!

આમ જોતાં મારુ કાનજી સાથે ઘેરાબો વધારવો, અને નાની નાની વાતે આનાકાની કરવી એ તમને કોઈ અંદેશો પણ ન આવે એ બધું જ મારા પ્લાનનો એક ભાગ હતો, ઇવન મારા શૉહર પણ એ વાતથી વાકેફ છે…!

અર્જુનને એકાદી બુક સજેસ્ટ કરી તમારી નજદીક આવવું એ બધોજ એમનો પ્લાન હતો! અમારા બંને માટે મિશનની સફળતાથી ઉપર કંઈજ નથી! અને તમારા સંપર્કમાં આવ્યા બાદ અમને શહેરની ‘રેકી’ કરવામાં સરળતા રહેતી. નહીંતર કાનજી તું જ વિચાર, કોઈ છોકરી તારા જેવા નબીરાને આટલો ભાવ આપી, બધી જગ્યાએ હા માં હા કઇ રીતે પાડી દે !’, કહી એ ક્રુર રીતે હસી !

થોડીવાર ભયંકર મૌન છવાઇ રહ્યું ! કાનજી તો ‘તું છોડ તો હું મારવા દોડું’ની સ્થિતિમાં બાંધેલા હાથપગ પછાડયા કરતો…! અર્જુન સાવ સુન્ન થઈને પડી રહ્યો હતો,

‘તો હવે તમે લોકો અમારી પાસેથી શુ કરાવા માંગો છો…?’, અર્જુને નીચે તાકી રહી પૂછ્યું.
‘તમે અમારા કોઈ કામના નથી. અમારા જેટલા ઊંચા કામ કરવાનું તમારું ગજું નથી! તમે કાવ્યાનો ચેહરો જોઈ લીધા બાદ એને ઓળખી જાવ તો અમારા મિશનના માર્ગમાં મોટો કાંટો સાબિત થાઓ. માટે કાલે તરત જ અમે અમારા સથીદારોની મદદ માંગી તમને ઘાયલ કરી અહીં લઇ આવ્યા!’

‘જેને તું ઊંચા કામ કહે છે એ ‘દેશદ્રોહ’ છે!’, કાનજીએ કહ્યું.
‘દેશદ્રોહ તો કાવ્યા માટે છે, હું તો દુશમન દેશથી ઘુસી આવવામાં સફળ થયેલી એવી વ્યક્તિ છું, જે કાવ્યા જેવા દેશના જ સંતાનો દ્વારા તમારા જ દેશની તબાહી કરાવશે!’ અને આખું કારખાનું એના ક્રૂર હાસ્યથી ગુંજી ઉઠ્યું.

કાલ સુધી શાંતિની જીવન વિતાવી રહેલા કાનજી અને અર્જુન હમણાં આતંકવાદના ગંદા કીચડમાં ફસાઈ ચુક્યા હતાં!

થોડી વારે અર્જુને મૌન તોડતા કહ્યું.
‘મારે સિયા સાથે વાત કરવી છે…!’, આંખમાં આવેલ આંસુને મહામહેનતે રોકી રાખી અર્જુને ઝેબાને, કાવ્યા ઉર્ફ સિયાને બોલાવવા કહ્યું…!

( ક્રમશ: )

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.