Gujarati Writers Space

એક પ્રેમ આવો પણ ( પ્રકરણ – ૧ )

‘એય… એય… જલ્દી પેલી સ્કૂટી પાછળ ગાડી લે જલ્દી… !’ – અર્જુને ગાડી ચલાવી રહેલા કાનજી ને કહ્યું.

‘હા… પણ છે કોણ એ સ્કૂટી પર…?’ – કાનજી કઇંક ચિડાઈ, બાઇક સ્કૂટી પાછળ લેતા બોલ્યો.

‘એ મને પણ નથી ખબર… બસ તું એની પાછળ જાવા દે ને હમણાં !’

‘સાલા ચિપો… આમ છોકરીઓ નો પીછો ન કરાય ! કઇંક શરમ જેવું બાકી પણ છે કે નહીં… એક તો પહેલાથી ત્રણ છોકરીઓને ગોળ ગોળ ફેરવે છે અને હવે પાછું આ…’

‘કાનજી ભાષણ આપવાનું બંધ કર, આવી વાતો તારા મોઢે નથી શોભતી. તું કેટલા પાણીમાં છું એ હું પણ જાણું જ છું. તું હમણાં સ્પીડ વધાર ને ભાઈ… !’

‘હા ભાઈ… માન્યું કે તારું નામ અર્જુન અને મારું નામ કાનજી છે… પણ આ કળયુગ છે ભાઈ. અહીં કાન્હા એ રથ ધીરોજ હાંકવો પડે, સામે ટ્રાફિક તો જો. એક તો બાપા એ માંડ માંડ ગાડી અપાવી છે, અને એમાં તારા ચક્કરમાં ક્યાંક ભરાઈ જાઉં તો… !’

‘તારી તો…? ની તો કહું હમણાં મેં… સ્પીડ વધારને ડફોળ !’
કાનજીએ એક્સીલેટર પર સહેજ વધારે જોર કાઢ્યું અને ગાડી દોડાવી.

‘બાય ધ વે… સ્કૂટી પર તો બે જણીઓ છે, તું કોને જોઈ ને પાછળ લઇ જાય છે… પાછળ બેઠી છે એ કે પછી આગળ વાળી’

‘જે ગાડી ચલાવે છે એ’
‘એની તો ખાલી આંખો એકલી જ દેખાય છે !’
‘હા, બસ એ માંજરી આંખો તો મને એની તરફ ખેંચે છે !’
‘રસ્તે મળતી છોકરીઓની આંખો જોવા ભાઈ મારી ગાડીના પેટ્રોલના ધુમાડા કરાવે છે !’ – કાનજી એ કઇંક મૂળ બગાડતા જવાબ આપ્યો.

અચાનક ગાડી રસ્તાની ડાબી તરફ વળી અને કાનજી એ બાઇક એની પાછળ લીધું.

ગાડી એક મોટા બિલ્ડીંગ સામે ઉભી રહી અને એ બિલ્ડીંગ હતું -’ સરકારી જીલ્લા પુસ્તકાલય’ !

કાનજી એ ગાડી થોડીક દૂર ઉભી રાખી અને કહ્યું –
‘લે ભાઈ… ગઈ ભેંસ પાણીમાં! તું જે વસ્તુઓથી દુર ભાગે છે એવા પુસ્તકો…! અને આ તો તને પુસ્તકોના જંગલોમાં જ લઇ આવી ! ભાઈને પુસ્તકો એટલા જ ગમતા હોત તો ભાઈ કાંઈ એન્જીનીયરીંગ વચ્ચેથી થોડી છોડતા !’

પણ કાનજીનો લવારો સાંભળવા ઉભો રહે એ અર્જુન શાનો !
એ તો કાનજીની વાત પતે એ પહેલાં તો પુસ્તકાલયમાં પણ પ્રવેશી ગયો. અને સીડીઓ ચડી ઉપર તરફ આગળ વધ્યો. કાનજી પણ એની પાછળ થયો.

‘ક્યાં ગઈ… હમણાં તો ઉપર આવી… અને એટલામાં ક્યાં ખોવાઈ ગઈ !’ – ઉપરની મોટી લાયબ્રેરી રૂમમાં ડાફેરા મારતો અર્જુન બબડયો.

‘યસ… હાઉ મૅ આઈ હેલ્પ યુ સર !’ – રિસેપશન કમ બુક ઈસ્યુ કાઉન્ટર પર બેઠેલા મેડમ બોલ્યા.

તેને જવાબ શુ આપવો એની અર્જુનને સમજણ ન પડી અને એટલામાં કાનજી ત્યાં આવ્યો અને એ મેડમ સાથે ‘હાય’, ‘હાઉ આર યુ’ કરતો વાતો એ વળગ્યો. જાણે એને વર્ષોથી ન ઓળખતો હોય એમ! ચેપો સાલો !

અહીં અર્જુનની નજર હજી પણ એને શોધી રહી છે. પણ એ છે કે બુક શેલ્ફસ પાછળ ક્યાંક ખોવાઈ જ ગઈ છે, તે સામે આવાનું નામ જ નહીં !

એટલામાં લાયબ્રેરીયન હેડ આવ્યા અને ખુરશીમાં ગોઠવાયા. મોટી મૂછો, મજબૂત બાંધો, ફોર્મલ લુક…’ આ લાયબ્રેરીયન છે કે રિટાયર્ડ કર્નલ !’ – એવો વિચાર પણ અર્જુન ને આવી ગયો.

એમનો દેખાવ જોઈ કાનજીના મોઢા માં તો જાણે મગ ભરાઈ ગયા.

‘યસ… કહો, શુ કામ હતું?’ તેમણે કડક અવજે અર્જુન ને પૂછ્યું.
‘જી… અમે તો… બસ એમ જ… !’ – અર્જુન ગૂંચવાતા જવાબ આપતો જ હતો અને ત્યાં જ બે પુસ્તકો કાઉન્ટર પર મુકાયા,

‘સર… આ બુક પાછી આપવાની છે અને આ ઇસ્યુ કરાવાની છે.’ – કાનમાં જાણે કોઈ મધ રેડતું હોય એટલો મીઠો અવાજ અર્જુનના કાને પડ્યો. આ એ જ છોકરી હતી જેની પાછળ અર્જુન અહીં સુધી આવી ચડ્યો હતો. એ હમણાં એની લગોલગ ઉભી હતી. બ્લેક જીન્સ, ઉપર વિવિધ રંગી ચેકર્ડ ધરાવવતી કુર્તિ, અને ગળા ફરતે ગોળ વીંટો મારી બંને છેડા આગળ લીધેલ લાલ દુપટ્ટો. આવ સાદું પહેરવણ છતાં ઘણું જ આકર્ષક !

‘આવડા મોટા થોથા તો આપણને હાથમાં પકડવાનું મન ન થાય અને આ તો વાંચવા લઇ જાય છે, બોલ !’ – કાનજીએ ચોપડીઓની સાઈઝ જોઈ અર્જુનના કાનમાં બબડાટ કર્યો.

પણ એનું તો ધ્યાન જ ક્યાં હતું કોઈ વાતમાં, એ તો બસ અપલક’ પેલી’ને જ જોઈ રહ્યો હતો.

સાહેબ બુક ઇસ્યુ કરી દેવામાં બીઝી હતા અને અર્જુન પેલીને જોવામાં !

એણે હજી પણ મોંઢા પર એ કપડું પહેરેલું હતું… એક્ઝેટ બુરખો તો નહોતો, પણ ચહેરો પૂરો ઢાંકી દે તેમ એણે એ કાળું કાપડ બાંધ્યું હતું… અને એની પાછળ છુપાયેલી એની માંજરી આંખો સાથે થતો અર્જુનની આંખનો અકસ્માત અર્જુનના ધબકારા વધારી દેતા હતા.

પછી એની બહેનપણી એ પણ બુક ઈશ્યુ કરાવી. એને જોઈ કાનજી તો રીતસરનો લાળ ટપકાવતા કૂતરાની માફક જોઈ રહ્યો, અને એ છોકરી પણ કાનજીને જોઈ મંદ મંદ હસતી. એણે ઇસ્યુ કરાવેલી બુકની સાઈઝ પરથી અર્જુને અંદાજ કાઢ્યો કે ‘આ બેન’ બા ને વાંચવામાં ઝાઝો રસ નથી, બસ પેલીની જોડે આવતી હશે… ટૂંકમાં આ એની ’કાનજી’ હશે !’

બુક લીધા બાદ બંને સીડીઓ તરફ આગળ વધી ગઈ.
અર્જુન દોડીને હમણાં તેમની પાછળ જવા જ કરતો હતો અને ત્યાં જ સાહેબના કરોળિયાના જાળાં જેવા પ્રશ્નોમાં અટવાયો.

‘હં તો બોલો… શુ કામ હતું !’
‘જી કંઈ નહીં… એમ જ ખાલી આવ્યા હતા… આંટો મારવા !’
‘બાપ નો બગીચો છે જે આંટો મારવા આવ્યા હતા હેં !’ – અર્જુન નો જવાબ સાંભળી સાહેબ જરા વિફરાઈ ગયા.

‘અરે મજાક કરે છે સાહેબ… અમે તો નવા મેમ્બર બનવા આવ્યા છીએ !’ – વાત સંભાળી લેતા કાનજી એ કહ્યું.

‘માર્યો ગોટાળો… નવા મેમ્બર? શુ તંબુરો મેમ્બર બનવું છે તારે અહીં !’ – અર્જુને ધીરેથી એને બબડી ને કહ્યું.
‘સર બે ફોર્મ પ્લીઝ’ – કાનજી.
અર્જુને ત્રાંસી નજરે એને જોયું, ‘પોતે તો ડૂબશે ને જોડે મને પણ ડૂબવશે !’

સાહેબે એમને ડોક્યુમેન્ટની વિગતો જણાવી અને કાલે આવવા કહ્યું.

અર્જુન ઉતાવળે નીચે ઉતર્યો. પણ ત્યાં સુધીમાં એ સ્કૂટી જતી રહી હતી.

કાનજી પર ગુસ્સો કાઢતા એણે એને માથામાં બે પાંચ ટપલીઓ મારી અને કહ્યું – ‘લહોટ બુદ્ધિ… કોણે કહ્યું હતું ઉપર બફાટ કરવા… આવ્યો પાછો મેમ્બર બનવા વાળો. તારા જ લીધે મોડું થયું અને એ જતી રહી !’

‘શાંત વત્સ શાંત… આ મેં તારા માટે જ તો કર્યું છે… હવે જો સમજ, મેમ્બર બની જઈશું તો આપણે વગર રોકટોકે અહીં આવી શકીશું ને…!’

અર્જુનની આંખમાં એક ચમકારો આવ્યો.
કાનજીની પીઠ થાબળતા કહ્યું, –
‘વાહ મારા ભાઈ વાહ… મને વિશ્વાસ છે તારા પર, તું એન્જીનીયર બનું કે ન બનું… પણ જુગાડું જરૂર બની જઈશ!’

‘મિયાં યે હમારી તારીફ થી યા તોહીન!’ – કાનજીએ અસલ ઉર્દુ લહેકમાં કહ્યું, અને ઉમેર્યું, ‘અને એમ પણ’ પડતો બોલ ઝીલે’ એવા તારા બાપા જેવા મારા પપ્પા નથી, નહિતર હું પણ ક્યારનો કહી ચુક્યો હોત કે એન્જિનિયરીંગ મારાથી નહિ થાય, અને એયને મસ્ત ફરતો હોત તારી જેમ… પણ જેના જેવા નસીબ !’

‘ચાલ હવે નસીબના રોદણાં રોવાનું બંધ કર અને આજની સિગારેટ મારા તરફથી… અને જોડે તને પેટ્રોલનો ટાંકો પણ ફૂલ કરાવી દઉં’

અર્જુનને પૈસાની કોઈ જ કમી ન હતી, પોતાના પૈસે કાનજીનો ટાંકો ફૂલ કરાવ્યા બાદ બંને ‘લવર્સ કોર્નર’ ગયા. આમ તો એ જગ્યા લવર્સ માટે બની હતી, અને કેટલાય કબુતરો એમની કબૂતરીઓને લઇ ત્યાં બેસી ગુટરગુ કરતા, પણ પછી પાછળથી પોલીસે એ જગ્યા બંધ કરી દીધી હતી અને હવે એ યુવાનોનો સ્મોકિંગ ઝોન બની ચૂક્યું હતું.

સિગરેટના કશ મારી તેના ધુમાડાના ગોટા છોડતા અર્જુને ફરી એને યાદ કરવા માંડી. કોણ જાણે કેમ એની માંજરી આંખોમાં અર્જુને એવું તો શું જોયું જે એ આ હદે જઇ પહોંચ્યો. સામે થઈને એ ભાગ્યે જ કોઈ છોકરી જોડે વાત કરતો, અને કાનજી જે ત્રણ છોકરીઓની વાત કરતો હતો એ ત્રણેયને અર્જુનમાં સામેથી રસ પડતો હતો. અને પડે પણ કેમ નહીં ! કસાયેલું જીમ ટૉન્ડ શરીર, આકર્ષક દેખાવ, સોફિસ્ટિકેટેડ પર્સનાલિટી અને એ બધાથી ઉપર, અમીર બાપનું એકમાત્ર સંતાન ! આ બધા સામે એનું અડધું છોડેલું એન્જીનિયરિંગ અવગણી શકાય, અર્જૂનનું પોતે પણ એવું જ માનવું હતો !

પણ હાલ તો એને સિગરેટના ધુમાડાના ગોટામાં પણ પેલીની મંજરી આંખો જ દેખાય છે, કોણ હતી એ, શુ નામ હશે, ક્યાં રહેતી હશે, શુ કરતી હશે… એવા બધા વિચાર કરતા એણે સિગરેટ અને પછી તેની ગંધ મટાવા બે પાંચ ચોકલેટ પતાવી.

Mitra✍😃

( ક્રમશ: )

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.