Gujarati Historical Traveling Talk Writers Space

નિષ્કલંક મહાદેવ – કોલિયાક બીચ (ગુજરાત)

અરબી સમુદ્રમાં સ્થિત છે શિવમંદિર, આહિયા મળી હતી પાંડવોને પાપમાંથી મુક્તિ

“સાગર કિનારે દિલ યે પુકારે ” અરે પુકારે શું કામ કે અહીંયા કોઈ નથી એમ શું કામ કહેવાનું વળી. અહીં જ તો બિરાજમાન છે કલ્યાણકારી દેવાધિદેવ મહાદેવ. ભારતમાં સૌથી વધારે મોટો દરિયાકાંઠો ગુજરાત રાજ્યનો છે, ૧૬૦૦ કિલોમીટર જેટલો લાંબો. એક જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પણ આ અરબી સમુદ્રને કિનારે જ સ્થિત છે. આમ તો ઘાણા શિવ મંદિરો આ અરબી સમુદ્રને કિનારે આવેલાં છે. જેનો ઉલ્લેખ પુરાણોમાં ગવાયો જ છે. બીજાં પણ એવા ઘણાં મંદિરો છે જેનો ઉલ્લેખ પણ પુરાણોમાં થયેલો જોવાં મળે છે.

હમણાં જ એક હિન્દી ફિલ્મ આવી હતી કલંક તો આ કલંકનો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે – નિષ્કલંક. આ શબ્દનું મહાદેવ મંદિર હોય કે શિવલિંગ હોય તો અને એ પણ ગુજરાતમાં અને પાછું સમુદ્રમાં તો તો સોનામાં સુગંધ ભળ્યા જેવી જ વાત થઈને. આ નિષ્કલંક મહાદેવ મંદિર વિષે જાણવું આવશ્યક છે.

ગુજરાત રાજ્યના ભાવનગર જીલ્લામાં કોલિયાક બીચ છે. આ બીચથી ૩ કિલોમીટર અંદર એટલે કે સમુદ્રમાં ઓફકોર્સ અરબી સમુદ્રમાં સ્થિત છે. આ અંતર આટલું જ છે એ કંઈ મેં માપ્યું નથી હોં, કહ્યું એટલે માની લીધું છે મેં. કારણ કે સમુદ્રમાં તો કઈ માઈલસ્ટોન હોતાં જ નથી ને વળી પણ એનું પણ એક ચોક્કસ માપ હોય છે. એટલે એનું અંતર જરૂર માપી શકાય છે. પણ જો રસ્તો હોય તો એ અંતર મપાય પણ ખરું જ ને…? એ રસ્તો છે માટે જ આ અંતર છે અંતર છે માટે જ એ અંતરતમ છે. આ બીચથી દરિયામાં અંદર ૩ કિલોમીટર અંદર અરબી સમુદ્રમાં સ્થિત છે આ નીશ્કંક મહાદેવ. અહીંયા રોજ અરબી સમુદ્રની લહેરો શિવલિંગો પર જળાભિષેક કરતી જ રહેતી હોય છે. રસ્તો ક્યારેક સમુદ્રમાં જતો રહેતો હોય છે પણ એમાં પાણીમાં થઈને ચાલીને ત્યાં જઈ શકાય છે. પણ એ માટે સમુદ્રની ભરતી ઓસરવાની રાહ જોવી પડતી હોય છે. ભારતીના સમયે માત્ર આ મંદિરની ધજા અને સ્તંભો જ નજરે પડી શકતાં હોય છે. આને જોઇને કોઈપણ વ્યક્તિ એ અંદાજો લગાવી શકતો કે પાણીની નીચે સમુદ્રમાં મહાદેવનું એક અતિપ્રાચીન મંદિર સ્થિત છે. અહિયાં ભગવાન શિવજીના પાંચ સ્વયંભુ શિવલિંગ છે

👉 પાંડવોને લિંગના રૂપમાં ભગવાન શિવે કરાવ્યાં હતાં દર્શન
આ મંદિરનો ઈતિહાસ મહાભારત કાલ સાથે સંકળાયેલો છે. મહાભારતનાં યુધ્ધમાં પાંડવોએ ગોત્ર ભાઈઓ (કૌરવો)ણે મારીને ભયંકર સંહાર કરીને યુદ્ધ જીત્યું હતું. પરંતુ યુદ્ધ સમાપ્તિ પશ્ચાત પાંડવો એ જાણીને બહુ જ દુખી થયાં કે એમને પોતાનાં જ સગાં-સંબંધીઓની હત્યાનું પાપ લાગી શકે છે. એટલાં જ માટે આ પાપમાંથી છૂટકારો મેળવવાં માટે પાંડવો ભગવાન શ્રી કૃષ્ણને જઈને મળ્યાં. ભગવાન શ્રીકૃષ્ણે પાંડવોને એક કાળી ધજા અને એક કાલી ગાય આપી અને એ ગાય જ્યાં જાય તેનું અનુસરણ કરવાનું કહ્યું અને એમને કહ્યું કે – જયારે ધ્વજ અને ગાયનો રંગ સફેદ થઇ જાય ત્યારે સમજી લેજો કે તમને પાપમાંથી મુક્તિ મળી ગઈ છે. અને સાથોસાથ એવું પણ કહ્યું કે જે જગ્યાએ આવું થાય ત્યાં તમે ભગવાન શિવની તપસ્યા પણ કરજો

પાંચે ભાઈઓ એટલે કે પાંડવો ભગવાન શ્રીકૃષ્ણનાં કથાનાનુસાર કાલી ધ્વજા હાથમાં લઈને કાલી ગયા જ્યાં જાય તેનું અનુસરણ કરતાં જવાં લાગ્યાં. આજ ક્રમમાં એ બધાં જુદી જુદી જગ્યાઓએ ગયાં પણ ગાયે કે ધ્વજાએ એમનો રંગ ના બદલ્યો. પણ જ્યારે તેઓ વર્તમાન ગુજરાતમાં સ્થિત કોલિયાક બીચ પર પહોંચ્યા તો ધ્વજા અને ગાયનો રંગ સફેદ થઇ ગયો. આથી પાંચેય પાંડવો બહુ ખુશ થયાં અને ત્યાં જ એ લોકોએ ભગવાન શિવજી તપસ્યા કરવાનો શુભારંભ કરી દીધો. ભગવાન ભોલેનાથ એમની તપસ્યાથી બહુ જ ખુશ થયાં અને પંચે પાંડવોને લિંગસ્વરૂપે અલગ -અલગ દર્શન આપ્યાં. એ પાંચેય શિવલિંગ આજે પણ ત્યાં સ્થિત છે. પાંચે શિવલીંગની બરોબર સામે નંદીની પ્રતિમા પણ છે. પાંચે શિવલિંગ વર્ગાકારે એક ચબુતરા પર સ્થિત છે. અને એ કોલિયાક સમુદ્રથી ૩ કિલોમીટર અંદર અરબ સાગરમાં સ્થિત છે. આ ચબુતરા પાસે એક નાનકડું પાણીનું તળાવ પણ છે જેણે પાંડવ તળાવ કહેવામાં આવે છે. ભક્તજનો પહેલાં એમાં હાથ-પગ ધુએ છે અને પછી શિવલિંગોની પૂજા અર્ચના કરે છે.

👉 ભાદરવા મહિનાની અમાસે અહીં ભરાય છે ભાદ્રવી મેળો
આજ જગ્યાએ પાંડવોને પોતાના ભાઈઓની હત્યાના કલંકમાંથી મુક્તિ મળી હતી એટલાં માટે એને નિષ્કલંક મહાદેવ કહેવામાં આવે છે. ભાદરવા મહિનાની અમાવસે અહીં જે મોટો મેળો ભરાય છે એને ભાદ્રવી મેળો કહેવામાં આવે છે. પ્રત્યેક અમાવસે આ મંદિરમાં ભક્તોની વિશેષ ભીડ રહેતી હોય છે. જોકે પૂર્ણિમા અને અમાવસે દરિયામાં ભરતી આવતી જ રહેતી હોય છે. તેમ છતાં શ્રદ્ધાળુઓ એની ઉતારવાની એટલે કે ઓટ આવવાની રાહ જોતાં જ હોય છે અને પછી ભગવાન શિવજીનાં દર્શન કરે છે.

લોકોની એવી માન્યતા છે કે કોઈ સગાંની ચિતાની રાખ જો શિવલિંગ પર લગાડીને જળમાં પ્રવાહિત કરી દેવામાં આવે તો એને મોક્ષ મળે છે. મંદિરમાં રાખ, દૂધ, દહીં અને નારીયેળ ચઢાવવામાં આવે છે

વાર્ષિક પ્રમુખ મેળો “ભાદ્રવી” ભાવનગરના મહારાજાનાં વંશજો દ્વારા મંદિરની પતાકા ફહેરાવવાથી શરુ થાય છે અને પછી આ જ પતાકા મંદિરમાં એક વર્ષ સુધી લહેરાતી જોવાં મળે છે. આશ્ચર્યની વાત એ છે કે આ એક વર્ષ દરમિયાન મંદિરમાં માત્રએક અને એક જ આ ધજાને કોઈ પણ જાતનું નુકશાન નથી પહોંચતું. અરે એટલે સુધી કે ઇસવીસન ૨૦૦૧મ આવેલાં વિનાશકારી ભૂકંપમાં અહીં ૫૦૦૦૦ લોકો માર્યા ગયાં હતાં ત્યારે પણ આ ધજાને કશું જ નહોતું થયું. આ સંખ્યા કાદાચ અતિશયોક્તિ ભરેલી લાગે પણ એ કદાચ સમગ્ર સૌરાષ્ટ્રની સંખ્યા હોઈ શકે છે આ એક જ જગ્યાની નહીં.

👉 હવે એક વાત કહેવી જરૂરી છે કે આ મંદિર કુદરતનો કરિશ્મા છે એ વાત સાચી, પણ પુરાણોમાં કે મહાભારતમાં આ જ મંદિર છે એ વાત તો સાબિત નથી જ થતીને…? કારણ કે યુદ્ધ પછી તો પાંડવોએ સ્વર્ગારોહણ કર્યું હતું, અને આ વાત તો પંચકેદાર હિમાલયની છે. જ્યાંથી તેમને સ્વર્ગારોહણ કર્યું હતું ‘અને અર્જુને જ આ હેતુસર તુંગનાથ મંદિર બનાવ્યું હતું. હિમાલયની વાત કે એનો ઉલ્લેખ જ સાચો મનાય આ જગ્યાએ જો પાંડવોએ મંદિર બંધાવ્યું હોય તો એ એ યુદ્ધ પશ્ચાત નહીં પણ એ પહેલાં બંધાવ્યું હોય. કારણ કે અર્જુને ૧૨ વર્ષનો વનવાસ સોમનાથમાં કર્યો હતો અને ત્યાંથી એને સુભદ્રાનું હરણ કર્યું હતું. મહાભારતમાં ગુજરાતની ઘણી જગ્યાઓનો ઉલ્લેખ છે ખરો અને પુરાણોમાં પણ. ક્યાંક ક્યાંક કચાશ જરૂર રહી ગઈ છે એમ જરૂરથી કહી શકાય છે.

👉 પણ તમે જો કુદરતને માનતાં હોવ અને કુદરતનાં કરિશ્માને સ્વીકારતાં હોવ અને કુદરતનો અદભૂત નજારો નજરે નિહાળવા માંગતા હોવ તો આ મંદિરના દર્શન એકવાર જરૂરથી કરી આવજો.

સંકલન – જનમેજય અધ્વર્યુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.