Gujarati Writers Space

વર્તમાનપત્ર : આજ હસ્તી પંદર મિનિટ પછી પસ્તી

દુનિયાના તમામ બીજા માણસને છાપુ વાંચી કંઇક પ્રાપ્ત કરવું હોય છે. બીજા માણસને એટલા માટે કે, પહેલા માણસ સાથે બીજો માણસ છાપા માટે લડ્યો હોય છે. એટલું બધું લડે કે વર્તમાનપત્ર માટે પાણીપતનું યુદ્ધ થઇ જાય તો નવાઇ નહીં. સામાન્ય રીતે ઘરમાં થતા મોટાભાગના ઝઘડા પાછળનું કારણ વર્તમાનપત્ર જ હોવાનું.

માણસને તેની મોત પર યાદ કરવામાં આવે. એ રીતે ઘરના એક સભ્યને છાપું ખોલી વાંચવાની ટેવ હોવાની કે આજે ગુજરી કોણ ગયું ? આપણા પાડોશમાં રહેતા ભાઇનો ફોટો તો નથી આવ્યોને ? આવા ચિત્ર વિચિત્ર પ્રશ્નો તે પોતાના આંતરમનને કર્યા કરશે.

વિનોદ ભટ્ટના નિધન પછી એક રમૂજ વહેતી થયેલી કે, એક વાર વિનોદ ભટ્ટ બેન્કે કશા કામ માટે ગયા. ત્યાં બેન્કમાં કામ કરતા કર્મચારીએ તેમની સાથે હાથ મિલાવી હર્ષો ઉલ્લાસથી કહ્યું,‘વિનોદ સાહેબ હું તમારી ગુજરાત સમાચારમાં આવતી કટાર મગનું નામ મરીનો ખૂબ મોટો ફેન છું.’ વિનોદ ભટ્ટ સાથે હાથ મિલાવ્યાનું સુખ મળ્યું હોવાથી તેણે પોતાની બડાઇ હાંકવા બાજુના કર્મચારીને કહ્યું,‘આ વિનોદ ભટ્ટ છે, ગુજરાત સમાચારમાં લખે છે.’

પેલા કર્મચારીએ ચશ્મા આડા કરી જવાબ આપ્યો, ‘મને કેમ ખબર, મારા ઘેર તો સંદેશ આવે છે.’

અદ્દલ આવી રમૂજ મારાથી પણ થઇ ગયેલી. મારા પર ફોન આવ્યો કે દેવજીભાઇનું જૂનાગઢમાં અકાળે અવસાન થઇ ગયુ છે. એ જ દેવજીભાઇ જે રોજ બીજાની અંતિમક્રિયામાં જવા માટે તલપાપડ રહેતા હતા. મારાથી ફોનમાં બોલાઇ ગયું,‘મને કેમ ખબર મારે તો ગુજરાત સમાચારની અમદાવાદ એડિશન આવે છે. એટલે ફોટો નથી જોયો.’

રમૂજ ગમે ત્યાંથી ઉતપન્ન થઇ શકે. વર્તમાનપત્ર ઘરે ઘરે રમૂજ આપવાનું સાધન છે. વચ્ચે એવો યુગ પણ આવેલો કે કોઇની હત્યા થઇ હોય ત્યારે શિર્ષક (ટાઇટલ) ન જડે. એટલે પત્રકાર લખી મારે, મારી શેરીમાં કેમ આવ્યો, આમ કહી છરી મારી દીધી, મારી સામે કેમ જૂએ છે, એમ કહી માથામાં પાઇપ ઝીંકી દીધો.

સૌરાષ્ટ્રમાં અકિલા જેટલી ઝડપથી છનનનનન કરતા ટાઇટલ આપે છે. તેટલું જ છનનનન કરતું દોડે પણ છે. મોટાભાગના તેના હેડિંગોમાં લખેલું હોય, ગઠિયો પાંચ લાખની મતા લઇ છનનનન…. અમદાવાદમાં રહેતા પત્રકારોએ ઘણીવાર આ વિશેનો સવાલ પૂછેલો, પણ છાપું કેવી રીતે ચાલે છે ની માફક છાપામાં આવા ટાઇટલો કેવી રીતે સૂઝી આવે છે, તેની પણ મને જાણ નહોતી.

રોજ ભાગદોડ ભરેલું જીવન હોવાના કારણે સવારમાં ઉઠી લોકોને આવા રમૂજપ્રદાન હેડિંગો વાંચવા હોય છે. આ યુગમાં તો કદાચ આ માટે જ લોકો છાપુ બંધાવતા હશે.

દર વર્ષે જેની લવાજમની સ્ક્રિમ અને ઓછા પૈસા તેનું છાપું ઘેર ધેર હોય. સોશિયલ મીડિયાનો જમાનો નહોતો આવ્યો ત્યારે ગામના નાકે લોકો બોલતા, મેં આ ગુજરાત સમાચારમાં વાંચેલું, મેં આ સંદેશમાં વાંચેલું. એ છાપાની વિશ્વસનીયતા હતી. હવે તો ફલાણા ભાઇ મરી ગયાની અવસાન નોંધ દિવસમાં ત્રણ વાર ફેસબુક પર ફરતી હોય છે.

હુમાયુ કે બાબરના જમાનામાં છાપુ નહોતું. ત્યારે તો રાજા મહારાજા મરી ગયો છે, તેની વાત પણ લોકો દબાવી રાખતા. જ્યાં સુધી તેના ઉતરાધિકારીનો રાજ્યાભિષેક ન થઇ જાય. જો ત્યારે છાપુ હોત તો કેટલો હલ્લો મચી જાત ?

બાબર પાણીપતના યુદ્ધ માટે ઇબ્રાહીમ લોદી પર આક્રમણ કરવાનો છે. આ સમાચાર દિલ્હી ટાઇમ્સમાં છાપાઇ. સવારમાં ઉઠી ઇબ્રાહીમ ચાની ચૂસ્કી લેતા લેતા વર્તમાન પત્ર વાંચતો હોય. તેને ખબર મળે કે બાબરની સેના આક્રમણ માટે દિલ્હી આવવા રવાના, દિલ્હીની ગાદી મેળવવા સત્તા માટે ખેંચતાણ. અને તુરંત ઇબ્રાહીમ પ્રારંભિક તૈયારીઓમાં લાગી જાય. અકબરનો જન્મ ભારતમાં ન થાય અને અને લોદી વંશ ત્રણ રાજાઓ કરતા આગળ પણ ચાલી જાય.

પણ એ સમયે એવું નહોતું. હોત તો લોદીનું નસીબ માનવું. બાબરને ઇબ્રાહિમ લોદી હરાવી શકેત, પણ ઇબ્રાહિમ પાસે વર્તમાનપત્ર હોવા છતા તે મુર્ખ જ રહેવાનો હતો. પાણીપતના યુદ્ધમાં કોઇ દિવસ હાથીઓ લઇ મેદાનમાં ઉતરાય ? બાબરે ત્રણે બાજુથી તોપનો મારો ચલાવ્યો અને હાથીયુક્ત સેના અંદરોઅંદર કચડાઇને મરી ગઇ. ઇબ્રાહીમનો શીરચ્છેદ થયો. બાબરે ઉસ્માની વિધિથી યુદ્ધમાં જીત મેળવી. સારૂ જ થયું ત્યારે છાપુ નહોતું. બાકી ઇબ્રાહીમના મરણના સમાચાર પહેલા પાને છપાત,‘ઇબ્રાહિમની મંદબુદ્ધિ સામે બાબરની ઉસ્માનીવિધિની જીત, દિલ્હીમાં એક નવા યુગનો પ્રારંભ’

છાપુ વાંચનાર હોશિયાર જ હોય તેવુ માની ન લેવું. એક આ સમય છે જ્યારે છોકરાઓ વોટ્સએપ અને ફેસબુકમાં સમય વ્યતિત કરે છે. એક તે સમય હતો જ્યારે ચિત્રલોક પૂર્તિમાં છોકરાઓ મધુબાલાની મુછ કરી મઝા લેતા હતા. બપોર થતા તો મધુબાલા સુનીલ દત્ત બની ગઇ હોય કે ગબ્બર સિંહની આભા તેના ચહેરા પર વર્તાવા લાગી હોય. પરિવારના લોકો વઢે, આમ ન કરાય ? પણ એ સમયમાં નવરાસ વધારે હતી.

મારા એક મિત્રને ટેવ. એ છાપામાં સીધુ ક્લાસિફાઇડનું પાનું ખોલે. પાનું ખોલી અંદર કેટલી જગ્યાએ નોકરીની તકો છે તે પહેલા નોટ કરે. હવે તો એમને નોકરી મળી ગઇ છે, પણ પેલું ક્લાસિફાઇડ વાંચવાનું જતું નથી. જમાનો આગળ વધી ગયો છે, મારાથી કોઇ વાર પૂછાઇ જાય છે,‘હવે તો તને નોકરી મળી ગઇ હવે તો ક્લાસિફાઇડ વાંચવાનું બંધ કર…‘

પણ તે કહે છે,‘આ મારા માટે નહીં મારી ભાવી પેઢી માટે વાંચી રહ્યો છું.’ ક્લાસિફાઇડનો ત્યારે અને અત્યારે પણ એટલો જ દબદબો રહ્યો.

આપણા હરખઘેલા કેટલાક છાપાઓ ચાલતા નથી. પણ ચલાવવા માટે તેની પાસે એક નવું તિગડમ છે. રાજકોટનું એક છાપું નામ ન દેવાની લાલચે અહીં લખું છું. આ છાપુ ચાલતું તો છે નહીં, પણ તારક મહેતાના જેઠાલાલ જ્યારે પણ રાજકોટની મુલાકાત લે… (આમ તો હવે તેમને રાજકોટમાં એક મકાન ન હોય તો લઇ લેવું જોઇએ) તો એ છાપું એમના હાથમાં પકડાવી દે. ફોટો પાડી બીજા દિવસની ફોટો સ્ટોરીમાં લખેલું હોય, જેઠાલાલે વાંચ્યું અમારૂ…. છાપુ. મોરારીબાપુએ જેમ મોટાભાગના લેખકોના પુસ્તકોનું વિમોચન કર્યું છે તેમ જેઠાલાલે ગુજરાતના મોટાભાગના વર્તમાનપત્રોને હાથમાં પકડી વાંચ્યા છે. તેમાં કોઇ અતિશ્યોક્તિ નથી.

હિટલરને દિશાનું જ્ઞાન બિલ્કુલ નહોતું. તેનો ભૂગોળનો શિક્ષક કોણ હતો તેના વિશે તેણે પોતાની આત્મકથા મારો સંઘર્ષમાં પણ નથી લખેલું.

બીજા વિશ્વયુદ્ધમાં છાપામાં છપાઇ કે પૂર્વની દિશામાંથી આક્રમણ થઇ રહ્યું છે, તો તે ત્યાં હુમલો કરી નાખે. હકિકતે હુમલો કોઇ બીજા દેશમાં થવાનો હોય, પણ પોતાના પર થવાનો છે તે ડરના કારણે તે હુમલો કરી નાખતો. એટલે જ હિટલર મિત્ર રાષ્ટ્રો માટે સરમુખત્યાર બની ગયો હશે.

છાપાની તો આવી ઘણી રમૂજ છે….

એક ક્રાઇમ રિપોર્ટરે મેટર છાપવા માટે પોલીસ સ્ટેશને ફોન કર્યો. ફોન જોડી કહે,‘આ હત્યાનો બનાવ બન્યો છે કે નહીં, તેની હું પુષ્ટી કરવા માગુ છું.’

પોલીસ વર્તમાનપત્રનો અઠંગ અભ્યાસુ હશે તે પત્રકારમિત્રને ખબર નહોતી એટલે તેણે સામે કહ્યું,‘હવે જવા દો ને, સવારના છાપાની મેટર તમે એમનેમ સાંજમાં છાપી મારો છો, એમાં હવે પુષ્ટિ શું રહી ? આવતીકાલના મોર્નિંગ ન્યૂઝપેપરમાં થયેલી પુષ્ટિને તમે સાંજમાં છાપી નાખજો. તમારૂ તો ચાલશે જ અને ચાલે પણ છે.’ આમ કહી ફોન કટ કરી નાખ્યો. પતિ-પત્નીના સંબંધો અને સવાર-સાંજના છાપાની મેટરનો વ્યવહાર કંઇક આમ જ ચાલતો હોય છે.

દુનિયાનું સૌથી દુખી છાપુ બસમાં વેચાયેલું હોય છે. ત્રણ રૂપિયાની કિંમતનું આ છાપું તમામ કોમ્યુનિટીના હાથમાંથી પસાર થાય. ભણેલા તો વાંચે અભણ પણ વાંચે !! પછી એ છાપાના શરીરના કટકા થાય. તેમાંથી એક કટકો માત્ર મહિલાને બેસવાની જગ્યા પર ફરતો હોય. બીજો કટકો ધારાસભ્યની જગ્યા પર હોય. પૂર્તિ અપંગ વિભાગની સીટો પર રખડતી હોય અને રિઝર્વેશનમાં છાપાના બીજા પાના રઝડતા હોય.

અમેરિકામાં થયેલા સંશોધન મુજબ એક અઠવાડિયું તમે કોઇ છાપું ન વાંચો તો તમારી અંદર ભરેલી નેગેટિવીટી દૂર થઇ જાય. મારા મિત્રને આ વાતની જાણ થતા તેમણે દિવ્યભાસ્કર ફક્ત સોમવારે વાંચવાનું રાખ્યું છે. બાકી આખુ અઠવાડિયુ તેઓ વિધાઉટ ન્યૂઝ પેપર પસાર કરે છે.

શા માટે પત્રકારત્વ કરેલા વિદ્યાર્થીઓને અથવા તો અનુભવીઓને જ મીડિયામાં નોકરી મળતી હોય છે ? તેનો એક કિસ્સો કહું. અમેરિકામાં એક નવું સવુ છાપુ પ્રકાશિત થયેલું. તેમણે પેજ કંમ્પોઝ કરનાર એક નવા યુવકને રાખ્યો, જેણે પત્રકારત્વ નહીં પણ સાયન્સનો અભ્યાસ કરેલો. તંત્રીશ્રીએ મેટર મોકલી ઉપર લખ્યું, ‘પેજ ભરાઇ જાય તો આ મેટર ન લેવી.’ બીજા દિવસે છાપાના ત્રીજા પાને હેડિંગની ઉપર લખેલું હતું,‘પેજ ભરાઇ જાય તો આ મેટર ન લેવી….’ અને નીચે લખેલું હતું,‘આવનારા સમયમાં સોશિયલ મીડિયાના પરિણામે અંદાજીત એક હજાર છાપા બંધ થવાના એંધાણ.’ કદાચ પ્રથમ આ જ છાપુ બંધ થયું હશે.

~ મયૂર ખાવડુ
(શિર્ષક પંક્તિ-હર્ષદ રૂપાપરા)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.