Gujarati Writers Space

નલિની બહેન : અમે ત્રણ અમારાં ત્રણ

11મી નવેમ્બર 1997ના દિવસે વિનોદ ભટ્ટને 60મું બેઠુ હતું. એકસાથે બે-બે લગ્નજીવન ચાલતા હતા. પ્રથમ લગ્નને 25 વર્ષ અને બીજા લગ્નને 35 વર્ષ થયેલા. વિનોદ ભટ્ટે નોંધ્યું છે કે, ‘પ્રથમ લગ્ન થયા ત્યારે તેમની ઉંમર 22 વર્ષની હતી, તેમના મતે આ મતદાન કરવાની ઉંમર હોય શકે, લગ્ન કરવાની તો બિલ્કુલ નહીં.’ આ 25 અને 35નો ત્યારે સરવાળો કરવામાં આવે તો ટોટલ થયા 60. એટલે વિનોદ ભટ્ટનો 60મો જન્મદિવસ તેમના માટે કંઈક અવનવો હતો, વધારે યાદગાર હતો. વિનોદ ભટ્ટ વિચારતા કે 60ની ઉંમરે પણ હું નથી માનતો કે, ‘લગ્ન કરવાની આ પાકટ વય કહેવાય.’ લગ્ન થઈ ચૂક્યા હતા અને મોટાભાઈ પાસે વિનોદ ભટ્ટ ચાર આના પણ માગી શકતા ન હતા.

જ્યાં ઘીકાંટા પોળમાં તેમનું પહેલું મકાન હતું, ત્યાં પટેલોની વસતિ. હવે, પટેલોના લગ્ન કેટલા ધામધૂમથી થાય અને પટેલો જાનને કેવી રીતે બાર વાગ્યે પાછી વાળી દે છે, એ આજે પણ ચર્ચાનો વિષય છે. વિનોદ ભટ્ટ પોળમાં વરરાજાનું ફુલેકુ નીકળતું હોય ત્યારે બહાર નીકળી જોતા અને મનોમન વિચારતા, ‘વિનિયા તારો પણ એક દિવસ વારો આવશે, તું પણ વરરાજો બનીશ.’ એ સમયે જો મોટી ઉંમરમાં કોઈના લગ્ન થઈ જાય, તો પૂછવામાં આવતું કે, હજુ અત્યારે છેટ તમારા વાંઢા જેવા ઢાંઢાને પરણાવ્યો ? 1959ના દિવસે તેમનું પહેલું લગ્ન થયું. 31મી તારીખ હતી. માતા પિતાની મરજી હતી અને દબાણ પણ હતું, એટલે વિનોદ ભટ્ટ પરણી ગયા. તેમનું મન બોલતું, ‘ભવિષ્યમાં છોકરી સાથે કોઈ તકલીફ થાય તો આપણે માતા પિતા પર દોષનો ટોપલો ઢોળી શકીએ, કારણ કે આ એમનું જ કરેલું કારસ્તાન હોય.’ લગ્ન થઈ ગયા અને વિનોદ ભટ્ટનો સંસાર ચાલવા લાગ્યો. પત્ની મળી ગઈ હતી, પણ કમાણી ન હતા કરતા, બધુ બાપુજીના પૈસે ચાલતું હતું. મોટાભાઈ પાસે એ સમયે પેન્ટ સીવડાવવું છે એવું પણ તેઓ ન બોલતા. બાકી મોટાભાઈ ખૂબ ખીજાળ પ્રવૃતિના. તમારી આબરૂનું ચીરણહરણ કરવાનું કંઈ બાકી ન રાખે.

વાંચવાનો શોખ તમને ક્યાં લઈ જાય તેનું ઉત્તમ ઉદાહરણ એટલે વિનોદ ભટ્ટ. લૈલા-મજનૂ, શીરીં-ફરાદ, હિર-રાંજા, રોમિયો જુલિયટ અને આપણી માનવીની ભવાઈના કાનજી અને જીવીના પાત્રો વાંચીને તેમને મનમાં થયું, ‘એકવાર તો એકવાર આ આયખામાં પ્રેમ તો કરવો જ છે.’ લગ્નનું તો ત્યારે હતું જ નહીં. મેટ્રીકની પરિક્ષા વખતે વિનોદ ભટ્ટ ચોરી છુપે સરસ્વતીચંદ્ર વાંચી રહ્યા હતા. મોટાભાઈએ મેટ્રિકની ચોપડી આડે વાંચતા આ કારસ્તાનને રંગેહાથ ઝડપી લીધુ. પછી શું, ‘ઘરમાં ભણવું હોય તો રહેજે બાકી ચાલ્યો જજે.’ બિલ્કુલ સરસ્વતીચંદ્ર જેવું વિનોદ ભટ્ટને દુખ લાગ્યું. ઘર છોડીને જવાય પણ નહીં. અને વિનોદ ભટ્ટ આ નવલકથા વાંચી પોતાની કુમુદ સુંદરીને શોધી રહ્યા હતા.

એક બહુ સારા વાર્તાકાર પ્રો. રજનીકાન્ત રાવલ નામ. તેમની ઘરે મધુકાકાના કહેવાથી વિનોદ ભટ્ટ ગયા. ત્યાં ગયા એટલે તેમની પત્નીએ તેમને ભોજન કરાવ્યું. રજનીકાન્તની પત્નીનું નામ નલિની હતું. વિનોદ ભટ્ટને ત્યાં જ વિચાર આવી ગયો, ‘લગ્ન કરવા તો એવી કન્યા સાથે જેનું નામ નલિની હોય.’

મનમાં વિચારતા હતા, રમેશ પારેખને તેમની સોનલ મળી ગઈ તે પ્રમાણે આપણને નામ મળી ગયું નલિની ! હવે ખાલી પાત્ર જ શોધવાનું છે. એક દિવસ જ્ઞાતિના જમણવારમાં ગયા. ત્યાં ભોજન ચાલતું હતું. વિનોદ ભટ્ટ પંગતમાં બેઠા અને ગ્લાસ ભૂલી ગયા. ત્યાં એક છોકરી આવી. છોકરીએ કહ્યું, ‘અરે તમે ગ્લાસ નથી લીધો ?’ વિનોદ ભટ્ટ તેની સામે જોઈ રહ્યા. તે ચાલી ગઈ અને થોડીવાર પછી વિનોદ ભટ્ટની પાસે ફરી આવી. આ વખતે તેના હાથમાં ગ્લાસ હતો. જમ્યા બાદ વિનોદ ભટ્ટ એ છોકરીને જ ગ્લાસ આપવા માટે ગયા. તે મળી ગઈ અને વિનોદ ભટ્ટે શરમને નેવે મુકી તેનું નામ પૂછ્યું, સામે ઉભેલી છોકરી બોલી, ‘નલિની.’ અને મનમાં વિજળીનો ઝબકારો થયો.

આ વાતને વર્ષો પછી કરસનદાસ પે એન્ડ યુઝમાં સંડાસમાં ગ્લાસ ફસાયા બાદ આપણા નાયક તિલોકને જયા સાથે પ્રેમ થાય છે, તેનાથી ઉલટુ જમવા સમયે વિનોદ ભટ્ટ અને નલિની બેહેનને પ્રેમ થઈ ગયો. એટલે ગુજરાતમાં જમવા અને જવા આ બંન્નેમાં પ્રેમ થયાનું ગુજરાત સાબિત રહ્યું છે. અલબત્ત એક વાસ્તવિકતામાં છે અને એક કાલ્પનિકમાં.

છોકરીને બહાર મળવા માટેનું કહ્યું. વિનોદ ભટ્ટ ત્યાં બહાર ઉભા રહ્યા, પણ નલિની ન આવી. તેના થોડા સમય પછી તારીખ આવી 1959… પ્રેમ કર્યા વિના કૈલાશ જોડે વિનોદ ભટ્ટનું ગોઠવાય ગયું, પણ વિધિની કેવી વક્રતા. નલિની વિનોદ ભટ્ટને મળી. એક વાર નહીં ચાર-ચાર વાર મળી અને એક સમયે નલિનીના મોંથી નીકળી ગયું, ‘વિનોદ હું તમને ચાહુ છું.’ આ વાતની જ્યારે વિનોદ ભટ્ટના ઘરના લોકોને ખબર પડી તો એમણે નલિની બહેનના પરિવારને ધમકાવી નાખ્યા. એ રાત વિનોદ ભટ્ટ ખોટી ઊંધ કરતા હતા, અને મનમાં દુખને વગોળતા હતા.

1961માં અર્થશાશ્ત્ર અને રાજ્યશાશ્ત્રમાં પાસ થયા એ પણ થર્ડ ક્લાસ સાથે. કચ્છ-ભૂજ ખાતે માહિતી ખાતામાં કારકૂનની નોકરી મળી ગઈ. પત્ની કૈલાશને પોતાની સાથે આવવાનું કહ્યું એટલે કૈલાશે જણાવ્યું, ‘ના, મને એ પરાયા દેશમાં ન ફાવે.’ વિનોદ ભટ્ટ ત્યાં રહેવા લાગ્યા. ઘરના લોકોની ટોકટોકથી થાકી ગયા હતા એટલે નક્કી કર્યું કે, હવે પાછા તો જવું જ નથી. નોકરીમાં રચ્યા પચ્યા રહ્યા. બીજી તરફ નલિની સાથેનો વિરહ તેમને જીવવા દેતો ન હતો. નિયમ પ્રમાણે ત્યાં પાઈલ્સની બિમારી થઈ. શરીર લેવાય ગયું, પણ ઘરે ન જવું એટલે ન જવું. આખરે તેમના સહકર્મચારી થકી ભટ્ટ પરિવારને માહિતી મળી કે વિનુ માંદો છે, બોલાવીએ. ઘરના તમામ લોકોએ બોલાવ્યા પણ આવ્યા નહીં. હવે ફિલ્મ નંબર બે શરૂ થાય છે, જેનું નામ છે બાજીરાવ મસ્તાની. ઘરના લોકોથી માન્યા નહીં એટલે નલિનીને બોલાવી કહેણ મોકલવામાં આવ્યું. નલિનીની વાત માની ગયા. ફર્ક બસ એટલો જ કે કૈલાશ કાશી બાઈ ન હતા ! જો બાજીરાવ મસ્તાનીની લવસ્ટોરી પાછળથી ઘડાય હોત અને વિનોદ ભટ્ટમાંથી પ્રેરણા લીધી હોત, તો આટલી માથાકુટ ન થાત.

અમદાવાદ આવ્યા એટલે મોટાભાઈની ઓફિસે લાગી ગયા. નલિનીબહેન સરદાર પટેલ હાઈસ્કુલ મણિનગરમાં શિક્ષકની નોકરી કરે. એટલે વિનોદ ભટ્ટ તેમને માસ્તર કહી બોલાવતા. કૈલાશ, વિનોદ અને નલિનીનું જીવન એવું ચાલવા માંડ્યું કે, વાત ન પૂછો, કાંકરિયાથી લઈને તમામ જગ્યાએ ફરવા માટે જાય. ત્રણે સાથેને સાથે રહે. કોઈ અજાણી સ્ત્રી સાથે છે, તેવું કૈલાશબેનને પણ ન લાગે. વિનોદ ભટ્ટે કૈલાશને કહ્યું, ‘આમની વાત આમ છે !’

કૈલાશબેનના શબ્દો હતા, ‘કંઈ વાંધો નહીં, આપણે ત્રણે એકબીજાને ચાહીશું…’ અને રચાય ગયો પ્રણય ત્રિકોણ. વિનોદ ભટ્ટે નોંધ્યું છે, ‘લગ્ન બાદ મને પત્નીમાં જે ખૂબીઓ દેખાતી એ ખામીઓ લાગવા માંડી, હું પૈસા ઘણા વાપરતો લગ્ન બાદ એને મારી ઉદારતાની જગ્યાએ ઉડાઉગીરીમાં ખપાવવામાં આવ્યા. મોના, સ્નેહલ અને વિનસ આ ત્રણે સંતાનો નલિનીના હતા, તો પણ કૈલાશ તેમને ખૂબ ચાહતી. ખૂબ પ્રેમ કરતી.’

1967માં નલિની અને કૈલાશ બંન્ને પ્રેગનેન્ટ હતી, ‘‘હું આ બંન્ને ગર્ભવતી સ્ત્રીઓની વચ્ચે ચાલતો એટલે પુરૂષો અદેખાઈથી અને સ્ત્રીઓ અહોભાવથી મારી તરફ જોતી.’’ પણ હવે વિનોદ ભટ્ટના જીવનની ટ્રેજડી શરૂ થાય છે, કૈલાશને જે પુત્ર આવવાનો હતો, તેનું જન્મતા જ મૃત્યુ થઈ ગયું. કૈલાશ બહેનનું માનવું હતું કે, સારૂ થયું હું સમાજમાં વાંઝણી ન કહેવાય ! પોતાના આંસુને તેમણે હરખમાં ખપાવી નલિનીના પુત્રોનો ઉછેર કરવા માંડેલો.

કૈલાશ બહેનને બ્લડ પ્રેશરની તકલીફ રહેવા માંડી, તેમનું હ્રદય પહોળું થવા લાગ્યું. હર્નીયાની તકલીફ થઈ અને 1984માં ઉપરા ઉપરી બે હુમલા આવ્યા અને કૈલાશ વિનોદને છોડી ચાલ્યા ગયા. આજે 2018માં વિનોદ ભટ્ટ માટે એ જ હાર્ટ અટેક રિપિટ થયો. તેમના બીજા પત્ની નલિની બહેનનું પણ અવસાન થયું. નલિની બહેન શિક્ષક હતા એટલે વાંચવાના ખૂબ શોખીન હતા. ગમે ત્યાં તે વિનોદ ભટ્ટની સાથે ને સાથે હોય. તેમના રિપીટ થયેલા જોક્સને પણ તેમણે આજે જ બનાવ્યો છે, તેમ સાંભળી હસતા. ગુજરાતના હાસ્યકારો પત્નીને લઈ ડાયરા અને લખાણમાં ટીકા કરતા હોય છે, આ બધાને તો એક જ પત્ની છે, પણ વિનોદ ભટ્ટને બે પત્ની હતી, છતા તેમણે કોઈ દિવસ પત્ની પર ટીખળ કે મસ્તી ન કરી. હા. ‘બે લગ્ન કર્યા છે, એટલે હું મર્દ છું, એવું તે બધે કહેતા…’ તમારે વિનોદ ભટ્ટનું આવુ રસપ્રદ વાંચવું હોય તો તેમની આત્મકથા એવા રે અમે એવા વાંચવી. આમ તો વિનોદ ભટ્ટનું સઘળુ સાહિત્ય તેમના જીવનમાંથી આવ્યું છે. પણ આ આત્મકથા કંઈક અલગ છે. સાચેક ખડખડાટ અને વોટ્સેપીયા જોક્સની જેમ સેકન્ડ માટે નહીં વારંવાર હસવું હોય તો આ આત્મકથા એકવાર વાંચજો. આ આખી ઘટના 10માં પ્રકરણમાં અમે ત્રણ અમારા ત્રણમાં આપેલી છે, પેજ નંબર 66, અને આ ફોટા ઉર્વીશભાઈ શિશિર રામાવતના બ્લોગ પરથી અને ફેન્સ ઓફ વિનોદ ભટ્ટ નામના પેજ પરથી ઉધાર લીધેલા છે, એ નોંધજો !

~ મયુર ખાવડુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.