Gujarati Writers Space

મોદીએ એવું તે શું કહી દીધું કે ચંદ્રાબાબુ નાયડુ બે ટ્રેન લઈ દિલ્હીમાં 12 કલાક ઉપવાસ પર બેસી ગયા

અત્યારે રાજનીતિમાં ઉપવાસની સિઝન ચાલી રહી છે. સૌથી પહેલા મમતા બેનર્જીએ ઉપવાસ કર્યા. તે ઉપવાસ સત્તા માટે ઓછા અને રાજીવ કુમાર ઉપયોગી વધારે લાગી રહ્યા હતા. ગઈ કાલે ચંદ્રાબાબુ નાયડુએ ઉપવાસ કર્યા. દિલ્હીના આંધ્રભવનમાં સવારથી જ વિપક્ષી નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો હતો. જે લોકો મોદી વિરોધી હતા તેમનું ગઠબંધન ત્યાં નજરે પડતું હતું. બે ટ્રેન ભરી દિલ્હી ઉપવાસ કરવા આવેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ સાફ કહ્યું કે,‘પ્રધાનમંત્રી જો અમારી વાત નહીં માને તો અમને મનાવતા આવડે છે. આ આંધ્રપ્રદેશના લોકોના સ્વાભિમાનની વાત છે. જ્યારે પણ તેઓ અમારા સ્વાભિમાન પર વાર કરશે અમે સહન નહીં કરીએ. હું પીએમને ચેતવણી આપું છું કે તેઓ ‘‘વ્યક્તિગત હુમલો’’ કરવાનું બંધ કરી દે.’

હવે થોડુ બેકગ્રાઉન્ડ તપાસીએ. શા માટે ચંદ્રાબાબુ નાયડુએ વ્યક્તિગત હુમલાનો ઉલ્લેખ કર્યો ? પ્રધાનમંત્રી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. દુનિયા ઘુમી આવેલા પ્રધાનમંત્રી માટે રાજ્યો ઘુમવા એ કોઈ મોટી વાત નથી. પાંચ દિવસમાં તેઓ દસ રાજ્યોની મુલાકાત લેવાના છે. બે દિવસની મુલાકાતમાં તેઓ આંધ્રપ્રદેશમાં પણ આંટો મારી આવ્યા. ગંટૂરમાં પીએમએ ચંદ્રાબાબુ નાયડુ વિશે કહ્યું હતું કે, ‘તમે સીનીયર છો પક્ષ બદલવામાં. તમે સીનીયર છો નવા નવા પક્ષો સાથે ગઠબંધન કરવામાં. તમે સીનીયર છો પોતાના શ્વસુરની પીઠમાં ‘‘છરો ભોંકવામાં’’. તમે સીનીયર છો એક ચૂંટણીથી બીજી ચૂંટણી કરવામાં.’

નાયડૂને આ વાત છરાની માફક ઘુસી ગઈ. કલ્પનામાં ખૂન પણ ખૂબ નીકળ્યું હોવું જોઈએ. પ્રધાનમંત્રીએ આક્ષેપ કર્યા, નિવેદનો આપ્યા તેનાથી બાબુને કોઈ વાંધો નહોતો. બાબુ ભડક્યા છરો ભોંકવાથી. એવું શું છે આ છરામાં કે ચંદ્રાબાબુ નાયડુ ગુસ્સે થઈ ગયા ? આંધ્રપ્રદેશથી દિલ્હીની બે ટ્રેન ભરી પોતાના કાર્યકર્તાઓ સાથે આંધ્રભવનમાં આવી ગયા અને ધરણા પર બેસી ગયા. ધરણા તો માત્ર દેખાવના હતા, ભલે વાત આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવાની હોય, પણ મૂળ વાતમાં અતીતના પડઘા પડતા હતા. દરજ્જો કરતા અતિત, પીઠ, છરો, હુમલો વધારે દેખાતા હતા.

ચંદ્રાબાબુએ વ્યક્તિગત આક્ષેપ અંગે વાર કરતા પહેલા એ ન ભૂલવું જોઈએ કે રાજનીતિમાં બેકગ્રાઉન્ડનું પણ એક બેકગ્રાઉન્ડ હોય છે. ભૂતકાળ પીછો નથી છોડતો. થોડા સમય પહેલા જ ચંદ્રાબાબુ નાયડુએ નરેન્દ્ર મોદી વિશે ટીપ્પણી કરી હતી કે, ‘તમે પદથી સિનિયર છો, પણ રાજનીતિમાં હું તમારો સીનિયર છું.’ મોદીજીએ કાઉન્ટર અટેક કર્યું પણ સ્વભાવ મુજબ કંઈક વધારે જ બોલાઈ ગયું. એ કાઉન્ટર અટેકનું અટેક કરવા ખાતર દિલ્હીથી આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવા ચંદ્રાબાબુએ આંધ્રભવનમાં કાળા કપડાં પહેરી સવારે 8થી સાંજના 8 સુધી એક દિવસીય ધરણા કર્યા. પરિણામ કંઈ ફેર નથી પડ્યો. પણ નાયડૂએ મોદીને જવાબ આપવા માટે કદાચ દિલ્હી સુધી ધક્કો ખાધો હોવો જોઈએ. અને એ જવાબ તો નાયડુના ભૂતકાળમાંથી જ મળશે.

20 એપ્રિલ 1950માં ચિત્તુર જિલ્લાના નારાવરિપલ્લી ગામના એક ખેડૂત કુટુંબમાં નાયડુનો જન્મ થયો. ચંદ્રાગિરી સ્કૂલમાં અભ્યાસ કર્યો. વધારે ભણવું હતું એટલે તિરૂપત્તિ આવી ગયા. અહીં વેંકેટેશ્વર કોલેજમાં તેમણે અર્થશાશ્ત્રની ડિગ્રી લીધી. ડિગ્રી નામની ન રહી જાય એટલે પીએચડી તરફ આગેકૂચ કરી. પીએચડી કરતાં કરતાં રાજનીતિમાં પણ એન્ટ્રી મળી ગઈ. છાત્ર જીવનમાં રાજનીતિમાં સક્રિય રહેતા હતા એટલે ફાયદો તો રહેવાનો જ હતો.

આ બધા વચ્ચે ચંદ્રાબાબુની ઓળખ મોદીજીએ કહ્યું તેમ તખ્તાપલટની રહી છે. 1978માં નાયડુ ધારાસભ્ય બની ગયા હતા. એ સમયે એનટી રામારાવની દિકરી ભૂવનેશ્વરી સાથે તેમણે વિવાહ કર્યા. એક દિકરો પણ થયો. કૉંગ્રેસમાંથી તખ્તાપલટ કરી ટીડીપીમાં જોડાયા, હવે નાયડુ પ્રગતિ કરી રહ્યા હતા. લોકોને લાગી રહ્યું હતું કે નાયડુ એનટીના જમાઈ હોવાથી સિદ્ધીના શીખરો સર કરી રહ્યા છે. સાચું પણ હતું. સિક્કો ઉછળતો તો રામારાવના નામનો જ ઉછળતો હતો. કાટ છાપ તો માત્ર ક્રિકેટ માટે હતા, એનટી માટે નહીં. પણ નાયડુ રામારાવથી અલગ રાજનીતિ રમનારા વ્યક્તિ હતા. સપ્ટેમ્બર 1995માં તેઓ નાટકીય ઢબથી આંધ્રની ગાદી પર બેસી ગયા. રાતોરાત સસરાને પદ પરથી હટાવી તખ્તાપલટનો એક ઉત્તમ નમૂનો ભારતીય રાજનીતિને આપ્યો. રામારાવની પત્ની, દિકરાઓ અને એનટીઆરના બીજા જમાઈની ચેલેન્જનો પણ તેમણે મુકાબલો કર્યો. પણ આ બધું તેમણે કર્યું કેવી રીતે ?

1985માં રામારાવનો સૂરજ રાજનીતિમાં મધ્યાને એ પણ અહર્નિષ તપતો હતો. ફિલ્મમાંથી તો તેઓ ક્યારના નિવૃતિ લઈ ચૂક્યા હતા. પહેલી પત્નીની આ વર્ષે જ (1985) કેન્સરથી મૃત્યું થઈ હતી. રામારાવનું નામ હતું એટલે કોઈ છોકરી તેમને થોડી લગ્ન માટે ના પાડી શકે. પહેલી પત્નીના મૃત્યું બાદ લગ્ન કરવા માટે યોગ્ય કન્યા પણ મળી ગઈ જેનું નામ લક્ષ્મી પાર્વતી. લક્ષ્મી સાથે રામારાવની મુલાકાત એ વખતે થઈ જ્યારે તે રામારાવની જીવની લખી રહી હતી. વાતો વાતોમાં બંન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો અને પરણી ગયા. 38 વર્ષની લક્ષ્મી પાર્વતી અને 70ના રામારાવ. બીજા લગ્ન કર્યા. રામારાવને પણ ખ્યાલ નહોતો કે લક્ષ્મી હવે ધીમે ધીમે રાજનીતિમાં મંગલ પગલાં મુકી રહી છે. પક્ષના દિગ્ગજ કાર્યકર્તાઓને તો આ વાતની ક્યારની ભનક લાગી ગઈ હતી.

તેમના બીજા લગ્નથી 7 દિકરા અને 3 દિકરીઓને સારું લાગ્યું પણ જમાઈઓને મોજ ન આવી. 1994ની ચૂંટણી દરમિયાન લક્ષ્મી રામારાવ સાથે જ રહેતી હતી જ્યારે પરિણામ આવ્યું ત્યારે 294માંથી 214 સીટ ટીડીપીને મળી. જેનો શ્રેય ગયો લક્ષ્મીના ખાતામાં. બીજી તરફ રામારાવને લકવો થઈ ગયો. તે પત્ની પર નિર્ભર રહેલા લાગ્યા. પાર્ટીના કાર્યકર્તાઓને નવીસવી લક્ષ્મીની લોકપ્રિયતા પસંદ નહોતી. કેમ કે રામારાવ પછી તે મુખ્યમંત્રી પણ બની શકે !!

શરીરે સાથ છોડી દેતા હવે રામારાવની પરંપરાગત સીટ તેકાલી ખાલી થઈ અને ત્યાં પગદંડો જમાવ્યો લક્ષ્મીએ. પણ એ સીટ તો રામારાવના દિકરા હરિકૃષ્ણને પણ જોતી હતી. વિવાદ વધ્યો. પહેલા છાપરે ચડ્યો અને પછી છાપાના પાનાં પર ચડ્યો. સમગ્ર આંધ્ર અને દેશને ખબર પડી ગઈ કે ઘરના વાસણ ખખડી રહ્યા છે. રામારાવે હતાશ થઈ કોઈ ત્રીજા અજ્ઞાત વ્યક્તિને એ સીટ આપી દીધી. જેથી ઘરનો ઝઘડો અટકે.

પણ આ બધું થયું કેવી રીતે ? એનટી રામારાવ હંમેશાથી પોતાની પત્ની લક્ષ્મી સાથે ઉભા રહેતા હતા. ધીમે ધીમે પાર્ટીમાં લક્ષ્મીની દખલગીરી વધતી ગઈ. જે બીજા ધારાસભ્યોને કનડગતભર્યું લાગવા લાગ્યું. લોકો પણ રામારાવ પછી લક્ષ્મીને જ જોતા હતા. ધારાસભ્યોને લક્ષ્મી પસંદ નહોતી એ વાતનો ફાયદો બાબુએ ઉપાડ્યો. દિકરી, જમાઈએ બળવો કરી નાખ્યો. આ બગાવતની બાગડોર ચંદ્રાબાબુ નાયડુના હાથમાં હતી. જે એ સમયે એનટીઆર સરકારમાં મંત્રી હતા. એનટીને ખબર પણ ન રહી અને ધારાસભ્યો પોતાનું મોં ચંદ્રાબાબુ તરફ કરવા લાગ્યા. રામારાવ સાથે 214 ધારાસભ્ય હતા. જે રામારાવને લાગતું કે વિશ્વાસપાત્ર છે પણ એવું હતું નહીં. લક્ષ્મીના આવ્યા પછી તેઓ ગમે ત્યારે પક્ષપલ્ટો કરી શકતા હતા. લકવાગ્રસ્ત રામારાવને જાણ નહોતી કે હવે તેના ધારાસભ્યો ચંદ્રાબાબુના થઈ ગયા છે. જેના પર સૌથી વધુ વિશ્વાસ મુકેલો તે ઘરનો જ ઘાતકી નીકળ્યો. નાયડુના હાથમાં ધારાસભ્યોની સંખ્યા આવતા તેણે ટચલી આંગળીથી એવો વાર કર્યો કે રામારાવને બહાર ફેંકી દીધા. પ્રમુખના પદ્દ પરથી હટાવી દીધા. પાર્ટીમાંથી પણ પાણીચુ પકડાવી દીધું. અદ્દલ સાઉથ સિનેમાની સ્ક્રિન પર જે દ્રશ્ય ભજવાય તેવું જ દ્રશ્ય સિનેમા અને નાટક પ્રેમી રામારાવની સાથે તેના પરિવારના લોકોએ જ ભજવ્યું. રામારાવને પણ ખ્યાલ આવી જ ગયો હશે કે સિનેમા હંમેશા કાલ્પનિક નથી હોતું તે ભવિષ્યની વાસ્તવિકતા પણ દર્શાવે છે. રામારાવે નાયડુને બે શબ્દો કહ્યા, ‘પીઠમાં છૂરો ભોંકવાવાળો’ અને બીજો શબ્દ ‘ઓરંગઝેબ’

18 જાન્યુઆરી 1996માં હૈદરાબાદ ખાતે 72 વર્ષની આયુએ અભિનેતા અને રાજકારણી રામારાવનું નિધન થયું. રામારાવની આ વાર્તા સાથે રામગોપાલ વર્માનું પણ નામ જોડાયેલું છે. રામ ગોપાલ વર્માએ આ રાજનૈતિક ઘટના પરથી ફિલ્મ બનાવી છે, જેનું ટ્રેલર વેલેન્ટાઈન ડેના દિવસે લોન્ચ થશે. સ્ટોરી મસાલેદાર છે પણ વધારે ભડકો કરી પીરસવામાં રામ ગોપાલ ઉસ્તાદ હોવાથી કંઈ કહી ન શકાય. ફિલ્મનું નામ લક્ષ્મી એનટીઆર છે. જે રામારાવની જીવની પર આધારિત છે.

ફરી રાજનીતિ પર આવીએ તો રામ ગોપાલ વર્માએ ટ્રેલર લોન્ચની ડેટ ફાઈનલ કર્યા પછી જ્યારે મોદીજી ગંટૂરમાં આવ્યા ત્યારે તેમના ‘છરા ભોંકવાના’ નિવેદનને તેમણે ટ્વીટર પર મુક્યું. હેશેટેગ સાથે ફિલ્મનું નામ લખી નીચે લખાણ મુક્યું, ‘પ્રધાનમંત્રીએ મારી ફિલ્મનું પ્રમોશન કર્યું.’ આ વાતથી તો ક્યાંક ચંદ્રાબાબુ નાયડૂ અકળાયા નહીં હોયને ? કદાચ એટલે જ ચંદ્રાબાબુ આંધ્રપ્રદેશથી બે ટ્રેન ભરી દિલ્હી દોડી આવ્યા હોવા જોઈએ. દિલ્હીમાં તેમણે બધાનો વિશ્વાસ અને આશ્વાસન મેળવ્યું. ખાસ મનમોહન અને રાહુલ ગાંધીનું. વચ્ચે તેમણે સસરાને ભારત રત્ન મળે તેવી પણ વાત ઉચ્ચારી હતી ત્યારે શાંત થયેલો મુદ્દો ફરી ચગ્યો હતો. સારું તો એ જ છે કે નાયડુ હવે આ મુદ્દાને વધારે ચગાવે નહીં. રાજનીતિમાં જૂના ઘા ખોતરવા સારા નહીં. પણ શિયાળામાં વાગ્યું હોય તો દર શિયાળે દુખે એવી સ્થિતિ ચંદ્રાબાબુની છે તેમાં કોઈ અતિશ્યોક્તિ નથી.

~ મયૂર ખાવડુ

( નોંધ : આર્ટિકલ લખાયા અને પોસ્ટ થયાનો સમય અલગ અલગ છે, એટલે સંદર્ભ અને વર્તમાન સમયમાં ભેદ હોઈ શકે છે. આભાર…)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.