Gujarati

મર્ડર 3 : તમે ‘કોમેડી સર્કસ‘ જોવો છો…?

“This Valentine entertainment will be murdered”

આ ફિલ્મ એક રીતે ’આક્રોશ’ અને ’ફંસ ગયે રે ઓબામા’ જેવી છે!

જે લોકો કોમેડી સર્કસ ન જોતા હોય તેમને જરા પૂર્વ ભુમિકા આપી દઈએ. નહીં તો તેમને આ જોક નહીં સમજાય. ‘કોમેડી સર્કસ‘માં એક જોક વારંવાર આવે છે કે તેમના રાઈટર્સ એક્ટનો એન્ડ લખતા નથી. અથવા તો એક્ટના એન્ડ સમય સુધી એક્ટનો એક્ટ લખતા હોય છે. હવે વાત કરીએ ‘મર્ડર તૈણ‘ ઉર્ફે ‘મર્ડર 3‘ની. હવે સિન કંઈક એવો છે કે સિનેમાહોલમાં આપણે બધા ફિલ્મ જોતા હોઈએ છીએ ને બહાર બેઠા બેઠા મહેશ ભટ્ટ ફિલ્મનો એન્ડ લખતા હોય છે! એવામાં આપણા પોપકોર્નની સાથે સાથે ફિલ્મ પતવા આવે છે પણ પતાવવી કઈ રીતે એ ડાયરેક્ટર વિશેષ ભટ્ટને સુઝતુ નથી. પણ એમને એ વાતની પાક્કી ખાતરી હોય છે કે જો આ ડીંડક અહીં નહીં પતાવીએ તો દર્શકો આપણને પતાવી નાખશે.

રઘવાયા થયેલા વિશેષ ભટ્ટ મહેશ ભટ્ટને જલ્દી એન્ડ પૂરો કરી આપવા વિનંતી કરે છે. મહેશ ભટ્ટ બગલ ખંજવાળતા ખંજવાળતા કહે છે કે એન્ડ તો લખાઈ ગયો છે પણ જરા મઠારવો પડશે. વિશેષ ભટ્ટ કહે છે કે જો આપણે એન્ડ મઠારવા બેસસું તો દર્શકો આપણને ઠમઠોરી નાખશે. માટે જેવો હોય તેવો એન્ડ લાવો. અંતે જેવો તેવો કાચો પાકો એન્ડ થૂકના સાંધાની જેમ જોડીને ફિલ્મ પૂરી કરવામાં આવે છે.

સસપેન્સ ફિલ્મો અને નવલકથાઓનો આ જ વાંધો. કે એની શરૂઆત કરવી ખુબ જ સરળ હોય છે. લોહીના ટીપા કે લોહીવાળુ હથિયાર કે કોઈ લાશ અથવા તો ગાંડા જેવું થઈ ગયેલું પાત્ર, ગમે તે બતાવી દો, રહસ્યની જાળ ગુંથાઈ જ જવાની છે. સૌથી અઘરુ કાર્ય વાર્તાનો અંત લાવવાનું હોય છે. કારણ કે, અંતમાં તમારે એ દરેક વાતનો ખુલાશો આપવાનો હોય છે જે તમે શરૂઆતમાં રહસ્યને ઘેરું બનાવવા બતાવી હોય છે. જો ડાયરેક્ટર કાચો પાકો હોય તો ફિલ્મ પૂરી કરતી વખતે પોતે જ સર્જેલી રહસ્યની જાળમાં ભરાઈ પડે છે. આ ફિલ્મમાં મહેશ ભટ્ટનો ડાયરેક્ટર ભત્રીજો વિશેષ પણ એ જ રીતે ભરાઈ પડે છે. એટલે જાણે પોલીસ પાછળ પડી હોય એ ઝડપે ફિલ્મનો અંત લાવી દે છે. એને કદાચ એ વાતની બીક હશે કે આપણે એને કદાચ કંઈક પુછી બેસીશું તો?

વેલ, વિશેષને તો ઘરનું મીટર ફરતું હતુ એટલે એને ફિલ્મ પૂરી કરવાની ઉતાવળ હોય તે સમજી શકાય તેવી વાત છે પણ ફિલ્મની એક હિરોઈન(નામ લખવામાં સસપેન્સ ખુલવાનો ભય છે.) તો એના કરતા પણ ઉતાવળી નીકળી. એ તો ક્લાઈમેક્સ પતાવીને કારમાં એવી સડસડાટ ભાગી કે કોઈને કહેવા પણ ન રોકાઈ કે ક્યાં જાય છે? કેમ જાણે આ ફિલ્મ પતાવીને સીધી નવી ફિલ્મ માંડવાની હોય? આપણને તેના ‘જય છટકેશ‘ કરીને ભાગી છૂટવા કરતા વધારે અફસોસ એ વાતનો થાય કે આવડી આ વેલી કાં નો ભાયગી? ફિલ્મ જોતી વખતે અમુક દ્રશ્યોને બાદ કરતા ફિલ્મ જોતી વખતે આપણી હાલત એવી થઈ જાય છે કે જાણે આપણે સિનેમાહોલમાં પૂરાઈ ગયા હોય. હોલ લોક હોય અને તેની ચાવી ખોવાઈ ગઈ હોવાથી આપણે બહાર ન નીકળી શકતા હોઈએ. (કદાચ મહેશ ભટ્ટ બહાર બેઠા બેઠા ફિલ્મનો અંત લખતા હોવાથી હોલ લોક હશે!)

આ ફિલ્મ એક રીતે ’આક્રોશ’ અને ’ફંસ ગયે રે ઓબામા’ જેવી છે! કારણ કે, ’ફંસ ગયે રે ઓબામા’માં ઓબામા નથી હોતા. ઓનર કિલિંગના નામે બહુ ચર્ચાયેલી ’આક્રોશ’માં ઓનર કિલિંગ નથી થતું. અને ’મર્ડર 3’માં મર્ડર જ નથી થતું બોલો! ટેન્શન ના લેશો, મર્ડર થાય છે કે નહીં એ ફિલ્મનું સસપેન્સ નથી. જોકે, જે સસપેન્સ છે તેમાં પણ કંઈ કાઢી લેવા જેવું નથી.

વેલ, ફિલ્મની વાર્તા ફ્લેશબેક અને કરંટ સ્ટેટ વચ્ચે ઝોલા ખાય છે. બે બે છોકરીના પ્રેમમાં પછડાય (પછડાવું એ પડ્યા બાદની ક્રિયા છે) એટલે હાલત પતલી થાય જ પણ અહીં તો શરૂઆતમાં જ વાર્તાના નાયક વિક્રમ એટલે કે રણદીપ હુડાને દેવદાસ જેવી હાલતમાં બતાવાય છે. તેની પ્રેમિકા તેને છોડીને ચાલી ગઈ હોય છે. ભૈ સાવ નંખાઈ ગયા હોય છે. પેલી શા માટે અને ક્યાં જતી રે છે તેની કોઈને નથી ખબર. ફ્લેશબેકમાં આપણને ખબર પડે છે કે વિક્રમ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે. તેની પાસે કોઈ જ જાતનો કામધંધો કે પૈસા ન હોવા છતા સાઉથ આફ્રિકામાં પ્રેમિકા રોશની (અદીતી રાવ હૈદરી) સાથે જાનવરોના ફોટા પાડતા પાડતા જલસા કરતો હોય છે. તેમનો રોમાન્સ આપણને એક ગીતના માધ્યમથી બતાવવામાં આવે છે. જેની સિનેમેટોગ્રાફી સારી હોવાથી તમે એ નક્કી નથી કરી શકતા કે નેચર અને જાનવરો સારા લાગે છે કે રોમાન્સ કરતો રણદીપ? અહીં સુધીની વાર્તા શરૂઆતની ગણતરીની મિનિટોમાં જ આવી જાય છે. ફિલ્મ શરૂ થયાની થોડીવારમાં જ ગીત મુકવા પાછળ ડાયરેક્ટરની બે ગણતરીઓ હોઈ શકે. એક તો એ કે તેઓ તે ગીતને બહુ સારું માનતા હશે. અથવા સિનેમા હોલમાં મોડા પ્રવેશેલા દર્શકોને તેઓ સીટ શોધવાનો સમય આપવા માંગતા હશે. આ સમયગાળા દરમિયાન ટાઈમે આવી ગયેલા દર્શકો પણ જો પોપકોર્ન લાવવાનું ભુલી ગયા હોય તો જઈને લઈ આવી શકે છે.

ખરી મજા હવે આવે છે. જાનવરોના ફોટા પાડતા આપણા હીરોને એક કંપની મોડેલિંગ ફોટોગ્રાફીની ઓફર આપે છે. કંપનીની શરત એ હોય છે કે તે માટે વિક્રમે એક વર્ષ ઈન્ડિયામાં કામ કરવું પડશે. આ શરતના કારણે મુંઝાયેલા હીરોને તેની પ્રેમિકા રોશની(અદીતી) ઈન્ડિયા જવા સમજાવે છે. પેલો ફિલ્મી હીરોને શોભે તેવો જ ડાયલોગ ફટકારે છે કે કેરિયર બનતી હોય તો શું થઈ ગયું, પણ તને અહીં મુકીને થોડું જવાય ગાંડી? પેલી તો ઘરે પુછવાય નથી જતી (ગઈ હોય તો ખબર નૈ, કારણ કે, આપણને એવું કૈં બતાવતા નથી.)ને એક જ મિનિટમાં નિર્ણય જાહેર કરે છે કે ચલ તારે હુંય તારી ભેગી આવીશ. કામધંધો તો ત્યાંય મળી રહેશે. હવે ખુશ?

બેય માણા ભારત આવે છે. ખબર નૈ કઈ રીતે પણ ભારતમાં એક વેરાન જગ્યાએ બંધાયેલો કરોડો રૂપિયાનો અદભુત બંગલો તેમની માલિકીનો થઈ જાય છે. આવો બંગલો તેમને મળ્યો કઈ રીતે તે સમજાવવાનો ડાયરેક્ટર એક બે દ્રશ્યોમાં પ્રયાસ કરે છે પણ એક ગુજરાતી તરીકે આપણા ગળે કોઈ વાત ઉતરતી જ નથી. આપણને તો એક જ સવાલ થાય છે કે આને ત્યાં ઈન્કમ ટેક્ષની રેડ કેમ નહીં પડતી હોય? આ બંગલામાં રહેતો આપણો ફોટોગ્રાફર હીરો હવે જાનવરોના નહીં પણ અર્ધનગ્ન યુવતીઓના જાનવરોના પોઝમાં ફોટા પાડે છે. (ક્યારેક તો જાનવરો સાથે પણ!) આ દરમિયાન રોશનીને શક જાય છે કે વિક્રમને તેના કેમ્પની હેરડ્રેસર સાથે કંઈક લફડું છે. રોશની વિક્રમ પર વંઠે છે. બંને વચ્ચે ખટરાગ સર્જાય છે.

બીજી બાજું કરંટ સ્ટેટમાં કંઈક એવું ચાલી રહ્યું હોય છે કે આપણો હીરો પેલીની યાદમાં જબરો ખોવાઈ ગયો છે. રોશનીની યાદમાં તે બહુ દારુ ગટગટાવે છે. આખી ફિલ્મમાં રણદીપના લૂક્સ જોઈને એવું લાગે કે શરૂઆતના દ્રશ્યોમાં તે જે પી ગયો છે તેનો હોંગઓવર ઉતર્યો જ નથી. બેવડા બની ગયેલા વિક્રમની લાઈફમાં હવે નિશાની એન્ટ્રી થાય છે. નિશા એટલે કુવૈતમાં જન્મેલી પાકિસ્તાની એકટ્રેસ સારા લોરેન. વિક્રમ હવે રોશની સાથેની ’સંતાકૂકડી’ ભુલીને નિશા સાથે ’ઘરઘત્તા’ રમવાનું શરૂ કરે છે. પછી કેટલીક ન સમજાય તેવી ઘટનાઓ બનવાની શરૂ થાય છે. જે તમે અનેક હિન્દી ફિલ્મોમાં જોઈ હોવાથી તમને બહુ આંચકાજનક લાગતી નથી.

ડાયરેક્શન ક્ષેત્રે દુધમાં કાકડી ગણાય તેવા વિશેષ ભટ્ટને ડાયરેકશન સોંપીને ભટ્ટ કેમ્પે ભુલ કરી નાખી છે. ’મર્ડર’ નામની અચ્છી ખાસી બ્રાંડવેલ્યુ ધુળમાં મળી ગઈ છે. માન્યુ કે નવોદિત ડાયરેક્ટર વિશેષ ભટ્ટે ફિલ્મ ડાયરેક્ટ નથી કરી પણ ફિલ્મો જોઈ તો હશે ને? અજીબોગરીબ અવાજો, વીજળીના કડાકા ભડાકા સાથે લાઈટો જવી, ધડાધડ બારીઓ બંધ થઈ જવી અને કેમેરો આમથી તેમ ઝુલવો જેવી બાબતોથી તો હવે બાળકો પણ નથી ડરતા વિશેષભાઈ. અને કદાચ તમે કોઈ પ્રેક્ષકને ડરાવવામાં કે જકડી રાખવામાં સફળ થાવ તો પણ તમારી પાસે અંતમાં પ્રેક્ષકોને ગળે ઉતરે તેવી દમદાર અને લોજીક તો હોવા જોઈએ કે નહીં? નિશાને જે રીતે રોશનીની હકીકતની જાણ થાય છે તે રીતનો ’પાણીદાર’ સંવાદ શક્યા છે ખરો? કંઈક તો લોજીકલ હોવું જોઈએ ને?ફિલ્મના ડાયલોગ્સમાં પણ કોઈ દમ નથી. આખી ફિલ્મમાં તમને કોઈ ડાયલોગ એવો નહીં મળે કે જે તમને ચોટ કરી જાય અને યાદ રહી જાય.સારાને હોટ બતાવવાનો બહુ પ્રયાસ થયો છે પણ લાગતી નથી. બેય હિરોઈનોમાં બહુ દમ નથી. બંન્ને કરતા સારી છોકરીઓ તમને રાજકોટ અને અમદાવાદમાં આંટા મારતી જોવા મળે. અમદાવાદ અને રાજકોટની છોકરીઓને યાદ કરવાનું તાત્પર્ય એટલુ જ કે આ ફિલ્મ જોવા કરતા બે કલાક રિંગરોડ કે રિવરફ્રન્ટ પર બેસવું સારુ!

~ તુષાર દવે

( આર્ટીકલ લખાયા તારીખ ૧૬-૦૨-૨૦૧૩ )
વેબસાઈટ (davetushar.com)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.