Gujarati Writers Space

2018ની ઓ ફિલ્લ્લમીયા….

ઓલરેડી હવે 2018માં બોલિવુડ ફિલ્મોની રાહ કાકમની જેમ જોવાશે (કાકમ એટલે મીઠી શેરડીનો રસ- મેં કહ્યું છે: મને અઘરૂ લખવા માટે મજબૂર ન કરો. હાહાહા…) તો આવતા વર્ષની શરૂઆત પણ શ્રીમાન અક્ષય કુમાર બિગેસ્ટ, સુપરહિટ કે બ્લોકબસ્ટર ફિલ્મથી કરશે. અરૂણાચલ મુરૂગથમની બાયોપિક છે. મહિલાઓને સ્પર્શતો વિષય છે. પ્રધાનમંત્રીજી પણ આ વિષયને લઈ સકારાત્મક વિચારતા હશે. પણ આ પહેલા જાન્યુઆરીનું બેકગ્રાઉન્ડ આપણા માટે હાનિકારક રહેવાનું. આપણા પર વિક્રમ ભટ્ટ નામના ઈવિલ ત્રાસ વર્તાવવાના છે. જેમની ફિલ્મ 1921, 5 જાન્યુઆરીએ રિલીઝ થશે. કેટલાક લોકો આ ફિલ્મને 5 જાન્યુઆરી 1921 પણ સમજી શકે !! એક વર્ષમાં એટલે કે 1920માં વિક્રમજી કંઈ ન કરી શક્યા એટલે વિક્મસંવત બદલતા હવે તેઓ 1921માં આવી ગયા છે. જેના પછી 12 જાન્યુઆરીએ રિલીઝ થશે કાલાકાન્ડી. ફિલ્મમાં નોનવેજ શબ્દો ઉર્ફે ગાળ ભાઈઓનો દબદબો છે. કોઈ દિવસ સ્મોકિંગ ન કરતો, મદ્યપાનથી દૂર રહેતો અને ડ્રગ્સનો એડિક્ટ નથી તેવો આપણો નાયક કેન્સરના રોગમાં ફસાય છે. જીવન તો જીવી લેવું જોઈએ આ આશાએ આ ડાર્ક કોમેડી ફિલ્મમાં સૈફ અલી ખાન શું ધમાલ મચાવશે તેની કહાની એટલે કાલાકાન્ડી. તો આજ દિવસે અનુરાગ કશ્યપ કૃત મુક્કેબાજ રિલીઝ થશે. ભારતમાં સ્પોર્ટસનું મહત્વ નથી આવુ અનુરાગ કશ્યપે ટ્રેલર લોંન્ચમાં ચિલ્લાય ચિલ્લાયને કહ્યું, પણ સાલા ખડુસ જેવી લાગતી થોડીસી સ્ટોરી લાઈન અને અનુરાગને પહેલીવાર જ્યારે કામદેવે તીર માર્યું હોય તેમ લવસ્ટોરી બનાવવાની તેની અપેક્ષાઓ ઓડિયન્સ ફળીભૂત કરે છે કે, મુક્કો મારે છે, તે 12 જાન્યુઆરીએ ખબર પડી જશે.

નેટ પર ફંફોસતા ખ્યાલ આવ્યો કે, જાન્યુઆરી 19 સુધીમાં સુશાંત સિંહ રાજપૂત અને આર.માધવનની ચાંદા મામા દૂર કે પધારશે. જે ભારતની સ્પેશ મુવી છે. ભાર આપો ભાઈ ભારતની, પણ સ્પેસ મુવીથી યાદ આવ્યું કે, તમિલ સિનેમાવાળા આપણાથી કેટલા આગળ કહેવાય !? તે ટીક-ટીક નામની ફિલ્મ બોલિવુડ પહેલા બનાવી નાખી. અને હા, તમિલ સિનેમાથી યાદ આવ્યું કે, આર.માધવનની ફિલ્મ વિક્રમ વેદાની હિન્દી રિમેકને શાહરૂખે ઠુકરાવી દીધી છે.

બેકગ્રાઉન્ડને હવે પાછુ લઈએ તો પેડમેન સામે જ ઐય્યારી આવશે. હું લખી ચૂક્યો છું કે આમા નિરજ પાંડેની અગાઉની ફિલ્લ્લ્લમોનો મરી મસાલો ભરવામાં આવ્યો છે. અને ફિલ્મ ક્રિટિક પાર્થ દવે પણ કહી ચુક્યા છે કે, આ ફિલ્મમાં અક્ષયના સ્થાને સિદ્ધાર્થને લેવો એટલો જ બદલાવ બેબી અને ઐય્યારી વચ્ચે છે. અભિનય વાઈઝ એક્ટરો ફાળુ છે, પણ ભાઈ સામને અક્ષય કુમાર હૈ, ધ્યાન રખના ઉન્હોને રિતિક કી મોંહે જો દરો કો ડરા કે ક્યાં હાલ કિયા થા….

ફેબ્રુઆરી મહિનામાં રાની મુખર્જીની હિચકી લાગશે. હિચકી એટલે હેડકી. રાની મુખર્જી મર્દાની પછી ફરી પ્રોમિસિંગ અવતારમાં દેખાય રહી છે. પણ હેડકી આવે ત્યારે ગળા પર હાથ રાખવાની રાજ કુમાર ટાઈપ સ્ટાઈલ હાસ્યાસ્પદ દેખાય છે. જો રિલીઝ ડેટમાં કોઈ ફેરફાર ન થયા તો જ્હોન અબ્રાહમના પ્રોડક્શનની ત્રીજી ફિલ્મ પરમાણુ:ધ સ્ટોરી ઓફ પોખરણ પણ થીએટરમાં લાગી જશે. જ્હોને જ્યારે બીજાના પ્રોડક્શન હેઠળ કામ કર્યું છે, ત્યારે ફ્લોપ જ ગયો છે, પણ પોતાના ઘરના ખાતામાંથી તેણે વીકી ડોનર અને મદ્રાસ કાફે જેવી સુપરહિટ ફિલ્મનું દહીં થરૂ ઓડિયન્સ નામના કાગડાને આપ્યું હોવાથી, દર્શકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. જેના પછી રિચા ચઠ્ઠાની લવ સોનિયા અને સુશાંત સિંહ રાજપૂતની ડ્રાઈવ. જે તારા રમ પમ જેવી કહાની હશે ? હવે તે સ્પીડ પર ચાલે છે કે, બોક્સઓફિસ અને ક્રિટિકના રેસ ટ્રેકમાં જ ફેલ થાય છે, તે પણ જોવાનું છે. પછી મર્દોને કંઈ કંઈ કરાવવા હેટ સ્ટોરી-4 આવશે. ઉર્વશી રૌતેલ જેવી અભિનેત્રી છે. ઔર મેં લિખ કે દેતા હું કી યે લોગ એક પુરાના ગાના રિક્રિએટ કરેંગે….

માર્ચમાં જ ડ્રાઈવ અને હેટ સ્ટોરી સાથે અજય દેવગનની રેઈડ અને વર્ષની મચ અવેઈટેડ ફિલ્મ સંજય દત્તની બાયોપિક પણ રિલીઝ થશે. રણબીર કપૂરે કહેલું કે, ‘મારો જન્મ સંજય દત્તનો રોલ પ્લે કરવા માટે જ થયો છે.’ પણ સંજય દત્તને રણબીરની છેલ્લી ફિલ્મોનો ટ્રેક રેકોર્ડ જોયા પછી થતું હશે કે, ‘આ કેટલું ખોટુ બોલે છે.’ પણ રણબીર પાસે રાજકુમાર હિરાણી હોવાથી ફિલ્મ હિટ જવાની ગેરન્ટી. મૈં ફિર સે લિખ કે દેતા હું.

એપ્રિલમાં માથુ ફોડવા યમલા પગલા દિવાના: ફિરસે… નામની ફ્રેન્ચાઈઝી પોતાના ખરાબ પગ થીએટરમાં મુકશે. ( મેરે યમલા પગલા દિવાના આયેંગે…. થીએટર કો ફાડ કે આયેંગે, બોક્સઓફિસ કો ચીરકે આયેંગે, ઓર ઓડિયન્સ તુમ્હે મારેંગે, બદલા લેગે વો.) અને વર્ષની નિષ્ફળ ફિલ્મ જવાનો ભય પણ લાગી રહ્યો છે. સુજિત સરકારની દુનિયાના સૌથી બેસ્ટ અભિનેતા વરૂણ ધવન સાથેની ફિલ્મ ઓક્ટોબર આવશે. જેના વિશે ચર્ચા છે કે આ ફિલ્લમડુ હોલિવુડ હિટ હરની રિમેક છે. રિમેક હોય કે ન હોય સુજિતના કારણે જોવી પડે. અને તેની સામે જ રિલીઝ થાશે ભારતની પાવરફુલ સાયન્સ ફિક્શન રોબોટ 2.0 એટલે કે એન્ધરીન 2.0. અક્ષય કુમાર વિલન બન્યો છે. જે કોઈ બીજા ગ્રહનો પશુ હોય તેવું ફિલ થાય છે. રોબોટના અવતારમાં રજની સંગ એમ્મી હશે. હવે શંકર બાહુબલીને તોડી મરોડી નવા રેકોર્ડનું સર્જન કરે છે કે, તેની આઈ ફિલ્મની માફક ધબાય નમ: થાય છે, તેના માટે આ ફિલ્મની બધા રાહ જોઈ રહ્યા છે. તો એક જ દિવસે બીજી બે ફિલ્મો છે, જે રોબોટ 2.0 અને ઓક્ટોબર માટે માથાનો દુખાવો બનવા આવી રહી છે. વિશ્વના બીજા મહાન અભિનેતા અને માઈકલ જેક્સનના ઉરાંગોટાંગ ભાઈ ટાઈગર શ્રોફની બાગી-2. જેમાં દિશા પટ્ટણીને લઈ ઘરના ભૂવા ઘરના ડાકા જેવું કરી નાખ્યું છે. ચોથી છે કંગનાની મર્ણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી. આ ફિલ્મની સામે કોઈએ વિરોધ કર્યો તો કહીએ ? કારણ કે પદ્માવતી (પદ્માવત)એન્ડ ટીમ તો કંઈ બોલી નથી શકતી, પણ કંગના આખા ગામને માથે લેશે એ નક્કી છે. એટલે આ ચારમાંથી તમે કઈ જોવા જશો ?

મેંમાં રાઝી, વિરે દી વેડિંગમાં કરિના એન્ડ ટીમ દેખાશે અને ભાવેશ જોશી જેને વિક્રમાદિત્ય મોટવાણે ડિરેક્ટ કરી રહ્યા છે. જેમાં અનિલના સુપુત્ર ચિ.હર્ષવર્ધન છે. જેમને ન તો પિતાની માફક અભિનય આવડે છે, ન તો પિતાની માફક શરીરમાં વાળ ઉગે છે. આ ફિલ્મમાં લીડ રોલ હર્ષવર્ધન નિભાવતો હોવાનું મહાન ફિલ્મ ક્રિટિક કમાલ.આર.ખાનને દુ:ખ છે. ફિલ્મ રિલીઝ થાય એટલે પ્રશ્ન આટોપાય જાય કે, શા માટે વિક્રમાદિત્ય જેવા જીનિયસ ડિરેક્ટરે આને પસંદ કર્યો ?

અને ત્યાં તો જૂનમાં ભાઈ આવી જશે. ભાઈ કી ફિલ્મ… ભાઈ… ભાઈ… સલમાન… ભાઈ.. રેસ-3. સલમાન સિવાય આમા જય હો ફિલ્મની માફક બોલિવુડના બેરોજગારોની ટીમ ભેગી કરવામાં આવી છે. બોબી દેઓલ, સાકિબ સલીમ, પુજા હેગડે, ડેઈઝી શાહ, જેવા ધુરંધર કલાકારો ઉપસ્થિત છે. જેમની હાજરી જ માથુ પકાવવા માટે કાફી છે. સલમાન અને જેક્લીનની કિકની હિટ જોડી લઈ ફિલ્મ બનાવવાની યોજના મારા જેવા કાળા અને ડાન્સ માસ્ટર રેમો ડિસુઝાની છે. છેલ્લે અબ્બાસ મસ્તાને મશીન બનાવી પછી તો દુનિયાનાભરના લોકો અને ફિલ્મ સાથે જોડાયેલા રસિકો એ ભૂલી ચૂક્યા છે કે, આ ગુજરાતી બેલડીએ અગાઉની હિટ રેસ સિરીઝ આપવા સિવાય બાઝીગર અને ખિલાડી પણ બનાવી હતી. પણ રેમોને કોણ મનાવે ? એ રેસને ફ્લાઈંગ જાટ બનાવીને રહેશે….

તો ઈદ પર ભાઈજાનના પ્રેમની તેની સામે ટક્કર થશે. જેનું નામ છે એશ્વર્યા રાય બચ્ચન. અને ફિલ્મ છે ફને ખાં. અનિલ કપૂર અને રાજ કુમાર રાવ આ ફિલ્મના હિરો છે. ઉપરથી હોલિવુડ રિમેક એવરિબડી ઈઝ ફેમસનું આના પર લેબલ લાગેલે છે. જે 2000ની સાલમાં ઓસ્કર એર્વોડ જીતી ગયેલી. એટલે હવે ભાઈ સામે એશ્વર્યા બહેનનું આવી ન બને તો સારૂ. કારણ કે ભાઈજાનને વર્ષો બાદ બદલો લેવા મળ્યો છે.

જુલાઈમાં કરન જોહર ફરી બે ફિલ્મી સંતાનોનો ફિલ્મીબાપ મીન્સ ગોડફાધર બનીને આવશે. જે નાગરાજ મંજુલેની હિટ ફિલ્મ સૈરાટની રિમેક ધડકને રિલીઝ કરવાનો છે. જેમાં શાહિદનો ભાઈ ઈશાન ખટ્ટર અને શ્રીદેવીની પુત્રી જ્હાન્વી છે. પછી થીએટરમાંથી આપણને ફિલ્મ જોતા હોઈએ અને ભાગી જઈએ તેવા અભિનયના માસ્ટર અર્જુન અને પરિણીતી સંદીપ ઔર પિન્કી ફરાર લઈને કુમકુમના પગલા પાડશે. અર્જુન આ ફિલ્મમાં ઓડિયન્સની ધરપકડ કરશે અને પરાણે ફિલ્મ બતાવશે. પણ ઓગસ્ટમાં થશે ધડાકો જ્યારે બાહુબલી પ્રભાસ સાહો સાથે ત્રાટકશે. મને તો શક છે કે ફિલ્મ આમિર ખાન તો નથી બનાવી રહ્યોને કારણ કે કોઈ ડિટેલ સામે નથી આવી. સિવાય કે દુબઈમાં વીસથી પચ્ચીસ મિનિટની ચેઈઝ સિકવન્સ છે. હવે સાઉથની ચેઈઝ સિકવન્સ કેવી હોય તે તો તમને ખબર છે. ઉપરથી બુર્ઝ ખલિફામાં ટોમ ક્રૃઝ બાદ ચઢવાવાળો પ્રભાસ બીજા નંબરનો હિરો બન્યો છે. અને તેની પોપ્યુલારીટી જોતા ફિલ્મ રોબોટનો પણ ભાંગીને ભુક્કો કરી નાખશે. પણ પણ પણ પ્રભાસને છોડતા બધા બોલિવુડના હિરોલોગ આ ફિલ્મમાં છે. શ્રદ્ધા કપૂર હિરોઈન. નીલ નીતિન વિલન છે. ચંકી પાંન્ડે છે. જેકી શ્રોફ જેવી ફુટેલી તોપ છે.

ઓગસ્ટમાં જ આવશે અક્ષય કુમારની વર્ષની ત્રીજી ફિલ્મ ગોલ્ડ. જેનું શૂટિંગ અત્યારે પૂરૂ થઈ ચૂક્યું છે. પ્રોડ્યુસર રિતેશ સિધવાની જણાવી ચૂક્યા છે કે, ‘આ કોઈ બાયોપિક નથી.’ ઓકે… જેના પછી સડક-2 આવી શકે છે. ઓરિજનલ ગીતો જેવા હિટ, પણ નવા ગીતો હોય તો મજા આવશે. આમ પણ વિશેષ ફિલ્મ ગીતો બનાવવા માટે મશહૂર છે. નારાયણ સિંહની શાહિદને લઈ બત્તી ગુલ મીટર ચાલુ પણ આ મહિનામાં જ છે. સાથે જ અનુષ્કા અને મહાન અભિનેતા વરૂણ ધવનની સુઈ ધાગા રિલીઝ થશે. જેના માટે આપણા મહાન અભિનેતા અત્યારથી સંચા પર બેસી પ્રેક્ટિસ કરી રહ્યા છે.

હાલ અનટાઈટલ છે, તે વિશાલ ભારદ્વાજની દીપિકા અને ઈરફાનની સુપરજોડી સાથે લઈ સપના દીદી પરની ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ રિલીઝ થશે. આપણને મઝા એ વાતની છે કે દીપિકાને સપના દીદીના રોલમાં જોવી ગમશે, ઈરફાન દાઉદ બનવાનો હોવાની ખબરો છે, તો હુસૈન ઉસ્ત્રા નામનો ગેંગસ્ટર કોણ બનશે ? સન્ની દેઓલનો દિકરો કરન દાદાના ગીત પલ પલ દિલ કે પાસના ટાઈટલને લઈ એન્ટ્રી મારવાનો છે. એટલે આ વર્ષનું બીજુ ન્યુકમર ડેબ્યુ. પણ એક્શન આ મહિનામાં જ છે બોસ. વિદ્યુત જામવાલ ચક રસેલની ફિલ્મ જંગલી કરી રહ્યો છે. જેમાં એક્શનનો ડોઝ નહીં ઓવરડોઝ જોવા મળશે.

ત્યાં તો નવેમ્બરમાં દિવાળી પર આમિર ખાન ઠગ્સ ઓફ હિન્દોસ્તાન લઈને આવશે. અમિતાભ અને આમિર આમ બંન્નેના સેટ પરના લુક લીક થઈ ચૂક્યા છે. ગોસીપ છે કે ફાતિમા અને કેટરિના રોલ માટે લડી રહી છે. કારણ કે બાર્બી ડોલ કેટરિનાના માથે ખાલી આઈટમ સોંગ ફટકારવામાં આવ્યા છે. જ્યારે ફાતિમા આમિરની ફેવરિટ છે. નવાઝુદ્દીનની ઘુમકેતુ રિલીઝ થશે. હા ઘુમકેતુ… અને વર્ષના અંતે લાંબા સમયબાદ શ્રીમાન રિતિક રોશન બાયોપિકમાં નજર આવશે. આનંદ કુમાર જે આઈઆઈટીના વિદ્યાર્થીઓને મફતમાં શિક્ષણ આપી વિશ્વભરમાં ખ્યાતનામ થયા, તેની બાયોપિક છે. નામ પણ સુપર-30 છે. સાથે વિકાસ બહલ છે એટલે જોવાની મઝા આવશે. પણ દર્શકો, આ વખતે રિતિક કુદકા મારતો નહીં જોવા મળે. વર્ષો બાદ તે જમીન પર હશે. ફિલ્મના ટાઈટલમાં ભલે સુપર હોય પણ તે આ વખતે તો માણસ જ છે. નમસ્તે લંડન કદાચ આવી શકે, પણ ટોટલ ધમાલ નામની વલ્ગર કોમેડી આવવાના એંધાણ ઈન્દર કુમારે અત્યારથી જ આપી દીધા છે !!!

વર્ષના અંતે કૈદારનાથ સામે શાહરૂખની આનંદ એલ રાય સાથેની ફિલ્મ રિલીઝ થવાની છે. જેમાં અનુષ્કા કેટરિનાની જોડી છે. આ ફિલ્મનું ટાઈટલ ફાઈનલ નથી થયું એટલે આપણે જબ તક હૈ જાન ફાઈનલ રાખીએ ! ખબરો છે કે ક્રિષ-4 પણ ડિસેમ્બરમાં આવી શકે. એટલે રિતિકને ઉડવાની ભારે પડી છે. સૌથી છેલ્લી ફિલ્મ હશે સિમ્બા. જેમાં રોહિત શેટ્ટી અને રણવીર સિંહની જોડી છે. જુનિયર એનટીઆરની તેલુગુ હિટ ટેમ્પરની આ રિમેક હૈદરાબાદમાં બિગેસ્ટ બ્લોકબસ્ટર પૂરવાર થયેલી. આ બધા વચ્ચે રણવીરની ગલ્લી બોયની રિલીઝ ડેટ ફાઈનલ નથી થઈ. અને એવી ઘણી ફિલ્મો છે, જેની રિલીઝ ડેટ ફાઈનલ નથી થઈ એટલે લખ્યું નથી. ઉપરની ફિલ્મોની રિલીઝ ડેટ બદલી પણ શકે.

આ બધા વચ્ચે મને એક જ વસ્તુનો ખ્યાલ નથી કે પદ્માવતી ઉર્ફ પદ્માવત ક્યારે રિલીઝ થશે. 5 બદલાવ સાથે પાસ થઈ ગઈ છે, બસ રિલીઝ ડેટ આપી દો. ભણશાળીને અંબાણી કરતા અમીર બનાવી દઈએ.

~ મયુર ખાવડુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.