Gujarati Writers Space

MeToo Movement : રાજાની પત્ની પણ શંકાથી પર ન હોવી જોઈએ !

‘સ્ત્રી-પુરુષનો સંબંધ પરસ્પર લેવડ-દેવડનો સબંધ બનતો જાય છે. આમ જોવા જઈએ તો લગ્નમાં પણ હવે લેવડ-દેવડ મહત્ત્વની બની ગઈ છે. કોણ કોને શું આપી શકે છે એના ઉપર આધારિત રહીને બાંધવામાં આવેલા સંબંધો ત્યાં સુધી જ ચાલે છે-શ્વાસ લે છે, જીવતા રહે છે, જ્યાં સુધી એ લેવડ-દેવડ બરાબર ચાલતી રહે. જે ક્ષણે બ્રિચ ઓફ કોન્ટ્રાક્ટ થાય છે એ ક્ષણે એક પક્ષ ફરિયાદી બની જાય છે અને બીજો ગુનેગાર… જે સ્ત્રીને કંઈક જોઈતું હોય તે આવા (શોષણખોર) લોકો સાથે શરૂઆતમાં નાના-મોટા કોમ્પ્રોમાઈઝ કરે છે. આવી સ્ત્રીઓ આવા પુરુષોને કન્ડિશન લર્નિંગથી શીખવાડે છે, કે મોટાભાગની સ્ત્રીઓને કંઈક જોઈએ છીએ અને એ મેળવવા માટે આવી સ્ત્રીઓ શરીરનું બાર્ટર કરવા તૈયાર હોય છે.’ આ શબ્દો છે Kaajal Oza Vaidyaના.

દિવ્ય ભાસ્કરની રવિવારની ‘રસરંગ’ પૂર્તિની ‘માય સ્પેસ’ કોલમમાં તેઓ પીડિતાઓની તરફેણમાં સ્ટેન્ડ લઈને સિક્કાની બીજી તરફ પણ સારો પ્રકાશ પાડે છે. તેઓ લખે છે કે, ‘સ્ત્રી બિચારી, અબળા, પીડિત, શોષિત અને દુ:ખી જ હોય, એ સાચી હોય… એનું ચારિત્ર્ય અપરાઈટ જ હોય એ વાત હવે સીધેસીધી માની લેવાય એવી તો નથી જ રહી ત્યારે સવાલ એ છે કે, આવા આક્ષેપોમાં ખરા-ખોટાનો નિર્ણય કોણ કરે…?’

તેઓ વધુમાં લખે છે કે, ‘કોણ, કોને ‘એક્સપ્લોઈટ’ કરે છે કે કોનો ઉપયોગ થયો છે…? કોનું અપમાન થયુ છે, કોનું હેરેસમેન્ટ થયું છે. આ બધા સવાલના જવાબ સાપેક્ષ છે, રિલેટિવ છે. હું એક સ્ત્રી થઈને આ વાત કહું છું, ત્યારે મારી જવાબદારી સ્વીકારું છું. મારા અનુભવો અને પૂરેપૂરી જાણકારી પછી આ વાત લખી રહી છું ત્યારે મારે એક જ વાત કહેવી છે. આ ‘મી ટુ મૂવમેન્ટ’ અને એની સાથે જોડાયેલી ફરિયાદો જો ખોટી નથી, તો બધી સાચી પણ નથી જ – ન હોઈ શકે!’

ચલો, ફરી એકવાર મી ટુ મુદ્દે હડુડુડુ હુશ કરીને ક્રાંતિકારી દેખાવા ચાલુ બેન્ડવેગને ચડવાના બદલે ટુ ધ પોઇન્ટ લોજીકલી વિચારવાનો પ્રયાસ કરીએ. કોઈપણ વાતને તેના સંદર્ભ વિના સમજવાનો પ્રયાસ કરીએ તો ગદર્ભમાં અને આપણામાં કોઈ ફરક ન ગણાય. જે પીડિત છે એ તમામ મહિલાઓ પ્રત્યે સન્માન છે અને તેમને સપોર્ટ હોય જ. અહીં વાત કરીએ પવન જોઈને પૂંઠ ફેરવતા તળિયા વગરના લોટાઓની. વાતને તર્કની એરણ પર ચડાવીને ચકાસ્યા વિના અને એ લોટાઓની આસ-પાસ ‘એ હાલોઓઓઓ…’ કરીને રાસડાં લેવા માંડતા લોકોની. ‘સ્ત્રીએ આજે છેક આરોપ કેમ મુક્યો?’ એવા લોજીકલ સવાલ સામે સવાલકર્તાઓને ‘સ્ત્રીની માનસિકતાનો અનુભવ નથી’ જેવી દલીલો કરનારાઓની.

દરેક સ્ત્રી અને દરેક પુરુષને એક લાકડીએ હાંકવાની માન’સિક’તાની. પ્રાગ ઐતિહાસિક કાળમાં બનેલી ઘટના વિશે કોઈ આજે કંઈ કહે તો ટાઇમિંગ પ્રત્યે શંકાની નજરે જોયા વિના જેનું નામ આવ્યું હોય એ પુરુષનો પક્ષ જાણ્યા વિના ધોકો ને ધડકી લઈ ને તૂટી પડવાની માનસિકતાની. ‘ઓલ મેન આર ડોગ્સ’ની માનસિકતાની. ફિલ્મ ‘મુલ્ક’માં એક મજેદાર સંવાદ કંઈક એવો હતો કે, ‘જો આ દેશનો દરેક મુસલમાન આતંકવાદી હોત તો આપણે બધા અત્યારે શાંતિથી જીવી શકતા હોત ખરા…?’ એ જ રીતે જો ‘ઓલ મેન્સ આર ડોગ્સ’ની થિયરી મુજબ જો દરેક પુરુષ રેપીસ્ટ કે દરેક મહિલા પ્રત્યે બદનિયતવાળો હોત તો શું થાત…?’

‘મી ટુ’ પર કેમ મજાક થાય છે અને ટાઇમિંગ પર કેમ સવાલ ઉઠે છે? એ વાત સસંદર્ભ સમજીએ. આદરણીય શ્રી કંગના રનૌતે પણ મી ટુમાં ખાબકીને સોરી ઝંપલાવીને ‘લગે હાથો’ વિકાસ બહલ પર આરોપ લગાવી દીધો કે, ‘વિકાસ જ્યારે મળતો ત્યારે એને ‘વિચિત્ર રીતે’ હગ કરતો અને કહેતો કે તારા વાળમાંથી સુગંધ આવે છે અને એ સુગંધ મને ગમે છે.’ મી ટુ મૂવમેન્ટમાં જોડાતી મહિલાઓના ટાઈમિંગ પર શંકા ઉઠાવનારાઓ વિશે અમેરિકાથી Bhupendrasinh R Raolએ કોમેન્ટ કરેલી કે, ‘જેને સ્ત્રીની નાજુક સાયકોલોજી, આલ્ફામેલના બિહેવિયર, સ્ટોકહોમ સિન્ડ્રોમ અને ઈવલ્યૂશનરી સાયકોલોજીનું ભાન ન હોય એ જ એવું કહેશે કે તે સ્ત્રી અત્યાર સુધી ચુપ કેમ રહી?’ તો ભુપેન્દ્રસિંહ હવે સમજાવે કે વીર સાચુ કહેવાવાળી, ક્રાંતિકારી, બોલિવૂડની ઝાંસીની રાણી કંગના રાણૌતની એવી તે કેવી નાજુક સાયકોલોજી હતી કે તે અત્યાર સુધી ચુપ રહી?

રોશન પરિવાર જેવા બોલિવૂડના પાવરફૂલ ફેમિલી સામે લડી લેનારી કંગનાને વિકાસ બહલના મુદ્દે કયો સ્ટોકહોમ સિન્ડ્રોમ નડી ગયેલો? કંગનાના નિવેદનના ટાઈમિંગમાં થોડા ઉંડા ઉતરીએ. કંગનાએ જેનું વર્ણન કર્યુ એ ઘટના ‘ક્વિન’ના શૂટીંગ વખતની છે. વીર સાચુ કહેવાવાળી કંગના ધ ક્રાંતિકારીએ એ ઘટના પહેલીવાર બની એ જ સમયે વિકાસ બહલને ઝાટકી કેમ ન નાખ્યો? એની ફિલ્મ અધવચ્ચેથી જ ફગાવી કેમ ન દીધી? એણે એ જ સમયે વિકાસને કેમ ન ચોપડાવી દીધુ કે, ‘ચલ બે, હટા સાવન કી ઘટા. નથી કરવી તારી ફિલ્મ. મારા વાળમાંથી સુગંધ આવે, દુર્ગંધ આવે કે એમા ટોલા પડ્યા હોય, એમાં તારા બાપનું શું જાય છે?’ પણ કંગનાએ એ ફિલ્મ કરી. એ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ પણ મેળવ્યો. વિકાસે ડિરેક્ટ કરેલી ફિલ્મ માટે નેશનલ એવોર્ડ લેતી વખતે કેમ એને વિકાસ વિલન ન લાગ્યો? એ તો મોટુ મંચ હતું, એ સમયે જ એવોર્ડનો અસ્વિકાર કરીને વિકાસનો ‘વિકાસ’ ત્યારે જ કેમ રુંધી ન નાખ્યો? એ જ એવોર્ડની ટ્રોફી વિકાસના માથામાં કેમ ન ફટકારી?

વિકાસની પૂર્વ વાઈફ રિચા દુબેએ કહ્યું કે, ‘નવેમ્બર 2015માં મધુ મંટેના અને મસાબા ગુપ્તાના લગ્નમાં કંગનાએ વિકાસ સાથે આઈટમ ડાન્સ કર્યો હતો. જો વિકાસ ખરાબ માણસ હતો તો એવા ‘ગંદા માણસ’ સાથે તેણે ડાન્સ કર્યો જ શા માટે?’ જેના જવાબમાં કંગનાએ રિચાને સામી ચોપડાવી કે, ‘જો વિકાસ એટલો જ સારો માણસ હતો તો તે એને છૂટાછેડા કેમ આપ્યા?’ હા, સાચી વાત છે, પણ આ જ દલીલ શું કંગના સામે લાગુ નથી પડતી? જો એ એટલો જ ખરાબ માણસ હતો તો તે એની ફિલ્મ કેમ કરી? એ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ કેમ લીધો? તે એની સાથે ‘આઈટમ ડાન્સ’ કેમ કર્યો? આ બધી માત્ર દલીલો છે. હું એવું સાબિત નથી કરવા માગતો કે કંગના ખોટી છે અને વિકાસ સાચો છે. મારો મુદ્દો માત્ર એટલો જ છે કે કોઈ પણ આક્ષેપ, જેની ફરિયાદ ન થઈ હોય, મામલો કોર્ટમાં ન હોય, તેના વિશે શંકા તો થઈ જ શકે. કહે છે ને કે રાજાની પત્ની પણ શંકાથી પર ન હોવી જોઈએ.

સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંબંધો બહુ કોમ્પ્લિકેટેડ હોય છે. એ વહેતી નદી જેવા હોય. જેનો પટ ક્યારેક સાંકળો તો ક્યારેક ખુબ જ વિશાળ હોય. ક્યાંક એનો પ્રવાહ ધસમસતો હોય તો ક્યાંક એકદમ શાંત હોય. એ સંબંધ ગણિત નહીં, પણ સંગીત હોય છે. ગણિતમાં એક સમિકરણ બધા જ દાખલામાં લાગુ પડે જ્યારે સંગીતમાં દરેક ગીતની ધૂન અલગ હોવાની. દરેકને તમે એક જ લાકડીએ હાંકી ન શકો. કેટલાક વર્ષો પહેલા જે ઘટના બની ત્યારે નદીનો પ્રવાહ કેવો હતો? પટ કેવડો હતો? એ બન્ને વચ્ચેના સંબંધો (કોઈપણ પ્રકારના) કેવા હતા? એ બધુ જ તમે અને હું ઘરે બેઠાં બેઠાં જજ ન કરી શકીએ. માટે સ્ત્રી બોલે છે તો સાચુ જ બોલતી હશે. એમાં કોઈ શંકા હોય જ નહીં. પુરુષ ખોટો જ હશે કે ગુનેગાર જ હશે એ માન્યતા ખોટી છે. આમ પણ આપણા દેશમાં કોઈ કેસમાં કોઈ ધનિક કે રાજકારણી સંડોવાયેલો હોય ત્યારે એક સામાન્ય માન્યતા એ જ હોય છે કે ધનિક છે કે રાજકારણી છે? ચોક્કસ એણે ગુનો કર્યો જ હશે. એવું જ સ્ત્રી-પુરુષના કેસોનું હોય છે. પેલીએ માત્ર આક્ષેપ કરવાનો હોય છે. કશું સાબિત ન થાય તો પણ લોકો માની જ લે છે કે પુરુષનો જ વાંક હશે. પુરુષો તો હોય જ એવા. ઓલ મેન આર ડોગ્સ..યુ નો! હોવ…હમ્બો…હમ્બો…!

દરેક કેસ પોતાની રીતે અલગ અને આગવો હોય છે. દરેકમાં એક જ સમિકરણ ફિટ કરી શકાય નહીં. દરેક વ્યક્તિની માનસિકતા, સંજોગો, એમના અગાઉના સંબંધો સહિતની દરેક વાત ધ્યાને લેવી જ પડે. અંતરિયાળ ગામડાંની કોઈ આદિવાસી બાળા કોઈ શોષણખોર શેઠીયા સામે આક્ષેપ કરે અને ટોઈલેટ શિટ પર અર્ધનગ્ન બેસીને ‘આઓના, તુમ્હારે બીના તો મુજે પોટ્ટી ભી ઠીક નહીં આયેગી’ બોલતો વીડિયો પોસ્ટ કરનારી રાખી સાવંત કોઈની સામે ‘મી ટુ’ કરે તો એ બન્નેની તીવ્રતા સ્વાભાવિકપણે અલગ જ રહેવાની. બન્નેના પૂર્વાપર સંદર્ભો સમજવા જ પડે. માત્ર ‘મી ટુ’નો કેસ હોવાથી પુરુષ વિરોધી ‘હાય તોબા’ અને ‘હમ્બો હમ્બો’ કરી શકાય નહીં. ‘મી ટુ’નો કેસ હોય એટલે તર્કને પાતાળ કૂવાની નીચેની ઓરડીમાં પૂરીને એની ચાવી દરિયામાં ફેંકી ન દેવાય.

મિત્ર લેખક Abhimanyu Modiએ તો ત્યાં સુધી લખી નાખ્યુ કે, ‘સ્ટેન્ડઅપ કોમેડિયન, સિંગર્સ, આર.જે., ડાન્સર્સ, રાઈટર્સ વગેરે આર્ટફિલ્ડના લોકોનો નાર્કોટેસ્ટ કરાવો. અડધાથી વધુની આ ક્ષેત્રમાં આવવા પાછળની મહેચ્છા વધુને વધુ સ્ત્રીઓ સાથે સંબંધ બાંધવાની જ હોવાની.’ અભિમન્યુની એ પોસ્ટ પર મેં લખ્યું કે, ‘આ બહુ જ ખરાબ જનરલાઈઝેશન છે. હા, નેચરનો લો છે કે પુરુષ પાવરફૂલ થાય એટલે વધુ સ્ત્રીઓને પામવા ઝંખે અથવા વધુ સ્ત્રીઓને પામવાની ઝંખનામાં વધુને વધુ પાવરફૂલ બનવાનો પ્રયાસ કરે. બટ, ઇટ્સ નેચર્સ લો. એ સર્વાઇવલ ઓફ ફિટેસ્ટની જેમ માત્ર માનવીને નહીં, પણ સમગ્ર સજીવસૃષ્ટિને લાગુ પડે છે. વી આર સોશિયલ ‘એનિમલ’. યુ નો…! એ જ લો એવો પણ છે કે સ્ત્રી પણ વધુ પાવરફૂલ પુરુષ ઝંખે. વધુ સ્ત્રીઓ ઝંખતો પાવરફૂલ પુરુષ અને પાવરફૂલ પુરુષથી આકર્ષાતી સ્વરૂપવાન સ્ત્રી એ કુદરતની કરામત છે. એની પાછળ કુદરતનો સ્વાર્થ એટલો કે પાવરફૂલ પુરુષના ડીએનએ વધુ ફેલાય. જેથી આવનારી જનરેશન વધુ મજબૂત પેદા થાય. જોકે, એનું દરેક વ્યક્તિના કલાકાર બનવા પાછળ વધુને વધુ સ્ત્રીઓને પામવાની ઝંખના હોય છે, એવું સસ્તું સરળીકરણ ન કરી શકાય. આ થિયરી મુજબ તો દરેક ટેલેન્ટેડ વ્યક્તિ, આર્ટના ક્ષેત્રમાં ઘુસેલો વ્યક્તિ કે ઘુસવા માંગતો વ્યક્તિ એ આર્ટને એન્જોય કરવા, પોતાનો શોખ પૂરો કરવા કે પૈસા કમાવા નહીં, પણ માત્રને માત્ર વધુને વધુ યુવતીઓ સાથે સબંધ રાખવા માગતો હોય છે, એવું સાબિત થાય. તારી થિયરીનો બીજો મતલબ તો એવો પણ થાય કે આટઆટલી વેબસિરિઝ, કોમેડિયન, આર.જે, સિગિંગ, ડાન્સર અને રાઇટર વગેરેના રાફડા ફાટ્યા કારણ કે એ બધા માત્રને માત્ર વધુને વધુ છોકરીઓ સાથે સબંધ રાખવા માગે છે. શું યાર, કંઈ બી? શું આ તમામ ક્ષેત્રમાં યુવતીઓ પણ નથી આવી રહી?’

કહેવાનો મતલબ એવો નથી કે આલોકનાથથી માંડીને વિકાસ બહલ સુધીના જેટલા પણ લોકો પર આક્ષેપ થયા છે તેઓ ઋષિ વિશ્વામિત્રની જેમ તપ કરતા હતા અને પેલી બધીઓ મેનકા બનીને એમનુ તપોભંગ કરી આવી. મારો વિરોધ માત્ર તમામને એક લાકડીએ હાંકવા સામે છે. સિક્કાની બીજી બાજુની અવગણના સામે છે.

દિલ્હી ગેંગરેપ બાદ સ્ત્રી સુરક્ષાનો કાનૂન કડક બનાવવા જે જોગવાઈઓની ચર્ચા ચાલી રહી હતી એમાં એટલી બધી અતિશયોક્તિ હતી કે મેં મજાકમાં એક વનલાઈનર લખ્યું કે – ‘હવે સ્ત્રીની મરજી વિરુધ્ધ એની સામે જોવું પણ ગુનો ગણાશે!’ અને ખરેખર એ વાત કાયદો બની ગઈ! મને યાદ છે કે સંસદમાં માત્ર એકાદા સાંસદે તેનો એમ કહીને વિરોધ કરેલો કે, ‘એસે તો લોગ પ્યાર ભી કૈસે કરેંગે?’ ઈસ દેશ મેં ‘ઘુરના’ અબ ગુના હૈ. આનાથી વધુ કેટલો કડક કાયદો જોઈએ? એ સમયે અમદાવાદના એક અખબારે એક પ્રયોગ કર્યો. સ્કર્ટમાં સજ્જ એક યુવતીને અમદાવાદના એક રોડ પર ફેરવી અને જેટલા પણ લોકોએ એની સામે જોયુ એ તમામના ફોટા કેમેરામાં કેદ કરીને બીજા દિવસે છાપી દીધા. લખ્યું કે, આ યુવતી સામે આટલી મિનિટમાં આટલા લોકોએ જોયું. કાયદાની આ જે જોગવાઈ છે એના સંદર્ભમાં એક કલ્પના કરો કે કોઈ કોલેજ કે એવા કોઈ જાહેર સ્થળેથી કોઈ સુંદર યુવતી પસાર થાય છે. માની લો કે પચાસ લોકો તેને જુએ છે. તો શું એ પચાસે પચાસ ગુનેગાર થઈ ગયા? ગંભીર બાબત એ છે કે એ યુવતી એ પચાસ પૈકી જેની સામે તેને પ્રોબ્લેમ હોય એ પાંચ વ્યક્તિઓને ‘ઘુરવા’ના ગુનાસર ‘ફિટ’ કરાવી શકે છે. હું એમ નથી કહેતો કે એવું જ થાય, પણ એવું પણ થઈ તો શકે જ છે ને? શું જોનારા તમામ પુરુષોને નપુંસક બનાવી દેવાના? કે એમની આંખમાં મરચુ ભભરાવી દેવાનું? કહે છે કે બહારવટીયા જોગીદાસ ખુમાણ પરસ્ત્રી પર નજર પડી જાય તો રાત્રે આંખમાં મરચાની ભૂકી નાંખતા. સ્ત્રીને તો એક જ નજરમાં ખબર પડી જતી હોય છે કે એની સામે જોનારાની આંખમાં ભોળુ સસલું છે કે હવસનું સાપોલિયું. એની સાથે વાત કરનારા વ્યક્તિની નજર કેટલા સેકન્ડ એના ચહેરા પર સ્થિર રહે છે અને કઈ સેકન્ડે કેટલીવાર એની છાતી પર લપસે છે. જેન્યૂઈન હેરેસમેન્ટનો પ્રશ્ન નથી, પણ પોઈન્ટ એ છે કે આ દેશની વિવિધતા એટલી છે કે જે કાયદો કોઈ દૂરના ગામડાં માટે આશીર્વાદ સમાન હોય એ જ કોઈ મેટ્રો સિટી માટે અભિશાપ પણ સાબિત થઈ શકે.

સ્ત્રી-પુરુષના કોમ્પ્લિકેટેડ કેસોના મીડિયા કે સોશિયલ મીડિયા ટ્રાયલ્સના કારણે ઘણી વાર સૌથી ખરાબ હાલત પોલીસની થઈ જતી હોય છે. એમની હાલત ‘જોલી એલએલબી’ના જજ સૌરભ શુક્લા જેવી હોય છે. જેનો એક ડાયલોગ હતો કે, ‘કાનૂન અંધા હોતા હૈ, જજ નહીં.’ કેટલાક કેસોમાં પોલીસને ફરિયાદી પોલીસ સ્ટેશનમાં પગ મુકે ત્યારથી જ ખબર પડી જતી હોય છે કે કેસ જેન્યૂઈન છે કે વ્યક્તિગત ઝઘડાનો બદલો લેવા કાયદાના દુરુપયોગનો પ્રયાસ? આવેલી વ્યક્તિ જેન્યૂઈન પીડિતા છે કે આરોપી પુરુષને ‘ફિટ’ કરી દેવા માગે છે? પૂરાવા એકત્ર કરવામાં પોલીસ થોડો સમય લગાવે કે એમના પર માછલા ધોવાવાના શરૂ થઈ જાય. હવે હું જે ઉદાહરણ ટાંકવા જઈ રહ્યો છું એને આ પેરેગ્રાફની અત્યાર સુધીની લાઈન્સ સાથે જોડ્યા વિના સમજવાનો પ્રયાસ કરજો. થોડા સમય પહેલા અમદાવાદમાં એક ‘ચાલુ કારમાં ગેંગરેપ’નો કેસ બહુ ગાજેલો. લોકોએ અતિશયોક્તિ કરીને એની તુલના દિલ્હીના ગેંગરેપ સાથે પણ કરી નાંખેલી. ખુદ પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરવી પડેલી કે એ કેસ દિલ્હીના કેસ કરતા કેવી રીતે અલગ હતો. એ સમયે બહુ ગોકિરો થયેલો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર પક્ષપાતના અને આરોપીઓ પ્રત્યે પક્ષપાતી વલણના આક્ષેપો પણ થયા. મૂળ ફરિયાદમાં ઘણા લૂપ હોલ્સ હતા. અંતે તમામ આરોપીઓના નાર્કોટેસ્ટ થયા? નાર્કોટેસ્ટથી ગેંગરેપ સાબિત થયો? શું થયુ પછી? જરા એ કેસનું લેટેસ્ટ સ્ટેટ્સ ચેક કરી જુઓ. કદાચ, કહેવાનો મતલબ સમજાશે. કહેવાનો મતલબ એ છે કે કોઈ સ્ત્રીએ આક્ષેપ કર્યો હોય એટલે એણે જેની સામે આંગળી ચીંધી હોય એની સામે હડૂડૂડૂ હુશ કરીને મચી ન પડવાનુ હોય.

એક્ચ્યુલી, આ મુદ્દો બહુ જ સંવેદનશીલ છે. ફ્લર્ટ અને ઓફેન્સ વચ્ચેની ભેદરેખા સોયના નાકામાં પરોવાતા દોરા કરતા પણ પાતળી હોય છે. દરેક સ્ત્રી અને દરેક પુરુષે એની વ્યાખ્યા પણ બદલાતી હોય છે. મહત્ત્વની વાત એ છે કે એ ભેદરેખાનું પરિઘ કેવડું રાખવું એ સ્ત્રીના હાથમાં હોય છે. પુરુષનું ફ્લર્ટ જે ઘડીએ સ્ત્રીને ન ગમે એ ઘડીએ એ ઓફેન્સ બની જાય છે. એ વ્યાખ્યા અને એ પરિઘ વળી પાછું અલગ અલગ પુરુષ માટે પણ અલગ હોય છે. સ્ત્રીને ગમતો પુરુષ ફ્લર્ટ કરે તો એને ગમે અને અણગમતો પુરુષ એવું જ ફ્લર્ટ કરે તો એને ન ગમે અને એ જ સેકન્ડથી એ ઓફેન્સ બની જાય છે. આવા કોમ્પ્લિકેટેડ સંજોગોમાં તમે એક જ છાપેલું કાટલું દરેક કિસ્સામાં ન વાપરી શકો.

કન્ક્લુઝન માત્ર એ છે કે મી ટુ ઝુંબેશ ‘વાઘ આવ્યો રે વાઘ’ ન બની જવી જોઈએ. એ વહેતી ગટરગંગામાં હાથ ધોવાનો માસ હિસ્ટીરિયા ન બની રહેવી જોઈએ. આપણા દેશમાં માસ હિસ્ટીરિયામાં અગાઉ ગણપતિ દાદાએ પણ સાક્ષાત દુધડાં પીધેલા છે. એ હિસ્ટીરિયામાં ક્યારેક દેશનો એક વર્ગ ગંગનમ ડાન્સ પાછળ ગાંડો બની જાય છે તો ક્યારેક હાથ ધોઈને પોકેમોન પાછળ પડી જાય છે તો ક્યારેક મ્યુઝિકલી પર ગાંડા કાઢે છે. સમજવાનુ એ છે કે મી ટુ મૂવમેન્ટ એ ગંગનમ ડાન્સનો ક્રેઝ કે પોકેમોન પકડવાની રમત નથી. એક સ્ત્રી દ્વારા પુરુષ પર થતો જાતિય શોષણનો આક્ષેપ બહુ ગંભીર બાબત છે. એ આછકલાઈ ન બની જવી જોઈએ. નહીં તો સ્ત્રીના આક્ષેપમાં રહેલી વેધકતા ઓછી થઈ જશે અને પીડિતાઓને જ નુકસાન થશે. કેમ દામિનીકાંડ વખતે કોઈએ એ કેસ પર જોક્સ નહોતા બનાવ્યા અને મી ટુ મૂવમેન્ટ પર ઢગલામોઢે જોક્સ ફરી રહ્યાં છે? કંઈ સમજાય છે?

ફ્રી હિટ :

She : તમે સિક્કાની આ બાજુ લખી તો પેલી બાજુ કેમ નથી લખતાં?

Me : આ તો એના જેવો સવાલ થયો કે સમોસા પર લખ્યું તો ચટણી પર કેમ નહીં? ફાફડા પર લખ્યું તો જલેબી વિશે કેમ નહીં?

~ તુષાર દવે ( સીટી ભાસ્કર, અમદાવાદ )

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.