Gujarati Writers Space

મહેશ બાબુ : પોકીરી -2- સ્પાઈડર

1979માં નીડા નામની તેલુગુ ફિલ્મનું શુટિંગ ચાલતુ હતું. આ શુટિંગ દરમિયાન સેટ પર ચાર વર્ષનો ટેણીયો આટાં મારતો હતો. તેને જુઓ એટલે રમાડવાનું મન થાય. ડાયરેક્ટર દાસરી રામાયણ રાવનું મન આ બાળક સામે ચોટી ગયુ. છોકરો ડાબી બાજુ… જમણી બાજુ આટા મારે, કંઈ ખબર ન પડે અને સેટમાં ધુમ મચાવે. દાસરીએ છોકરાને મનાવી પટાવીને પોતાના હિરોનો નાનપણનો રોલ કરાવી નાખ્યો. પછી તો છોકરો એવો તે ચાલ્યો, સોરી દોડવા લાગ્યો કે 1983માં આવેલી ફિલ્મ માટે તેને ફરી કાસ્ટ કરવામાં આવ્યો. આ વખતે તેનો રોલ નાના ભાઈનો હતો. ગમે ત્યારે જુઓ છોકરાના ચહેરાનું ભોળપણ અને તેની સુંદરતા કેમેરાને પોતાની તરફ ખેંચી લાવે. શન્શકરમ, બાઝાર રાઉડી, ગુંડાચારી જેવી ફિલ્મોમાં તેણે ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકેનો રોલ કર્યો, પણ ભણવાનો કિડો. જેના કારણે કોલેજ સુધી દોડ્યો ગયો. આખરે બોલિવુડની ખંજન નયની એવી હિરોઈન પ્રિતી ઝીન્ટા સાથે તેણે તેલુગુમાં રાજ કુમારડુ ફિલ્મથી ડેબ્યુ કર્યુ. આ છોકરો એટલે મહેશ બાબુ. જેની સુંદરતા કહો કે હેન્ડસમનેસ કોઈ દિવસ અલોપ નથી થતી. સલમાન, શાહરૂખ, આમિર કોઈની પણ ફિલ્મ રિલીઝ કરી નાખવી. પણ હા, જો તેલુગુમાં આ સુપરસ્ટારની ફિલ્મ હશે, તો બોસ બોલિવુડના કોઈ સ્ટારની ફિલ્મ ચાલશે નહીં. અને એટલે જ તેણે સલમાન ખાનની ટ્યુબલાઈટ સામે પોતાની ફિલ્મ સ્પાઈડરને રિલીઝ કરવાનું એલાન કર્યુ છે. અત્યારથી જ સ્પાઈડરની તુલના કત્થી સાથે થઈ રહી છે. ઉપરથી એ.આર. મુરગોદાસનું પેપ્સુડન્ટથી મજબૂત મસુડેવાલુ ડિરેક્શન. સલમાન ખાન પરથી યાદ આવ્યુ કે મહેશ બાબુની પોકીરી ફિલ્મ જ હતી, જેની સલમાને હિન્દી રિમેક બનાવી અને અત્યારે બોક્સઓફિસનો સુલ્તાન બની ગયો છે. મારા મતે તો હિન્દી સિનેમામાં સુપરસ્ટાર બનવા માટે તમારે માત્ર મહેશ બાબુની ફિલ્મની રિમેકમાં કામ કરવાનું રહે !

રાજ કુમારડુ ફિલ્મ બોક્સઓફિસ પર સફળ થયેલી. અને મહેશને ત્યારે એક નવુ નામ મળેલુ. આ નામ એટલે પ્રિન્સ. પ્રભાસને જે રીતે ડાર્લિગ કહે છે (બાહુબલી તો આપણે) તે રીતે મહેશને ત્યાં લોકો પ્રિન્સના નામે જ ઓળખે છે. તમારે હૈદરાબાદમાં ચૂંટણી જીતવી હોય તો ધારાસભ્ય શ્રી રામાશંકર રેડ્ડી અને પ્રભુશંકર રેડ્ડીની તસ્વીરો વચ્ચે મહેશ બાબુનો ફોટો મુકી દેવો. લોગ ફોટુ દેખકે હી વોટ દે દેંગે, નામ હી કાફી હૈ…

પણ આટલા બધા અભિનેતા વચ્ચે ખુદને સ્થાપિત કરવુ તે અઘરૂ હતું, મહેશ આજે પણ પોતાના ઈન્ટરવ્યુમાં એ વાત કહે છે કે, ‘ડાયરેક્ટર ક્રિષ્ન વામસીની મુરારી ફિલ્મ ન કરી હોત તો મને કોઈ પહેચાન ન મળી હોત.’ આ ફિલ્મે હૈદરાબાદની બોક્સઓફિસ પર તહેલકો મચાવેલો. જેવો અત્યારે બાહુબલી મચાવી રહ્યું છે. આ ફિલ્મ માટે તેને નંદી સ્પેશિયલ જ્યુરી એર્વોડ પણ મળી ગયો. મહેશની ખાસિયત એ કે તેની આ બીજી ફિલ્મમાં પણ તેની હિરોઈન બોલિવુડની નિરમા ગર્લ સોનાલી બેંદ્રે હતી. પ્રિતી ઝીન્ટા, સોનાલી બેંદ્રે હજુ તેનો સિલસિલો બોલિવુડ સાથે કાયમ રહેવાનો હતો. અને પછી આવી નીના અને ડોક્કુડુ જેવી ફિલ્મો. તમિલ અને તેલુગુ ફિલ્મમાં હિરો કાળિયા હોય છે. અને મહેશ બાબુ જેટલો વ્હાઈટ તેલુગુ શું ? કોઈ બોલિવુડમાં છે નહીં. હિટ ફિલ્મો અને ફેરનેસ ક્રિમના કારણે મહેશ બાબુ દોડવા લાગ્યો. 2006માં તેણે ધડાકો કર્યો. પોકીરી નામની ફિલ્મે બોક્સઓફિસ પર રીતસરની ટંકશાળા પાથરી. પોકીરીનો અર્થ થાય રખડુ અને પછી તો તેની રિમેક પર રિમેક અને પોકીરી ભારતની સૌથી વધારે રિમેક બનનારી ફિલ્મોમાં સમાવિષ્ટ થઈ ગઈ. છેલ્લે અગાઉ કહ્યું તેમ વોન્ટેડ પણ બની. અથીડી ફિલ્મથી મહેશ બાબુનું પાછુ બોલિવુડ કનેક્શ જોઈન્ટ થયુ અને અમૃતા રાવ સાથે કામ કર્યુ. આ સિવાય તેણે બોલિવુડ એક્ટ્રેસ નમ્રતા શિરોડકર સાથે લગ્ન કર્યા. ઓસ્ટ્રેલીયામાં શુટ થઈ રહેલી વામસી ફિલ્મના સેટ પર આ બંન્નેની મુલાકાત થઈ અને ચાર વર્ષ ડેટીંગ કર્યા બાદ પુકાર ગર્લને આ પોકીરી મળી ગયો. એટલે તેનું ફરી બોલિવુડમાં કનેક્શન જોડાયુ. પરંતુ કોઈકાળે તેણે છેલ્લે સુધી બોલિવુડની ફિલ્મ ન કરી. એવુ નથી કે મહેશને ઓફર નહતી. ઓફર હતી, પરંતુ તેને રજનીકાંત અને કમલ હસન જેવો ફિયાસ્કો થવાનો ડર લાગતો હતો. 2010માં મહેશ બાબુએ ટ્વીટર જોઈન કર્યુ અને અત્યારે એક મિલિયન કરતા વધારે ફોલોઅર્સ છે. ભારતના 50 સૌથી હેન્ડસમ પૂરૂષોમાં આ સ્ટારનો પણ નંબર લાગી ચુક્યો છે.

સ્પાઈડરની ખાસ વાત એ છે કે તેનું શુટિંગ અમદાવાદમાં ઉતરેલુ છે. ચાંદખેડાથી લઈને રિવરફ્રન્ટ સુધી ઉતર્યુ. અને હું જ્યાં જમવા માટે જાવ છું ત્યાં સામે અત્યારે મેટ્રોનો પ્રોજેક્ટ બની રહ્યો છે. ત્યાં પણ તેણે ફાઈટીંગ સીન કર્યો. અમારો મેકઅપ મેન રાજુ ત્યાં જઈ મહેશ બાબુ સાથે ફોટો પાડી આવ્યો અને તેને ફેસબુક પર લોકો કહેવા લાગ્યા, ‘તુ તો બડા આદમી હો ગયા…’ બસ મહેશ બાબુનું સાઉથમાં આવુ રાજ ચાલે છે.

~ મયુર ખાવડુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.