Gujarati Writers Space

મરીઝ : અસ્તિત્વ અને વ્યક્તિત્વ

પુસ્તક :- મરીઝ: અસ્તિત્વ અને વ્યક્તિત્વ
લેખક :- રઈશ મણિયાર

એકવાર મેં આ પુસ્તક અને બીજું ભદ્રાયું વચ્છરાજા નું પુસ્તક અમૃતા પ્રિતમ એક પ્રેમ કહાની બુકપ્રથા.કોમ પરથી મંગાવેલી. જ્યારે પુસ્તક આવ્યા ત્યારે હું ઓફિસ હતી. પપ્પાએ કુરિયર લીધું અને ચેક કર્યું તો આ બન્ને બુક જોઈ. સાંજે હું ઘરે આવી તો કહે કે આવી બુક વંચાતી હશે. હું પાછી આપી દઈશ અને એમણે બન્ને બુક સંતાડી દીધી મને જોવા પણ ન મળી. પછી એક દિવસ અમે ઘરની સફાઈ કરતા હતા તો માળિયા ઉપરથી આ બુક મળી આવી. મેં તો એ જ દિવસે અમૃતા પ્રીતમની વાંચીને સેકન્ડ ડે મરીઝ. પપ્પાને ખબર જ નથી.😄

#Book review

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં, મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે !

અબ્બાસ અબ્દુલ અલી વાસી, જન્મ- સૂરતમા પઠાણવાડાંમાં, 22/02/1917. જ્યારે 16- 17 વર્ષની ઉંમરમાં ગઝલને મુખ્ય પ્રવૃત્તિ માનવાનું નક્કી કર્યું, ત્યારે ગઝલકાર અમીન આઝાદે આ છોકરાને(મરીઝ) ઉપનામ આપ્યું. મરીઝ ગુજરાતના ગાલિબ કહેવાયા ( બિરુદ સૈફ પાલનપુરીએ આપેલું). એ એમની શરાબખોરી કે દેવાદારીને લીધે નહિ પરંતુ ગાલિબ-સરખી ઉત્કૃષ્ટ કાવ્યપ્રતિભાને લીધે. અલબત્ત ગઝકારોની પ્રતિભાની ઊંચાઇ માપવી હોય તો એમના સર્જનકાળ દરમિયાન કેટલા અમર શેર રચ્યાં એના આધારે કહી શકાય. જેમાં ગુજરાતી અને ઉર્દુ શાયરોને આ કસોટીમાં ઉતારીએ તો ગુજરાતીમાં મરીઝ અને ઉર્દુમાં ગાલિબ કહી શકાય. એમનું સર્જન તપાસીએ તો આસાનીથી સો-દોઢસો ઉતકૃષ્ટ શેર મળી આવે. 1968મા એમનો પ્રથમ ગઝલસંગ્રહ ‘આગમન’ પ્રસિદ્ધ થયેલો.

તેમની લાઈફસ્ટાઈલ એકદમ લો-પ્રોફાઇલ હતી. મરીઝે પોતાની દાસ્તાન ભાગ્યે જ કોઈને કહી હશે. કોઈ માણસ ખુદમાં કેટલો ખજાનો સંગ્રહી શકે.!?

કોઈ મારી કથા પૂછે નહિ તેથી સુણી લઉં છું;
ગમે ત્યારે, ગમે તેવી, ગમે તેની કહાણીને.

મરીઝના કુટુંબમાં કોઈ ગઝલકાર કે સાહિત્યકાર નહોતું. તેઓ દાઉદી વ્હોરા હતા અને એમની જ્ઞાતિમાં પણ ગઝલોની બોલબાલા ન હતી. મરિઝને નાનપણથી શાયર અમીન આઝાદ સાથે દોસ્તી હતી(તેઓ મરીઝ કરતા 7-8 વર્ષ મોટા હતા). સુરતના ઝાપા બજાર વિસ્તારમાં રાત્રે સુરતના કેટલાક ગઝલ રસિક બેઠક જમાવતા. મરીઝ અને આમીન પણ એમાં જઈને ગઝલો સાંભળતા. અને અહીંથી જ મરિઝને ગઝલ પ્રત્યે રસરુચિ પેદા થઈ. શિયાપંથી મુસ્લિમોમાં મરશિયા નામનો ધાર્મિક કાવ્યપ્રકાર પ્રચલિત છે, અને મરીઝ મરશિયા સાંભળવાના શોખીન હતા. અહીંથી જ તેઓ ગઝલના છંદ અને બંધારણ શીખ્યા.

બે ચોપડી જ ભણેલા મરીઝ ભીંડી બજારમાં શરીફઅલી એન્ડ સન્સ પુસ્તકવિક્રેતાને ત્યાં સેલ્સમેનની નોકરી કરતા. ઓછો અભ્યાસ અને બાપદાદાનો કોઇ વ્યવસાય વારસામાં મળ્યો ન હોવાથી મરિઝને આર્થિક રીતે પગભર થવા માટે યોગ્ય દિશા ન મળી.

26ની ઉંમરે તો મરીઝ અઠંગ શરાબી બની ચુક્યા હતા. જો કે એમની કોમમાં પણ શરાબ પાનનું પ્રમાણ ઓછું હતું. મરિઝને શરાબની લત ક્યારથી લાગી તેની આધારરભૂત માહિતી મળતી નથી. ૧૯૪૩ના એક મુશાયરામાં ત્યારે એમનું વેવિશાળ થયેલું. એમની ભાવિ પત્ની પણ મુશાયરામાં આવેલા પણ મરીઝ માઇક પાસે આવ્યા પણ કઇ બોલી શકે એવી હાલતમાં ન હતા. આ પ્રસંગ પર આસીમ રાંદેરી કહે છે કે, નશામાં ચકચૂર હોવાના કારણે તે ગઝલનું પઠન કરી શકતા નથી અને એકની એક પંક્તિ દોહરાવતા હતા.

‘તારા જીવનથી કોઈનું જીવન બની જશે….’
સૈફ પાલનપુરી કહે છે કે,

શાયરીએ એને સમૃદ્ધ કર્યો છે અને
શરાબે એનું હિર ચૂસી લીધું છે.

શરાબને કારણે જ એમને પોતાની ગઝલો પાંચ પાંચ રૂપિયામાં વેચી છે. જીગર મુરાદાબાદીનો શેર જે મરિઝને બિલકુલ બંધ બેસતો આવે છે…

સબકો મારા જીગર કે શેરોને,
ઔર જીગર કો શરાબને મારા

જ્યારે વ્હોરા જ્ઞાતિમાં સુધારાવાદી ચળવળ ઉગ્ર બની ત્યારે સુધારાવાદીઓ તરફથી ધર્મગુરુની સતા સામે બંડ પોકારવામાં આવ્યું. ત્યારે ધર્મગુરુઓએ મરીઝની લેખન શક્તિ દ્વારા સુધારવાદિઓની વેધક દલીલોના સચોટ જવાબ ‘ઇન્સાફ’ મા આપ્યા. એ બદલ મરિઝને સારી એવી રકમ પણ મળતી. ઘણીવાર સુધારાવાદી તરફથી આક્રમક આક્ષેપ હોય ત્યારે મરિઝને શોધવા ધર્મગુરુના માણસોએ શરાબના પીઠાંઓમાં જવું પડતું.

એક મુશાયરામાં સોળ શાયરો મરીઝે લખી આપેલી ગઝલ અથવા સુધારી આપેલી ગઝલ વાંચી રહ્યા હતા. આવું કરનાર મરિઝને પાછું ટીખળ સુજે કહે, ‘મરીઝ’ આવું સુંદર લખે, અમને શક છે ; બીજાની કને એણે કાવ્યો લખાવ્યા!

પોતાની ગઝલ જાળવવાની બેદરકારીને કારણે એમની ઘણી ગઝલો સિગારેટના ખોખામાં ક્યાંય ખોવાઈ ગઈ હશે. એકવાર ભીંડીબજારમાં જલન માતરી એક શેર મરિઝને સંભળાવે છે..

આ મહેરબાની તમારી કે દુઃખ દીધા એવા
ખબર પડે છે મને જિંદગી વિતાવું છું.

મરીઝ સાહેબ કહે વાહહ સરસ શેર છે, હું ટપકાવી લઉં. તો માતરી સાહેબ કહે આ તારો જ શેર છે. આશ્ચર્ય સાથે મરીઝ સાહેબ હસવા લાગ્યા.

૧૯૮૩ની ૧૯ ઓક્ટોબરના એ દિવસે તેઓ પોતાના નિવાસસ્થાન પાસે પુરપાટ ઝડપે આવતી રિક્ષાથી બચવા ઝડપભેર પસાર થતા હતા ત્યાં ફેંકેલા ચીંથરામા પગ ભરાયો અને અકસ્માતમાં થાપાનું હાડકું ભાંગી ગયું. ઘણી સારવાર ઓપરેશન છતાં….મરીઝ ચીરનિદ્રામાં પોઢી ગયા.

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું
મૃત્યુનું બહાનું કરી જો પાછો ફર્યો, લે

હવે કશો જ ક્યામતનો ડર રહ્યો ન ‘મરીઝ’;
હું જઇ રહ્યો છું જગતને હિસાબ આપીને.

-: અમુક શેર :-

કોઈ ન આવી શકે છે, ન જઇ શકે છે ‘મરીઝ’
મકાન આખું સલામત છે, દ્વાર સળગે છે.

જાણે એમાં એનો કોઈ હાથ કે હિસ્સો નથી,
એ મને પૂછે છે કે આ કેવો તારો હાલ છે ?

એના વિના ‘મરીઝ’ ચલાવી લીધું તમે,
બીજી ભલા શુ વાત હતી ઇંતજારમાં?

એક ખૂણે તો મને રહેવા દે ચેનથી
ઓ જિંદગાની તારા હજારો વિભાગ છે !

હું ખુદ અગર પીઉં તો ભયંકર ગુનો બને,
દુનિયાના લોક રોજ મને ઝેર પાય છે.

સારું છે, તારું રૂપ છવાયું છે ચોતરફ,
મારી નઝરને ક્યાંય કશી સ્થિરતા નથી.

~ મનીષા સોલંકી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.