Gujarati

મહોતું : એક માસ્ટરપિસ

એકવાર એક્ટર-રાઈટર પીયૂષ મિશ્રાનો ઈન્ટરવ્યૂ કરતી વખતે તેમની પાસેથી સાંભળેલુ કે, સારું પર્ફોર્મન્સ એને કહેવાય જે નીહાળતી વખતે તમે હોશ ગુમાવી દો. જે તમને કોઈ અલગ જ દુનિયામાં ખેંચી જાય. રિવ્યૂ કરવા બેઠા હોવ તો એ કરવાનુ જ ભૂલી જાવ. કૃતિ પત્યાની કેટલીક મિનિટો સુધી તમે કોઈ રિએક્શન આપવાની જ સ્થિતિમાં ન હોવ એ હદે એ તમારા પર સવાર થઈ ગઈ હોય. પરેશ રાવલ સાથેની એક મુલાકાતમાં એમણે પણ સારા નાટકની એક સરસ વ્યાખ્યા આપતા કહેલુ કે, સારું નાટક એને કહેવાય કે જેમાં સામે પડદો પડે અને દર્શકોના મનનો પડદો ઉઘડી જાય. આ બંન્ને આલા દરજ્જાના કલાકારોએ આપેલી વ્યાખ્યામાં યતાતથ ફિટ બેસતી ફિલ્મ છે રામે લખેલી અને વિજયગીરી બાવાએ ડિરેક્ટર કરેલી ફિલ્મ ‘મહોતું.’ અદ્દભૂત ફિલ્મ. જો તમે જરા પણ સંવેદનશીલ માણસ હોવ તો ફિલ્મ પત્યા બાદ ચોક્કસ થોડી ક્ષણો માટે સ્પીચલેસ થઈ જશો. મારી ગેરંટી.

ફિલ્મની વાર્તા તમે વાંચી જ હશે. રામના ‘મહોતું’ નામના વાર્તાસંગ્રહની એ જ નામની વાર્તા ન વાંચી હોય તો અચૂક વાંચી લેજો. ‘મહોતું’ વાર્તાસંગ્રહ વિશે મેં એકવાર લખેલું કે, ‘મહોતું’ એટલે કપડાંનો નકામો લાગતો ટૂકડો. સ્ત્રીઓ એને ક્યારેક ચુલા પરથી ગરમ વાસણો ઉતારવા વાપરે ને ક્યારેક એનાથી નાની-મોટી ઝાપટ-ઝુંપટ પણ કરી નાખે. રામ મોરી આ ‘મહોતાં’થી સ્ત્રીઓના સળગતા અંતરમનમાંથી લાલચોળ વાર્તાઓ ઉતારી લાવે છે અને સમાજની બુર્ઝવા માન્યતાઓને ઝાપટ-ઝુંપટ કરીને ખંખેરી નાખે છે. ‘21મા ટિફિન’ના ડબ્બામાંથી ખુલતી અને ‘વાવ’માં સમાઈ જતી સ્ત્રીઓની લોહીઝાણ વાસ્તવિકતા આ વાર્તાસંગ્રહમાંથી નીતરી રહી છે. ‘મહોતું’ મોટેભાગે એવી સ્ત્રીઓની સ્થિતિનો ચિતાર છે જેમની કમરે તિજોરીની ચાવી નથી પણ એક નકામુ ‘મહોતું’ 24 કલાક લટકતું રહે છે. ‘મહોતું’ જેમનુ જીવન રસોડામાં ઉગીને બેડરૂમમાં પૂર્ણ થાય છે તેવી સ્ત્રીઓના શરીરના પ્રત્યેક પ્રસ્વેદબિંદુ સાથે વહેતી વેદનાનું પ્રતિક અને સાક્ષી છે. રામની ‘મહોતું’ નામની વાર્તામાં પણ નીચલા વર્ગની પ્રમાણમાં મેલા-ઘેલા કપડાં પહેરતી સ્ત્રી માટે પણ મિથ્યાભિમાની પુરૂષ ‘મહોતું’ શબ્દ વાપરે છે. રામે એવા તમામ ‘મહોતાં’માં ધરબાયેલી વેદનાઓને કાગળ પર સંઘેડાઉતાર ઉતારીને એને વાચા આપી છે.

રામની રેન્જ ખુબ વિશાળ છે. એ બાળક સાથે બાળસહજ હોય અને માનવમનના પેટાળોને એટલી સહજતાથી નિહાળે કે એને સાંભળીને તમે છક થઈ જાવ. સ્ત્રીઓના કપડાં-લતા અને ફેશનસેન્સથી માંડીને મૂડસ્વિંગ્સ અને અપેક્ષાઓ સુધીનુ એ જેટલુ જાણે-સમજે છે એ તો કોઈ સામાન્ય માણસને કદાચ સ્ત્રીનો અવતાર ધરીને પણ ભાગ્યે જ સમજાય. સ્ત્રીઓના અંતરમનની જે ઊંડાઈએ રામ મોરી પહોંચ્યો છે એ તળ સુધી તો લેખિકાઓ પણ કદાચ બહુ ઓછી પહોંચી શકી હશે. એટલે જ હું રામ માટે ઘણીવાર કહું છું કે, ‘એ પુરૂષના ખોળિયામાં સ્ત્રીનો અવતાર છે.’‘મહોતું’માં તેણે સ્ત્રી વિષયક જે સબજેક્ટ્સ પર વાર્તાઓ લખી છે તે વાર્તાઓ તો ઠીક એ સબજેક્ટ્સ સાંભળીને પણ કેટલાક પરંપરાગત ઘરડાઠચ્ચરોના કાન અને ભવાં ઉંચા થઈ જાય. લોકો જે વિચારતા પણ થથરી ઉઠે તેવું આ છોકરો લખી ગયો છે. એનુ લેખન એટલુ બળકટ છે કે એણે વાર્તામાં લખેલી કે મોટા પડદે બોલાયેલી ગાળો કાનને સ્હેજ પણ ન ખટકે એટલી સ્વાભાવિક લાગે છે. એણે પ્રયોજેલા ‘નભ્ભાઈ’ જેવા તળપદા શબ્દો તો રામની આસ-પાસ રહેતી યુવતીઓ સિટીમાં પ્રયોજવા લાગી છે! LOL

ફિલ્મમાં કાંગસિયાળીના પાત્રમાં કલ્પના ગાગડેકર દિલ જીતી લે છે. તો ભાવુની માતાના પાત્રમાં Happy Bhavsar તમને હચમચાવી જાય છે. કેટલાક કલાકારો એવા હોય છે જેમને એક્ટિંગ કરવા માટે ડાયલોગ્સની જરૂર નથી હોતી. હેપ્પી ઈઝ વન ઓફ ધેમ. એ આંખોથી અભિનય કરી જાણે છે. ઘણી વાર કોઈ વજનદાર અને લાંબોલચક ડાયલોગ જે અસર ન ઉપજાવી શકે તેનાથી વધારે અસર તે એક એક્સપ્રેશન આપીને ઉપજાવી જાણે છે. બસ એક લૂક અને મામલો ખલાસ. તાળીઓ અને સિટીઓ. વડિલ મિત્ર Sanjay Trivediની પુત્રી આદ્યાએ પણ નાની ઉંમરે ખાસ્સી પાકટતા દર્શાવતી એક્ટિંગ કરી છે. એ સિવાયના પણ તમામ કલાકારોએ ઈંચ ટુ ઈંચ પરફેક્ટ એક્ટિંગ કરી છે. ‘મહોતું’ના માહૌલને અનુરૂપ સંગીત પણ કાબિલ-એ-દાદ છે.

બટ, હેટ્સ ઓફ Vijaygiri Bava. લવ યુ મેન. મને મોટેભાગે કોઈ પણ સાહિત્ય કૃતિ પરથી બનેલી ફિલ્મો તેની મૂળ કૃતિ કરતા નબળી જ લાગી છે. પણ ‘મહોતું’ એમાં અપવાદ લાગી. ‘મહોતું’ વાર્તાની વેધકતાને બાવાએ મોટા પડદે બરાબર ઝીલી છે. વાર્તા વાંચેલી હોવા છતાં સતત હવે શું થશે અને જે થવાનુ છે એ કેવી રીતે થશેની ઈંતઝારી બરાબર જળવાઈ રહે છે એ બાવાની સફળતા છે.

ફિલ્મમાં એક કલેજાફાડ દ્રશ્ય છે. પુત્રી સાસરેથી પતિના અત્યાચારના કારણે ભાગીને ઘરે આવી છે. એક ખુણે તેની આસ-પાસ તેની માતા સહિતની સ્ત્રીઓ ટોળે વળીને બેઠી છે. બહારની સ્ત્રીઓ તેને કંઈક એવું સમજાવી રહી છે કે તેનું જીવન કઈ કઈ બદતર હાલતમાં જીવતી સ્ત્રીઓ કરતા સારું છે અને ઘરવાળો નહીં મારે તો બીજુ કોણ મારશે? માતાને પોતાની દીકરીને ‘એ કસાઈવાડે’ ફરી મોકલવાની બિલકુલ ઈચ્છા નથી. રૂમની બહાર આંગણામાં બાપ દીકરી ભાગીને આવી હોવાથી ધુંઆપૂંઆ થઈ રહ્યો છે. બહારથી આવતા અધડુકા પ્રકાશ સિવાય ઓરડામાં બધે અંધારું છે. માત્ર એટલુ જ અજવાળુ છે જેટલુ પેલી સ્ત્રીઓના નસિબમાં છે. એ અંધારાએ પેલી બહારની સ્ત્રીઓની પોતાના પર અને પોતાની સામે કોઈના પર થતા અત્યાચારો જોઈ શકવાની પણ શુદ્ધ છીનવી લીધી છે. એ શોટનું સ્થળ પણ એ જ છે જે પેલી સ્ત્રીઓના લલાટે લખાયેલુ છે – ખુણો. આખી જિંદગી બસ ખુણો પાડવાનો અને ખુણે જ પડી રહેવાનું. બધા જ લોહી, આસું, નિસાંસા અને ડુસકા એ જ ખુણામાં ધરબી રાખવાના. આખો શોટ રૂમના પંખાની ઉપર કેમેરો રાખીને ફિલ્માવાયેલો છે. દર્શકોને વચ્ચે પંખો ફરતો બતાવીને પંખાની પેલે પાર એ સ્ત્રીઓ બતાવાય છે. આ ખુબ સિમ્બોલિક છે. બકૌલ વિજયગીરી બાવા આ સ્થિતિમાં જીવતી સ્ત્રીઓને કાયમ એ પંખો જ આ નર્કમાંથી છુટવાના અંતિમ ઉપાય તરીકે દેખાતો હોય છે અને એ પંખો વર્ષોથી સ્ત્રીઓ પર થતા અત્યાચારોના કાળચક્રનું પણ પ્રતિક છે.

આવું ઉત્તમ સર્જન કરવા બદલ વિજયગીરી ફિલ્મ્સ અને ટીમ મહોતુંને ખુબ ખુબ અભિનંદન.

ફિલ્મ જોવા ઇચ્છુંકો માટે લિંક અહીં મૂકી રહ્યો છું. સીધા યૂટ્યૂબ પર ફિલ્મ જોઈ શકાશે. 😊

મહોતુ : શોર્ટ ફિલ્મ (click here)

ફ્રિ હિટ :

‘મહોતું’નો એકવાર દિવ્ય ભાસ્કર અમદાવાદના એડિટર પ્રણવ ગોળવેલકરે શોર્ટેસ્ટ અને યુનિક રિવ્યૂ કર્યો હતો. જે તેમની કોલમ ‘બગાવત’ના ટેઈલપીસ ‘જનોઈવઢ’માં છપાયો હતો. તે અહીં મુકી રહ્યો છું.

વાર્તા નંબર : 1, 3, 6, 9 : અરે! રામ
વાર્તા નંબર : 2, 11, 10 : હાય! રામ
વાર્તા નંબર : 4, 7, 13 : હે! રામ
વાર્તા નંબર : 5 : રામ રામ!

~ તુષાર દવે (સીટી ભાસ્કર, અમદાવાદ)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.