Gujarati Writers Space

ઇન્સાનિયતનું ઇન્જેકશન

પારિવારિક લગ્નના પારાવાર ઉત્સાહવશ મહેંદી મૂકાવવા શુક્રવારે(29/11/19)રાતે જમી પરવારી હું મારી દીકરીને લઇ 9 વાગે ડબગરવાડ, દરિયાપુર જવા નીકળી. વરજી સાથે આવવાના જ હતા પણ ઓફિસમાં કામસર અટવઇ પડ્યા. હવે મને રાહ જોવી ન પરવડે કારણ કે બીજે દિવસે સવારે વહેલા ચાંલ્લામાં જવાનું હતુ. મારો અને મારી ઢબુડીનો મહેંદીલવ વરજી જાણતા હોવાથી એમણે કહ્યું અત્યારે રીક્ષામાં જતા રહો. રાતે હું લેવા આવી જઇશ.

રીક્ષા કરી અમે પહોંચ્યા. સાંકડી શેરીઓને શરમના શેરડા પડે એવા ગલિયારાઓમાં મહેંદી આર્ટિસ્ટનું ઘર હતું. એ બેન અમને લેવા મેઇનરોડ આવેલા એટલે પહોંચ્યા બાકી ભગવાન ય ભૂલો પડે ને ગૂગલમેપ ગોથાં ખાય એવા ગલિયારા. જતા જઇ ચડ્યા પણ પછી ટેન્શન થવા લાગ્યુ મહેંદી પતાવી પાછા આવવાનું.

મહેંદી આર્ટિસ્ટ લગ્નસરા હોવાથી સવારના પોતાની 3 વર્ષની ઢીંગલીને પિયરમાં મૂકી મહેંદી લગાવવા નીકળ્યા હતા એ દિવસે. અમે પહોંચ્યા ત્યારે જ એ ઘેર પહોંચ્યા હોવાથી એમની દીકરી જીદે ચઢેલી. મા નો કેડો જ મૂકતી નહતી. રડ્યા કરતી હતી. થોડીવાર બેન મહેંદી મૂકતા અને વચ્ચે વચ્ચે બેબીને પંપાળતા. મને ય રડતી દીકરીની દયા આવતી એટલે મેં કોઇ કચકચ કરી નહિ. મને પણ અનુભવ હતો જ કે બચ્ચાને આખો દિ’ બીજાના ભરોસે મૂકી કમાવા નીકળેલી મા પાછી આવે ત્યારે બાળક મમ્મી સાથે ગાળવાની પોતાના હકની ગુમાવેલી ક્ષણોનો બદલો લેવાના મૂડમાં હોય એ સ્વાભાવિક છે.

મહેંદી પૂરી થઇ ત્યારે બાર વાગી ગયા હતા મારા અને ઘડિયાળના. મહેંદીવાળા બેનને પિયરમાંથી લઇ જવા એમના શોહર આવ્યા. મેં વરજીને ફોન કર્યો. પેલા બેનનું પિયર એવી ગલીઓમાં હતું કે કાર આવી શકે નહિ. એમના પતિ મને અને મારી બેબીને મેઇનરોડ સુધી મૂકી જાય પછી પોતાની બીવી-બચ્ચાને લઇ પોતાના ઘેર જશે એવું નક્કી થયુ. અમે પેલા ભાઇના ભરોસે સાંકડા, અતિ સાંકડા, અંધારિયા, સૂમસામ, ભૂલભૂલામણાં ગલિયારા વટાવી મેઇનરોડ પર આવ્યા.

હવે મારી અંદરની શેરની સળવળી પેલા ભાઇને કહ્યું: તમે જાવ તમને મોડું થશે. મારા હસબન્ડ આવી જશે. ભાઇ બોલ્યા, તમારા હસબન્ડ આવે પછી જઇશ. અમે રાહ જોતાં ઊભા. અમદાવાદના જ આ વિસ્તારમાં પહેલીવાર આવવાનું થયું હોવાથી અને‌ રસ્તા સાંકડા હોવાથી કાર લઈ આવતા વરજીને વાર લાગી. પેલા ભાઇએ મને ફોનનંબર પૂછી વારંવાર વરજીને રસ્તો ચીંધ્યો.

રાહ જોતાં મેં બે-ત્રણવાર ભાઇને કહ્યું બહુ ટેન્શન ના લેશો એ આવી જશે. કદાચ મારા આગ્રહને માની એ ભાઇ જતા રહ્યા. હવે એ અમારી બાજુમાં ન હતા. પંદરેક મિનિટ ગયે વરજી આવ્યા. અમે ફટાફટ કાર અસવાર થઇ ગયા. વરજીએ સાઇડ બદલવા યુ-ટર્ન લીધો ત્યારે પેલા ભાઇ સામેની સાઇડે ઊભેલા દેખાયા. એમણે મને હાથ ઊંચો કરી અમારી સુરક્ષિતતાની ખાતરી કરી અને અંધારામાં ઓગળી ગયા. હું એમને જોતી રહી.

બીજા દિવસે હૈદ્રાબાદ ગેંગરેપ કેસ જાણ્યો ત્યારે સમજાયુ કે હું અને મારી બચુડી એક અજાણ્યા વિસ્તારમાં અજાણ્યા પણ યોગ્ય હાથે ચડેલા. કોઇ અયોગ્ય હાથોમાં પડીએ તો…

ઘૃણાસ્પદ બનાવ બધી જગ્યાએ હેડલાઇન્સમાં હતો. પરચૂરણ સમાચારમાં ક્યાં કયા શહેરમાં કેન્ડલમાર્ચ નીકળી કે વિરોધપ્રદર્શન થયા એના ફોટોગ્રાફ્સ હતા. મીડિયામાં ઠેર ઠેર મંતવ્યો, માહિતીઓ અને ચર્ચાઓ હતી. મને પેલો અજાણ્યો શખસ યાદ આવ્યો. કદાચ એનેે તો કોઇ માર્ચ અથવા વિરોધપ્રદર્શન વિશે સમજણ પણ નહિ હોય. એના દિમાગમાં એ અધરાતે -મધરાતે અમારા કપડાં, ધર્મ,વાણી-વર્તન વિશે કોઇ ધારણાઓ હશે કે કેમ એ હરિ જાણે!!! મને બસ એટલી જ ખબર પડી કે આપણે વિશ્વાસે આવેલી અજાણી સ્ત્રીઓને સહી સલામત પહોંચાડવી એવો સીધો સાદો નિયમ હશે એ ખુદાના બંદાનો.

– હેમાંગિની આર્ય

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.