Gujarati Writers Space

એક પ્રિન્સેસનો પત્ર… પ્રિન્સ માટે…

પ્રિય પ્રિન્સ,

જાણું છું, કદાચ આજે મને તમને પ્રિન્સ કેહવાનો હક નથી રહ્યો, પણ તમારા માટે આ મારો છેલ્લો પત્ર છે. ત્યાર બાદ હું બસ રાહ જોઇશ એ દિવસની, જ્યારે મને ફરીથી તમે ખુશી ખુશી આ અધિકાર આપશો. આજથી વર્ષો પેહલા આપણે એકજ નિશાળમાં સાથે ભણ્યા હતા, અલગ અલગ વર્ગમાં. ત્યારે તો એક બીજાને ઓળખતા પણ ના હતા, બાદમાં આગળ ભણવા એકજ બસમાં રોજ એક સમયે જતા, તમને તો હું યાદ પણ ન હતી કે તમે બસ મને જોઇને દિલથી મારી સાથે મિત્રતા કરવામાંગતા હતા. પણ કદી તમને વાત કરવાનો મોકો જ ન મળતો. એક દિવસ અચાનક તમે મને રોકી, હું તો ડરી ગઈ હતી ત્યારે કે પૂરી દુનિયાની સામે આમ મને શું કામ રોકી હશે. પણ રોકી ને તમે મને પૂછ્યું કે મારી સાથે મિત્રતા કરીશ, મને તો સમજ જ ના પડી. કેમ કે મને તો યાદ જ હતું, કે આપણે એક જ શાળામાં ભણ્યા હતા. પણ તમે તો મને ભૂલી ગયેલા, ત્યારે મનમાં આવ્યું એ મુજબ મેં તમને કહી પણ દીધું કે આપણે એક જ શાળામાં ભણતા. બસ તમે મને મારું નામ યાદ કરી આપો તો હું તમારી મિત્ર. મારી એ શરત કેટલી અજીબ હતી, જ્યારે કે મિત્રતામાં તો કોઈ શરત જ ન હોય. છતાં તમે મારું નામ ગોતવાની મેહનત કરી, અને થોડા દિવસ પછી ફરી મને નામ કીધું. હું એજ પળે વારી ગયેલી તમારા પર, એજ પળે મેં એ વિશ્વાસ કરી લીધો કે તમે તમારી મિત્રતા પૂરી રીતેનીભાવશો.

આટલાં વરસોની મિત્રતામાં મેં તમને બહુ બધો અન્યાય કર્યો છે, તમે મારી હર જરૂરત પર મારી સાથે ઉભા રહ્યા છો, અને હું તમને મારી જરૂરત હોવા પર કદી પણ તમારો સાથ આપી જ ના શકી. હર પળ તમે તમારી મિત્રતા નિભાવી અને મેં હર પલ એ નિભાવવામાં પીછેહઠ જ કરી છે.

આજે પણ આપણે મિત્રો છીએ, ફર્ક બસ એટલો જ છે કે હવે આપણે બંને પેહલા જેવા નહિ રહ્યા. આપણી મિત્રતામાં દરાર આવી ગઈ છે. દુખ છે તો બસ એટલું જ કે આ દરાર એક એવા વ્યક્તિને કારણે છે, જેમણે ફક્ત પોતાના સ્વાર્થ ખાતર તમારા સામે ન જાણે કેટલા નાટકો કર્યા હશે. ના જાણે એમને મને તમારાથી દુર કરવા કેટલી રીતો અપનાવી હશે, માન્યું કે તમને એમણે કહ્યું હશે કે એ મારો સાથ તમારી જેમ જ હમેશા આપશે. ઘણા બીજા વાયદાઓ પણ કર્યા હશે તમારા સામે, તો આજે ક્યાં છે એ વ્યક્તિ…? ક્યાં છે એમના એ વાયદાઓ…? શું તમે બને એ ત્યારે મારી જિંદગીનો આટલો મોટો ફેશલો લીધો, એ પેહલા તમે એ ના વિચાર્યું કે શું થશે મારું…? અગર એ એમના વાયદાઓ નહિ નિભાવે…? બસ મનમાં આવ્યું અને મને પોતાનાથી કોસો દુર કરી દીધી. એક પળ માટે પણ આપણાં આટલાં વરસોની મિત્રતાનો વિચાર સુધ્ધા ન આવ્યો તમને…? આજે પણ તમે હમેશા એમ જ કહો છો, કે આપણે હમેશા એવા જ મિત્રો રહેસું. પણ શું આપણે એવા જ મિત્રો છીએ ખરા…?

માન્યું કે એ એક એવો સમય હતો, કે એમાં તમે કે હું નહોતા સમજી શકતા કે શું કરવું. તમને સામે વાળાના વ્યવહારથી લાગ્યું કે તમારું મારાથી દુર રેહવું એ મારી આગળની જીંદગી માટે સારું રેહશે. પણ એ તમે કેમ માની લીધું કે આજે જે વ્યક્તિ મને તમારાથી દુર કરીને પોતાની બનાવવા માંગે છે, એ સાચું જ હોય…? શું મને પોતાની બનાવવાં માટે એ કોઈને કહે કે એ મારાથી દુર ચાલ્યા જાય, એ સારું કહી શકાય…?

તમે મને ત્યારે કીધું કે એ વ્યક્તિ આપણી મિત્રતાને સમજી શકશે. પણ આ તો ઉલટું જ થયું, અને આજે એ વ્યક્તિએ પણ મને તરછોડી દીધી અને તમે પણ આપણી મિત્રતામાં દરાર લાવી દીધી. તમે મને એ નાજુક પલમાં એક સવાલ પૂછ્યો હતોને… કે શું મને તમારા પર વિશ્વાસ નથી, કે તમે જે ફેસલો કરશો એ મારા સારા ભવિષ્ય માટે જ હશે…? પણ એક વાર તમે વિચાર્યું કે તમારા પરના વિશ્વાસને કારણે તો હું ત્યારે જે પણ કર્યું એ કરતી હતી.

હવે હું સવાલ કરું છું, કે શું તમને મારા પર વિશ્વાસ ના હતો…? કે હું જે માટે એ વ્યક્તિને ના પાડતી હતી, તો મેં પણ કંઈક સમજીને વિચારીને એ ફેસલો લીધેલો હતો…? શું હું નાદાન હતી, કે મારી 5 વર્ષના એ સંબંધને હું તોડવા માગતી હતી. એની જગ્યાએ મને આપણી મિત્રતા જોઈતી હતી…? તમે મને એ એક ના કરવા બદલ ત્યાં સુધી કહી દીધું, કે મેં તમારો ગુરુર તોડી નાખ્યો. મારા પરનો તમારો ગર્વ તૂટી ગયો, શું આટલી જ હતી આપણી મિત્રતા…? જે આટલા વરસોથી હું તમારો કદમ કદમ પર સાથ ના આપવા છતાં કોઈ સવાલો પણ ના હતા અને તૂટતી ના હતી, એ મિત્રતા ફક્ત એક નાટકબાજ વ્યક્તિ માટે તમે એક જ પલમાં એના પર સવાલો ઉભા થઇ ગયા અને દરાર આવી ગઈ…?

શું ત્યારે જે પણ થયું અને એ પછી આજે જે પણ હાલાત છે, એમાં ફક્ત મારો જ દોષ છે…? કેમકે એ એક સંબંધ માટે ત્યારે જે પણ થયું એનાં પછી કોને કેટલું ખોયું…?

ફક્ત મેં મારી જીંદગીના સૌથી વિશેષ અને મહત્વના વ્યક્તિને ખોઈ દીધા, છતાં હું આજે પણ એક જ વાત કહીશ મને તમારા પર એ પેહલા દિવસે જેટલો વિશ્વાસ હતોને એટલો જ આજે છે. આજે પણ મને વિશ્વાસ છે કે તમે મારા માટે કોઈ દિવસ ખોટો ફેસલો નહિ કરો, તમે જે પણ કરતા હસો એ સારા માટે જ હશે. એટલે જ આજે આપણી મિત્રતામાં દુરી લાવવા છતાં પણ હું તમારા સાથે છું. કેમ કે હું તો બસ તમારી પરછાઈ જેવી છું. તમને ના દેખાયને પણ હર પલ તમારા સાથે જ રહીશ, અને હમેશા એ પળનો ઇન્તેઝાર કરીશ કે આપણી મિત્રતા ફરી એક વખત પેહલા જેવી જ થઇ જાય.

બસ એ જ,
તમારી ફક્ત તમારી પ્રિન્સેસ

~ મિતાલી સોલંકી ‘માનસી’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.