Gujarati Writers Space

કેરોલી ટકાસ : THE MAN WITH THE ONLY HAND

કોઈ દિવસ તમે જે હાથે લખતા હો છો, તેની વિરૂદ્ધ દિશાના હાથે લખવાની પ્રેક્ટિસ કે કશું કર્યું છે ? ન કર્યુ હોય તો હવે કરો, કેટલું મુશ્કેલ પડે છે, તે ખ્યાલ આવે. દુનિયાના મોટાભાગના લોકો જમોણી છે, ખૂબ ઓછા, 5 ટકા જેટલા ડાબોડી છે. અમેરિકાના મોટાભાગના પ્રમુખો ડાબોડી રહી ચુક્યા છે. ખૂબ ઓછા કિસ્સામાં હેરાનગતિ ભોગવતા પણ છે, જેમ કે લખતા એક હાથે હોય અને કામ બધુ બીજા હાથે કરતા હોય. ઓકે, આ બધી માથાકૂટમાં પડ્યા વિના એક વાત કરૂ, માની લો કે, તમારો એક હાથ કટ થઈ જાય, જેનાથી તમે દુનિયાનું તમામ કામ કરી શકતા હોય તો ? એ વિચારવું જ અશક્ય છે કે હું કોઈ દિવસ મારા બીજા હાથે કશું કરી શકીશ, પણ થઈ શકે… !

1938, હંગેરીની નેશનલ ગેમ્સ. જેમાં હંગેરીના એક બાહોશ અને ખમતીધર શૂટરે શૂટિંગ ગ્રાઉન્ડમાં કદમ રાખ્યો. તેનું નામ કેરોલી ટકાસ. જોતજોતામાં તેણે ધડાધડ તમામ રાઉન્ડ જીતી લીધા. તેની આવી અપ્રિતમ અને આશ્ચર્ચ પમાડતી પ્રતિભા જોઈને, હંગેરીના લોકોએ મનમાં ગ્રંથી બાંધી લીધી, ઓકે… આગામી ઓલંમ્પિક ગોલ્ડ મેડલ પિસ્તોલ કેટેગરીમાં તો હંગેરીને જ મળવાનો છે. કેરોલીનો કર્ણ અને અર્જુનને પણ ટક્કર આપે તેવો નિશાનો હતો. એમ કહો કે મિક્સ કોમ્બિનેશન હતું, પણ કાંટાળા પંથકમાં જ્યારે કોઈ ફૂલ ઊગે ત્યારે લોકોની ઈચ્છા વધી જતી હોય છે, અને એકા-એક આ ફૂલ મુરઝાય જાય ત્યારે ?

કેરોલી આર્મીમાં હતા. હંગેરીયન ફોજની એક નાની એવી રેજીમેન્ટનો નાનો એવો સૈનિક. હવે નેશનલ ગેમ્સ ખત્મ થઈ. કેરોલીની વાહવાહીનો પણ અંત આવ્યો એટલે સીધુ જ આર્મી કેમ્પમાં જોડાવાનું હતું. બન્યું એવુ કે ટ્રેનિંગ દરમ્યાન આર્મીના સૈનિકોએ એક બાદ એક આવી હાથમાં ગ્રેનેડ લઈ દૂર ફેંકવાનો હતો. કેરોલીનો વારો આવ્યો. તેણે હાથમાં ગ્રેનેડ લઈ ફેંક્યો, એટલામાં પરિસ્થિતિ બદલાઈ ગઈ. ગ્રેનેડ હાથમાં રહી ગયો અને ફુટી ગયો.

જે ગ્રેનેડ કેરોલીના હાથમાં ફુટેલો તેનાથી તો તે ઓલંમ્પિકમાં કમ્પિટ કરવાનો હતો. હવે શું ? હોસ્પિટલમાં જ્યારે આંખો ખુલી ત્યારે ખ્યાલ આવ્યો કે, હાથ નથી. જે હાથ પર હંગેરી વિશ્વાસ રાખી બેઠું હતું, તે હાથ જ રહ્યો નથી. થોડા દિવસ પછી કેરોલીને હોસ્પિટલમાંથી મુક્ત કરવામાં આવ્યો. સાથે જ લંગડો ઘોડો શું કામનો, આર્મીએ પણ અલવિદા કરી નાખ્યું.

ઘરે જઈ પોતાના ડાબા હાથે ગન પકડી, તો ગન પકડાઈ નહીં. થોડી લસરે, થોડી ચોંટે, એવુ લાગે કે હમણાં જ પડી જશે. ટ્રીગરમાં વજન આપી ન શકાય. તો પણ મહેનત કરી. રોજ ઊઠીને એક જ કામ કરવાનું પિસ્તોલ હાથમાં લઈ શૂટિંગ.

એક વર્ષ મહેનત કર્યા પછી 1939માં બીજી નેશનલ ગેમ્સમાં તે હિસ્સો લે છે. જ્યારે કેરોલી આવે છે, ત્યારે તાડીઓના ગડગડાટ થવા લાગે છે. તેના સાથી પિસ્તોલધારીઓ આવીને તેને કહે છે, ‘તારો હાથ નથી, તો પણ તું અમારો જુસ્સો વધારવા આવ્યો, તારી હિંમતની અમે તારીફ કરીએ છીએ.’

કેરોલીએ પોતાના ખભા પર રહેલા હાથની સામે જોઈ કહ્યું, ‘હું તમારો જુસ્સો વધારવા નહીં, તમારી સામે સ્પર્ધામાં ઉતરવા આવ્યો છું.’ બધા સ્તબ્ધ. શાંત વાતાવરણ, જ્યારે તમિલ ફિલ્મના એક્ટરે ડાઈલોગ બોલી દીધો હોય. આટલા લોકો વચ્ચે કેરોલીની આંખો જ બોલતી હતી. થોડીવાર પછી 25 મીટર પિસ્તોલ શૂટિંગનું પરિણામ જાહેર થયું, કેરોલી વિજેતા. વિનર ઈઝ મેન વિથ ધી ઓન્લી હેન્ડ…. આખા હંગેરીને વિશ્વાસ આવી ગયો, નહીં યાર ઓલંમ્પિકમાં મેડલ તો આપણે જ જીતીશું. પણ લોકો માટે કૌતુક એ હતું કે, જે હાથથી તે લખી નહતો શકતો, તે તેણે આટલો ટ્રેઈન કેવી રીતે કર્યો. આ તો આજે પણ રહસ્ય છે…!

હવે કેરોલીને માત્ર એક જ કામ કરવાનું હતું. આગામી ઓલંમ્પિક માટે પોતાનું તમામ ફોક્સ. પણ જ્યાં ઈશ્વરની ઈચ્છા હોય છે, ત્યાં તમારી ઈચ્છાઓનું કશું નથી થતું. 1940માં યોજાનાર ઓલંમ્પિક ગેમ્સ વિશ્વયુદ્ધના કારણે રદ થઈ ગઈ. કેરોલી નિરાશ થઈ ગયો, એટલા માટે નહીં કે રમવા અને મેડલ જીતવા નહીં મળે, એટલા માટે કે હવે હંગેરીયનો માટે તે ગોલ્ડ મેડલ નહીં લાવી શકે.

પણ કેરોલીમાં એક અજબ તાકાત હતી. ભાડ મેં જાએ વિશ્વયુદ્ધ. તેણે હાથમાં પિસ્તોલ લીધી અને આગામી ચાર વર્ષની તૈયારી કરવા લાગ્યો. જુઓ આ અશક્ય છે…!! જે માટે તમે મહેનત કરતા હો, તેના માટે તમારે પાછી ચાર વર્ષ રાહ જોવી એટલે ધીરજની વાત છે. તેણે ચાર વર્ષ મહેનત કરી નેક્સટ ઓલંમ્પિક આવી ગઈ. અને સંજોગા વસાત આ રમતો પણ વિશ્વયુદ્ધના ભણકારામાં ગાયબ થઈ ગઈ. હવે કેરોલી તુટી ચુક્યો હતો. તેનું દિમાગ કામ નહતું કરતું. ઘરમાંથી ઉભો થયો પિસ્તોલ લીધી અને આત્મહત્યા કરવાની જગ્યાએ તેણે કહ્યું, ઓકે ચાલો આગામી ઓલંમ્પિકની તૈયારી કરીએ. ઓલંમ્પિકના ખેલાડી માટે આ ખૂબ મુશ્કેલ છે. નેશનલ ગેમ્સ દર વર્ષે આવે, પણ ઓલંમ્પિક રમતો તો ચાર વર્ષે એકવાર આવે. એટલે કેરોલીની ઉંમરમાં વધારો થઈ ગયો હોય. તેને ટક્કર આપવા નવું જોશ અને નવા યુવાનો આવી ચુક્યા હોય અને કેરોલી… જે હવે 38 વર્ષનો થઈ ગયો હતો. હિંમત હાર્યા વગર તેણે હિસ્સો લીધો.

ઓલંમ્પિક આ વખતે કેન્સલ ન થયા. 1948માં એક ઠુંઠા વ્યક્તિએ ભાગ લીધો. જે પેરાઓલ્મિકની કેટેગરીનો હતો. અને તે ગોલ્ડ મેડલ જીતી ગયો. ધ વિનર ઈઝ મેન વિથ ધ ઓન્લી હેન્ડ… હંગેરીના લોકોને એમ કે, બસ થયું હંગેરીને ગોલ્ડ મેડલ મળી ગયો અને કેરોલીની ઈચ્છા પૂર્ણ થઈ, હવે કેરોલી શાંત થઈ જશે, પણ તે શાંત થવાનો નહતો. 1952ના ઓલંમ્પિકમાં તેણે ફરી ભાગ લીધો અને જીતી ગયો ! ફરી જીતી ગયો ! કેરોલી ત્યારે દુનિયાનો એકમાત્ર એવો ખેલાડી બન્યો જેણે ઉપરા-ઉપરી બે ઓલંમ્પિક મેડલ જીત્યા હોય. એ પણ કેવું કહેવાય જ્યારે કેરોલી જીત્યો ત્યારે પેરાઓલંમ્પિક શરૂ પણ નહતા થયા. પેરાઓલંમ્પિક શરૂ થયા રોમમાં, 1960માં. જો તે વહેલા શરૂ થયા હોત, તો કદાચ કેરોલીની સિદ્ધિ ખોવાઈ ગઈ હોત.

આજે પણ જ્યારે ‘નથીંગ ઈઝ ઈમ્પોસિબલ’ની વાત કરવામાં આવે છે ત્યારે પહેલી વાત કેરોલીની થાય છે. સેલ્યુટ ધ ઓન્લી હેન્ડ…

~ મયુર ખાવડુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.