Gujarati Writers Space

ક્ષિતિજ – એક મધ્યબિંદુ ( પ્રકરણ – ૭ )

મહેતા કાકાએ ફોન મૂકી તરત રૂમ બહાર દોડવા માંડ્યું, અને ધરા પણ તેમની પાછળ થઇ.
એ તરત ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ ગાયનેક સેક્શનમાં પન્હોચ્યા.
ત્યાં ઈરા હતી, જે હાલ સ્ટ્રેચર પર દર્દથી કણસી રહી હતી… અને તેની સાથે તેની મિત્ર હતી…

‘અંકલ… મેં હજી જસ્ટ હમણાં જ તમને કોલ કર્યો છે. અને તમે આટલી જલ્દી આવી પણ ગયા…!’

‘એક્ચ્યુલી હું અહીં કોઈને મળવા આવ્યો હતો. પણ ઈરાને દર્દ ક્યારે શરુ થયું…!’
‘પાપા, પ્લીસ કોલ અંબર. નહિતર મારી શરત નહી પૂરી થઇ શકે. પ્લીઝ કોલ હિમ ફાસ્ટ !’
‘ઈરા પ્લીઝ કુલ ડાઉન, તારી એ ઈચ્છા પૂરી થશે જ ધરા અહીં જ છે દીકરા…!’
‘શું…? એ ક્યારે અહીં આવી…? તો અંબર ક્યાં છે…?’
‘ઈરા એમાં થયું એમ કે અંબર મહેસાણા જવા નીકળ્યો, અને ધરા એને મળવા અહીં ચાલી આવી… પણ અંબર આવે જ છે પાછો. મેં એને ફોન કર્યો છે…!’

અને એટલામાં ત્યાં ધરા પંહોચી, આ એ જ સ્ત્રી હતી, જેને એ હોસ્પિટલ પહોચ્યા બાદ મળી હતી અને એ જ એના અંબરની ઈરા હતી…!

ઈરા અને ધરા એકબીજાને કઈ પણ કહ્યા વિના જોતા રહ્યા. ઘડીભર માટે ઈરાને જાણે પોતાને ઉપડતો દર્દ પણ વિસરાઈ ગયો…!

બંને પાસે એકબીજાને કહેવા માટે ઘણું હતું. પણ હમણાં શબ્દોની જગ્યા મૌન લઈને બેઠું હતું…!

‘અંક, ઈરાને સવારે થોડું દર્દ થયું હતું, તમે મીટીંગ અર્થે બહાર હતા. એટલે રાત્રે પાછા આવવાના ન હતા, અને અંબર પણ મહેસાણા ગયો હતો, એટલે હું ઈરાને લઈને હોસ્પિટલ આવી હતી. અને પછી અચાનક એને અહીં વધુ જોરથી દર્દ ઉઠ્યો અને ડોકટરે એને ડીલીવરી કરવાની વાત કરી, પણ પેપર વર્ક માટે તમારી કે અંબરની જરૂર પડે તેમ હતી. સો આઈ કોલ્ડ યુ…!’ ઈરાની મિત્રએ કહ્યું.

‘હું ડોક્ટરને વાત કરીને આવું છું…!’ કહી કાકા ત્યાંથી ચાલ્યા ગયા.
‘ધરા… આહ….!’ દર્દમાં કણસતી ઇરાએ કહ્યું…
‘હા…!’ ધરા તેની પાસે ગઈ અને તેનો હાથ પકડી લીધો.
‘ધરા, આ સમયે મારે તને ઘણું કહેવું છે, પણ કદાચ પપ્પા તને બધું જણાવી ચુક્યા છે…’
‘હા, એમણે મને બધી વાત કરી જ છે…’
‘પણ ધરા મારે તને એનાથી વિશેષ કંઇક કહેવું છે…. આહ… ઓહ ગોડ… ઇટ્સ સો પૈનીંગ… ડોક્ટ પ્લીઝ કમ ફાસ્ટ !’

‘હા ઈરા બોલ… મુ હોભરું સુ…!’
‘ધરા… અંબર પાસે મેં એક શરત મૂકી હતી… આહ…’
‘લેટ્સ ગો… એડમિટ હર ફાસ્ટ…!’ કહી ડોકટરે સ્ટ્રેચર અંદર લેવડાવી દીધું.
ધરાને મનમાં અનેક પ્રશ્નો ઉઠવા લાગ્યા.
‘કાકા, તમે મુને ઈરાની પ્રેગનેન્સી વિશે કમ ન કીધું…?’
‘ધરા, હું એ કહેવા જ જતો હતો, પણ એ પહેલા તે એને મળવાની વાત કરી. મને લાગ્યું, મળ્યા બાદ તમે બંને સારી રીતે એકબીજાને સમજી શકશો, અને ત્યારે વાત તો તને ખબર પડવાની જ હતી ને…!’

‘કાકા, તમે ઇરાને કહ્યું કે અંબર સાથે…?’
‘ના ધરા… એને ભૂલથી પણ એ વાતની ખબર ન પડવી જોઈએ…! એની પ્રેગનેન્સી ઘણી જ કોમ્પ્લીકેટેડ છે, અને જો આ સમયે તેને અંબર વિશે ખબર પડે તો એ માનસિક રીતે જ એ આઘાત નહી જીરવી શકે, એનાથી કદાચ…’

‘ના કાકા, શુભ શુભ બોલો… એવું કઈ નહી થાય…!’
‘પણ કાકા, એ શરત વિશે કઈ કહેતી હતી, એ વાત શું હતી કાકા…?’
‘ધરા, ઈરાને પ્રેગનેન્સી રહ્યા બાદ ડોકટરે એને એડવાઈસ આપી હતી કે એનું ગર્ભાશય ગર્ભ ધારણ કરવા જેટલું સક્ષમ નથી. એટલે આ ગર્ભ પડાવી દઈ, યોગ્ય ટ્રીટમેન્ટ બાદ ફરી ગર્ભધારણ કરવો હિતાવહ છે. પણ ઈરા રહી ઝીદ્દી સ્વભાવની છોકરી ! એને પહેલો ગર્ભ એમ જ ખોવો ન હતો. અને કોણ સ્ત્રી પોતાના સંતાનને જન્મ પહેલા મારવા ચાહે…? ઈરાએ એબોર્શનની ના પડી દીધી. અને એણે અંબર સામે એક શરત પણ મૂકી, કે શા માટે તે ના પાડે છે. પણ ઈરા કે અંબર બંનેમાંથી કોઈએ મને એ વિષે જણાવ્યું નથી. હું બસ એટલું જાણું છું કે અંબર એ બાબતે સંમત ન હતો, અને એ કારણે તેમના વચ્ચે નાના મોટા મતભેદ ઉઠ્યા હતા. પણ જેમ જેમ ઈરાને મહિના ચડતા ગયા, અંબર તેનું વધારે ધ્યાન રાખતો હતો. અને કમને પણ એ એની શરત સાથે મંજુર થયો હતો એમ કહી શકાય…!

પણ ઈરાએ એક ઈચ્છા એવી વ્યક્ત કરી હતી કે એનું બાળક સૌથી પહેલા ધરા, તું હાથમાં લે…!

ધરાએ કાકા તરફ જોયું, એની આંખમાં આંસુ તરી આવ્યું.
‘હા, ધરા… ઈરા ચાહતી હતી કે અંબરનો અંશ પહેલા તારા હાથનો સ્પર્શ પામે…! અને એટલા માટે જ ડોકટરે આપેલ તારીખથી એક અઠવાડિયા પહેલા, એટલે કે કાલે, એણે અંબરને તને લેવા માટે મોકલ્યો, પણ કોણ જાણે કુદરતને તમારા ત્રણેય પાસે શું કરાવવું છે. અંબરને મુંબઈ છોડતા પહેલા જ અકસ્માત નડ્યો. અને તેને ઘટનાસ્થળે મદદ કરનારાઓએ તેના મોબાઈલમાંથી લાસ્ટ ડાયલ્ડ નબર પર વાત કરી એ બાબતે જાણ કરી. અંબરે છેલ્લે મારી સાથે વાત કરી હતી. પણ જો એ નંબરની જગ્યાએ ઈરાનો નંબર હોત અને એને એ વાતની જાણ થતી તો શું થાત. એની કલ્પના માત્રથી મારા રૂંવાટા ઉભા થઇ જાય છે…!

અને આ સમયે તેને અંબર વિષે વાત કરવી કોઈ પણ હદે યોગ્ય નથી…! પણ ધરા તું મારી ઈરાની ઈચ્છાને માન આપીશ ને…? એના સંતાનને સૌથી પહેલા હાથમાં લઈશને…?’ એ સાથે કાકા થોડા ભાવુક થઇ આવ્યા.

ધરાએ શું જવાબ આપવો એ સમજાતું ન હતું. એ મૌન બની ઉભી રહી. અને એટલામાં ડોક્ટર બહાર આવ્યા અને મી.મહેતા સાથે વાત કરવા લાગ્યા.

‘મી. મહેતા… ઇટ્સ ટુ મચ કોમ્પ્લીકેટેડ…! હું તમને ગોળ ગોળ વાત કરવા નથી માંગતો…! પણ મેં પહેલા જ કહ્યું હતું, કે ગર્ભ રાખવો જોખમી જ છે. પણ કોઈ માન્યું નહી. અને હવે નોબત એ આવી છે કે મા અને સંતાનમાંથી કોઈ એક જ બચી શકે તેમ છે…!’

‘વ્હોટ…? કઈ કરો ડોક્ટર. તમને જોઈએ તેટલા રૂપિયા ખર્ચવા તૈયાર છું. પણ બંનેને બચવી લો ડોક્ટર…!’

‘ઇટ્સ નોટ પોસીબલ નાવ, અને વધારે મોડું થશે તો કદાચ બંને… સો બે જીવ ગુમાવવા કરતા એકને બચાવી લેવું બહેતર છે, યુ હેવ ફાઈવ મિનીટ તું ડીસાઈડ…!’

મહેતા કાકા પર તો જાણે વીજળી પડી આવી, આમ પાંચ મીનીટમાં પોતાની ફૂલ જેવી દીકરીના જીવનનો નિર્ણય લેવાની વાત ! પણ હવે તો નિર્ણય લીધે જ છુટકો…!

‘ડોક્ટર… તમે બાળકને બચાવજો…!’ મહેતા કાકાએ દિલ પર પત્થર મૂકી કહી દીધું.
ધરા તેમને જોતી જ રહી ગઈ.
‘આર યુ સ્યોર…?’ ડોકટરે પૂછ્યું.
‘યસ ડોક્ટર… મારી ઈરાને પૂછશો તો એ પણ એ જ કહેશે…!’
‘ઓકે… છતાં પણ હું બંનેને બચાવી લેવાનો પ્રયાસ કરી જોઇશ !’
અને ડોક્ટર ચાલ્યા ગયા. કાકા બાજુની બેંચ પર બેસી પડ્યા. તેમની છાતીમાં ડૂમો ભરાઈ આવ્યો હતો, તેમણે રડવું હતું. જોર જોરથી બુમો પડવી હતી. પણ એ કઈ ન કરી શક્યા. આજે તેમના કમાવેલા રૂપિયા પણ તેમને કાગળના ટુકડા લગતા હતા.

ધરા દોડીને ત્યાંથી ચાલી ગઈ. તે હોસ્પીટલના રીસેપ્શન પાસે બનેલ મંદિર સુધી દોડી ગઈ. ત્યાં સ્થાપેલ ગણપતિની મૂર્તિ આગળ જઈ રીતસરની કરગરવા લાગી.

‘તું તો વિઘ્નહર્તા સો… તો કેમ મારા જીવનમાં આટલા વિઘ્ન દીધા સે! તે અમારા ત્રણેયના જીવનને એક તારમાં જોડતા તો જોડી દીધા. પણ હવ આગળ તું શું કરાવવા માંગે સે…! નાનપણથી તાર પાસે ઘણું માંગતી આવી સુ, અને તે મને ઘણું દીધું પણ સે… પણ આજ એક છેલ્લી વાર તાર પાસે કઈ માંગવું સે… આજ તું સાચો હોય તો કંઇક એવું કર, કે ઈરા, ધરા અને અંબર અમન ત્રણેયને એક હરખો ન્યાય મળઅ. જેટલો અંબર ઇરાને મળે, એટલો જ મુને પણ…!’

અને ત્યાં જ ધરાના ખભે હાથ મુકાયો.
‘તમે સેંકડ ફ્લોર પરના એક્સીડેન્ટ પેશન્ટ સાથે છો?’ સવારે વોર્ડમાં આવેલ નર્સ ધરાને પૂછી રહી હતી.

‘હા…’
‘તો તમને કઈ ભાન બન છે કે નહી. આમ પેશન્ટને એકલા મૂકીને કેમ અહીં ફરો છો. જાઓ તેમને ભાન આવ્યું છે.’

‘હેં મારા અંબરને ભાન આવી ગયું સે…!’ કહી ધરા દોડવા માંડી.
‘આમ પેશન્ટને છોડીને ફરે અને કઈ થાય તો હોસ્પીટલના માથે નાખે…’ નર્સે થોડોક બબડાટ કર્યો.

ધરા દોડતી અંબર પાસે પંહોચી. એણે એક ઝાટકા સાથે દરવાજો ખોલ્યો.
અંબર એને જોતો જ રહી ગયો, કદાચ એને વિશ્વાસ નહોતો આવતો કે એની ધરા સાચે જ એની સામે ઉભી છે.

‘ધરા…’ એ હજી પણ થોડોક ઘેનમા હતો.
‘હા, અંબર મુ આવી ગઈ સુ…’ એણે અંબરનો હાથ પકડી લઇ કહ્યું.
‘ધરા… મારે તને ઘણું કહેવું છે ધરા… મને માફ કરી દે ધરા, મને માફ કરી દે !’
‘શ્સ્સ… એકદમ ચુપ. તમારે હમણાં આરામની જરૂર છે. અને મને બધી ખબર છે…’
‘ધરા, મારે તને ઈરા વિષે કહેવું છે. અમારા બાળક વિષે કહેવું છે…!’
‘અંબર… મને બધી ખબર છે, અંબર તમે આરામ કરો…!’
‘ધરા મારી પાસે હવે વધારે સમય નથી ધરા…’
‘અંબર હું કામ આવું બોલો સો… તમન કઈ નહી થાય, અને હજીતો તમારે અને ઇરાએ તમારું બાળક પણ રમાડવાનું બાકી છે. થોડી જ ક્ષણોમાં એ આપણી સામે હશે અંબર…’

‘ઈરા ક્યાં છે ધરા…’
‘ઈરા… ઈરાને ડીલીવરી માટે લઇ ગયા છે, અંબર…’
અને અંબર ફરી બેભાન થઇ ગયો. મહેતા કાકા પણ ધરાને શોધતા રૂમમાં આવ્યા.
‘ધરા…’ કહેતા તેમની આંખો વહેવા માંડી…
‘કાકા, તમ આહિયા… ત્યાં ઈરા પાસે…?’
‘ઈરા નથી રહી ધરા… મારી ઈરા મને છોડીને ચાલી ગઈ છે…!’
આ શબ્દો બેભાન અંબરના કાને પણ પડ્યા, અને એને અચાનક કોઈ ઝાટકો લાગ્યો હોય એમ એ હલ્યો. પણ પછી થોડીવાર રહી ફરી નોર્મલ થઇ આવ્યો.

‘ધરા… તું મારી ઈરાની ઈચ્છા પૂરી કરીશને ધરા… એના સંતાનને લઈશને ધરા…’ કાકા રડવા માંડ્યા.

‘હા, કાકા…’ ધરાથી વધારે કઈ બોલી ન શકાયું. અને ધરા એ ઈરાના વોર્ડ તરફ ચાલવા માંડ્યું. વોર્ડમાં ઈરા પલંગ પર હતી, અને એના ચહેરા સુધી સફેદ કાપડ ઢાંકેલ હતું. બાજુના ઘોડિયામાં નાનું બાળક સુઈ રહ્યું હતું, એને ક્યાં ખબર હતી કે એને જન્મ દેનારી પણ એટલી જ શાંતિથી સુઈ ગયેલ છે.

ધરાએ બાળક હાથમાં લીધું, અને એ બાળકે ઊંઘમાં પણ ધરાના હાથની આંગળી પકડી લીધી. ધરાથી રડી પડાયું.

‘આ લેટર છે… ઈરાએ ડીલીવરી પહેલા મારી પાસે લખાવેલ… અને કહેલ કે જે સ્ત્રી મારા સંતાનને સૌથી પહેલા હાથમાં લેશે, એને આ આપી દઉં…!’ નર્સે એક લેટર આપતા કહ્યું. મહેતા કાકાએ એ લેટર લીધો, પણ એ ધરા માટે હતો, તેથી વાંચવાનું ટાળ્યું.

‘કાકા, મુ આને અંબર કને લઇ જાઉં સુ…’
કહી ધરા બાળકને લઇ અંબર પાસે ગઈ.

( ધરા અંબરના રૂમ તરફ જાય છે. )

‘અંબર… જુઓ તો તમને મળવા કુણ આવ્યું સે…?’ એણે કાલીઘેલી ભાષામાં કહ્યું.
બાળક પાસે હોય ત્યારે આપણે અનાયસે જ એમની ભાષા બોલવા લગતા હોઈએ છીએ.
અંબરે હળવેકથી આંખ ખોલી, જે દ્રશ્ય જોવા એ તરસી રહ્યો હતો એ દ્રશ્ય એની આંખ સામે હતું. એની ધરા એના સંતાનને લઈને ઉભી હતી.

‘આ મારું બાળક…?’ અંબર એનાથી આગળ ન બોલી શક્યો, એ ભાવુક થઇ આવ્યો.
‘હા, અંબર… જુઓ તો એનું નાક, એકદમ તમાર જેવું સે… અને એની આંખો…’
‘એકદમ ઈરા જેવી… બોલકણી…!’
‘હા, અંબર… હવ તમ જલ્દી હાજા થઇ જાઓ… એટલે આ એના પપ્પા હારે રમી હકે…!’ ધરાએ વાત બદલતા કહ્યું.

‘ધરા, ઈરા ક્યાં સે…!’
ધરા મૌન બની ગઈ. એ ક્યારેય ખોટું નહોતી બોલતી, અને મહેતા કાકા હમણાં અંબરને ખોટો જવાબ દેવાની હાલતમાં ન હતા.

‘ધરા તારું મૌન મને ઘણું કહી ગયું ધરા…’ અંબરે નિસાસો નાખ્યો.
‘મેં એને કહ્યું હતું… પણ એ ન માની…! અને જતી રહી મને છોડીને… પણ હું પણ એને એમ નહી જવા દઉં ધરા…!’

‘અંબર, તમે આરામ કરો…’
‘ધરા, મારી ઈરા મને બોલાવે છે ધરા… મારે જવું પડશે…! મારા ગયા બાદ કોઈ મારો કોઈ શોક ન મનાવતી, મેં પહેલા જ તને ઘણું દુખ આપ્યું છે…! અને જો આખે આખો મારો અંશ તને સોંપીને જાઉં છું…! કહેવાય છે કે બાળક જન્મે ત્યારે બાપ બીજો જન્મ લેતો હોય છે… ધરા આ તારા ભાગનો અંબર છે, મારે ઈરા પાસે જવું પડશે…!’ અને આટલું બોલતામાં જ અંબરને લોહીની ઉલટીઓ ચાલુ થવા માંડી. કાકાએ દોડીને ડોક્ટરને બોલાવ્યા, પણ કુદરતને કંઇક ઓર જ મંજુર હતું, અને અંબરે ધરાને અપલક જોઈ રહી તેના છેલ્લા શ્વાસ લીધા.

ધરા સાવ શૂન્ય બની ગઈ. તેની સામે તેનું સર્વસ્વ હણાઈ ગયું.
તેને રડવું હતું, પોતાની માંગ ઉજાળી, પોતાની બંગડીઓ તોડવી હતી… પણ એના હાથમાંનું બાળક તેની નાની નાની આંગળીઓ ધરાની બંગડીઓમા પરોવેલ હતું, જે કદાચ કહી રહ્યું હતું કે અંબરની છેલ્લી ઈચ્છા હતી, કે હું એમનો શોક ન મનાવું…!

ધરા બાળકને લાડ લડાવતી ઉભી રહી ગઈ.
એને ઈરાનો પત્ર યાદ આવ્યો, એણે કાકાને બાળક આપી પત્ર વાંચવાનો ચાલુ કર્યો.

——————

ધરા….

આ પત્ર તારા હાથમાં છે એનો તલબ કે તે મારી ઈચ્છાનું માન રાખ્યું છે, અને તું હમણાં આ પત્ર વાંચી રહી છે એનો મતલબ એમ પણ છે કે હવે હું આ દુનિયામાં નથી રહી. પણ જતા પહેલા મારે તને કંઇક કહેવું છે…! અને મારા આ પહેલા અને છેલ્લા શબ્દો છે તારા માટે !

ધરા મને મારા પિતાના નિર્ણય પર માન છે, જ્યારે મેં જાણ્યું કે મારું બચવું મુશ્કેલ છે ત્યારે મેં આ પત્ર લખાવ્યો છે, અને એ તારા માટે લખાવ્યો છે !

તને અને પાપાને સાથે જોયા બાદ હું સમજી ચુકી હતી કે તેમણે તને બધું જણાવ્યું છે, પણ મારી અંબર પાસે મુકેલ શરત વિષે તેમણે નથી ખબર. જે હું તને જણાવું છું ! ધરા મારા ગયા બાદ તું મારું સંતાન ઉછેર જે…! અને મેં અંબર સામે પણ આ જ શરત મુકેલ. અને એણે ના પડી દીધેલ, કે એક સ્ત્રી પાસેથી માતૃત્વ છીનવી લઇ, એ બીજી સ્ત્રીની કુખ નહી ભરે. અને એ પણ મારા જીવના જોખમે ! પણ ધરા મારે એ કરવું હતું. તારી પર ઉપકાર કરવા કે સહાનુભૂતિના કારણે નહી, પણ તારા પ્રત્યેના માનના કારણે…!

અંબરના આવ્યા બાદ તમે જોડે રહેજો અને આપણા બાળકને ઉછેરજો. મારું બાળક અનન્ય બનશે એની મને ખાતરી છે, કારણ કે ધરા એને ઉછેરશે ! અને એક વાત ધરા… મેં મારા બાળકનું નામ પહેલાથી નક્કી કરેલ. જો બાળક છોકરું આવે તો ક્ષીતીજ અને છોકરી આવે તો ક્ષીતીજા, મારી એટલી ઈચ્છા પૂરી કરજે. એને મારું પસંદ કરેલ નામ દેજે…! ‘ક્ષીતીજ’ જ્યાંથી અંબર અને ધરાને અલગ કરવા શક્ય જ નથી…!

ધરા, આપણા પ્રણય ત્રિકોણમાં કોણ સાચું હતું અને કોણ ખોટું, એ હું નક્કી કરવા અસમર્થ છું. જો હું એમ કરવા જાઉં તો કોઈ એકને અન્યાય કરી બેસું તેમ છું ! પણ હા એટલું જરૂર કહીશ… કે મારે અંબરના જીવનમાં ક્યારેય તારું સ્થાન નહોતું લેવું ! ધરા થઇ શકે તો મને માફ કરજે, મને મારા નિર્ણયો પર ક્યારેય પસ્તાવો થયેલ નથી, છતાં પણ તારી પાસે માફી માંગી લેવાનું મન થાય છે. અને બની શકે તો મને અંબરની પ્રેયસી, કે તારા સંતાનની મા તરીકે યાદ કરજે. પણ મને ક્યારેય બીજી સ્ત્રી તરીકે ન ઓળખાવતી. એ હું નહી વેઠી શકું…!

હું જાણું છું તું આપણા ત્રણેયના બાળકનું યોગ્ય ધ્યાન રાખીશ. આ જ તો એક મધ્યબિંદુ છે, જ્યાંથી આપણા પ્રણય ત્રિકોણના દરેક ખૂણા જોડાયેલા છે !’

– ઈરા

——————

અને ધરાની આંખો અવિરત વહેવા માંડી.

‘આ ઈરા… કેટલું જાણે સે મુને… અને છતાં આટલું બધું કરી ગઈ માર માટે…! આના આટલા બધા ઉપકારના ઋણ હું કેમ કરીને ચૂકવીશ…!’ અને એ દૃશ્કે દૃશ્કે રડવા માંડી.

કદાચ કુદરતને આ જ મંજુર હતું. અંબર ઈરા સાથે પણ ચાલ્યો ગયો, છતાં ‘ક્ષીતીજ’ સ્વરૂપે ધરા સાથે પણ રોકાઈ ગયો !

( સમાપ્ત )

~ મિત્રા


Read Full Novel –
[1] | [2] | [3] | [4] | [5] | [6] | [7]

6 Replies to “ક્ષિતિજ – એક મધ્યબિંદુ ( પ્રકરણ – ૭ )

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.