Gujarati Writers Space

ક્ષિતિજ – એક મધ્યબિંદુ ( પ્રકરણ – ૬ )

એ સાંજ બાદ અંબર ઈરાથી થોડોક અતડો રેહતો જાણે, ઓફિસમાં પણ કામ સિવાય તેની સાથે વાત કરવાનું ટાળતો, અને ઈરાને પણ એનો અંદાજ આવી ચુક્યો હતો કે અંબર તેને અવગણી રહ્યો છે. ઈરા જેવી સેલ્ફ-મેડ છોકરીને પોતાની અવગણના એક અપમાનથી ઉતરતું નહોતું લાગતું. પણ એ અંબરને પ્રેમ કરવા લાગી હતી. અને કદાચ અંબર પણ…! પણ બંનેમાંથી કોઈ સામે ચાલી, હ્રદયમાં રહેલી પરસ્પરની ભાવનાને ‘પ્રેમ’નું નામ આપવા તૈયાર ન હતા…! અને એક સાંજે ઈરાથી તેની મનની વાત કર્યા વિના રહેવાયું નહી. અને અંબરની ઓફીસ છોડ્યા બાદ એ તેની પાછળ પાછળ ચાલી નીકળી. અંબરને જ્યારે પણ એકાંત લાગતું, ત્યારે એ દરિયાકિનારે પંહોચી જતો. કદાચ ત્યાં જઈ અંબર અને ધરાને ક્ષીતીજે મળતા જોઈ એને એક સુકુન મળતું હતું, કે ‘ભલે મને મારી ધરા નહી મળી, પણ આ વિશાળ અંબરનેતો એની ધરા ક્ષીતેજે મળે જ છે ને…!’

‘અંબર…’ દરિયાકાંઠે ચાલી રહેલ અંબરને ઇરાએ બુમ પાડી.
‘ઈરા… તું અહીં, તું મારો પીછો કરી રહી છું…?’ અંબરે તેને આશ્ચર્ય સાથે પૂછ્યું.
‘હા, કદાચ કરી જ રહી છું. બટ, તું કેમ મને અવોઇડ કરી રહ્યો છે…?’
‘ઈરા એવું કઈ જ નથી. હું તને શું કામ અવોઇડ કરું. વી આર ફ્રેન્ડસ…!’
‘નો અંબર… આપણે ખાલી મિત્રો તો નથી જ. તું પણ એ વાત જાણે જ છે, અને કદાચ મને અવોઇડ કરી, તું પોતાની જાતથી દુર ભાગે છે. તારી મારા પ્રત્યેની લાગણીઓથી દુર ભાગે છે. અને જેમાં તું વ્યર્થ નીવડે છે…! અંબર કેમ નિખાલસથી સ્વીકારી નથી લેતો, કે આપણા વચ્ચે દોસ્તીથી વિશેષ કંઇક છે….!’

‘લિસન, ઈરા… ઇટ્સ નોટ લાઇક ધેટ ઇઝી…!’
‘અંબર… હું જાણું છું એ સહેલું નથી… પણ એટલું અઘરું પણ નથી. એટલીસ્ટ પોતાની જાતથી ખોટું બોલવા કરતા તો સહેલું જ છે.’

‘ઈરા આ સમયે જીવનની બધી ફિલોસોફી વ્યર્થ સાબિત થાય છે..’
‘અંબર, વી કેન મેક ઇટ ઇઝી. આપણે સાથે મળી કઈ પણ પાર પડી શકીશું.’
‘પણ ઈરા, હું તને એ સ્થાન નહી આપી શકું જે સ્થાને મેં ધરાને આપેલ છે.’
‘અંબર, કોઈ પણ વ્યક્તિના જીવનમાં એક પાત્ર આવી ગયા બાદ પણ થોડીક જગ્યા બાકી રેહતી હોય છે. એવી જગ્યા જ્યાં એણે એની આદર્શ મૂર્તિ માટે ખાલી રાખી હોય છે. હું ધરાનું સ્થાન પણ નથી લેવા માંગતી, કે નથી હું એ આદર્શમૂર્તિ. પણ હું બસ તારા હ્રદયમાં એક નાનકડી જગ્યા માંગું છું.’

‘પણ ઈરા હું જ કેમ…? તારા જેવી સુંદર, ભણેલી, સ્વાભિમાની, છોકરીને તો કોઈ પણ મળી શકશે…’

‘પણ મારે કોઈ પણનો સાથ નથી જોઈતો અંબર, મારે તારો સાથ જોઈએ છે…!’
‘ઈરા… વિચારવા માટે હજી સમય લે. કદાચ આ આકર્ષણ કોઈ શકે…’
‘અંબર તને મારી લાગણીઓની કદર ન હોય તો ન સહી. પણ મારા પ્રેમને તું બાલીશ આકર્ષણ સાથે ન સરખાવીશ! તને શું લાગે છે, એક અમેરિકામાં રહેલી છોકરીને ક્યારેય આકર્ષણ નહી થયું હોય એમ. થયા છે, જીવનમાં અનેક આકર્ષણ થયા છે અને મેં એને પણ બિન્દાસ બની માણ્યા છે. પણ તારા માટે મને પ્રેમ થયો છે. આ પ્રેમ શબ્દનો અર્થ મને તેં સમજાવ્યો છે અંબર…!’

‘ઈરા… ઈરા… મારો એ મતલબ નહોતો… પણ આપણા સંબંધનું કોઈ ભવિષ્ય નથી…’
‘છે અંબર, છે…! હું સાત જન્મોના વચન લેવા અને આપવામાં માનતી જ નથી. એક ક્ષણના પ્રેમ દ્વારા પણ સાત જન્મો વીતી શકે એ એક ક્ષણમા હું માનું છું. આપણે સાથે રેહવા માટે કોઈ બંધનમા બંધાવું જરૂરી તો નથીને અંબર…!’

‘પણ સમાજ…?’
‘તું એ સમાજનું વિચારવા માંગે છે, જે સમાજે તારા અને ધરાના સંબંધનું નામ હોવા છતાં એને વગોવ્યા હતા, એ સમાજ જેણે ધરાને મા ન બની શકવા માટે વાંઝણીનું કલંક આપ્યું હતું. એવા સમાજ વિષે વિચારીને પોતાના જીવનમાં ખાલીપો રાખવું ક્યાં સુધી સાચું છે અંબર…!’

‘પણ ઈરા, આપણા સંબંધને આગળ વધારતા પહેલા હું તને કંઇક કહેવા માંગું છું, હું તને ક્યારેય પત્નીનું બિરુદ નહિ આપી શકું…!’

‘મંજુર છે અંબર….’ અને ઇરા બેધડક પણે તેની શરત સ્વીકારી લીધી.
ઈરા ખરેખર એક અલગ જ મિજાજી છોકરી હતી. જીવનની એક એક ક્ષણને મન ભરીને જીવતી હતી. અને કદાચ એટલે જ એ ખુશ રેહતી હતી, અને બીજાને પણ ખુશ રાખી શકતી હતી…!

અને ત્યારબાદ અંબર-ઈરાએ સાથે રેહવાનું શરુ કર્યું, વેસ્ટર્ન સંસ્કૃતિ તેને ‘લીવ ઇન રીલેશનશીપ’ તરીકે લેખાવે છે, જ્યારે આપણે અહી તેને લગ્નેત્તર સંબંધ તરીકે ઓળખવામાં આવે છે…!

ઈરાને કેટલાય લોકોએ સમજાવવા માંગી કે, ‘શું કામ તું કોઈના જીવનની બીજી સ્ત્રી બનવા માંગે છે ?’ પણ એ પોતાના નિર્ણય પ્રત્યે એકદમ સભાન હતી, એણે લીધેલ એક પણ નિર્ણય પર એને પસ્તાવો ન હતો, એ માનભેર કહેતી કે, ‘હું અંબરના જીવનની બીજી સ્ત્રી છું જ નહિ… હું ક્યારેય અંબરના જીવનમા ધરાનું સ્થાન લેવા માંગતી જ નથી. મારું અંબરના જીવનમાં એક અલગ જ સ્થાન છે, કદાચ અંબરમાં રહેલ ખાલીપો ભરતા રેહવું મને ગમે છે…!’

આટલું સાંભળ્યા બાદ એક પત્ની, એક સ્ત્રી પર શું વીતતી હશે એ કદાચ એક સ્ત્રી જ સારી રીતે સમજી શકે છે.

ધરા સોફા પરથી ઉભી થઇ ગઈ, અને બારી નજીક જઈ ઉભી રહી ગઈ… જાણે એ હકીકતથી ભાગવા માંગતી હતી…! બહાર વરસતા વરસાદની બુંદો એના ચેહરાને ભીંજવી એક જ પ્રશ્ન કરી રહી હતી…!

‘કેમ ધરા…? આ ઉદાસી કેમ…? અંબરે એ જ કર્યું છે જે તું એના પાસે કરાવવા માંગતી હતી. તું જ ચાહતી હતીને કે અંબર તારાથી મુક્ત થાય અને એક નવો સંસાર માંડે. તો પછી આજે આ હતાશા કેમ…?’ પણ ધરા પાસે આ પ્રશ્નો જવાબ ન હતો. બસ એને આ વાત સ્વીકારવી જ ન હતી કે અંબરે તેને દગો કર્યો છે. એ પોતાના અંતરમનને બુમો પાડીને કહી રહી હતી કે ‘અંબર એની ધરા સાથે ક્યારેય દગો ન કરે…!’

પણ એનું મન એ પ્રશ્ન નો જવાબ જાણવા માંગતું હતું, અને એ કદાચ કાકા દ્વારા જાણી શકાય તેમ હતું…!

‘તો શું કાકા, મુ એમ હમજું કે અંબરે મારી હારે દગો કર્યો સે…?’ ધરાએ એમ જ બારી બહાર જોઈ રહી, નિસાસો નાખતા પૂછી લીધું.

‘ના ધરા… લગીરેય નહિ…!’
કાકાની વાત સાંભળી ધરાને નવાઈ લાગી.
‘ધરા, લીવ ઈનમાં આવ્યા બાદ અંબર મલ્ટીપલ પર્સનાલીટી સિન્ડ્રોમનો શિકાર બન્યો હતો, અલબત એના લક્ષણો તો મેં એના મુંબઈ આવ્યા બાદથી જ નોંધ્યા હતા, પણ એમની રીલેશન શરુ થયા બાદ મેં મારા એક મનોવિજ્ઞાની મિત્ર દ્વારા એની કન્ફર્મેશન પણ કરેલ. અને અંબર પોતે પણ એ વાતથી વાકેફ હતો !

‘મી. અંબર જો તમને આ વાતની ખબર જ છે તો આનો ઈલાજ કેમ નથી કરાવતા…?’ એ મનોવિજ્ઞાનીએ અંબરને પૂછેલ.

‘સર… હું એ વાતથી ઘણા સમયથી વાકેફ છું. પણ ઈલાજ શા માટે કરાવું, જ્યારે આ રોગ મને ગમે છે. મને એક ક્ષણે ધરા સાથે તેની યાદોમાં જીવવું અને બીજી ક્ષણે ઈરા સાથે હકીકતમાં જીવવું ગમે છે. મને મારા જીવનની એ બંને સ્ત્રી ગમે છે…! અને કદાચ આ રોગ મારા પર કુદરતની મહેરબાની જ તો છે, જેના થકી હું બંનેને યોગ્ય ન્યાય આપ્યાનો સંતોષ પામું છું. જેના થકી મને કોઈ એકને છેતર્યાનો અપરાધભાવ નથી આવતો…! અને જે દિવસે મને એ અપરાધભાવ ફિલ થશે, એ દિવસે કદાચ હું સ્વેચ્છાએ આ જીવ ત્યાગી દઈશ ! અને કદાચ મને આવું બેવડું જીવન ગમે પણ છે…’
માટે કહું છું ધરા… અંબરે તને લેશમાત્ર દગો નથી આપ્યો. તે જે અંબર જોયો છે એ આ અંબર છે જ નહિ. આ ઈરાનો અંબર છે, તારો અંબર તેની અંદર જ જીવે છે…! જ્યારે અંબરના વિચારોમાં તું રેહતી ત્યારે એ ફક્ત તારો બનીને રેહતો, અને એ જ્યારે ઈરા સાથે રેહતો ત્યારે ફક્ત ઈરાનો બની ને રેહતો. કદાચ અંબરના શરીરે તારા સાથે દગો કર્યો હોય એવું કહી શકાય, પણ એના મને ક્યારેય નહી…! એ જ્યારે તારો બનતો, ત્યારે બસ તારો જ બની રેહતો. ત્યાં ઈરા ન હતી, ત્યાં બસ તું હતી ધરા…!

‘કાકા… મનમાં એક પ્રશ્ન ક્યારનો ઉથલો મારી રહ્યું છે, તમને તેમના સંબંધ વિષે આટલી બારીકાઈથી કઈ રીતે ખબર છે?’

જે પ્રશ્નથી મહેતા કાકા ભાગી રહ્યા હતા, ધરાએ એ જ પ્રશ્ન તેમની સામે ફેંક્યો.
કાકા ધરા સામે હાથ જોડી ઉભા રહી ગયા.
‘ધરા, થઇ શકે તો મને માફ કરી દે જે, હું પણ તારો એટલો જ અપરાધી છું. આ હકીકત આખી મારી નજરોએ બની છે, છતાય મેં બધું જેમ ચાલે તેમ ચલાવ્યે રાખ્યું…! ઈરા ઇસ માય ડોટર ધરા… ઈરા એ મારી દીકરી છે !’

‘મેં ઈરાને અરેરિકામા જ સેટલ થઇ જવા સમજાવી હતી, પણ એ ન માની અને ભારત ચાલી આવી. અહીં મારી જ કંપનીમાં જોબ કરતી. પણ ઓફીસમા ક્યારેય મને ‘પાપા’ કહીને પણ ન બોલાવતી. એક સામાન્ય એમ્પ્લોયી તરીકે જ જોબ કરતી. ક્યારેક મારી માટે પણ ઈરાને સમજવી મુશ્કેલ થઇ આવતી. એ કઈ ક્ષણે શું કરવા માંગે છે, એ કહેવું મુશ્કેલ થઇ પડતું. નાનપણથી જ એનું ધાર્યું કરતી આવી છે, અને જ્યારે મેં ઈરા અને અંબરના સંબંધ વિષે જાણ્યું ત્યારે મને પણ થોડો આઘાત લાગ્યો હતો, પણ કદાચ એક બાપ એની દીકરીની ખુશીઓ સામે સ્વાર્થી બની બેઠો. અને એમ પણ ઈરા મારા કહેવાથી રોકવાની તો હતી જ નહી ! એ તો વહેતો પવન છે, બંધ મુઠ્ઠીમા બાંધો છતાં વહી નીકળે તેવો…! એટલે મેં પણ જેમ ચાલ્યું તેમ ચાલવા દીધું…! પણ કદાચ હું મારી બીજી દીકરી સાથે અન્યાય કરી બેઠો !’ અને કાકા હતાશ થઇ આવ્યા.

‘કાકા, ઈરા એ ક્યારેય અંબરને મુને હ્ન્મેશો માટ છોડી દેવાની વાત ન કરી…?’ ધરા એ પૂછ્યું.

‘ના ક્યારેય નહી… ઉપરથી અંબર અવારનવાર એને તારા વિષે વાતો કરતો રેહતો, કે ‘મારી ધરા આવી છે, મારી ધરા તેવી છે… ધરા અહીં હોત તો આમ કરતા… ધરાને આ પસંદ છે… ધરાને આવું સહેજ પણ નથી ગમતું, વગેરે વગેરે…,’ એ દર ક્ષણે ઈરાને તારા પ્રત્યે માન થતું… કે ધરા અંબરથી આટલી દુર હોવા છતાં, હર ક્ષણે તેની સાથે રહે છે ! એ દ્રઢપણે માનતી કે તે જે કર્યું છે એ કરવું કોઈ સામાન્ય સ્ત્રીનું ગજવું હોઈ જ ન શકે. એ તને ‘તેના સમય પહેલા જન્મેલી સ્ત્રી’ તરીકે લેખાવતી, અને તને એક સ્ત્રી તરીકે પોતાનો આદર્શ માનતી ! એણે તો અંબરને તારી સાથે મળાવવા સુદ્ધાંની વાત કરી હતી. પણ ધરા તું જ વિચાર અંબર તને એની સાથે શું કહી મળાવતો…? શું એમ કહેતો કે, ‘ધરા આને મળ…? આ છે તારા અંબરનો નામ વગર નો સંબંધ…! અંબર પાસે ફક્ત તારી સાથે વિતાવેલી ક્ષણોની વાતો સિવાય ઈરાને કહેવા, બતાવવા માટે કઈ જ નહોતું. ધરા તું એના મનમાં રહેલ એક કાલ્પનિક આદર્શ પાત્ર છે, જે એના મનમાં તો છે, પણ તેનો આકાર, દેખાવથી અજાણ છે…!’

‘સમય પહેલા જન્મેલી સ્ત્રી… એ ખરેખર હું નથી કાકા, એ ઈરા પોતે છે…! એક સ્ત્રી તરીકેનું પોતાનું અસ્તિત્વ ભૂલી જઈ એ મારા અંબર સાથે રહી છે… તેમના જીવનના જે સમયે મારે તેમની પડખે ઉભું રેહવું જોઈએ એ સમયે એ અંબર સાથે તેનો પડછાયો બની ઉભી રહી હતી. મારે એ સ્ત્રીને મળવું છે કાકા…!’ ધરા એ માનભેર તેને મળવાની વાત કરી.

‘ધરા, હું ચોક્કસ તને મળાવીશ… ઈરાને પણ તને મળવું ગમશે…!’
અને ત્યાં જ મહેતા કાકાના ફોનની રીંગ વાગી, જેનો એકતરફી સંવાદ ધરાએ સાંભળ્યો.

‘હલ્લો…’
‘વ્હોટ…? ક્યારે બન્યું આ બધું…?’
‘તમે લોકો હમણા ક્યાં છો…?’
‘હું હમણાં આવું છું તરત…’ કહી મહેતા કાકા રૂમ બહાર દોડી ગયા, અને ધરા પણ તેમની પાછળ થઇ !

( ક્રમશ: )


Read Full Novel –
[1] | [2] | [3] | [4] | [5] | [6] | [7]

6 Replies to “ક્ષિતિજ – એક મધ્યબિંદુ ( પ્રકરણ – ૬ )

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.