Gujarati Writers Space

ક્ષિતિજ – એક મધ્યબિંદુ ( પ્રકરણ – ૧ )

નાણાવટી હોસ્પિટલ,
મુંબઈ, મહારાષ્ટ્ર.

ઈમરજન્સી સાયરન સાથે એક એમ્બ્યુલન્સ હોસ્પીટલના પ્રાંગણમાં દાખલ થઇ. ડોકટર અને બે ત્રણ વોર્ડબોય તરત ત્યાં આવી ચડ્યા.

‘ડોક્ટર… ડોક્ટર… ઇટ્સ એન ઈમરજન્સી… પ્લીઝ એડમિટ હિમ ફાસ્ટ…’ બેભાન હાલતમાં સ્ટ્રેચર પર પડેલા અંબરને દર્શાવી મી. મહેતાએ કહ્યું.

‘પ્લીઝ કુલ ડાઉન એન્ડ લેટ્ મી ડુ માય જોબ પ્લીઝ…’
મી. મહેતા મુંબઈના નામચીન બીઝનેસમેન અને એમની મુંબઈ સ્થિત ઓફીસમાં મેનેજરની પોસ્ટ પર કામ કરતા અંબરને એક ગંભીર માર્ગ અકસ્માત નડ્યો હતો. પણ એક એમ્પ્લોયી માટે આમ કોઈ મોટું માથું હોસ્પિટલ ગજવી મુકે એ કદાચ ડોક્ટરને પણ આશ્ચર્ય પમાડે તેવું હતું.

‘આ તમારો કોણ છે?’ ડોકટરે આખરે પૂછી જ લીધું.
‘આમ તો એ મારા જુના જીગરી દોસ્તનો દીકરો છે, અને હમણાં મારી ઓફિસનો કર્મચારી પણ. પણ હવે એ મારા માટે એનાથી પણ વિશેષ છે. ટૂંકમાં કહું તો મારું ઘણું બધું છે, મારો પુત્ર જ સમજો. આને તમારે કેમ પણ કરીને બચાવવો જ પડશે! જોઈએ તેટલા રૂપિયા ખર્ચવા હું તૈયાર છું. પણ બદલામાં આને બચાવી લો ડોક્ટર, પ્લીઝ સેવ હિમ!’

‘આઈ વિલ ટ્રાય માય બેસ્ટ…’
અને ડોકટરે સ્ટ્રેચર ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરાવ્યું. મી. મહેતા ત્યાંજ બહાર ઉભા રહ્યા.
અડધા કલક બાદ ડોક્ટર બહાર આવ્યા…
‘ડોક્ટર! અંબર…?”
“હાલ પુરતું કઈ કહી નહિ શકું. ઈજાઓ ઘણી ગંભીર છે. નજીકના લોકોને બોલાવવા હોય તો બોલાવી લેજો!”

“ડોક્ટર પ્લીઝ સેવ હિમ. આઈ કેન પે યુ, વ્હોટ એવર યુ વોન્ટ…’
‘સવાલ પૈસાનો છે જ નહી. આ મારી ફરજનો જ એક ભાગ છે! પણ હા, એક વાત. પેશન્ટ વારંવાર બેભાન અવસ્થામાં કોઈ ‘ધરા’નું નામ લઇ રહ્યો હતો. એ ધરા કોણ છે…? એ જે કોઈ પણ હોય. એમને પણ બોલાવી લેજો…! હવે હું જાઉં છું… ફરી થોડી વારે આંટો મારી જઈશ!’

‘ધરા… ધરા’નો નિસાસો નાખી મી. મહેતા બાજુની બેન્ચ પર ફસડાઈ પડયા હોય એમ બેસી ગયા. એમની આંખે પાણી આવવા માંડ્યું.

થોડી વારે સ્વસ્થ થઇ તેમણે અંબરના ખિસ્સામાંથી નીકળેલ સામાનમાંથી પોકેટ ડાયરી કાઢી અને ‘હોમ’ લખેલ નામની સામેનો નંબર લગાવવા માંડ્યો.

જેમ જેમ રીંગ જતી હતી, તેમ તેમ એમના ધબકાર વધતા જતા હતા…’ ક્યાં મોઢે એની સાથે વાત કરીશ હું…’ તેઓ સ્વગત જ બોલી ઉઠ્યા.

‘હલ્લો… કુણ બોલે સે…?”, સામેથી કોઈ મીઠી કોયલ ચહેકતી હોય એવા સ્વરમાં મહેસાણી લહેકો સંભળાયો.

મી. મહેતાના શબ્દો ગળામાં જ અટકી પડ્યા.
‘હલ્લો કુણ બોલે સે… હવે કંઇ બોલશો પણ કે નહી… મારે બીજા પણ ઘણાય કામ સે…’
‘ધરા… હું બોલું છું… મુંબઈ થી, મહેતા કાકા’ માંડ માંડ તેમનાથી બોલી શકાયું.
‘કાકા તમ… આટલા વર્ષોમાં આજે પહેલીવાર ફોન કર્યો… બોલો આ દીકરીની કેમની યાદ આવી આજ…?

‘ધરા… અંબર…’ અવાજમાં એક ડર, એક ધ્રુજારી સાફ વર્તાતી હતી.
સામે છેડે એકદમ સન્નાટો છવાઇ ગયો.
“સુ થયું છે ઈમને…?, ગળે બાજેલ ડૂમો ટાળીને ધરાએ પૂછ્યું.
‘ધરા એ બધું હું ફોન પર નહિ કહી શકું… તું બસ જલ્દીથી મુંબઈ આવી જા! અંબર તને બોલાવે છે… તું આવીશને ધરા…?”

ધરા પાસે કહેવા માટે કોઈ જવાબ નહોતો. શું કહેતી એ પણ…
‘અવાસે તો આવે… નહિ તો નહી…’ એકદમ નીર્લાજ્જ્તાથી એણે જવાબ આપી ફોન મૂકી દીધો.

——————-

મહેસાણા,ગુજરાત.

‘તું આવીશને ધરા…?’ એ પ્રશ્ન નો જવાબ હવામાં વાત ઊડાવી મૂકી દેતી હોય એમ આપ્યો હતો. પણ એના હજી મનમાં એક અલગ જ બેચેની ઉમેરાઈ ચુકી હતી. મન ખોટા વિચારોથી ઉભરાઈ રહ્યું હતું. અને એની નજર એના બેડરૂમની પોપડી ઉખેડતી દીવાલ પર લટકાવેલ ફોટો ફ્રેમ પર પડી.

‘લગ્નના પાનેતરમાં નિખાલસતાથી હસતી ધરા અને એની આંખોમાં તાકી રહેલ અંબર’ બંનેના લગ્નના સમયે પડાવેલ અસંખ્ય ફોટામાંની એક રેન્ડમ ક્લિક! ક્યારેક કેમેરામાં એવી કેટલીય ક્લિક કંડારાઈ જતી હોય છે જેની માટે આપણે ક્યારેય દેખાવ કરતો પોઝ નથી આપતા… છતાં એવી રેન્ડમ ક્લીક્સ દિલની ઘણી નજીક હોય છે. કારણ કે એમાં જે દેખાય છે એ હકીકત હોય છે, કોઈ દંભ નહી!

ધરા વિચારશૂન્ય થઇ, પલંગ પર બેસી પડી. એની સામે એનો ભૂતકાળ જાણે જીવિત થઇ ઉઠ્યો. એક એક દ્રશ્ય જાણે ફિલ્મની રીલ દોડે તેમ તેની નજરો સામે તરવા લાગ્યો.

‘અંબર અને ધરા… બંને એકબીજાથી તદ્દન વિપરીત. જેવા નામ તેવા જ ગુણ ! ધરા, એના નામ મુજબ હમેશા જમીન સાથે જોડીને રેહતી ગામની એક સરળ છોકરી ! અને બીજી તરફ અંબર, જેટલું મળે તેનાથી વધારે મેળવવાની આશા રાખતો યુવાન ! ધરા, સ્વભાવે કંઇક વધારે જ પડતી આસ્તિક… નાની નાની વાતે ભગવાન ની માનતા લઇ બેસે. માની શરદી ઉતરી જશે તો હું એક શ્રીફળ ચઢાવીશ, આ વર્ષે બાપાને ખેતરમાં સારો પાક થશે તો ચાલતી તમારા દર્શને આવીશ, મુ બારમું હારા માર્કે પાસ થઇ જઈશ તે મુ તમને ૫૧ રૂપિયાના લાડુ ચઢાવીશ. અને આમ જ અનેક માનતાઓ માનતા માનતા અને થોડું ઘણું ભણતા ભણતા ધરાએ બારમું પાસ કરી લીધું. અને બીજી તરફ અંબર, મા પરાણે મંદિર ન મોકલે તો મંદિરનું એક પગથીયું પણ ચડે !

આમ તો બંને એક જ ગામના રહેવાસી. અને નાનપણના મિત્ર પણ ખરા ! પણ સમય વિતતા અંબરને એમ.બી.એ.ના અભ્યાસ અર્થે બહાર જવું પડ્યું હતું. અહી બીજી તરફ ધરા જેવી ભણેલી અને સંસ્કારી છોકરી માટે માંગા આવવા લાગ્યા. અને ધરા ફક્ત ભણેલી એટલું જ નહી. દેખાવમા પણ રૂપ રૂપનો અંબાર ! ગોરો ઉજળો વાન, ભરાવદાર કાયા, મીનાક્ષી નેણ, અને ચેહરા પર એક ગજબ તેજ ! વાત કરે તો જાણે કોયલ ટહુકે એવો મીઠો એનો સ્વર ! લાંબો કાળો ચોટલો, અને સાડી એ એનો પહેરવેશ !

‘ઓને તો જી પામસે, ઈ માનો સ્વર્ગની અપ્સરાને જ પામશે…’ ગામલોકો અવારનવાર તેની પ્રશંશા કરતા બોલી ઉઠતા. અને એ સુંદરી અંબરની માની નજરોએ પણ ચડી હતી. અને તેમણે ધરાના બાપાને સાફ શબ્દોમાં કહી દીધું હતું…

‘હરિયા, તારી છોડી તો મારા ઘરની જ વહુ બનશે. જો જે તું ઉતાવળમાં છોડીને ક્યાંક ઉંધા ઘરે નો વાડી દેતો. કહેતો હોય તો હમણાં શ્રીફળ અને ૧૧ રૂપિયા દઈ દઉં. પણ આ ધરા તો મારા અંબર હારે જ શોભે !’ અંબરની માનું ગામમા ઘણુંજ માન. અંબરના બાપા હયાત હતા ત્યારે એમને ગામનું મુખિયા બની જેટલું ભલું કર્યું, એટલું આજ સુધી કોઈએ નહિ કર્યું હોય. અને એનો વરસો એની મા પણ એટલી જ નિષ્ઠાથી નિભાવતી. ગામની મુખી તો હતી જ, પણ ક્યારેય કોઈની પાની પણ ખોટી હજમ ન કરે. અને મહેનતે કેટલીય ગાયો, ભેંસો, જમીનો, મકાનો વસાવ્યા હતા. આખા ગામમાં તેમના જેટલી સંપતી કોઈ પાસે નહિ. અને આખા વરસનો એક માત્ર વારસ એવો અંબર ! અને જો એનું સામેથી માંગું આવતું હોય તો ધરાના બાપાના પણ કઈ રીતે પાડે. અને ના પાડવાનો પ્રશ્ન જ ન આવે, અંબર… દેખાવે સોહામણો, અને ગામમાં સૌથી વધારે ભણેલો. કોઈ જાતનું વ્યસન પણ નહિ, સ્વભાવે એટલો જ સરળ. કોઈ પણ કન્યા એને અને એની સંપત્તિને જોઈ તરત જ હામી ભરી બેસે…!

‘પણ અંબર ક્યારે ભણી રેહશે… ત્યાં સુધી મારે દીકરી ઘરે બેસાડી રાખવી?’ ધરાના બાપા આડકતરી રીતે લગ્નની ઉતાવળ કરવા કહેતા.

‘ઈ તો તારે રાહ જોવી જ રહી. મારો અંબર કમાતો નહી થાય ત્યાં લગી, હું એના ખભે ‘પત્ની’ની જવાબદારી ના સોંપું. ઘડી ખમ હરિયા. ધીરજના ફળ મીઠા હોય !’

અને આખરે હરિયાની ધીરજનું ફળ પણ એને મળ્યું. અંબરે એનો અભ્યાસ પૂરો કર્યો અને તેના સ્વર્ગસ્થ પિતાના ખાસ મિત્ર એવા મેહતા કાકાએ એને એમની કંપનીમાં નોકરી પર પણ રાખી લીધો.

‘આપણે હવે ખાલી મિત્ર નથી રહ્યા… એનાથી વિશેષ સંબંધમા જોડાવા જઈ રહ્યા છીએ!”, લગ્ન પહેલા બાગમાં ગોઠવાયેલ એક મુલાકાત દરમ્યાન ધરાએ અંબરને કહ્યું હતું.

‘એનો ખ્યાલ છે મને ધરા… હું તને પામીને ખુબ ખુશ છું!’ અંબરે એનો હાથ પોતાના હાથમાં લઇ એને કહ્યું હતું.

‘તું પણ ખુશ તો છે ને…?’ અને જવાબમાં એ શરમાઈને નીચું જોઈ ગઈ હતી.
બને પરિવારની સંમતી સાથે તેમના લગ્નનું મૂહર્ત નીકળવામાં આવ્યું. ‘મુ છોડી બે જોડી કપડામાં જ લઇ જઈશ. એથી ઉપર એક પાઈ મુ નથ લેવાની !’ અંબરની માએ સાફ શબ્દોમાં જણાવી દીધું હતું. અન એ સાંભળી હરિયાનો હરખ માતો નહોતો. ગામડામાં દીકરીનું વિવાહ વગર દહેજે પણ થઇ શકે એ વિચાર જ એને સંતોષ આપી જતો હતો.

અને આખરે બંનેના લગ્ન થયા. ગામ આખામા એમના લગ્નની ચર્ચા થવા લાગી. એ ગામમા એટલા ભવ્ય લગ્ન આજ સુધી બીજા કોઈના થયા નથી. અંબર-ધરાના લગ્નમાં પહેલી વખત ગામ લોકોએ ડી.જે. શબ્દ જાણ્યો, અને માણ્યો હતો. આજે પણ ગામમાં કોઈના લગ્ન લેવાતા ત્યારે ગામ લોકો અંબર-ધરાના લગ્નને અચૂક યાદ કરતા !

ધરાએ હળવેકથી એ પથારી પર હાથ ફેરવવા માંડ્યો.
આ એ જ પથારી હતી જ્યાં લગ્નની પહેલી રાત્રે અંબરે એને કેટલાય આલિંગનો અને ચુંબનોથી ભીંજવી હતી. અને જ્યાં એ પહેલી વખત ખરા અર્થમાં ‘સ્ત્રી’ બની, સ્ત્રીત્વને પામી હતી. અને એ ઉપરાંત કેટલીય એવી મીઠી યાદોની સાક્ષી બની હતી આ પથારી !

‘બંનેના નામમાં જ કેટલો વિરોધાભાસ છે. જો જો આ લગ્ન વધુ નહી ટકે.’ ગામના કેટલાક ટીકાકારો અવારનવાર એમના સંબંધ વિષે ટીકા-ટીપ્પણીઓ કર્યા કરતા. પણ અંબર ધરાના પ્રેમે દરેકના મોઢે તાળા વસી દીધા હતા. એક માત્ર ધરા એવો અપવાદ હતી, જે કિસ્સામાં હવે અંબરને એનાથી વિશેષ કઈ જ નહોતું જોઈતું. એ હદથી વધારે ધરાનું ધ્યાન રાખતો. નોકરી અર્થે બહારગામ રેહવાનું થતું, પણ જેવા શની-રવિ કે કોઈ એકલ-દોકલ રજાઓ આવે કે તરત એની ધરા પાસે દોડી આવતો.

‘અંબર છોડો મને… ખરા છો તમે. હજી હાલ જ આવ્યા સો, ને બસ… બીજું કઈ સુજતું જ નથી તમને તો…’ અંબર જ્યારે પણ ઘરે આવતો ધરાને પાછળથી પકડી લઇ બાથમાં ભરી લેતો.

‘મને તારા સિવાય કશું જ નથી સુજતું ધરા. મારું ચાલેને તો નોકરી છોડી બસ તને જ જોયા કરું, તારી જ સાથે સમય વિતાવ્યા કરું!’

‘અંબર આટલો પ્રેમ પણ સારો નહી હો…’
‘તારા માટે તો હું મારો જીવ પણ ત્યાગી દેવા તૈયાર છું ગાંડી !’ અંબર એની વાત મઝાકમાં ઉડાવી નાખતો અને એમની પથારી ફરી એક સુખદ ઘડીની સાક્ષી બનતી.

( ક્રમશઃ )


Read Full Novel –
[1] | [2] | [3] | [4] | [5] | [6] | [7]

12 Replies to “ક્ષિતિજ – એક મધ્યબિંદુ ( પ્રકરણ – ૧ )

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.