Gujarati Writers Space

કોંગ્રેસનું એરલિફ્ટ

અંતરાત્મા… 24 કલાક… આ બધાના મૂલ્યોની સામાન્ય વ્યક્તિને શું ખબર પડે ચુનીબાબુ. જ્યારે કોઈ સતાને છોડવાનો હોય છે, ત્યારે તેના અંતરાત્માનો અવાજ અચૂક બોલે છે, નીતિશ કુમાર બોલ્યા, શંકરસિંહ પણ બોલ્યા. જોગ-સંજોગ આ બંન્ને વિરોધ પક્ષના હતા. શું વિરોધ પક્ષમાં જ અંતરાત્માનો અવાજ બોલે છે ? જો આવુ હોય તો લોકો બાબા રામદેવની શિબીર કરતા વિરોધ પક્ષમાં વધારે જોઈન થાય.

તો વાત હતી 24 કલાકની. બાપુએ કહેલું, મને તો ચોવીસ કલાક પહેલા જ કોંગ્રેસમાંથી હાંકી કઢાયો છે. અને ગઈ 24 કલાક કોંગ્રેસ માટે સંઘર્ષપૂર્ણ રહી. આટલો સંઘર્ષ તો મોદી સામે ચૂંટણી જીતવા સમયે પણ નહતો કરવો પડ્યો. આટલો સંઘર્ષ રાહુલ ગાંધીને રાજનીતિ શીખવામાં નહતો કરવો પડ્યો. આટલો સંઘર્ષ તો મનમોહનસિંહને ચૂપ રહેવામાં પણ નહતો કરવો પડ્યો, જેટલો કોંગ્રેસે ગઈકાલે કર્યો.

વાત જાણે એમ બની કે, અચાનક રાહુલ ગાંધીને ફોન આવ્યો. અમિત શાહ આપણી રાજનીતિમાં ગાબડા પાડવા માગે છે. રાહુલ ગાંધીને રાજનીતિના અર્થો સમજતા વાર લાગે એટલે સામેના વ્યક્તિને તેણે જવાબ આપ્યો, ‘શું અમિત શાહના કારણે અમદાવાદમાં ભૂવો પડી ગયો ?’

સામેનો વ્યક્તિ ગીન્નાયો, ‘અરે, ના રાહુલબાબા, અમિત શાહ આપણા લોકોને ખેંચી રહ્યા છે.’
‘શેના વડે દોરડા વડે કે પછી હાથેથી ?’
‘અરે, બાબા આપણી પાર્ટીના લોકો હવે ભાજપમાં જોઈન થાય છે.’
‘હા, તો એમ સીધુ બોલોને..’ એટલું કહેતા રાહુલ બાબા સટ્ટાક કરતા ઉભા થયા, ‘શું પાર્ટી પર પ્રત્યાઘાત…?’

‘હા, બાબા અત્યાર સુધીમાં છ લોકો જઈ ચુક્યા છે, અને આ દોર આમ જ જારી રહેશે, તો અહેમદ ભાઈ પટેલનું જીતવું મુશ્કેલ છે.’

રાહુલે ફોન મુક્યો. ત્યાં સુધીમાં તેમના માથા પર પરસેવો વળી ગયો હતો. વિચારતા હતા આમ પણ પાર્ટીમાં કોઈ નથી. અને આ બધા ચાલ્યા જશે તો રહેશે શું ? દિગ્વિજય અંકલ હવે આ ઉંમરે ફટાકડા ફોડે છે, અને બીજા નેતાઓ હવે પોતાની આત્મકથા લખવામાંથી નવરા નથી. ઉપરથી જે પાર્ટીમાં વર્ષો સુધી રહ્યા, તે જ પાર્ટી પર ચાબખા મારે છે. રાહુલ બાબાને ચિંતા એ હતી કે આમજ ચાલતું રહ્યું, તો 45 ધારાસભ્યો ભાજપમાં ચાલ્યા જશે, પછી હું શું વિરોધ પક્ષ ચલાવું ? કદાવર નેતા કહી શકાય તેવા અહેમદ ભાઈ એક જ છે, અને આ 45 ચાલ્યા જશે, તો રાજ્યસભા ભાજપ સભા બનીને રહેશે.

રાહુલગાંધી ઉભા થયા. તેમણે પોતાના સફેદ વસ્ત્રો ઉતારી કોટ પહેર્યો. માથે હેટ પહેરી જેથી ગુજરાતની સડકો પર તેમને કોઈ ઓળખી ન શકે. ફોન લગાવ્યો, ‘અરે બેંગ્લોરવાળુ કોઈ એરોપ્લેન નવરૂ છે ?’

‘ના, સર અમદાવાદથી બેંગ્લોર જવાવાળી બધી ફ્લાઈટો રદ્દ છે…?’
‘રદ્દ છે…? કઈ રીતે…?’
‘સર, ભારે વરસાદના પગલે.’ રાહુલ બાબાએ કપાળ પર હાથ પછાડ્યો. આ સાલ્લુ મારૂ નસીબ એક દાડો પણ નહીં ચાલતું. પછી સીધો ફોન બેંગ્લોર લગાવ્યો. ફોન ઉપાડતા વાર લાગી. જેવો ફોન ઉપડ્યો રાહુલ બાબાએ એક એરોપ્લેન બુક કરાવી લીધું. અને તેનું સીધુ લેન્ડીંગ રાતના કરાવવામાં આવે તેવો ઠરાવ પસાર કરવામાં આવ્યો. રાહુલ બાબા વિચારવા લાગ્યા, જીવનમાં પહેલી વાર કોઈ ઠરાવ પસાર થયો છે.

અમદાવાદમાં પોતાના સેક્રેટરીને ફોન કર્યો, ‘હેલ્લો, જો રાતના પ્લેન ઉપાડવાનો મેં ઈન્તેજામ કરી દીધો છે. તુ બસ એટલું ધ્યાન રાખજે બપોરે બધાને અજ્ઞાતવાસમાં ખસેડી દેજે. અને હા સૌરાષ્ટ્રના નેતાઓ હોય તો કંઈ વાધો નથી, એ લોકો બપોરે સૂતા રહેશે.’ રાહુલ બાબાએ ફોન મુક્યો. ઉંડો શ્વાસ લીધો અને પછી મનમાં બબડ્યા, ‘બસ, બસ. હવે આજની રાત નીકળી જાય, જો આજની રાત નહીં નીકળે તો કોંગ્રેસનો ગુજરાતમાંથી અસ્ત પાક્કો છે, પણ હું એ કોઈ કાળે નહીં થવા દઉં ગોરાંદે…’ રાહુલગાંધી હવે પાકકા ગુજરાતી બની ગયા હતા.

ત્યાં તેમની નજર ટીવી પર ગઈ. ગુજરાતની ચેનલોમાં કોણે કોણે રાજીનામા આપ્યા તે ચાલતા હતા. બાજુમાં એક લબરમુછીયો આવીને બોલ્યો, ‘કોંગ્રેસે બલવંતસિંહને કેટલું બળ આપેલું, તેજસ્વીની બેનને કેટલું તેજ આપેલું, પણ આ “બળને-ઉજાસ” કરવા તો તેઓ ભાજપમાં જ ગયા.’

રાહુલબાબાએ ટોપીથી મોં છુપાવી લીધુ. જીવનમાં પહેલીવાર કોઈ રાજીનામુ ‘ના’ આપે માટે પ્લેનનો મેળ કરવો પડ્યો હતો. રાજીનામાનો અર્થ શું ? અમે રાજી ન કરી શક્યા બસ, એમને કેમ સમજાવું કે, બધા ત્યાં ચાલ્યા જશો તો અહીં નવી ભરતી કરવી પડશે અને તેમને ટિકિટ પણ આરામથી મળી જશે.

રાહુલબાબા મનમાં ગણગણતા હતા એટલામાં રાહુલના ‘રેલ્વે-ચારા’ ગૃપમાંથી એક મેસેજ આવ્યો. આ મેસેજમાં લાલુ પ્રસાદ અને સમગ્ર પરિવાર હતો. મેસેજમાં લખ્યું હતું, ‘આમ જ ચાલુ રહેશે તો દેશમાં ભાજપ અને જીઓ બે જ રહશે.’ રાહુલબાબા ગુસ્સામાં ગૃપમાંથી લેફ્ટ થઈ ગયા.

સાંજના પાંચેક વાગ્યે બાબા એરપોર્ટ પર પહોંચ્યા. એરોપ્લેનમાં થોડીવાર આરામ ફરમાવ્યો. ત્યા સાંજના સાતેક વાગી ગયા હતા. હળવે પગલે જ્યારે શેરલોક હોમ્સ હોય તેમ રાહુલબાબા બહાર નીકળ્યા. નવલકથામાં જેમ પરાક્રમી નાયકનું વર્ણન આવે તેવી તેમની ભાવ ભંગીમાઓ હતી. અણીદાર નાક, મોટી આંખો. 56ની છાતી હોવાનો ભ્રમ પેદા કરતી ચેસ્ટ. અને તેમના વસ્ત્રો પરથી તે બિલ્કુલ કુંવારા યુવક લાગતા હતા !! 45 બાબુઓની પાસે જ્યારે બાબા પહોંચ્યા ત્યારે સામેના નેતાઓ ઓળખી ન શક્યા. કારણ કે રાહુલબાબાને તો હરહંમેશ સફેદ વસ્ત્રોમાં જોવાની લોકોની આદત રહી છે. જ્યારે માથા પરથી ટોપી હટાવી ત્યારે બધા એકસાથે બોલી ઉઠ્યા, ‘બાબા…’

રાહુલે તેમને પહેલા ભાજપમાં જોડાઈને પ્રગતિ કેમ કરી રહ્યા છોનું કારણ પૂછ્યું. પછી તેમને પ્લેન તૈયાર છે, તેમ જણાવ્યું. બાબાનું માની કોંગ્રેસના નેતાઓ ચાલવા લાગ્યા. રાહુલગાંધી કોઈ અડધે રસ્તેથી ભાગી ન જાય એટલે પાછળ ઉભા હતા. બધાને બસમાં બેસાડ્યા. જ્યાં જુઓ ત્યાં ભાજપ ભાજપ. રાહુલ બાબાને અનાયાસે થયું ગુજરાત છે કે, ભાજપ !

અત્યારે તો રાહુલ બાબાને એરલિફ્ટનો સીન યાદ આવતો હતો. એરોપ્લેન મૂળ જગ્યાએ આવી ગયું બધાને પ્લેનમાં બેસાડ્યા. ત્યાં સુધીમાં મીડિયાએ તેમને પૂરા કવર કરી લીધા હતા, પણ રાહુલ બાબાની વેશભૂષા જોતા કોઈ તેમને ઓળખી ન શક્યું. સૌથી પહેલા રાહુલ બાબા અને પછી કોંગ્રેસના નેતાઓ અંદર ગયા. પ્લેન ટેક ઓફ થયું.

એક નેતા પૂછી બેઠા, ‘બાબા વરસાદના કારણે ફ્લાઈટ રદ છે, તો આ પુષ્પક વિમાન ક્યાંથી મંગાવ્યું.’

‘અરે, યાર બેંગ્લોરમાં વિજય માલ્યા આ ભૂલી ગયો હતો, એટલે તમારા માટે ભાડે મંગાવ્યું છે.’

બેંગ્લોર વિમાન પહોંચી ગયું. ગુજરાત કી હવા મેં ભાજપ હૈ સાહિબ આવો ડાઈલોગ આ આખી મુસાફરીમાં રાહુલગાંધીના દિમાગમાં ઘુમી રહ્યો હતો.

પરંતુ જેવા એરપોર્ટ પર ઉતર્યા કે ટીવીમાં રાહુલબાબાએ જોયું અને તેમનું મોં પડી ગયું. સામે લખેલું આવતું હતું, ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કા બેંગ્લોર દોરા…’

(કાલ્પનિકકથા – ખુલ્લમ ખુલ્લા )

મયુર ચૌહાણ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.