કોઈની રોજી અને રોટી ગઝલ,
કોઈની કિર્તી તથા ‘બોલી’ ગઝલ.
મેં જરા શું પોષ્ટ મૂકી વૉલ પર,
ગુરૂ, લઘુમાં કોઈએ જોખી ગઝલ.
મારૂં ઘર આજે મહેકતું થઇ ગયું,
અપ્સરા જેવી જરા મ્હોરી ગઝલ.
સાવ નાનો છું, રચી નાની ગઝલ,
એ થયા મોટા રચી મોટી ગઝલ.
બંધ, સરઘસ, રેલી, દેખાવો રૂપે,
કોઇની થઈ, ઈદ ને હોળી ગઝલ.
આજ ‘સિદ્દીક’ દેશમાં સૌથી વધુ,
લોક દિલથી ગાય છે મોદી ગઝલ.
~ સિદ્દીક ભરૂચી