Gujarati

રાજેન્દ્ર પટેલની લિફ્ટ : એકવાર તો લિફ્ટમાં સાક્ષાત્ કૃષ્ણ ભગવાન દેખાયા 

ગુજરાતી સાહિત્ય પરિષદ દર વર્ષે લખાયેલી શ્રેષ્ઠ વાર્તાઓનું કોઇ એક સારા લેખક કે સાહિત્યના અભ્યાસુ પાસે સંપાદન કરાવે છે. જેમાં ગુજરાતીની જે-તે વર્ષની સારી લખાયેલી વાર્તાઓ સંગ્રહિત થાય છે. 2001માં આ સંપાદન શિરીષ પંચાલના નેજા હેઠળ થયું. અગાઉનું નવલિકાચયન જોવામાં આવે તો ચૌદ કે પંદર નવલિકાઓની હાજરી વર્તાતી હતી, પણ 2001માં માત્ર દસ હતી. ખબર નથી શા માટે ? એટલા માટે કે એ વર્ષે સારી નવલિકાઓ નહીં લખાઇ હોય કે એટલા માટે કે શિરિષ પંચાલ જ્યારે સંપાદન કરે ત્યારે શરીરની વધી ગયેલી ચરબીને જેમ દૂર કરવા માટે જીમમાં જવું પડે તેવી માનસિક કસરત કરી હટાવી નાખે. જે હોય તે. પણ આ વાર્તાસંગ્રહની છેલ્લી વાર્તા છે લીફ્ટ. જેના સર્જક રાજેન્દ્ર પટેલ છે.

આ વાર્તાના પહેલા બે વાક્ય છે, ‘‘બે દિવસથી લિફ્ટ બંધ હતી, બધું જ થંભી ગયેલું.’’ લેખકે પહેલી બે લીટીમાં જ માનવીની આધુનિક વિચારસણી પર કટાક્ષ કર્યો છે. અત્યારે લિફ્ટ વિના કશું સંભવી શકતું નથી. લિફ્ટ એ આપણા માટે સજીવ વસ્તુ સમાન બની ગઇ છે. દસમાં માળેથી પગથિયા ઉતરી નીચે આવવું અને પછી ત્રણ બસ બદલી અથવા તો ભરચક ટ્રાફિક ચીરી ગંતવ્ય સ્થાન સુધી પહોંચવું કેટલું આકરૂ પડી જાય છે. ત્યારે નાયક માટે બે દિવસ તો તેના આયખા બરાબર હશે.

વાર્તામાં લેખક ગામમાંથી શહેરમાં આવ્યા છે. એટલે તેમની ઇચ્છા એવું મકાન ખરીદવાની હોય છે જેમાં મોકળાશ હોય, આ મોકળાશમાં નાયકને તેના મિત્ર એક એવું બિલ્ડીંગ બતાવે છે જેની સામે મોટું ખુલ્લું મેદાન છે. આંખ સામે મેદાન હોય એ તો દરેક વ્યક્તિને ગમે, પણ આ વ્યક્તિને તો ઓબ્ઝર્વેશન ભાવે છે.

શહેરમાં તો મેદાન હોવું તે જ મોટી વાત છે. ઉપરાંત લેખકે જે રીતે નાયકને ચિતર્યો છે, તેમાં થોડો કવિત્વનો પણ અંશ આવી જાય છે. તેને ખુલ્લા મેદાનવાળી જમીન સામે હોય તો જ મઝા આવે છે. આજુબાજુની બિલ્ડીંગો એ બિલ્ડીંગથી ખાસ્સી ઉંચી છે. પણ ઉતાવળમાં ને ઉતાવળમાં નાયક એ ભૂલી જાય છે કે લિફ્ટનું શું છે ? મકાન ખરીદતા સમયે જેમ અગત્યની વસ્તુઓનો આપણાથી અનાયાસે છેદ ઉડી જાય તે રીતે.

લેખકે નાયકનો સ્વભાવ ચીડીયો બતાવ્યો છે. મનોવૈજ્ઞાનિક રીતે અત્યારે થોડુ લેટ થાય તો પણ સ્વભાવ ચીડીયો બનવા લાગે છે. નકારાત્મક ભાવ જાગવા લાગે છે ત્યારે આ તો લિફ્ટ છે. તેનો તો જન્મ જ ગાળો ખાવા માટે થયો છે. આવા સમયે નાયકની શું સ્થિતિ હતી તેના પર લેખકે લખેલો એક ફકરો જોઇએ. ‘‘અમે ત્યાં રહેવા આવ્યા કે તરત જ મારું ધ્યાન સૌ પ્રથમ આ લિફ્ટ પર ગયું. ઓફિસ જવા નિકળતો ત્યારે લિફ્ટનું બટન દબાવ્યા પછી બે ત્રણ મિનિટ વહી જતી ત્યારે, હું અધીરો થઈ જતો, રઘવાયો રઘવાયો પૉર્ચમાં આંટા મારતો ને ક્યારેક જંગલી પશુની જેમ બંધ જાળીને હચમચાવી નાખતો. ત્યારે અધીરાઈમાં પસાર કરેલી બે ત્રણ મિનિટ મને દશ, પંદર મિનિટ જેવી લાંબી લાગતી. પણ જેવો લિફ્ટમાં પ્રવેશતો અને લિફ્ટ ચાલુ થતી કે હું આંખ પળ માટે મીંચી લેતો’’ (ગુજરાતી નવલિકાચયન 2001- પેજ 81)

ઉપર લેખકે નાયકને જંગલી પશુની જેમ જાળી હલાવતો બતાવ્યો છે. જેમ જાનવર કેદમાંથી આઝાદ થવા માંગતો હોય. અહીં પ્રતીક તરીકે જાનવર એ મનુષ્ય છે અને લિફ્ટ એ પાંજરું છે. બંનેનું અંતિમકાર્ય તો એક જ છે, આઝાદ થવું.

ઘટનામાં આથી વધુ શું થઇ શકે ? દરેક લિફ્ટમાં જે દ્રશ્ય ભજવાય છે તેમ આ લિફ્ટમાં પણ એક દ્રશ્ય એ આકાર લીધો. લિફ્ટ હવે ચાલુ થઇ છે એટલે આપણા નાયકના માથેથી માથાનો દુખાવો દૂર થયો છે. તે લિફ્ટમાં પ્રવેશે છે સાથે એક છોકરી પણ પ્રવેશ કરે છે. પછી આંગળીઓનો લિફ્ટની સ્વિચને દબાવતા આછેરો સ્પર્શ થઇ જાય છે. હવે ઘટના ફિક્શન તરફ ગતિ કરી રહી છે. નાયકની ઇચ્છા છે કે, હવે લિફ્ટ બંધ ન રહે તો સારું. ઉપર જ ચડ્યે જાય.

આવી સુંદર છોકરી હોય અને તેની સાથે રહેવા મળે તો કેવું સારું ? એ ઘરમાં તો ન રહી શકે પણ લિફ્ટમાં તો રહી શકે ને !! જ્યાં તેની પણ ‘‘ના’’ નથી હોવાની, તો બસ પ્રોટોગોનિસ્ટ હવે એ જ રીતે પ્રેમમાં પાગલ થયા છે. આ રીતે વાર્તામાં રોમેન્સના કંકુ પગલા થાય છે.

રાજેન્દ્ર પટેલે એક જગ્યાએ લિફ્ટમેનો પર સરસ કટાક્ષ કર્યો છે, ‘‘આમ તો હતો તે લિફ્ટમેન પણ રહેતો હતો તે લિફ્ટ બહાર…’’ લિફ્ટમેનનું કામ પ્રશંસા કરવાનું છે. તે નાયકના પગ કેવા શુકનવંતા છે અને આખી લિફ્ટ એક ઝાટકે ભરાય જાય છે તેવી શેખી મારે છે. પણ વાર્તા વાંચતા લિફ્ટમેનનું મૂળ કામ શું છે તે યાદ કરવાનું. એ લોકોના ટાંપાટૈયા અને ધક્કામાં રહેતો. થઇ શકે કે લિફ્ટમેનને લોકો કામ સોંપતા હોય અને બદલામાં તે રૂપિયા લેતો હોય, પણ વાર્તાનો નાયક તેની પાસે કોઇ કામ ન કરાવતો હોય એટલે તે તેના સ્વાર્થ ખાતર વખાણ કરતો હોય.

ક્યાંક નાયકમાં લેખક બનવાના અભરખા ખૂબ હોય તેમ લાગે. ‘‘કર્નલ હોય ત્યારે વાતાવરણ ભારેભરખમ લાગતું. ઝઘડાળુ આન્ટી હોય ત્યારે લિફ્ટ હંમેશા તંગ રહેતી. પેલા સિંધી સજ્જન હોય ત્યારે લિફ્ટ હંમેશા શાંતિ અને સંવાદિતા લાગતી. સ્પૉર્ટસમેન ભાઇ હોય ત્યારે નવચેતનવંતું વાતાવરણ અનુભવાતું, જાણે દરેક વ્યક્તિનો ભાવ સ્ફૂટ થતો હતો.’’

સાફ છે કે નાયકને કન્યાને જોઇ સાંપોલીયા ઉડે છે તેમ લોકોને જોઇ તેની અંદરનો શેરલોક હોમ્સ જાગી ઉઠે છે. ગ્રાઉન્ડ ફ્લોરથી દસમાં માળ સુધીમાં જેટલા પણ લોકો ચડે ઉતરે તે તેનું ઓબ્ઝર્વેશન કર્યા કરે છે. ત્યારે લિફ્ટનો સ્વભાવ કેવો બદલી જાય છે તે પણ કહે છે. વાસ્તવમાં સ્વભાવ લિફ્ટનો નથી બદલતો સ્વભાવ માણસે માણસે માણસનો બદલે છે. બાકી લિફ્ટ તો નિર્જીવ પ્રતીક તરીકે છે, પણ તેની વર્તુણક વાર્તામાં સજીવ બની ભાગ ભજવી રહી છે.

હવે ઘટના ફેક્ટમાંથી હટી ફિક્શનમાં આકાર લેવા માંડે. લિફ્ટે નાયકના મગજ પર એવો હલ્લો મચાવી મુક્યો છે કે તેને લિફ્ટ સ્વપ્નમાં આવે છે. તેને કૃષ્ણના દિવ્ય દર્શન થાય છે. એ લિફ્ટમાં હિંડોળા પર ઝૂલી રહ્યા છે. એ પછી નાયકને લિફ્ટ કૃષ્ણના ગરૂડ વાહન જેવી પ્રતિત થાય છે. રાજેન્દ્ર પટેલનું ફિક્શન જુઓ, ‘‘એક દિવસ તો સ્વપ્નમાં મને પેલી કન્યા દેખાય. હું ને તે બંને લિફ્ટમાં હતા અને લિફ્ટ ઉપર ને ઉપર ચાલી, ઉપરને ઉપર છેક દશમા માળથીયે ઉપર આકાશમાં. તેથીયે ઉપર વાદળની પેલે પાર અને તેથીયે ઉપર સ્વર્ગલોકને દ્રાર. સ્વર્ગલોકમાં ચોફેર લિફ્ટ જ લિફ્ટ. જુદા જુદા આકારની. રંગરૂપની. પછી ધીરેધીરે લિફ્ટ નીચે ઉતરી છેક તળિયે, ધરતીના પેટાળમાં. લાવાની પણ કશીક અસર થઈ નહીં. અંધકારને ચીરતી તે આગળ ને આગળ ઉતરી ત્યારે મને સ્વર્ગ જેવું બધું આહ્લલાદક લાગેલું. જ્યારે લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર ઉભેલી ત્યારે ટોળેટોળાં અમને જોવા ઉભેલા, ફૂલોથી વધાવવા લાગ્યાં, ચોફેર સુગંધ જ સુગંધ.’’ (ગુજરાતી નવલિકાચયન 2001 પેજ 83)

લેખકે આ ફકરાંમા સિનેમેટિક વર્ણન કર્યું છે. જેમ સિનેમામાં કોઇ પ્રેમી તેની પ્રેયસી માટે સ્વપ્નમાં એક દુનિયા ઉભી કરે તેવું. અને અંતે શું થાય છે ? લોકો લિફ્ટમાં ઘુસવા માંડે છે એટલે કે હવે નાયક અને તેની નાયિકા વચ્ચે એકાંત નથી રહ્યું. કારણ કે લિફ્ટના લોકો હવે તેમના પ્રેમની વચ્ચે આવી રહ્યા છે. પ્રત્યક્ષ રીતે નહીં પણ પરોક્ષ રીતે. કલ્પનામાં.

હવે ઘટના સુખદમાંથી દુખદમાં આકાર લે જ્યારે ચોમાસામાં નાયિકાનું લિફ્ટમાં ફસાય જવાથી મૃત્યું થાય. એ ફકરામાં લેખકે નાયકની જીભે જ્યારે જીવતર લૂંટાઇ ગયું હોય એમ એકસામટા શબ્દો મુકી દીધા છે.

વાર્તાના અંતે તો નાયક એક નવા ફ્લેટની શોધમાં નીકળી પડે છે. એવો ફ્લેટ જે દસ માળથી પણ ઉપર હોય. ઉંચામાં ઉંચો. આવું કેમ ? શું નાયકને એવો ભાસ થઇ ગયો છે કે લિફ્ટ સ્વર્ગમાં લઇ જશે કે પછી તેને એવું ઘર જોઇએ છે જ્યાં કોઇ આવી જ કન્યા તેને મળે અને છેલ્લે સુધી તે તેની સાથે લિફ્ટમાં રહે. કે પછી નાયકના મગજમાં જેમ વારેવારે ફિક્શન ઉત્પન્ન થાય છે તેવી રીતે તે વાદળ અને વરસાદ સાથે પોતાની પ્રેયસીનો જીવ હરવા બદલ પ્રતિષોધ લેવા માંગે છે ? અંત ઘણું બધુ છોડી વાંચકને એકલો તરછોડીને ચાલ્યો જાય છે.

અહીં લિફ્ટ એ ભૌતિક વસ્તુ છે. મનુષ્યનું મન કોઇપણ વસ્તુને કોઇ પણ સ્થિતિમાં ઢાળવા માટે સક્ષમ છે. નાયકમાં રહેલી કલ્પનાને અહીં લિફ્ટનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. લિફ્ટ અને નાયક જ્યારે એકમએક છે. એકબીજામાં ઓતપ્રોત થઇ રહ્યા છે. વાર્તામાં વધારે પ્રમાણમાં સંવાદ નથી, માત્ર વર્ણન છે.

વાર્તા એક સીધી લીટીમાં ચાલી જાય છે. લિફ્ટ સાથે દુશ્મની-લિફ્ટ સાથે પ્રેમ-લિફ્ટ સાથે આત્મિયતા-કન્યા સાથે પ્રેમ-વન સાઇડ લવનું મૃત્યું-નવી લિફ્ટ શોધવા માટેની નાયકની જીજીવિષા. વાર્તાને કોઇ ભૂતકાળ નથી કે તેનું ભવિષ્ય નથી. હા, એક સમયે લિફ્ટ યોગ્ય રીતે કાર્ય નહોતી કરતી અને કેવી વિટંબણાઓનો નાયકે સામનો કર્યો તેનું શરૂઆતમાં વર્ણન છે.

નાયકને વન સાઇડ લવ થઇ ગયો છે એટલા માટે તો તેને બધું નથી ગમવા લાગ્યું ને ? કારણ કે પ્રેમમાં તો બધું સારું અને સાચું લાગે છે. વાર્તા જ્યારે પોતાના અંત તરફ પ્રયાણ કરી રહી છે ત્યારે નાયકને પેલો લિફ્ટમેન પણ સારો લાગવા માંડે છે. વાર્તામાં રવિન્દ્ર પટેલે ઠાંસી ઠાંસીને પ્રેમનું એલિમેન્ટ ભર્યું છે. પ્રેમનો અહીં દુખદ અંત છે, પણ ત્યાં સુધી નાયકની જે મુગ્ધાઅવસ્થા છે તે વાંચક માટે અધિરાઇ સિવાય કશું નથી લાવી રહી. એવું લાગે કે નાયક છોકરીને પ્રપોઝ કરશે પણ ત્યાં તો ફિક્શન અને ફિક્શનથી ગાડી ડેડ સ્ટેશને ઉભી રહી જાય છે. જે વાર્તાનું અંતિમ ચરણ છે. નાયકની મનની મનમાં રહી જાય છે અને વાંચકોની પણ.

લિફ્ટ કેટકેટલા પ્રતીકો એકસાથે લઇને ઘૂમ્યા કરે છે. એક એવી જગ્યા જ્યાં પ્રેમ, ગુસ્સો, શાંતિ, નવચેતન જેવી અનેક સ્થિતિ ઘડાયા કરે છે. કૃષ્ણ પણ આવે છે. કૃષ્ણએ ગોવર્ધન પર્વતને ઉઠાવ્યો હતો. અંગ્રેજીમાં તેને લિફ્ટ Lift કહેવાય. અહીં Liftમાં ઇશ્વર પણ કૃષ્ણ જ આવ્યા. નાયકનું સમગ્રત: ઉપર લઇ જવા.

~ મયૂર ખાવડુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.