Gujarati Writers Space

રાઈઝ એન્ડ રાઈઝ ઓફ કિંગખાન…

બોલિવુડમાં સતત 26 વર્ષો સુધી એકધારૂ રાજ કરવું એ અશક્ય છે. પણ જો વાત શાહરૂખ ખાનની હોય તો એ શક્ય છે. શાહરૂખના કિસ્સામાં પણ આવું જ છે. જ્યારે પિતાનું હોસ્પિટલમાં કેન્સરથી મૃત્યુ થયેલું ત્યારે શાહરૂખ ખાને જે કાર ડ્રાઈવર રાખેલો તે લેટ થવાના કારણે ગુસ્સે ભરાઈને ચાલ્યો ગયો. શાહરૂખની માતા અને શાહરૂખ હોસ્પિટલથી બહાર આવ્યા. શાહરૂખના ચહેરા પર ગમગમીની હતી. ત્યાં બહાર જોયું તો ખ્યાલ આવ્યો કે ડ્રાઈવર નથી. માતાને કારમાં બેસાડી અને શાહરૂખ કાર ડ્રાઈવીંગ કરવા માંડ્યો. જ્યારે પોતાના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે માતાએ શાહરૂખને પૂછ્યું, ‘આ કાર ડ્રાઈવ કરવાનું તે ક્યાંથી શિખ્યું ?’ શાહરૂખનો જવાબ હતો, ‘હમણાં અડધી કલાક પહેલા ?’ આ શાહરૂખની મજબૂરી હતી કે, જે પણ માનો.. ‘‘સબક નંબર વન મજબૂરી તમને ગમે તે શીખવી શકે છે.’’

શાહરૂખના પિતા તાજ મહોમ્મદ ખાન સાવ સરળ અને સામાન્ય માણસ હતા. તેમની પાસે એમ.એ અને એલ.એલ.બીની ડિગ્રી હતી. પણ તેમણે કોઈ દિવસ વકિલાત નથી કરી. શાહરૂખનું માનવું છે કે મારા પિતા સમાજસેવામાં વધારે માનતા હતા. લોકોની અચ્છાઈ વિચારતા હતા, પણ તમે જો ભણ્યા હોવ તો તેનો ઉપયોગ કરવો જોઈએ. ભૂતકાળમાંથી શિખ લેવી વર્તમાનની પેઢી માટે હિતાવહ છે.

શાહરૂખનું નાક તમે જોયું છે. તેના પિતા તરફથી તેને નાકની લંબાઈ વારસામાં મળી છે, તો બીજી તરફ શાહરૂખની સ્માઈલ તેની માતા તરફથી તેને ભેટમાં મળી છે. દિલ્હીમાં શાહરૂખ પોતાના મિત્રો સાથે પોલીસ પોલીસ રમતો. આ રમતે જ શાહરૂખમાં અભિનયના બીજનું સ્થાપન કર્યું. ત્યારે કોઈને ખ્યાલ નહોતો કે મહજ દસ વર્ષનો આ છોકરો દુનિયાનો સૌથી મોટો સુપરસ્ટાર બની જશે. એ પછી તો રામલીલામાં કામ કર્યું. જેમાં શાહરૂખ હંમેશા હનુમાનનું પાત્ર ભજવતો.

એકવાર તે બેરી જોન્સ પાસે ગયો. બેરી જોન્સને અભિનયની પાઠશાળા ગણવામાં આવે છે. જેણે પાછળથી મનોજ બાજપાઈને ટ્રેનિંગ આપી હતી. જ્યારે શાહરૂખ બેરી જ્હોન્સ પાસે પહેલીવાર આવ્યો ત્યારે બેરીએ એવું માનેલું કે આ છોકરો નાટકની છોકરીઓ પટાવવા માટે આવ્યો છે. થોડા સમય પછી બેરી જ્હોન્સ પાસે વધુ એક વિદ્યાર્થી આવ્યો. જેના પગમાં ચપ્પલ પણ બરાબર ન હોતા. તેનું નામ મનોજ બાજપાય. બેરીને ખ્યાલ આવી ગયો કે મનોજ અભિનયમાં કાઠુ કાઢશે. પણ મનોજ શાહરૂખ તો કોઈ દિવસ નહીં બની શકે.

કોલેજમાં હતો ત્યારે શાહરૂખને ફુટબોલર બનવાની ખૂબ મહેચ્છા હતી. જે સપનું તેણે પોતાની માતાના કારણે છોડ્યું તેમ પણ માની શકાય. શાહરૂખની માતા હંમેશાથી એવું વિચારતી કે શાહરૂખ દિલીપ કુમાર જેવો સ્ટાર બને. શાહરૂખે એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, ‘એ જમાનામાં દરેકની માતા પોતાનો દિકરો દિલીપ કુમાર બને તેવું જ વિચારતી.’

ફુટબોલરમાંથી એક્ટર બનેલા શાહરૂખે દિલ્હીમાં ઈકોનોમિક્સ વિષય સાથે ડિગ્રી મેળવેલી છે, તો ફિલ્મોના શોખના કારણે માસ કોમ્યુનિકેશન પણ કરેલું છે. શાહરૂખ કહે છે કે, ‘હું છોકરીઓની બાબતે ખૂબ શરમાળ છું. હું શરમાળ છું એટલે જ મારી સ્માઈલ સારી દેખાય છે અને છોકરીઓ મારા પર મરવા માટે તૈયાર હોય છે.’ ત્યારે ગૌરીની ઉંમર 14 વર્ષની હતી અને શાહરૂખની ઉંમર 18 વર્ષની. કોઈવાર કોઈ છોકરીને જોઈ દિલમાં પ્રેમના બ્યૂંગલ ન વાગેલા તે શાહરૂખને ગૌરીને જોઈ થયેલું.

ગૌરીએ તો શાહરૂખની સામે જોયું પણ ન હતું. આખરે શાહરૂખે પોતાના દિલની ઈચ્છા વ્યક્ત કરતા ગૌરીને પૂછ્યું કે, ‘મારી સાથે ડાન્સ કરીશ ?’ અને ગૌરીએ તે કાળા છોકરાને હા કરી નાખી.

ગૌરીના ભાઈને આ વાત કોઈએ કહી દીધી કે, શાહરૂખ તારી બહેન પર લાઈન મારે છે. ગૌરીનો ભાઈ દરેક બહેનના ભાઈની માફક રાખડીના બંધને બંધાયેલો હતો. તેણે એક ફૂટબોલ મેચમાં શાહરૂખને ચુનોતી આપી. શાહરૂખને તો ખ્યાલ જ ન હતો કે, આ મારો સાળો થવાનો છે. લગલગાટ શાહરૂખે 5 ગોલ મારી સાળાશ્રીની આબરૂના ધજાગરા કરી નાખ્યા. આ વાત શાહરૂખે અનુપમા ચોપરા સાથેના ઈન્ટરવ્યૂમાં જોરદાર રીતે વ્યક્ત કરી છે.

ગૌરીને મેળવવા માટે શાહરૂખ તો પોતાની કરિયરને પણ આવજો કરી નાખવાનો હતો. ગૌરીના કારણે શાહરૂખ મુંબઈ ગયેલો. તેને મેળવવા માટે અને ત્યાંજ શાહરૂખે દરિયાની સામે ઉભા રહી કહેલું કે, એક દિવસ હું આ શહેર પર રાજ કરીશ. અને અત્યારે કરે છે.

શાહરૂખ મુંબઈ આવ્યો ત્યારે તેના સ્ટ્રગલના દિવસો ખત્મ થવાનું નામ નહતા લેતા. ફૌજી સિરીયલમાં તેના કામના વખાણ થઈ રહ્યા હતા. મુંબઈમાં તેનું કોઈ ન હતું એટલે મિત્ર અઝીઝ મિર્ઝાના ઘરે તે રહેતો. જ્યારે ગૌરી સાથે લગ્ન કર્યા ત્યાર સુધી તેનું નિવાસસ્થાન અઝીઝ મિર્ઝાનું ઘર જ રહ્યું. સરકસ ફિલ્મની કોસ્ટાર રોહિણીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, ‘શાહરૂખ પોપ્યુલારીટી માટે બન્યા છે. જ્યારે સરકસ સિરીયલનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે શાહરૂખને જોવા માટે 20 હજારની પબ્લિક ભેગી થઈ ગયેલી. હું તો દંગ હતી કે આ કાળા છોકરાને જોવા માટે લોકો ગુજરાતથી આવતા હતા.’

અને એક રાતે હેમા માલિનીનો શાહરૂખ પર ફોન આવ્યો. શાહરૂખ માટે ત્યારે દિલ આશના ફિલ્મમાં રોલ મેળવવા કરતા હેમા માલિનીનો ફોન આવવો તે વધારે મહત્વનું હતું. શાહરૂખ કહે છે કે, ‘હેમાજીનો ફોન આવ્યો ત્યાર પછી મેં પાંચ ફિલ્મો કરી, પણ મને કોઈ દિવસ ફિલ્મો કરવામાં રસ જ ન હતો. આ તો કામ હાથમાં આવ્યું અને હું લાગી પડ્યો.’ પણ શાહરૂખની પહેલી ફિલ્મ તરીકે દિવાના રિલીઝ થઈ. એ સમયે શાહરૂખ એકસાથે પાંચ ફિલ્મો કરતો હતો. દિલ આશના, દિવાના, રાજુ બન ગયા જન્ટલમેન, રામજાને અને બાજીગર….

તેની કોસ્ટાર જુહી ચાવલાએ કહ્યું છે કે, ‘શાહરૂખ દિવસ અને રાત કામ કરતા હતા. સવારે ઉઠે પછી દિલ આશનામાં ત્યાંથી દિવાના ત્યાંથી રામજાનેમાં મારી સાથે વચ્ચે બે કલાકની ઉંઘ લઈ રાતે કામ કરવા લાગતા. નહાતા પણ ન હોતા, એક ડિયો તેમની પાસે હોય તેને શરીરમાં છાંટી વાળ પર પાણી નાખી નીકળી પડતા.’ જ્યારે જુહીને કહેવામાં આવેલું કે તમારો કોસ્ટાર આમિર ખાન જેવો જ છે, તો જુહીના મનમાં પ્રથમ છાપ એ પડેલી કે ચોકલેટી હશે પણ જુહી જ્યારે રામજાનેના સેટ પર શાહરૂખને મળી તો શાહરૂખ વાંદરા જેવા વાળ, કાળો કલર… આવો તે કંઈ સ્ટાર હોય જુહીને પહેલા જ લાગ્યું. તેણે ડિરેક્ટરને કહ્યું, ‘આ હિરો છે ?’

‘હા….’ પણ શાહરૂખ સાથે કામ કરી જુહીને તેમની પ્રતિભાની ઓળખ થઈ ગઈ.

શરૂઆતની ફ્લોપ ફિલ્મો અને સલમાન આમિરના બુલંદ સિતારાના કારણે શાહરૂખ પાછળ રહી ગયા. પણ તે કોઈ દિવસ એ રેસમાં હતા જ નહીં. બાજીગર ફિલ્મ વિશે અબ્બાસ મસ્તાનને જ્યારે હું અક્ષય શ્રોફ અને વિવેક પટેલ મળ્યા ત્યારે તેમણે કહેલું, ‘શાહરૂખ નીચે જમીન પર બેસી ગયેલો અમને ખ્યાલ હતો કે અમારૂ સ્ક્રિપ્ટ રીડિંગ સારૂ નથી તો પણ તે સાંભળતો રહ્યો. બે કલાક પછી શાહરૂખે કહ્યું કે, ઓકે હું ફિલ્મ કરૂ છું. અમે તેને ત્યારે જ કહ્યું કે અનિલ કપૂરે અમને ચેતવણી આપી છે કે હું રૂપ કી રાની ચોરો કા રાજા ફિલ્મ કરી રહ્યો છું. જે સુપરહિટ સાબિત થવાની છે. તે બાજીગર જેવી નેગેટીવ ફિલ્મ કોઈ દિવસ નહીં કરે તેવું પણ તેણે કહ્યું હતું. અનિલમાં ઓવરકોન્ફિડન્સ હતો અને એટલે જ બાજીગરને અમે રૂપ કી રાની ચોરો કા રાજા સામે રિલીઝ કરી. અનિલની ફિલ્મ ન ચાલી અને શાહરૂખ સુપરસ્ટાર બની ગયો.’

બાજીગર રિલીઝ થઈ તેની શાહરૂખને ખબર પણ ન હતી. તે તો પોતાના શૂટિંગમાં બીઝી હતો. રાકેશ રોશન ત્યારે કરન અર્જુન ફિલ્મ બનાવી રહ્યા હતા. તેમણે કહ્યું કે, ‘તારી બાજીગર સુપરહિટ થઈ’ તો શાહરૂખે ગળુ હલાવી એટલું જ કહ્યું, ‘એવું છે…’ પણ રાકેશ રોશનને પ્રોબ્લેમ હતી. કરન અર્જુનમાં શાહરૂખ હિરો હતો અને બાજીગરમાં તેની ઈમેજ પ્રતિનાયકની !! ક્યાંક તેની ફિલ્મ ડુબી જશે તો ? પણ શાહરૂખ અને સલમાનના સ્ટારડમે તેને બચાવી લીધી.

બીજા દિવસે સલીમ ખાન મળ્યા અને તેમણે પણ શાહરૂખને કહ્યું, ‘યાર, તુ સુપરસ્ટાર બની ગયો છો, તને ખ્યાલ પણ છે.’ અને એ જ સમયે શાહરૂખની માતાનું ઈન્તેકાલ થયેલું. શાહરૂખને આ વાતનો આજે પણ રંજ છે કે તેની માતા તેને સુપરસ્ટાર બનતા ન જોઈ શકી. એ પછી યશ ચોપરાની ડરે બાજીગરના ઈતિહાસને દોહરાવ્યો.

એકવાર શાહરૂખ અને યશ ચોપરા બેઠા હતા. યશજીએ શાહરૂખને કહ્યું, ‘તુ છોકરીઓની રિસ્પેક્ટ કરે છે, તારી સ્માઈલ અને શરમાળવૃતિમાં મેં આ વસ્તુ જોઈ છે. તુ એક કામ કર રોમેન્ટિક રોલ કર, મારા દિકરાએ એક સ્ક્રિપ્ટ લખી છે.’ શાહરૂખે ત્યારે હસતા હસતા કહી દીધું,‘મારી ઈમેજ એક્શન હિરોની છે, પ્રતિનાયકની છે, તમે સૈફ અલી ખાનને કહો.’ પણ શાહરૂખ યશજી અને તેમાં પણ આદિત્ય ચોપરાને ના ન કહી શકે અને પછી આવી દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે. જે ભારતીય ઈતિહાસની શોલે પછીની સૌથી મોટી સુપરહિટ બ્લોકબસ્ટર ફિલ્મ બની.

એ પછી તો જે છે તે ઈતિહાસ છે. બાદશાહ, કિંગ ઓફ રોમેન્સ, આવા પાંચ હુલામણા નામથી શાહરૂખને તેના ફેન્સ બોલાવે છે. શાહરૂખ પોતાના ફેન્સને ખૂબ પ્રેમ કરે છે. રઈસની ટ્રેલર લોંચમાં તેણે અમદાવાદના પોતાના એક ફેનને કહેલું, ‘તમારા હાથમાં મારા નામનું ટેટ્ટુ છે, હું કોઈ દિવસ એવું કામ નહીં કરૂ કે તમારે એ ભૂંસવું પડે.’ શાહરૂખ હિન્દુ અને મુસ્લિમ બંન્ને ધર્મમાં માને છે. અને એટલે જ તેના છોકરાનું નામ તેણે અબ-રામ પાડ્યું છે. જો કે તેના માતા પિતાએ શાહરૂખનું નામ તેના ચહેરાની તેજસ્વીતા અને ચમક જોઈ શાહરૂખ રાખેલું. કેટલાક નામ ચહેરા પરથી જ પડી જતા હોય છે. હેપ્પી બર્થ ડે એન્ડ લવ યુ શાહરૂખ…

ફેન રાઈટીંગ બાય મયૂર…..

~ મયુર ખાવડુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.