Gujarati Writers Space

જયંત ખત્રી… તેજ ગતિ ઘ્વનિ અને વાર્તા રે વાર્તા…

જયંત ખત્રીના જન્મદિવસ પર 24-9-1909

ગુજરાતી સાહિત્યમાં ખુબ ઓછી વાર્તાઓ વાંચી છે. જ્યારે વાર્તા સંગ્રહની વાત આવે ત્યારે પણ ક્રમશ : અને જયંત ખત્રી સિવાય ક્યા તે યાદ કરવા પડે. ગુજરાત સમાચારમાં જય મહેતાનો આર્ટીકલ વાંચ્યો ત્યારે તેમના વિશે થોડી માહિતી મળી. થોડી એટલા માટે કે મારી પાસે તેમની લખેલી વાર્તાઓનું કલેક્શન છે, પણ તેમના જીવનના પ્રસંગો નથી. જ્વલંત છાયાએ તેમના દિકરા કિર્તી ખત્રી પર સ્ટોરી તૈયાર કરેલી ત્યારે તેમાંથી નજીવુ મળ્યુ હતું. અને તેનાથી પણ ઓછુ મારી પાસે હતું. અત્યારે આ લખાય છે, ત્યારે મિત્ર રામ મોરીના પુસ્તકોના ભંડારમાંથી એક બુક હાથમાં આવી ગઈ. અને તેનું નામ જયંત ખત્રીની ગધસૃષ્ટિ જેનું સંપાદન શરીફા વીજળીવાળાએ કર્યુ છે. રામના ટેબલ પાસે આવા ઘણા પુસ્તકો છે, પણ સમયે જે કામ આવે તે મારા કામનું. અને તેમાંથી થોડી માહિતી મળી ગઈ. એટલે આપણી માહિતી સાથે મિક્સઅપ કરી નાખી.

જયંત ખત્રીએ પોતાની સાહિત્યક કારકિર્દીમાં અત્યારસુધી ત્રણ વાર્તા સંગ્રહો આપ્યા ફોરા, વહેતા ઝરણા અને ખરા બપોરે, એટલુ જ નહિ, તેમણે એક સોળ પ્રકરણની અધુરી નવલકથા પણ આપી. જેનું નામ ‘ચમારચાલ.’ આ નવલકથા આખી લખાઈ હોત કે પછી નહિ તો પણ જયંત ખત્રી હંમેશા એક વાર્તાકાર તરીકે જ યાદ રહ્યા હોત. વિનેશ અંતાણીએ તેમના વિશે લખ્યુ છે કે, ‘જયંત ખત્રી જો ગુજરાતમાં થયેલા ભુકંપ વખતે જીવતા હોત તો ગુજરાતને કેવી વાર્તાઓ મળી હોત…’ તે કોઈ વિવેચકોએ વિચારવુ રહ્યું. આ સિવાય જયંત ખત્રીએ પોતાના શરૂઆતના સમયગાળામાં કવિતાઓ પણ લખી હતી, પરંતુ જેના નસીબમાં જે હોય તે મળે. ગીતો લખતા બન્યું એવુ કે, એકવાર તેમણે એક ગીત લખ્યું અને ગીતને ચકાસવાની જવાબદારી બ. ક ઠાકોરના ભાગ્યમાં આવી. જ્યારે આ ગીત તેમની પાસે પાછુ ફર્યુ તો તેઓ શોક થઈ ગયા. નીચે તેમના નામ સિવાય કશું ન હતું બચ્યુ. આખુ ગીત બ.ક.ઠાકોરે મઠારી મારેલુ. આ તેમને આઘાત લાગ્યો કે શું હોય, ખબર નહિ કારણ કે તેમણે ત્યારબાદ કવિતાઓ લખલાનું છોડી દીધુ. દરેક નિષ્ફળ વાર્તાકારની શરૂઆત કવિતાથી થાય છે. જેનો હું નમુનો છું (મજાકમાં…)

વાર્તાકાર બાજુમાં રહ્યા પણ ચિત્રો સારા દોરતા જેના કારણે તેમની દોસ્તી મશહુર ચિત્રકાર અમૃતા શેરગીલ સાથે થઈ, પણ ચિત્રકાર કરતા તેમને સંગીતનો વધારે રસ. તેમ છતા મિત્રની વાર્તા મંડળીમાં ગયા. જ્યાં વાર્તાકારોની સભા ભરાતી અને ત્યાં પ્રશ્ન ઉપસ્થિત થયો કે જયંત ભાઈ તો કોઈ વાર્તા નથી લખતા અને તેમનું આ સભામાં શું કામ છે…? આ વાત તેમને હૈયા સોંસરવી નીકળી ગઈ, જેના પરિણામે ગુજરાતી સાહિત્યને પ્રથમ વાર્તા ‘વરસાદની વાદળી’ મળી. આ વાર્તા ત્યારે વિશ્વમાનવ નામના મેગેઝીનમાં છપાઈ. કલાજગત કરતા પણ જયંત ખત્રીને સૌથી વધારે આનંદ ગપ્પા મારવામાં આવતો. તેમના ઘણા ખરા પત્રોમાં આ વાત ઉડીને આંખે વળગે તેવી છે. જેમ કે, ‘આજે તો આખો દિવસ ગપ્પામાં ગયો, દયારામ સાથે ખુબ ગપ્પાભરી વાતો કરી.’ આવા તેમના ઘણા પત્રો છે, જ્યાં કલાજગતની વાતો સિવાય ગપ્પા મારવાની વાતો વધારે આવે. તેમને ગુજરાતી વાર્તાની સભામાં પહોંચાડનાર પણ તેમના મિત્રો જ હતા. જેમની સાથે સંગીત સભા કરતા કરતા ક્યારે વાર્તાકાર બની ગયા તેમને ખબર જ ન પડી.

જયંત ખત્રીના ખાતામાં આમ લખાયેલી વાર્તાઓ ગણવામાં આવે તો 41 થાય. બાકી જે વાર્તાઓ પુરી ન થઈ શકી તેવી નવ વાર્તાઓ છે. એકાંકી અને એક અધુરી નવલકથા. વિવેચકોએ આ નવલકથાને અત્યંત નબળી શૈલીની ગણી. સફળ વાર્તાકાર સારો નવલકથાકાર ન પણ બની શકે, જેમાં જયંત ખત્રીનો સમાવેશ કરી શકાય. જયંતની વાર્તાઓ ખાસ્સી લાંબી હોય છે, મોર્ડન એજના લોકોને કદાચ શબ્દો પણ અઘરા લાગે, પણ તેની શૈલી અત્યંત ગાઠ, રોચક, અભિવ્યકિતની એક નવી શૈલી. હા એ વાત સાચી કે તેમણે મોપાસા, ઓ હેનરી, ટોલ્સટોય જેવા લેખકોને વાચેલા. જેથી આવી તાજગીભરી શૈલી તેમાં જોવા મળે, પણ એ વાત ચોક્કસ કહેવી પડે કે તેમણે આ સાહિત્યકારોને વાચવા પુરતા સિમિત રાખ્યા છે, નહિ કે તેમના શબ્દો અથવા તો શૈલીની કોઈ પ્રકારે કોપી કરી હોય. તેથી જ ધુમકેતુ કરતા તેમની શૈલી ખુબજ ડિફરન્ટ છે. ક્યાંક ધુમકેતુની વાર્તામાં તમને કચાશ જોવા મળે, પણ જયંતની વાર્તાઓમાં બિલકુલ નહિ. હા ક્યાંક વાર્તામાં તેમનો પડછાયો જોઈ શકાય. તો પણ બહુ ઓછી વાર્તાઓમાં. ધાડ, ખીચડી, તેજ ગતિ ધ્વનિ, આનંદનું મોત, હિરો ખુંટ… સાવ અલગ કન્સેપ્ટ, ખબર નહિ કેમ વિચારતા હશે ! તેમની આ પ્રકારની વિચારશૈલીના કારણે જ તેમને શરદ વ્યાસે તેમને એક પત્ર લખી અસ્તિત્વવાદના પ્રણેતા એવા આલ્બેર અને સાર્ત્રના શિષ્ય માની લીધા હતા. જો કે તેમનું આ ટાઈટલ બક્ષીબાબુએ આજીવન પોતાના નામે કરી લીધુ.

અમે બુધ્ધિમાનો જેવી વાર્તા અને બીજી અન્ય વાર્તાઓની શરૂઆત ફ્લેશ બેકથી કરી. આ વાર્તાઓ વાચતી વેળાએ એક પ્રકારની સ્ક્રિપ્ટ વાચતા હોય તેવુ લાગે. ગુજરાતીમાં ત્યારે ફ્લેશબેકમાં જઈ વાર્તા કહેવાનો ટ્રેન્ડ આટલો ફુલ્યો ફાલ્યો નહતો. ત્યારે જયંત ખત્રીએ આવી ફ્લેશબેક વાર્તાઓ આપી.

તેમણે તેમના પુત્ર કિર્તી ખત્રીને એવુ ચોખ્ખુ કહેલુ કે, જો કોઈ ટુંકી વાર્તાના સ્વરૂપ વિશે વાંચવાનું કહે તો વાચતો નહિ, કે તુ લક્ષમાં લેતો નહિ. કારણકે જયંત ખત્રીએ આટલા વર્ષો સુધી જે મનમાં આવ્યુ તે લખ્યુ. કોઈની પણ કોપી ન કરી. તેમનું કહેવુ હતું કે જે કહેવુ હોય તેની મગજમાં ચોટ વાગેલી હોવી જોઈએ. અને લખવાની તીવ્ર ઈચ્છા હોય ત્યારે જ લખવુ. વાર્તાની તેઓ પુર્વયોજના કરતા અને જ્યારે લખવા બેસે ત્યારે વાર્તા આપોઆપ તેમની કલમમાંથી બહાર નીકળતી જતી. ચંદ્રકાંત બક્ષીને જ્યારે તેઓ પત્ર લખતા ત્યારે મોટાભાગે અંગ્રેજીમાં જ હોય. જયંતીલાલ મહેતાએ કહેલુ, કે સુરેશ જોશી એક સ્ટોરી રાઈટર છે, જ્યારે તમે અને બક્ષીબાબુ સ્ટોરી ટેલર છો. તો પણ મારી ફેવરિટ વાર્તા સુરેશ જોશીની થીગડુ જ છે. ખબર નહિ કેમ. બસ હવે આટલુ… કારણકે તેમના કેન્સરગ્રસ્ત જીવન વિશે હું નહિ લખી શકુ. છે ઘણું પણ નહિ… લવ યુ જયંત ખત્રી… અને મિસ યુ…

~ મયુર ખાવડુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.