Gujarati

ખાતા રહે મેરા દિલ : ત્રણ પેજ વાંચ્યા પછી તમને ભૂખ લાગે તો લેખકની સફળતા ગણવી

આ બુક બજારમાં આવી એ પહેલા કહેવાતું હતું કે વધારે પડતું વાંચવાથી લખી શકાય. આ બુક આવ્યા પછી વ્યાખ્યામાં બદલાવ આવી જતા, હવે વધારે પડતું ખાવાથી સારું લખી શકાય ! સારું વાંચવા અને સંશોધન કરવા માટે જેમ પુસ્તકો વાંચવા પડે, તેમ આ પ્રકારનું સારું લખવા માટે સારું સારું ખાવું પડે. લેખક તો મૂળ વિદેશ પ્રવાસના શોખીન અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પ્રવચનો આપી ચૂક્યા હોવાથી તેમણે ભાત ભાતની ને જાત જાતની વાનગીઓ આરોગી છે. લેખકના શબ્દોમાં કહીએ તો, આહ ભરી છે, મમળાવી છે..

બુકના પેજ લસરપટ્ટી જેવા છે. તેમ તેનું લખાણ પણ લરસપટ્ટી જેવું છે. દરેક વ્યક્તિ તે લખાણને સમજી નહીં શકે. સાહિત્યક શબ્દો જેમ દરેક વ્યક્તિ માટે લખવા એ તેના ગજા બહારની વાત છે તે મુજબ જ. વાંચવા બેસો તો સડેડાટ વંચાઇ જાય. જ્યારે ગીલાનો છકડો હોય. પણ આ વાંચતી વખતે તમારું કોન્સન્ટ્રેશન નથી રહેતું. જેમ અન્ય બુક્સ વાંચતા સમયે તમે તલ્લીન થઇ જાઓ તેવું આ પુસ્તકમાં નથી.

અહીં લેખકે શબ્દોનો બાણભટ્ટ સ્ટાઇલમાં લાંબા લચક વાક્યોથી એવો પ્રયોગ કર્યો છે કે વાક્ય પૂર્ણ થઇ ગયું તેનો ખ્યાલ જ નથી રહેતો. બીજુ જય વસાવડાએ લેખનની દુનિયામાં પોતાની એક અલગ શૈલી વિકસાવી છે. તેમાં અંગ્રેજી શબ્દો સાથે તેઓ ફ્યુઝન કરી ગુજરાતી અને એક શબ્દની પાછળ સમાનાર્થી-વિરોધાર્થીનું કોમ્બિનેશન મીઠું મરચુંની જેમ તડક-ભડક વાપરે છે. એટલે જેમ સુંદર છોકરીને બસ નીહાળ્યા કરીએ તેમ જય વસાવડાના શબ્દોને વાંચવામાં એટલા ખોવાઇ જઇએ છીએ કે વાક્યનો અર્થ શું છે તેનો ખ્યાલ નથી રહેતો. ફરી વાંચવુ પડે ત્યારે સમજાય કે હમમમમમ લેખક યે કહે રહે હૈ…! એક રીતે આ શબ્દોનું નાર્સિઝમ છે. તમે જેમ ખૂદના પ્રેમમાં પડી જાઓ તેમ આ વાંચતા વાંચતા થાય કે હવે હું પણ જય જેવા જ શબ્દોનો પ્રયોગ કરીશ !! આ લેખકની સફળતા છે.

લેખકે એક જ લીટીમાં માની લો પાંચ-પાંચ વાનગી અને તેના પ્રદેશના નામ લખ્યા છે. આવું પાછા પુસ્તકના દરેક પાને થતું તમે વાંચી શકશો. કેરી આવે, તો કેરીના પ્રકારો સાથે કેરી ખાવાથી જીભને કેવો અહેસાસ થાય તેની લેખક અનુભૂતિ કરાવ્યા કરે છે. દરેક સ્વાદ લેખકે ચાખ્યા છે એટલે અનુભૂતિની એરણમાંથી તે આપણને પણ પસાર કરે. (ચોપડી ખરીદી છે તો પૈસા વસુલ થવા જોઇએ એ રીતે) લખવામાં લેખકે બસ એટલું જ બાકી રાખ્યું છે કે જીભના આ ભાગમાંથી ‘ચટ્ટ’ બોલશે અને આ ભાગમાંથી ‘પટ્ટ’ બોલશે. બાકીનું બધુ લખી નાખ્યું છે.

મૂળ તો જય વસાવડાએ આપણા સૌના પ્રિય લેખક એવા ચંદ્રકાંત બક્ષી પ્રત્યેનો પ્રેમ ચાર વખત ઉજાગર કર્યો છે. વાંધો નથી, પરંતુ ચંદ્રકાંત બક્ષીએ સ્ત્રીઓ-અથાણા અને કિચનની વાત કરી તેનો લેખકે અહીં બે વખત ઉપયોગ કર્યો છે. આમેય અથાણાના પ્રકરણમાં તેની જરૂર લાગતી હતી, પણ બાદમાં કેરીમાં પણ તે જ વાક્યનો પ્રયોગ કર્યો ? (કેરીનું અથાણું હશે એટલે) સાહિત્યકાર સુરેશ દલાલની એક કવિતાને પુસ્તક સાથે કોઇ લેવા દેવા નથી. લેખકના પોંઇન્ટ ઓફ વ્યૂથી જોઇએ તો કદાચ બરાબર લાગશે, પણ એક વાંચક તરીકે હું જોતો હતો, તો કવિતા બે વાર વાંચ્યા બાદ પણ તેનું અનુસંધાન જોડાયું નહીં. જોકે પુસ્તકમાં સરસ મઝાના ફોટોગ્રાફ્સ છે એટલે ત્યાં કેરીનો એક સરસ ફોટો મુકી શકાયો હોત.

આ સિવાય મરાઠીના ખ્યાતનામ સર્જક પુ.લ.દેશપાંડે અહીં ખાદ્ય જીવન તરીકે આવે છે. ચંદ્રકાંત ટોપીવાળાએ મીઠાઇ પર આઠ રસીલા કાવ્યો લખ્યા તેનો ઉલ્લેખ છે. જર્મન ગ્રેટ ગ્રેટ ગ્રેટ રાઇટર ફ્રાન્ઝ કાફ્કા પણ છે અને તેનું ખાવા કરતા ચગળવું વધારે ગમે તેવું ક્વોટેશન. હાસ્ય લેખક બકુલ ત્રિપાઠી અને સ્વામી આનંદ તો સાહિત્યમાં સૂપના સામાનાર્થી ગણવા રહ્યા.

લેખકે અહીં બીજા પાને જ કહી દીધું છે કે આ ચોપડીમાં જે ફોટોગ્રાફ છે તે સેમસંગ ગેલેક્સી ‘S’ સિરીઝના ફોન દ્વારા પાડેલા છે. જય વસાવડા જ્યારે પણ કંઇ લઇને આવે ત્યારે નવું નવું કરે છે. તેમ આ પણ નવું છે. નવીનમાં લેખકે પોતાનો પરિચય અંગ્રેજીમાં આપ્યો છે. પોતે સોશિયલ મીડિયા પર કઇ કઇ જગ્યાએ ઉપસ્થિત છે તેની પણ માહિતી આપી છે. હવે પ્રમોશનનો યુગ છે એટલે આ બધું કરવું જરૂરી બની ગયું છે.

આમ તો આપણા જીવનની સ્વાદની યાત્રા શરૂ ક્યાંથી થાય તેનું લેખકે બારીકાઇભર્યું બાળપણીયું ઓબ્ઝર્વેશન કર્યું છે. બાળકની સ્વાદની યાત્રા શરૂ થાય ઘી અને પપૂડા રોટલીથી. ખૂદ લેખકની એવી ઇચ્છા છે કે કોઇ ગુજરાતી ભડવીર મેનહટન એવન્યૂમાં આવી પપૂડાશોપ ખોલે.

મોટાભાગની જગ્યાએ લેખકનો ફિલ્મ અને નાટકો પ્રત્યેનો પ્રેમ લખવામાંય ઉજાગર થતો જોવા મળે છે. એક ગુજરાતી સસ્પેન્સ નાટક ‘મોત મલકે મીઠું મીઠું.’ તો સત્યજીત રેની ‘અપુ ટ્રાયોલોજી’ અને લીઝા-રેની ફિલ્મ વોટરને તેમણે ભોજન સાથે કનેક્ટ કરી દીધી છે. આમેય લીઝા-રેને જ્યારે કેન્સર થયેલું ત્યારે સ્પેક્ટ્રોમીટરમાં લેખક તેના પર લેખ લખી ચૂક્યા હતા.

બુક વાંચતા વાંચતા જ્યારે તમારા પગ શિયાળામાં પડે ત્યારે ઠંડીથી શરીર કાપવું જોઇએ એના કરતા લેખકે શરીરમાંથી લખલખુ પસાર કરી દીધું છે. શિયાળામાં ખાવા જેવી વાનગી પર જ્યારે લેખકની કલમ અને જીભ આમ બંન્ને એકસાથે ચાલે ત્યારે શરૂઆતના ફકરાઓમાં કોઇ મર્ડર મિસ્ટ્રી નવલકથા આકાર લઇ રહી હોય તેવા દિવ્ય દર્શન થાય.

જય વસાવડા ખાવા માટે આખુ ગુજરાત ઘુમી ચૂક્યા છે એ જાણી નવાઇ લાગી. તમે પણ એ નવાઇના દોરમાંથી બુક વાંચતા પહેલા જ પસાર થઇ જાઓ, દાહોદની કચોરી ખાવા લેખકે ટાયર ઘસ્યા, કચ્છી ગુલાબી પાક ખાવા લેખકે ટાંટીયા ઘસ્યા, અમદાવાદની પોળમાં અડદની ઇમરતી (મોટો જલેબો) ખાધો… અને આવું તો ઘણું લેખકે ગુજરાતના છેવાડાના પ્રદેશ સુધી જઇ ભરપેટ ખાધુ છે, જેનું વર્ણન વાંચ્યા બાદ તો તમારા કાન સરવા થઇ જશે.

મૂળ તો જય વસાવડા હોય અને મોટિવેશન ન મળે તો માનવું કે જય વસાવડાની બુક નથી. કોઇ બીજાએ લખી છે. બે ચાર જગ્યાએ લેખકે ભોજન સાથે પ્રેરણા પણ પીરસી દીધી છે. પૂરીમાં હવા ક્યાંથી ભરાઇ અને તોય માન્યતાઓનો ‘પવન’ લઇને ‘એર’ ભર્યા કરીએ છીએ, પુરીનો ખરો લ્હાવો જીવનની જેમ રાહ જોવામાં નથી, આપણે અચરજ કેળવીએ અભ્યાસ કરવાની વૃતિ ગુમાવી ચૂક્યા છીએ, અથાણાથી પ્રિયતમ અને સમગ્ર શ્વસુરપક્ષને જીતી લેવાનો તેલમાર્ગ તૈયાર થતો હતો, ગોંડલ ગામના ઉછેરે એક અનુભૂતિ શીખવાડી છે ભીની માટી નહીં કડક ભજીયાની સુગંધ પણ ચોમાસાની સોડમ છે, જિંદગીનું કેરી જેવું છે કાચી ખાવ તો કડક અને ખાટી-ધૈર્યનું તપ કરો તો રસદારને મીઠી…. વાહ વાહ…. એ ભોજન વચ્ચે ભક્તિનું આવું મંજન થઇ જાય તો મઝા પડી જાય. ઉપરથી જય વસાવડાના પાક્કા ફેન હો, તેના તમામ વીડિયોને કેરીની જેમ ચુસી ગયા હો, તો વાંચતા સમયે બેકગ્રાઉન્ડમાં તમને જય વસાવડાનો જ અવાજ સંભળાશે તેની ગેરન્ટી. (મને થયેલું)

એક રીતે પુસ્તકને બે ભાગમાં વિભાજીત કરી શકાય. મોટા આર્ટિકલોને ફિલ્મમાં ઇન્ટરવલ આવે તેમ પહેલા એટલે કે જમવાનો ‘થાળો’ અને પછી નાના આર્ટિકલો એટલે કે ડેઝર્ટ. બુકનો સેકન્ડ હાફ એટલે કે ઈન્ટરવલ પછીનું ડેઝર્ટ ચપોચપ ઉપડી જાય છે. વચ્ચે ઇન્ટરવલના ગાળામાં મોજ કરવા માટે એડવર્ટાઇઝમેન્ટ બની ઉભરેલા જોક્સ. જેમાં કવિતા પણ છે… અરે એક તો પાક્કી છંદબદ્ધ કવિતા મોજ કરાવી જશે.

જોકે ચોપડી વાંચતા વાંચતા જેમ જમવામાં ખીચડી ખાતી વખતે વચ્ચે કાંકરી આવી જાય અને બધી મઝા બગાડે તેમ કેટલીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. પુસ્તક સારું છે એટલે બીજી આવૃતિમાં એ બદલી જાય તેવી આશા રાખીએ.

અને છેલ્લે લેખકે કેટલાક મીમ્સ આપ્યા છે કે આટલું બધુ ખાધા પછી પણ…. ચોપડી ખરીદવી અને ખરીદીને જ વાંચવી… સારી છે.

~ મયૂર ખાવડુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.