Gujarati Writers Space

ધ ખાલ લેજન્ડસ

રણવીર સિંહનો પદ્માવતીમાં લુક બહાર પડ્યો એટલે તેની કમ્પેરીઝન જેસન મોમોઆના ખાલ દ્રોગો લુક સાથે થવા લાગી. નામમાં કેટલાક દ્રોગો કહે છે, કેટલાક દ્રાગો પણ કહે છે…. લાંબાવાળ પડછંદ શરીર. શરીરમાં એક્વામેન ટાઈપ છુંદણા. સૂરમો આંજ્યો હોય તેવી આંખો. સ્ત્રીની માફક લાંબા વાળ અને સ્ત્રીએ પણ કોઈ દિવસ ન ઓળ્યો હોય તેવો ચોટલો. લાંબી દાઢી જેમાં રબર બાંધેલું. પારસી કરેલો ચહેરો. બેલબોટમ સ્ટાઈલનું પેન્ટ. આ ઓળખ છે ખાલની. ખાલની વ્યુત્પતિની પ્રક્રિયા ચંગેઝ ખાનમાંથી થઈ છે. ચંગેઝ ખાન પાસે ઘણા ઘોડા હતા. અને તેની સેના વિશ્વ વિજય થવા માટે ઘોડામાં બેસીને જ પર્યટન કરવા માટે નીકળતી. ખાલની દોથ્રાકી સેનાનું પણ કંઈક આવુ જ છે. ચંગેઝની પણ એક વાઈફ હતી. ગેમ ઓફ થ્રોનમાં જે પ્રમાણે ખાલ પત્ની અને ડ્રેગન ખૂન ડિનેરીયસને બેઈંન્તેહા પ્રેમ કરે છે, તેવો જ પ્રેમ ચંગેઝ પોતાની આ પત્નીને કરતો. ઉપરથી ચંગેઝ ‘ખાન’ની અટક પરથી દ્રોગોની સરનેમ આવી તે ખાલ છે. જ્યોર્જ. આર. આર. માર્ટીનનો આ ખાલ ચંગેઝની જ પેદાઈશ છે તેવું માનવું. આ વિશેની વાત આગળ પણ આવશે. પરંતુ ગેમ ઓફ થ્રોનની પ્રથમ સિઝન કમ્પલિટ કર્યા બાદ આ સિઝનના એકમાત્ર પસંદિદા બાંશિદા ખાલ વિશે લખવાની ઈચ્છા હતી. તો આ રહી એ ઈચ્છા.

માર્ટીનની નવલકથા પ્રમાણે દોથ્રાકી હોવું એટલે માહિર ઘુડસવાર હોવું. ઉંચા ઘાસવાળી ભૂમિમાં રહેતા દોથ્રાકીયન્સ ઘોડાને લઈ કાફી ઈમોશનલ હોય છે. પોતાના ઘોડાને ઘાસવાળી ભૂમિમાં ઘુમાવ્યા કરે જેથી ઘાસ પણ યોગ્ય મળી જાય. જે ખાલ ઘોડા પર બેસી નથી શકતો કે ઘોડાને કાબૂમાં રાખી નથી શકતો તેને લીડર હોવાનો કોઈ અધિકાર નથી. આવું તેમના કલ્ચરમાં છે. પરંતુ ઘોડો તેમને એટલો પ્રિય છે કે ઘોડાને તેઓ ભોજનમાં પણ લે છે, યસ ! ઘોડાનું માંસ તેમને અતિપ્રિય છે. તેમના સંતાનનો જન્મ થાવાનો હોય, તે તમામ પ્રક્રિયામાં પણ ઘોડો મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જેમ કે નવલકથા અને સિરીયલ મુજબ શ્રીમતી ડિનેરીયસ ખાલના સંતાનની માતા બનવાની છે. ખાલે તો મનમાં ગ્રંથી બાંધી લીધી છે કે આપણી આવનારી સંતાન થ્રોન પર બેસશે. હું તેના માટે રાજગદ્દી જીતીશ. અને જ્યારે ડિનેરીયસ પ્રેગનેન્ટ હોય છે, ત્યારે તે લોકોની પરંપરાગત વિધિ પ્રમાણે માતા બનનારી સ્ત્રીએ ઘોડાનું માંસ ખાવાનું હોય છે. ડિનેરીયસે આ લજીજી ફુડ કોઈ દિવસ ટ્રાય નથી કર્યું. પણ માનીલો કે, ખાતી વખતે સમસ્ત દોથ્રાકીયન્સની સમક્ષ ડિનેરીયસને ઉલટી થઈ જાય. માંસ તેના પેટમાંથી બહાર નીકળી જાય તો પેટમાનું બાળક નબળું છે, તેવું પણ તે લોકો માને અને પછી ખાલનો ગુસ્સો તો તમને ખબર જ છે ! પણ અંતિમ ઘડી સુધી ડિનેરીયસ એ ખાય છે, છેલ્લો કટકો મોંમાંથી બહાર નીકળવાનો છે, ત્યાં ખાલની ભમરો ઉંચી થઈ જાય છે, પણ ડિનેરીયસ એ ટુકળાને પણ પચાવી જાય છે. અને ખાલનું સંતાન પોતાના પેટમાં છે, થ્રોનનું માલિક તેના ઉદરમાં છે, તેનો તે નમૂનો આપી દે છે.

હવે દોથ્રાકીયન્સ એવા લીડરને ફોલો કરે છે, જે શક્તિશાળી હોવા ઉપરાંત અત્યારસુધી હાર્યો ન હોય. કોઈ દોથ્રાકિયન્સથી પણ નહીં !! ઉપરથી અગાઉ કહ્યું તેમ ઘોડા પર તેની માસ્ટરી હોય. શક્તિની આગળ તે લોકો નમે છે. પરંતુ પોતાનો એ જ શાસક જો નબળો પૂરવાર થાય તો તેને છોડીને તે લોકો ચાલ્યા જાય છે. ખાલની છાતીમાં તલવારનો ઘા થયા બાદ તે મૃત્યુશૈયા પર હોય છે. ઘોડા પર માંડ સવારી કરી શકતો હોય છે. એટલે તે પોતાના ઘોડા પરથી પડી જાય છે, ત્યાં આગામી ખાલ બનવાના સપનામાં રાચતો દોથ્રાકિયન્સનો એક સેનાપતિ બોલી ઉઠે છે, ‘‘જે ખાલ ઘોડાની સવારી ન કરી શકે, તે ખાલ કોઈ દિવસ સેનાને લીડ પણ ન કરી શકે દ્રોગોની અમને જરૂર નથી.’’

તેમના હથિયાર પણ અજીબો ગરીબ છે. ગેમ ઓફ થ્રોનમાં જેટલા પણ હથિયાર જોયા તે બધા તલવાર અને છરી હતા, પણ દોથ્રાકિયન્સ પાસે બૂમરેંગ જેવી એક તલવાર છે. જેમાં સ્પીડ છે. જે સ્ફુર્તીથી ચલાવી શકાય છે. ઉપરથી તે લોકો કવચ નથી પહેરતા. ગેમ ઓફ થ્રોનમાં તમામ જગ્યાએ તમને કવચ પહેરેલા સૈનિકો જોવા મળશે. જેઈમી નેલીસ બનેલા અભિનેતા નિકોલસનને જ્યારે પૂછવામાં આવે છે કે, ‘‘તારા કવચમાં તો એક પણ ઘાનો નિશાન નથી.’’ ત્યારે તે પોતાની સેન્સ ઓફ હ્યુમરનો જબરો પરચો આપે છે, ‘‘એવો કોઈ યોદ્ધો પેદા જ નથી થયો.’’

કોઈપણ ખાલ કવચ નથી પહેરતો ભલે તે મરી જાય, પણ કવચ પહેરેલા લોકોમાં સ્ફુર્તી નથી હોતી. જેથી તેઓ તલવાર ચલાવવા જાય ત્યાં કોઈ દોથ્રાકી તેમનું ધડ શરીરથી અલગ કરી નાખે છે. પણ આ સિરીઝમાં એક ઓર મસ્તમજાનો ડાઈલોગ છે. પૂછવામાં આવે છે કે શા માટે તમે કવચ નથી પહેરતા, તો જવાબ મળે છે કે, કવચ પહેરવાથી સ્ફુર્તી નથી આવતી. ફરી સામી તીક્ષ્ણ ડાઈલોગબાજી થાય છે, ‘‘જીવવા માટે કવચની જરૂર હોય છે.’’

તો આ ખાલનો પ્રારંભ કેવી રીતે થયો ? ESSOSના ઈતિહાસમાં દોથ્રાકીએ ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવેલો. લોકોને સળગાવવા, લોકોને લૂંટવા બસ આજ દૈનિક ક્રિયા. સમય જતા દોથ્રાકીને ખ્યાલ આવે છે કે પૂર્વમાં રહેતા તેમના પાડોશીઓ નબળા છે, જે લોકો પ્લન્ડર પર્વત પર ગુલામોની સેના સાથે બેઠા છે. ત્યારે ખાલની ઉપાધી ટેમો પાસે હતી. અત્યાર સુધીના ખાલમાં સૌથી હિંસક ટેમો જ હતો. તેણે પોતાના વિરોધી ખાલને, જે આગામી ખાલ બનવા માંગતો હતો તેને માર્યો, તેના કટકા કર્યા અને સળગાવી દીધેલો. આ દોઢ લીટીમાં તેની હિંસકતાનો ખ્યાલ આવી જાય. જેણે વેલેરિયન લોકોને મારવા માટે 10,000 ઘોડેસવારો સાથે કૂચ કરી. અને ત્યાં તેમને કુહોર સીટી મળી ગયું. જેની નજીકમાં જ દોથ્રાકી સી (દરિયો) આવેલો છે. નવો ખાલ પરણે એટલે તેનું હનિમુન ત્યાંજ થાય છે.

પરંતુ કમનસીબે આપણો દ્રોગો ખાલ જે બનવા માંગતો હોય છે, તે મુકામ સુધી પહોંચી નથી શકતો. તેને ESSOS સીટીને ફરી એકવાર પાર કરવું હોય છે, પણ અધવચ્ચે જ તેનો જીવ ખાલીશ્વર પાસે ચાલ્યો જાય છે. એટલે નવા ખાલ સાથે દોથ્રાકીયન્સ પાછા ચાલ્યા જાય છે. અને આ સફરને સિઝનના અંતે ડાયનેરિયસ ત્રણ ડ્રેગન સાથે આગળ ધપાવે છે.

પણ ઈતિહાસ તરફ નજર દોડાવીએ તો મોંગલ અને હુંસ નામની બે સભ્યતા બિલ્કુલ દોથ્રાકિયન્સ જેવી જ હતી. ઈસ્ટ એશિયામાં મોગલોનું કાફી પ્રભૂત્વ રહેલું હતું. યુક્રેન અને રશિયામાં 434 A.Dમાં વસવાટ કરતા આ હુંસના ખાલનું નામ અટીલા ધ હન હતું. એકવાર તેને લાગ્યું કે રોમ નબળું પડી રહ્યું છે, ત્યારે તેણે રોમ પર પોતાના ઘુડસવારોની ફૌજ સાથે આક્રમણ કર્યું. આગળ ઉપર કહેલ તે ટેમોની માફક જ. એટલે ખાલનો એ આખો કન્સેપ્ટ અદ્દલ અટીલા ધ હિલ પરથી ઉપાડવામાં આવ્યો છે. એટલે સોરી હા, પ્રેરણા લીધી છે.

તો આપણો ખાલ દ્રોગો અભિનેતા જેસન મોમોઆ. સેમ ટુ સેમ તેનું જીવન ચંગેઝ ખાનની માફક છે. ચંગેઝ ઘોડેસવારો સાથે આક્રમણ કરતો, તેને વિદેશી નારીઓ સાથે હમબિસ્તર થવાનો શોખ હતો. તે કોઈ દિવસ હાર્યો ન હતો. ઉપરથી ખાલના કેટલાક સૈનિકોને પણ પાક્કા તીરંદાજ બતાવવામાં આવ્યા છે, જે રિયલમાં ચંગેઝ ખાનના કિસ્સામાં પણ હતું. પણ આપણી ફિલ્મોમાં કહેવામાં આવે છે કે અંતમાં બધુ બરાબર થઈ જશે, તે ખાલના કિસ્સામાં નથી થતું. તેને તો તેની આર્મી છોડીને ચાલી જાય છે. ઉપરથી દોથ્રાકિયન્સના નિયમ મુજબ તેઓ કોઈ ખલીસીની આજ્ઞાનું પાલન ન કરી શકે. આ એટલું જ વિરોધી છે, જેટલું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય. એટલે સેના આગળ ચાલી જાય છે, પણ ચંગેઝ ખાન જ્યારે માર્યો ગયો, ત્યારે તેનો તમામ ખજાનો તેના સેનાપતિ અને સૈનિકોએ એક મહેફુસ જગ્યાએ દાંટેલો. અને તેની માથે એટલા ઘોડા દોડાવ્યા કે ખજાનો સાવ દબાઈ ગયો. ક્યાં છે તેની કોઈને ભનક જ ન લાગે. આજે ફિલિપાઈન્સમાં તે ખજાનો હોવાનું માનવામાં આવે છે, અને સંશોધકો એ ખજાનો જો હાથ લાગશે તો અમારો એમ કહે છે, તો ચીનના મતે મોટાભાગનો ખજાનો ચંગેઝે ચીન સામેના યુદ્ધ દરમિયાન લુંટ્યો હોવાથી તે તેમનો અધિકાર માને છે. પણ આ બધી માથાકૂટમાં ન પડતા, ફિક્શનલ કેરેક્ટર ખાલ દ્રોગો માત્ર પહેલી સિઝનમાં દેખાયો હોવા છતા, સૌનું ફેવરિટ કેરેક્ટર બન્યો છે.

~ તો ગેમ ઓફ થ્રોન્સની કહાનીમાં ખાલનું શું કામ છે ? પોતાના 40,000 રેસકોર્સ રાઈડર્સ સાથે ખાલ ઘાસવાળી મરૂભૂમિમાં ભટકતો હોય છે, ત્યાં બીજી તરફ વાયસેરી ટારગેરિયન્સ પોતાની બહેનના સ્તનને હાથમાં પકડી દબાવે છે. જેથી તે યુવાન થઈ ગઈ છે તેનો નમૂનો તેને મળે. એક એવું વસ્ત્ર તેને પહેરવા માટે આપાય છે, જેની આરપાર શરીરના કામુક અંગો દેખાય. કારણ કે બહેનને જોવા માટે ભાવી સાળાશ્રી ખાલ દ્રોગો આવવાના છે. અને ખાલને જો આ સ્ત્રી પસંદ ન આવે તો ત્યાંજ બધાની લાશો પડી જાય. ટારગેરિયન્સ પાસે પોતાનો મક્સત છે, જેમ ગેમ ઓફ થ્રોનના તમામ કેરેક્ટર્સ પાસે છે. ટારગેરિયન્સ ગેમ ઓફ થ્રોન મેળવવા માંગે છે. ઘર વાપસી કરવા માંગે છે. અને એ ગાદી તેને આપી શકે માત્ર અને માત્ર ખાલની હિંસક ફૌજ. જો ખાલની હિંસક ફૌજ જેમાં 40,000 ઘોડેસવારો છે, તે હુમલો કરે તો ગાદી મેળવી શકાય. આ માટે બહેનની આહુતી આપતા તે ખચકાતો નથી. આખરે ખાલ પોતાના પાંચ ઘોડેસવારો સાથે ટારગેરિયન્સની બહેન ડિનેરિયસને જોવા આવે છે અને પ્રથમ નજરે જ ખાલને સેક્સ માટેનો તારામૈત્રક થઈ જાય છે. ખાલ વિવાહ કરવા માંગે છે, પણ ડિનેરિયસની ના હોય છે. પોતાના ભાઈના કારણે તે ખાલને હા કહે છે. ખાલ સાથે તેના લગ્ન થાય છે, જ્યાં ભેટમાં તેને ડ્રેગનના ત્રણ ઈંડા મળે છે. સિઝન વનની છેલ્લે સુધી તમામ કલાકારો બોલ્યા કરે છે કે, ડ્રેગન હવે નથી રહ્યા. પણ તેમના અચેતન મનને શું ખબર કે ડિનેરિયસે તેને પોતાની આગથી જીવીત કર્યા છે.

ડિનેરિયસ સાથે ખાલ દોથ્રાકીના દરિયે પ્રથમવાર સેક્સ માણે છે, આવુ રોજ બને છે, પણ ડિનેરિયસને ખાલ સાથે રોમાન્સ કરવો છે, જે તેની સેવિકા તેને સમજાવે છે અને ખાલ જેવા પાષાણ હ્દયના માનુષને પ્રેમમાં પીગળાવી દે છે. ખબરો મળે છે કે ડિનેરિયસ હવે માતા બનવાની છે. ઘોડાનુ માંસ ખવડાવવાની વિધિ કરવામાં આવે છે. ત્યાં સુધીમાં રાજા રોબર્ટને ખ્યાલ આવી જાય છે કે, ખલીસી ડિનેરિયસના પેટમાં સંતાન છે અને તેને મારવાનો પ્રથમ હુકમ તે સ્ટાર્કને આપે છે. પણ સ્ટાર્ક આ માટે મના કરે છે. રાજા પોતે જાય છે અને જંગલમાં ઘવાઈને આવતા બાદમાં તેમનું મૃત્યુ થાય છે. દોથ્રાકીયન્સના પરંપરાગત પ્રસંગ નિમિતે ટારગેરિયન્સ ડિનેરિયસના ગળા પાસે તલવાર રાખે છે, અને ખાલ પોતાની પ્રોમિસ ભૂલી ગયો છે, તે યાદ કરાવે છે અન્યથા ડિનેરિયસને મોત મીઠુ કરવું પડે. ખાલના આ તહેવારમાં લોહી પાડવાની મનાઈ હોવાથી તે પોતાના કમરપટ્ટામાં બંધાયેલા સોનાને આગમાં પીગળાવે છે અને ડિનેરિયસના ભાઈ ટારગેરિયન્સની માથે નાખવામાં આવે છે. ડિનેરિયસ આ બધુ મૂંગે મોંએ જોતી હોય છે, કારણ કે તે જાણવા માંગતી હોય છે કે શું તેનો ભાઈ પણ તેની માફક ડ્રેગન સંતાન છે ? પણ તેની તમામ ધારણાઓ ખોટી પડે છે. પોતાના ભાઈને મરેલો જોઈ તેની આંખમાંથી અશ્રુ નથી વહેતા તેટલી કઠણ હ્રદયની થઈ ગઈ છે.

બીજી તરફ ખાલ એક યુદ્ધમાં ઘવાતા એ ઘાવ તેના મોતનું કારણ બને છે. ત્યાં ડિનેરીયસ માતા બનવાની હોય છે. પણ તેને આવનારૂ સંતાન અદોદળુ પેદા થાય છે. તે આંધળો હોય છે. તે ગરોળી જેવો હોય છે, તેને ડ્રેગન અને ચામાચીડિયાના મિશ્રણ જેવી પાંખો હોય છે. આ બાળકને સૌ પ્રથમવાર ચૂડેલ અડે છે, ત્યારે તેના હાડકાઓને તે મહેસૂસ કરી શકે છે. તેના શરીરમાં કિડાઓ ચોંટેલા હોય છે !!

આ ગુલામ ચુડેલને ડિનેરિયસ પોતાના પતિના પ્રાણની વાપસી માટે કામે લગાવે છે, પણ તે કંઈ કરી નથી શકતી ઉપરથી ખાલના ઘોડાને પણ તે વિધિમાં મારી નાખે છે. ચૂડેલનું કહેવું છે કે સૂર્યના ઉગવા અને આથમવાની ક્રિયામાં ફેરફાર થશે ત્યારે ખાલ હાલતો ચાલતો થશે. ડિનેરિયસનું મગજ જાય છે. એ રાતે તે ખાલને મુક્તિ આપવા બોલિવુડ ફિલ્મોની માફક મોં પર ઓસિકુ દબાવી મારી નાખે છે. પછી ખાલને સળગાવતા સમયે તેની સાથે પેલી ચુડેલને પણ બાંધવામાં આવે છે અને ત્રણ ડ્રેગન ઈંડાને ખાલની નજીક રાખવામાં આવે છે. ખૂદ ડિનેરિયસ અગ્નિકન્યા બની આગમાં હોમાય જાય છે, પણ સવાર પડતા ડ્રેગન સંતાન હોવાના કારણે ડિનેરીયસ જીવીત છે અને તેના નવા ત્રણ બાળકો ડ્રેગન છે.

(નામના શબ્દોમાં ક્યાંક ભૂલ હોય શકે કારણ કે ઓરિજનલ ડોથ્રાકી લખુ કે દોથ્રાકી લખુ, એક દ્રોગો કે દ્રાગો, એ તમારે સમજી જવું કોમેન્ટમાં આ વિષય પર માથાકૂટ ન કરવી મારૂ ઈંગ્રેજી બોવ ખરાબ છે. બાકી એમનું એમ રાખવું )

~ મયુર ખાવડુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.