Rajput Dynasty of Kachchh - Gujarat - Rajputana - Janmejay Adhwaryu - Sarjak.org
Historical Gujarati Writers Space

ગુજરાતનો ભવ્યઈતિહાસ – કચ્છના રાજ્યો અને સમા રાજ્ય – ભાગ – ૧

⚔ ગુજરાતનો ભવ્યઈતિહાસ ⚔
ஜ۩۞۩ஜ કચ્છના રાજ્યો અને સમા રાજ્ય ஜ۩۞۩ஜ
(ઇસવીસનની છઠ્ઠી સદીથી ઇસવીસનની દસમી સુધી )
—— ભાગ – ૧ ——

➡ ચાવડા વંશ તો સમાપ્ત થઇ ગયો પણ આપણે માટે ઘણાં પ્રશ્નો છોડી ગયો છે. એવું નથી કે એ માત્ર સાલવારીનો જ પ્રશ્ન હોય પણ એની વંશાવલીઅને એમની પૂર્વેનાં અને પછીના ચાવડા રાજ્યોની વાત હોય. પણ એ દરેક વિષે જો આપણે ન જાણીએ તો એ ઈતિહાસ સાથે અન્યાય થયેલો જ ગણાય. એ વાત તો સાચી છે કે ચાવડાવંશમાં તો અનુશ્રુતિ જ ઈતિહાસ છે પણ તેમનાં વિષે લખાયેલાં ઘણાં ગ્રંથોમાં આ ચાવડાવંશ અને પૂર્વેના અને પછીના ચાવડાઓ વિષે પણ જાણવું અત્યંત આવશ્યક છે. ચાવડા વંશની પૂર્વેનાં અમુક રાજવંશો તો ચાવડાવંશ પતી ગયાં પછી પણ ચાલુ રહ્યાં હતાં. રાજા મૂળરાજ સોલંકીએ સોલંકી વંશની સ્થાપના કરી એ વિષે જયારે લખ્યું ત્યારે માતા લીલાવતીનું નામ તો આવ્યું હતું -લખ્યું હતું. પણ તે સમયમાં પણ રાજા મૂળરાજ નાં પિતા વિષે કે એમનાં રાજવંશ વિષે કોઈએ કશું જ લખ્યું નહોતું અને તે પછી પણ જે લખાયું છે એ ભાટ -ચારણોની કથા માત્ર જ છે. હા કેટલીક વાતો અનુશ્રુતિ રૂપે જરૂર આવેલી છે તેમાંથી જો કેટલીક વાતો સાચી હોય તો એને ઈતિહાસ ગણી શકાય ખરો. રાજા સામંતસિંહના બનેવીના કૂલ વિષે પણ કોઈ ઠોસ માહિતી તો મળતી નથી પણ જે મળે છે એ જોઈ લેવી જ જોઈએ.

➡ હવે આપણે ચાવડા વંશની જગ્યાએ કચ્છ અને સૌરાષ્ટ્રના ચાવડા અને તે સમયના રાજવંશો વિષે જોઈશું-જાણીશું

✔ કચ્છનો ચાવડા રાજવંશ –

✔ કચ્છના ચાવડા રાજ્ય (વંશાવલી) -[ કચ્છનો સમાવંશ}

✅ (૧) વીરમ ચાવડો (ઇસવીસનની ૯મી સદીનો પૂર્વાર્ધ)
આ વીરમ ચાવડાને વાઘમ ચાવડા નામે પુત્ર અહો અને અને એને બુદ્ધિ નામે પુત્રી હતી .
✅ (૨) વિરમ ચાવડા પછી એનો પુત્ર વાઘમ ચાવડા ગાદીપતિ થયાં હતાં.
✅ (૩) વાઘમ ચાવડા પછી કનક ચાવડા રાજા થયો હતો.
✅ (૪) કનકચાવડા પછી રાજા ભૂઅડ રાજગાદી સંભાળતા હતાં ઈસ્વીસન ૯૧૫થી ઇસવીસન ૯૩૪.

➡ ત્યારબાદ મોડે સત્તા છીનવી લીધી હતી
મોડ પછી સમા રાજા લાખિયાયરસડ રાજગાદીએ આવ્યો હતો.એનાં પછી રાજા લાખાએ રાજ્યની ધુરા સંભાળી હતી
લાખા પછી મનાઈ રાજા થયો હતો

➡ આ બધાની કોઈ ચોક્કસ સાલવારી તો પ્રાપ્ત થતી નથી.
આને વિષે બધું જ સાહિત્ય એ દંતકથા અને અનુશ્રુતિ રૂપે જ પ્રાપ્ત થાય છે. કચ્છમાં તે સમયે વિરમ ચાવડાનું રાજ્ય હતું, આ વીરમ ચાવડાએ પોતાની પુત્રી બોધિને સિંધના સમા રાજા લાખીયારભડના પુત્ર લાખા વેરે પરણાવી. વીરમ ચાવડા પછી તેનો પુત્ર વાઘમ ચાવડા ગાદીએ આવ્યો એના સમયમાં સિંધના રાજકુળમાં લાખાની બે રાણી બોધિ અને ચંદ્રકુંવરના કુંવરો વચ્ચે ખટરાગ થતાં બોધિનો જયેષ્ઠ પુત્ર મોડ અને ચંદ્રકુંવરનો કનિષ્ઠ પુત્ર મનાઈ પાટગઢમાં વાઘમ ચાવડાને આશ્રયે આવ્યા. વાઘમ ચાવડાએ તેઓને આશ્રય આપતાં સમાઓ ઉશ્કેરાયા અને ગોડરાણીએ (ચંદ્ર કુંવરે) સમા લશ્કરને સાડના પુત્ર ફૂલની સરદારી નીચે કચ્છ મોકલ્યું. આથી ચાવડાઓએ ડરી જઈ ભાણેજ મોડ અને મનાઈને ત્યાંથી ચાલ્યા જવા સલાહ આપી. મોડ – મનાઈ ત્યાંથી ચાલી નીકળ્યા. પરંતુ પાટગઢમાં વસતાં સમા અને ચાવડા રાજપૂતો વચ્ચે ઘણા સમયથી અણબનાવ હતો તેથી આ બનાવનો લાભ લઇ સમાઓએ મોડ-મનાઈણને પક્ષમાં લઇ તેમને ઉશ્કેરી મનાઈ પાસે વાઘમ ચાવડાનું ખૂન કરાવ્યું. મોડ અને મનાઈએ રાજગાદી પડાવી લીધી ને પાટગઢ પર સમા સત્તા સ્થાપી.

➡ આ રીતે લગભગ ૯મી સદીની મધ્યમાં આ ચાવડા રાજ્યનો અંત આવ્યો અને કચ્છના પાટગઢમાં સમા સત્તાનો અરુણોદય થયો.

✔ વિંઝાણ – ભદ્રાવતી – ભૂઅડ ———

➡ કનક ચાવડાએ ઇસવીસન ૫૬૨માં ભદ્રાવતી (ભદ્રેશ્વર) લીધું અને ઇસવીસન ૫૬૬માં ત્યાંનાં મંદિરનો જીર્ણોધ્ધાર કર્યો એવી એક અનુશ્રુતિ છે, પરંતુ આ વિગતો ઐતિહાસિક દ્રષ્ટિએ શ્રદ્ધેય જણાતી નથી. ભૂઅડ ચાવડો કનક ચાવડાનો પૌત્ર હોવાનું જણાવ્યું છે એ ખરું હોય અને ભૂઅડનો રાજ્યકાલ ઇસવીસન ૯૧૫ -ઇસવીસન ૯૩૫ હોય તો કનક ચાવડાનું રાજ્ય ઇસવીસનની ૯મી સદીના ઉત્તરાર્ધમાં થયું ગણાય. વળી, આ બે અનુશ્રુતિઓ અનુસાર કનક ચાવડાનું રાજ્ય વિંઝાણ (તાલુકો -અબડાસસા)થી ભદ્રેશ્વર (તાલુકો – મુંદ્રા) સુધી વિસ્તૃત થયેલું ગણાય.એક અનુશ્રુતિ આનુસાર ભદ્રેશ્વર ભૂઅડ ચાવડાના સમયમાં સોલંકીઓએ કબજે કર્યું હતું.

➡ ભદ્રેશ્વર ઉપરની ચઢાઈમાંથી પાછાં વળતાં ઇસવીસન ૯૩૫માં કચ્છમાં કામ આવે છે અને લડતાં લડતાં તે રૂપારેલને કાંઠે આવી પડે છે. અહીં તેનો પાળિયો અને દેરી ઊભાં કરવામાં આવ્યા છે અને તેના જ નામ પરથી ત્યાં વસેલા ગામનું નામ ભૂઅડ (તાલુકો – અંજાર ) રહ્યું છે. ત્યાં ભૂઅડે ભુવડેશ્વર મહાદેવનું મંદિર બંધાવ્યું મનાય છે. આ ભૂઅડની રાજધાની ક્યાં હતી ને ભદ્રેશ્વરમાં તેણે કોના પર ચઢાઈ કરી હતી વગેરે વિગતો અહીં નોંધાયેલી જોવાં મળતી નથી.

✔ ઓખામંડલનાં ચાવડાઓ ——–

✔ વંશાવલી ——

✅ (૧) અખેરાજજી
✅ (૨) ભુવડરાય
✅ (૩) જયસેન (ભુવડરાયનો પુત્ર)
✅ (૪) જગદેવ પહેલો (ભુવડરાયનો બીજો પુત્ર )
✅ (૫) મંગલજી ( જગદેવ પહેલાનો પુત્ર)
✅ (૬) જગદેવ બીજો (મંગલજીનો પુત્ર)
✅ (૭) કનકસેન ( જગદેવ બીજાનો પુત્ર)
✅ (૮) અનંતદેવ ( જગદેવ બીજાનો પુત્ર)
આ અનંતદેવનું મૃત્યુ લગભગ ઇસવીસન ૧૦૦૨માં થયું હતું . તેનાં પછી ઓખામંડલમાં ચાવડાવંશનો અંત આવ્યો હતો.

➡ અનંતદેવ ચાવડાએ દ્વારકામાં સ્થાપેલી સત્તા હેરોલ રાજપૂતોએ પડાવી લીધી હતી. એ ચાવડાઓની શાખારૂપ હતા. હેરોલો ગોમતી સ્નાન અંગે યાત્રાળુઓ પાસે યાત્રાળુવેરો લઇ ઘણું ધન કમાતાં હતાં. ઓખામંડલમાં હેરોલો અને ચાવડાઓ વચ્ચે સત્તા માટે ઘણો લાંબો વખત વિગ્રહ ચાલ્યા કરતો હતો. આ વિગ્રહ છેક ૧૩મી સદી સુધી ચાલુ રહ્યો. પછી તેઓની સત્તા મારવાડથી યાત્રાએ આવેલાં રાઠોડોએ પડાવી લીધી. રાઠોડોએ ઓખામંડલમાંથી હેરોલોણે તેમજ ચાવડાઓણે તગેડી મુક્યા. કનકપૂરી (વસી)ના ચાવડાવંશ વિષે કનકસેન પછીનો કોઈ જ વૃત્તાંત મળતો નથી. પણ તે વંશ ત્યાં ૧૩મી સદી સુધી ચાલુ રહ્યો હોય એવું ફલિત જરૂર થાય છે.

✔ સોમનાથ પાટણ ———

➡ આ આગાઉ હું જણાવી જ ચુક્યો છુંપણ અહી એક અતિમહત્વની વાત કરવાની હોવાથી તે આહીં ફરીથી જાણવું છું. અહી પણ આ સમયે ચાવડાઓનું શાસન પ્રવર્તતું હતું એવી અનુશ્રુતિ છે પણ એનો કોઈ પુરાવો કે કોઈપણ પ્રકારની વિગત પ્રાપ્ત નથી જ થતી. પ્રાચીન લેખકોના મત મુજબ તેના કિનારા પર ચાંચિયાઓનો ઉપદ્રવ રહેતો હતો. મહમૂદ ગઝનવીએ ઇસવીસન ૧૦૨૬માં આ શહેર જીત્યું ત્યાં સુધી અહી ચાવડાઓની સત્તા ચાલુ રહી હશે એવું ખાલી અનુમાન લગાવવામાં આવે છે. આ સાચો ઈતિહાસ તો છે જ નહીં. પંચાસરના ચાવડાઓનું શાસન સીમિત હતું. વનરાજ ચાવડા એ જંગલોમાં લૂંટફાટ કરતો હતો તેણે ક્યારેય પાઈરેટ ઓફ ધ કેરેબિયનની જેમ ચાંચિયાગિરી કરી જ નથી . જો તેમણે ચાંચિયાગિરિ કરી જ ના હોય તો પછી તેમણે વહાણો લુંટ્યા હતાં એ કેવી રીતે કહી શકાય ? આમેય એમને વિષે પૂરી વિગતો તો પ્રાપ્ત થતી નથી તો પછી આ ચાંચિયાગિરીને આગળ કરીને શું ફાયદો ? બીજી વાત ક્ષેમરાજ સાથે જે વહાણ પસાર થતાં હતાં અને ક્ષેમરાજે તે લૂંટી લીધાં હતાં તે વાત તર્કસંગત નથી જ. ઇતિહાસમાં આવી કોઈ ઘટનાનું મહત્વ જ નથી. જે છે તે તો એક દંતકથા છે. ટૂંકમાં એમ જરૂરથી કહી શકાય કે વનરાજ ચાવડાએ સ્થાપેલો આ ચાવડા વંશ નહોતો આ એક અલગ જ ચાવડા વંશ હતો. નહીં તો એની વાત અણહિલવાડ પાટણના રાજા વનરાજે સ્થાપેલા ચાવડા વંશ સાથે સંકળાયેલી જ હોત ને ! પણ એવું બન્યું નથી એ વાતની સાબિતી તો ખુદ ઇતિહાસે આપી છે.

✔ સમા રાજ્ય ——-

➡ આ રાજવંશ વિષે ભાટ-ચારનો આ પ્રમાણે અનુશ્રુતિ આપે છે —
શ્રી આલનારાયણની ચોપ્પનમી પેઢીએ ચંદ્ર્વંશના યાદવકુળમાં શ્રી કૃષ્ણચંદ્ર થયા. શ્રીકૃષ્ણના પુત્ર સામ્બને મિસર દેશના શોણિતપુરનાં રાજા બાણાસુરના પ્રધાન કૌભાંડે પોતાની દીકરી પરણાવી. તેનાથી ઉષ્ણિક નામે પુત્ર થયો. કૌભાંડને નિર્વંશ બાણાસુરનું રાજ્ય મળ્યું અને કૌભાંડ નિર્વંશ જતાં તેનું રાજ્ય ઉષ્ણિકને મળ્યું. આ ઉષ્ણિકથી ૮૦મી પેઢીએ ૧૩૫માં રાજા દેવેન્દ્ર થયાં. તેમને ચારપુત્ર હતાં
✅ (૧) અસપત
✅ (૨) ગજપત
✅ (૩) નરપત
✅ (૪) ભૂપત

➡ આ સમય દરમ્યાન મહંમદ પયગમ્બરે પ્રવાર્તાવેલો ધર્મ ઇસવીસન ૬૧૦ – ઇસવીસન ૬૩૨ આસપાસના દેશોમાં ફેલાવા લાગ્યો હોવાથી આ ચારે ભાઈઓ નાસી જઈને ઓસમના ડુંગર (જીલ્લો રાજકોટ)માં આવી ગયાં . પયગંબર સાહેબે તેમની પાછળ પડી મોટા દિકરા અસપત (ઉગ્રસેનને પોતાનો ધર્મ કબુલ કરાવ્યો. પાછળથી ગજપતે સૌરાષ્ટ્ર તરફ રાજ્ય કર્યું.તેના વંશજ તે ચુડાસમા વંશના રાજવીઓ એટલે કે ચુડાસમાઓ – ચુડાસમા વંશ ! ત્રીજા દિકરા નરપતે ગઝની -ગિઝનીનાં ફિરોઝશાહ બાદશાહને મારી ત્યાં રાજ્ય કર્યું તે જામ કહેવાયો. ચોથા દિકરા ભૂપતે મારવાડ તરફ જમીન દબાવી તેના વંશના લોકો ભટ્ટી કહેવાયા.

➡ નરપતના દિકરા સમા પાસેથી ફિરોઝશાહના દિકરા સુલતાનશાહે પાછું ગિઝની લઇ લીધું માટે એણે સિંધમાં આવી સત્તા સંભાળી તેના વંશના લોકો સમા કહેવાયા.

➡ આ દંતકથામાં ઐતિહાસિક વાસ્તવિકતા ઘણી ઓછી રહેલી છે. બાણાસુરનું શોણિતપુર મિસરમાં આવેલું હતું એ વાત જ શંકાસ્પદ છે. મહંમદ પયગંબરે ઇસ્લામનો પ્રસાર અરબસ્તાનમાં કરેલો પરંતુ મિસર જેવાં બીજાં દેશોમાં પણ તેમણેપોતે પરાસર કર્યો હોવાનું ભાગ્યે જ સંભવે છે. અફઘાનિસ્તાનમાં ઇસ્લામનો પ્રચાર ૮ મી સદીમાં થયો ને ત્યાંના સુબા ૯મી સદીમાં સ્વતંત્ર થયાં ગઝની સલ્તનતનો ઈતિહાસ તો છેક ૧૦મી સદીમાં શરુ થાય છે. આ બધુ જોતાં આ દંતકથામાં આપેલી ગઝનીને લગતી સમગ્ર હકીકતો અશ્રદ્ધેય ઠરે છે. સમાઓ સિંધમાં પશ્ચિમમાં કોઈ દેશમાંથી આવ્યાં હોય તે સંભવિત નથી. પરંતુ નરપત સમયમાં ગઝનામાં ફિરોઝશાહ નામે મુસ્લિમ બાદશાહનું રાજ્ય હતું એ વિધાન ઐતિહાસિક કાલગણનાની દ્રષ્ટિએ સ્વીકારી શકાય તેવું ન ગણાય. આ પછી આપેલા આનુશ્રુતિક વૃત્તાંતમાં ઐતિહાસિક વાસ્તવિકતા વર્તાય છે.

➡ કર્નલ વાકર આ રાજપૂત શાખાઓની ઉત્પત્તિ વિષે એક જુદી જ દંતકથા આપે છે કે — યાદવાસ્થળીમાંથી ચાર યાદવો નાસી જઈને હિંગળાજ માતાને શરણે ગયાં. માતાએ એકને પોતાનાં જાળમાં (મોમાં) સંતાડયો તે જાડેજા, ચૂડામાં સંતાડયો તે ચુડાસમા, ચાકળામાં સંતાડયો તે ચગદો તથા ભઠ્ઠીમાં સંતાડયો તે ભટ્ટી કહેવાયો, પાછળથી આ ચારેને માતાએ મોટાં રાજ્ય આપ્યાં.

➡ સમા રાજ્ય અને કચ્છની વાતો ચાલુ રહેશે પણ તે ભાગ – ૨માં આવશે.
કચ્છના સમા રાજ્યનો ભાગ – ૧ સમાપ્ત.
ભાગ – ૨ હવે પછીના લેખમાં !

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! જય મહાકાલ !!
!! હર હર મહાદેવ !!

~ જનમેજય અધ્વર્યુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.