Gujarati Writers Space

કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૧૮ )

મી.બંસલ દ્વારા સ્ટોરીનું કામ પુરઝડપે આગળ વધી રહ્યું હતું ! ક્યારેક મારે ટાઇપ કરનારાઓ જોડે બેસીને ધ્યાન રાખવું પડતું, તો ક્યારેક પ્રેસમાં પણ આંટો મારવી આવવો પડતો ! પોતાની નજરો સામે પોતાની બુક હાર્ડકોપી માં તૈયાર થતી જોવી, એ લેખક માટે એવું જ હતું, જાણે પોતાના સંતાનને જન્મ લેતા જોઈ રેહવું ! પછી ભલે ને લેખક ગમે તેટલી બુક જુનો હોય… પણ આ લાગણી હમેશા માટે અકબંધ જ હોય છે !

પંદર દિવસ બાદ બુક નું પોસ્ટર નક્કી કરવામાં આવ્યું. બ્લેક બેકગ્રાઉન્ડમાં એક છોકરી ઉભી હોય એવું, અને નીચે લખ્યું હતું… ‘કાંચી સિંઘ’ – અ સ્ટોરી વિચ ઈન્સ્પાયર યુ… !’

અને આખરે એ દિવસ પણ આવ્યો, જયારે બુક લોન્ચ ની તારીખ નક્કી કરવામાં આવી !
એ આગાઉ હું પાંચ બુક્સ આપી ચુક્યો હતો, એટલે મારા વફાદાર વાચકોને મારા શબ્દોમાં વિશ્વાસ હતો. અને એ જ કારણે અમને કેટલાય એડવાન્સ બુકિંગ પણ મળી ચુક્યા હતા ! લોન્ચિંગ ઇવેન્ટ બાદ, એડવાન્સ બુકિંગ વાળા દરેક ને તેમની કોપી પંહોચાડવી એ મી.બંસલે પ્રાયોરીટી પર રાખ્યું હતું. અને મને કહ્યું હતું કે આ વખતે તારે બધી કોપી પર તારો ઓટોગ્રાફ આપવાનો છે ! અને એક લેખક માટે એથી વિશેષ તો શું હોય !

ટાયપીંગ બાદ તરત બુકનું પૃફ્રરીડીંગ કરવામાં આવ્યું, એ દરમ્યાન મેં પ્રસ્તાવના અને બાકીની સામગ્રી પર કામ કર્યું ! અને બધું સબમિટ થયા બાદ, બુક પ્રિન્ટીંગ પ્રેસમાં છાપવાની શરુ થઇ ! અને આખરે એક દિવસે મારી બુક હાર્ડકોપીમાં છપાવી ને પણ આવી ગઈ ! મેં એને હાથમાં લીધી, અને તેની પર હળવેક થી હાથ ફેરવાયો. અને એ સાથે મારી આંખ સહેજ ભીંજાઈ આવી ! એક મા પોતાના સંતાન ને હાથમાં લે, એવી લાગણી મને મારી બુક હાથમાં લીધા બાદ થઇ હતી ! મેં એ બુક કાંચી માટે રાખી લેવાનું નક્કી કર્યું, પણ પછી કાંચીના શબ્દો યાદ આવ્યા, ‘હું તારી બુક ભેટ નહિ લઉં, ખરીદી ને વાંચીશ…!’, અને એ બુક મેં મારી માટે રાખી લીધી.

હવે રોજ મને મી.બંસલ ની ઓફિસે બેસીને બુક્સમાં સાઈન કરવી પડતી. અને મને મજા પણ પડતી ! મનમાં વિચાર આવતો, ‘આમાંથી જ એકાદ બુક કાંચી એ પણ પોતાને માટે નોંધાવી હશે… અને પછી અચાનક યાદ આવતું, એને તો મારું નામ પણ નથી ખબર… પછી એ, આ બુક માટે બુકિંગ ક્યાંથી કરાવે?’ અને એ સાથે અગાઉનો વિચાર ચાલ્યો જતો !

દિવસો નજીક આવતા ગયા. બુક્સ તૈયાર થતી ગઈ. પણ કાંચી હજી સુધી મારા દિલો-દિમાગ પરથી હટી શકી નહોતી ! સામાન્ય રીતે, હું કોઈક વાર્તા લખી લીધા બાદ એના પાત્રોના પ્રભાવમાંથી મુક્ત થઇ જતો હોઉં છું… પણ આ વખતે એ શક્ય નહોતું બની શકયું ! હું હજી પણ કાંચી સાથે જ જીવી રહ્યો હતો !

અને કદાચ તેના પ્રેમમાં પડી ચુક્યો હતો… ! હા, ખરેખર હું કાંચી ના પ્રેમમાં પડી ચુક્યો હતો !
પણ અમે હવે મળીશું પણ કે કેમ, એ પણ હજી ખબર ન હતી… શું હું એને ક્યારેય આ વિષે કહી પણ શકીશ? અને કહી પણ દઉં તો શું થશે… એ તો હમેશા માટે ચાલી જવાની છે…!
ખૈર, એ બાબત વિષે વધારે વિચારીને પણ કોઈ ફાયદો તો નથી જ…!

સમય વીતતો ગયો, અને બધી બુક્સ સાઈન થયા ની સાથે લોન્ચિંગ ડેટ નો દિવસ પણ આવી ચઢ્યો !

મી.બંસલ નું પબ્લીકેશન હાઉસ ઘણા લોકો સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતું હતું… એટલે ઘણી મોટી સંખ્યામાં લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કેટલાય પ્રખ્યાત લેખકો, મારા સમવયસ્ક લેખકો, અને એ ઉપરાંત વિવિધ મેગેઝીન ના સંપાદકો, અને મીડિયાકર્મીઓ પણ હાજર રહ્યા હતા !

ત્યાં હાજર દરેક કેમેરામેન ની ફ્લેશ મારા અને મારી બુક માટે હતી, ત્યાંના દરેકની આંખમાં મારા પ્રત્યે માન દેખાતું હતું ! અને એ કાર્યક્રમ સાથે મારી બુક લોન્ચ થઇ, અને મારો ઈન્ટરવ્યું પણ થયો ! ઈન્ટરવ્યું માં મોટા ભાગે એક જ સવાલ આવતો, કે ‘હું આટલો સમય ક્યાં ખોવાયેલો હતો? અને આજે આમ અચાનક ક્યાંથી નવી સ્ટોરી સાથે આવી ચઢ્યો..?’ અને બધા પ્રશ્નો નો માત્ર એક જ જવાબ હતો… કાંચી ! પણ અફસોસ… હું એનું નામ જાહેરમાં લઇ શકું તેમ ન હતું !

એ રાત્રે પણ મને ઊંઘ ન આવી ! એ બુક લોન્ચ મારી છઠી બુકનું લોન્ચ હતું… પણ જાણે એમ લાગતું હતું, કોઈક નવાસવા લેખક નું પહેલું જ પુસ્તક વાચકો સામે પ્રગટ થઇ રહ્યું છે…!

બીજા જ દિવસથી બધા એડવાન્સ બુકિંગ વાળા પુસ્તકો રવાના થયા. થોડાક મેં લાયબ્રેરીમાં ડોનેટ કર્યા, તો થોડાક માર્કેટમાં વેચાણ માટે રવાના કર્યા !

પુસ્તક બધાને અવેલેબલ થયાના ત્રીજા જ દિવસથી મારી પર ફોન અને પત્રો દ્વારા પુસ્તક અંગેના પ્રતિભાવો આવવા શરુ થઇ ચુક્યા હતા ! કોઈકને એ પુસ્તક ઠીકઠાક લાગતું, તો કોઈકને હદ વિનાનું ગમી જતું ! કોઈક તો એમ પણ કહેતું, ‘આ જાણે તમે મારી જ સ્ટોરી લખી ગયા હોવ એમ લાગ્યું…!’
બસ વાચકો નો આ પ્રેમ મળતો રહે, એથી વિશેષ એક લેખક ને બીજું જોઈએ પણ શું… !?

હું પ્રતિભાવો મેળવવા અને વાંચવામાં ગળાડૂબ થઇ ચુક્યો હતો. લગભગ રોજના દસથી બાર પત્રો, અને સાત થી આઠ ફોન કોલ્સ આવવા શરુ થઇ ચુક્યા હતા. મારી સ્ટોરી સારો પ્રતિભાવ પામી રહી હતી… કાંચીની સ્ટોરી સારો પ્રતિભાવ પામી રહી હતી… ! અને મને એ વાતની ખુશી પણ હતી.

લગભગ એકાદ અઠવાડિયા બાદની એ વાત છે. હું મારા ઘરે બેસીને પત્રો વાંચી રહ્યો હતો, અને ત્યારે એક નાનો છોકરો દરવાજા પર આવ્યો અને ઉભો રહી ગયો. એ મારી જ સોસાયટીમાં રેહતો હતો. એણે મારી નજીક આવી એક ચિઠ્ઠી આપી… અને કહ્યું,“એક દીદીએ આ તમને આપવા કહી છે…!”, અને ચાલ્યો ગયો.

એની ઉપર મોટા અક્ષરો એ લખ્યું હતું, ‘કાંચી !’ હું જરા ચોંક્યો, કે આ પત્ર કાંચી નો કઈ રીતે હોઈ શકે, એ તો કોલકત્તામાં છે…!?

મેં ઝડપથી એ પત્ર ખોલ્યો અને વાંચવા માંડ્યો…

“લેખક મહોદય…. ઓળખાણ પડી કે નહિ… !? હું કાંચી…! કાંચી બેનર્જી !”, હું જરા સ્તબ્ધ થઇ ગયો ! મને એ પત્ર વાંચતા વાંચતા જાણે કાંચીનો અવાજ સંભળાઈ રહ્યો હતો… મેં આગળ વાંચ્યું.

“હું તને લેખક કહું, સ્ટ્રેન્જર કહું, કે પછી અભિમન્યુ સિંઘ…?”, એણે મારું નામ લખ્યું હતું… એ વાંચી મારી આંખો પહોળી થઇ ગઈ, આને મારું નામ કઈ રીતે ખબર પડી હશે…!?

“આમ નામ વાંચીને ચોંકવા ની જરૂર નથી ‘અભી’… ! હું તને જાણી ચુકી છું ! અલબત તને પણ પ્રશ્ન તો થયો જ હશે કે ‘કઈ રીતે…?’ તો હું તને કહું… મારા કોલકત્તા ગયા બાદ, બાબાએ મારા માટે થોડાક પુસ્તકો ખરીદી રાખ્યા હતા, જે બધા જ એક જ લેખક ના હતા… અને નવી પેઢીનો એ લેખક હતો…. અભિમન્યુ સિંઘ ! અને નવાઇ તો મને ત્યારે લાગી, જયારે મેં બુક્સ પાછળ તારો ફોટો જોયો ! હું તો ઘડીભર વિશ્વાસ જ ન કરી શકી, કે હું છેક મુંબઈથી કોલકત્તા સુધી એ વ્યક્તિ સાથે આવી છું, જેની પાંચ માંથી ત્રણ બુક બેસ્ટ સેલર રહી છે… ! તું તો લેખક ની સાથોસાથ બહુ મોટો એક્ટર પણ નીકળ્યો હોં… !”, હું હસી પડ્યો. મેં ફરી આગળ વાંચ્યું.

“મેં તારી બધી જ બુક્સ એક પછી એક વાંચી લીધી છે ! મને તારી છેલ્લી બે બુક્સ હદથી વિશેષ પસંદ આવી છે… અને ‘કાંચી સિંઘ’ પણ ! પણ એના વિષે આ પત્રમાં નહી લખું ! એ હું તને રૂબરૂ મળીને કહીશ ! આ પત્ર તારી પાસે છે ત્યારે હું મુંબઈમાં જ છું… એક્ચ્યુલી હું તારી બુકમાંથી તારું એડ્રેસ લઇ તારા ઘરે આવી રહી હતી. પણ પછી કામ આવી જતા આ ચિટ્ઠી તને લખી રહી છું ! સાંજે પાંચ વાગ્યે આપણે તારા એરિયાના કોફી હાઉસમાં મળીશું. તારી રાહ જોઇશ… –કાંચી.”

મેં જે વાંચ્યું, એ શું સાચું હતું કે કોઈક સ્વપ્ન, એ પર મને ખુદને વિશ્વાસ નહોતો થઇ રહ્યો ! કાંચી મુંબઈમાં હતી, અને અમે ફરી એકવખત મળવાના હતા, આ વાત જ મને રોમાંચિત કરી જતી હતી ! હું ખુશીથી રીતસરનો ઝૂમી જ ઉઠ્યો !

મેં ઘડિયાળ તરફ નજર કરી… હજી માંડ સાડાત્રણ થઇ રહ્યા હતા… અને મને ખબર હતી, કે પાંચ વાગતા સુધીમાં મને ચૈન નથી જ આવવાનો !

સમય વિતાવવા હું ઘરમાં આમથી તેમ આંટા મારવા માંડ્યો, અને મન ચગડોળે ચડ્યું, કે ‘કાંચી મારા માટે શું વિચારતી હશે? એને મારી બુક્સ કેવી લાગી હશે…? મેં ખોટું કીધું, એટલે નારાજ તો નહિ હોય ને…? એને પોતાનું પાત્ર વાંચીને ગમ્યું હશે… કે નહી…?’ વગેરે વગેરે !

અને લગભગ પોણા પાંચની આસપાસ જ હું કોફી હાઉસ માટે જવા નીકળ્યો. દસેક મીનીટમાં હું ત્યાં પંહોચ્યો, અને કાર પાર્ક કરી અંદર પ્રવેશ્યો.

મારી નજરો દરેક ટેબલ પર ફરતી કાંચી ને શોધી રહી હતી. ‘શું એ લેટ હતી? કે હું વહેલો હતો…?’ કેફે ની ઘડીયાળમાં પાંચ વાગી ચુક્યા હતા. હું એક ટેબલ પર જઈ ગોઠવાયો. મારી નજર વારંવાર દરવાજા તરફ જતી હતી, અને ધબકાર વધી જતા હતા. વેઈટર મેનુ કાર્ડ લઇ, ઓર્ડર લેવા આવ્યો. અને મેં કહ્યું કે, “થોડીવાર પછી ઓર્ડર આપું… જોડે કોઈક આવી રહ્યું છે !”

એ સાંભળી એ બીજા વેઈટર જોડે વાત કરવામાં પડ્યો, અને એ બીજા માણસે મારી પાસે આવીને મને કહ્યું, “સર, તમે મિસ.કાંચી બેનર્જીની રાહ જોઈ રહ્યા છો?”

મેં કહ્યું, “હા… પણ તને ક્યાંથી ખબર?”
“સર, એ મેડમ થોડીક વાર પહેલા અહીં જ હતા… પણ પછી અચાનક ચાલ્યા ગયા…!”
“ચાલ્યા ગયા..? પણ ક્યાં..?”

“એ ચોપાટી પર ગયા છે… તેમણે જતા જતા મને ટીપ આપી હતી, અને કહ્યું હતું કે એક માણસ આવશે, લગભગ પાંચ વાગ્યે… એની નજરોમાં એક ઇન્તેજારી હશે જ… તું આરામ થી એને ઓળખી શકીશ ! એને કહેજે કે, ‘કાંચી ચોપાટી પર ગઈ છે’…!”

એનું એટલું કહેવું અને હું ખુરશી હટાવી ઉભો થયો, અને સડસડાટ કેફેની બહાર નીકળી ગયો !

~ Mitra


Read Full Novel Here : – ( પ્રકરણ – ૧ ) | ( પ્રકરણ – ૨ ) | ( પ્રકરણ – ૩ ) | ( પ્રકરણ – ૪ ) | ( પ્રકરણ – ૫ )( પ્રકરણ – ૬ )( પ્રકરણ – ૭ ) | ( પ્રકરણ – ૮ ) | ( પ્રકરણ – ૯ ) | ( પ્રકરણ – ૧૦ ) | ( પ્રકરણ – ૧૧ ) | ( પ્રકરણ – ૧૨ ) | ( પ્રકરણ – ૧૩ ) | ( પ્રકરણ – ૧૪ ) | ( પ્રકરણ – ૧૫ ) | ( પ્રકરણ – ૧૬ ) | ( પ્રકરણ – ૧૭ ) | ( પ્રકરણ – ૧૮ ) | ( પ્રકરણ – ૧૯ ) | ( પ્રકરણ – ૨૦ ) | ( પ્રકરણ – ૨૧ ) |

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.