Gujarati Writers Space

કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૧૬ )

“મારી બીમારીના નિદાન બાદ હું જરા હતાશામાં સરી ગઈ હતી. મેં બાબાને પણ એ અંગે વાત કરી ન હતી ! આજે જયારે ઘરે જઈશ, ત્યારે બાબાને આખી વાત કરીશ ! કારણકે, જ્યાં સુધી તેમને નહી જાણવું ત્યાં સુધી મને પણ ચૈન નહિ આવે ! હું નાનપણથી જ બાબાને મારી બધી વાતો કહેતી આવી છું, પછી એ મારા ‘પહેલા માસિકસ્ત્રાવ’ વિષે હોય, કે પછી મારા ‘પહેલા પ્રેમ’ વિષે !

મારા બાબા, મારા બાબા જ નહી… પણ મારા મિત્ર છે ! જે મને જાણે છે, મને સમજે છે…!
એ બીમારી ના કારણે હું એ એન.જી.ઓ. ના સંપર્કમાં આવી હતી ! આમ તો બાબા મને પૂરતા પૈસા મોકલતા જ રેહતા હતા, પણ છતાં ઉપચાર માટે વધુ પૈસાની જરૂર હતી. અને કોઈકે, મને એ સંસ્થાનો રેફરન્સ આપ્યો હતો.

હું ત્યાં ગઈ, અને મારી આખી વાત કરી. તેમણે મદદ માટે સહમતી દર્શાવી… પણ હું મફતમાં આર્થિક મદદ લેવા નહોતી માંગતી ! માટે મેં તેમને મને કોઈ કામ દર્શાવવા કહ્યું, અને તેમણે મને તેમની સંસ્થામાં જ નોકરીએ રાખી લીધી ! મને એ સંસ્થામાં જ નોકરી સાથે, તેમના જ કવાટર્સમાં રેહવા માટે જગ્યા પણ મળી ગઈ !

શરૂઆતમાં તો હું માત્ર ત્યાં ઓફીસ વર્ક કરતી. ફાઈલો સેટ કરતી, નાના નાના હિસાબો સાચવતી, અને બીજા અન્ય કામો કરતી. પણ જેમ જેમ સમય વીત્યો તેમ તેમ હું ત્યાં રેહતી અન્ય છોકરીઓના સંપર્કમાં આવતી ગઈ. તેમની મિત્ર બનતી ગઈ.

એ દરેક પાસે કહેવા માટે એક કહાની હતી, અને મને એ દરેકમાં એક ‘કાંચી’ નજર આવતી હતી !
પણ બદનસીબે તેમાંની કેટલીક ‘કાંચી’ એવી પણ હતી, જેમની પાસે હિમત દેવા વાળા, બાબા અને ચાંદ નહોતા ! એ લોકો ડરી ડરી ને જીવતા શીખતી હતી. અને એ મને જરા ખૂંચતું !

એ બાદ, મેં નક્કી કર્યું કે મારે અહીંથી જતા પહેલા, આમની માટે અને આમના જેવી દરેક છોકરી માટે કંઇક કરીને જવું છે !

મેં સંસ્થામાં એક સક્રિય કાર્યકર તરીકે ફરજ બજાવવાનું નક્કી કર્યું. અને ત્યાર બાદ આ એરહોસ્ટેસ થી સફર શરુ કરનાર કાંચી બેનર્જી, સમાજસેવિકા બની !

અલબત્ત કેટ-કેટલાય વિઘ્નો પણ આવ્યા, પણ હું ન રોકાઈ ! ક્યાંક જઈને દહેજના કેસમાં સમજટ કરાવવી પડતી, તો ક્યાંક ઘરેલુહિંસા થતી અટકાવી પડતી ! અમારી સંસ્થા મુંબઈ, અને તેની આસપાસના વિસ્તારમાં ખુબ સક્રિય રીતે કાર્યરત છે. અને સારા કામ ના કારણે, દુષણ થી પીડિત, પીડીતાઓ ફોન અથવા પત્ર દ્વારા અમારી પાસે અવારનવાર મદદ માંગતી હોય છે ! અને અમારી સંસ્થા તેમને પુરતો ન્યાય મળી રહે, એ માટે તેમને પુરતી મદદ કરતી હોય છે ! ક્યારેક જરૂર પડે, તેમને શીક્ષણ, તેમજ નોકરી, અને રેહવાની પણ વ્યવસ્થા કરી આપતી હોય છે !

અને જયારે આપણે મળ્યા, ત્યારે પણ આવું જ કંઇક થયું હતું. એક્ચ્યુલી, બાબા ની તબિયત નરમ હોવાથી હું કોલકત્તા જઈ રહી હતી.. અને ત્યાં જ મને બાલવિવાહ ની ઘટના અંગે ફોન આવ્યો ! અને હું એ ગામ પંહોચી. આગળની વાત તો તને ખબર જ છે…”, કહી એણે ચેહરા પર સ્મિત રેલાવ્યું અને ચુપ થઇ ગઈ.

“ખરેખર… તારી વાતમાં એક આખી વાર્તા છે કાંચી… !
સાંજ ઢળવા માંડી હતી. અને અમે હવે મંજિલ ની ખુબ નજીક હતાં.
“કાંચી, હવે એકાદ કલાકમાં કોલકત્તા આવી જશે…!”
“હમમ…”
“તો પછી તેં શું વિચાર્યું…?”
“શેનું…? શેનું શું વિચાર્યું…?”
“સ્ટોરી નું… ! તું મને લખવાની પરમીશન આપીશ કે કેમ…? એ વિષે ?”
“હ્મ્મ્મ… અલબત્ત હમણાં હું એ જ વિચારતી હતી…!”
“જો તું કહે, તો હું નામ બદલીને લખીશ બસ…”, મેં એની વાત કાપતા કહ્યું.
“ના… એવી કોઈ જરૂર નથી. તું નામ ભલે ‘કાંચી’ જ રાખજે… કારણકે હું ચાહું છું કે મારી વાત મારા નામ સાથે જ પંહોચે ! પણ હા, અટક બદલીશ તો ચાલશે…!”
“મતલબ, ‘હા’…!?”, એ પૂછતાં ની સાથે હું ખુશ થઇ ગયો !
“હા, લેખક સાહેબ હા…! જો મારી વાત થી કોઈને કંઇક મળતું હોય તો મને એનાથી વાંધો નથી.”
“થેંક યુ કાંચી ! થેંક યુ સો મચ… ! અને તને સાચું કહું, તું જે અંગત રીતે નથી કરી શકી, એ તું આ સ્ટોરી થકી કરી શકીશ ! આ વાંચી કેટલીય ‘કાંચી’ઓ ને આગળ વધવાની, જિંદગી જીવવાની પ્રેરણા મળશે…!”
“હા, પણ જો તું એ બરાબર વર્ણવી શકે તો..!”
“આઈ વિલ ટ્રાય માય બેસ્ટ કાંચી…!”

એ ક્ષણે મારા ઉત્સાહ નો કોઈ પાર ન હતો. મારી કોલકત્તા આવવાની મહેનત અને આ સફર, બંને સાર્થક થયા હતા ! આ સ્ટોરી માં હું મારો જીવ રેડી દેવા માંગતો હતો ! પણ હજી અમુક પ્રશ્નો હતા, જેના જવાબ માત્ર કાંચી પાસે હતાં.

“કાંચી, આટલું બધું કહ્યું છે, તો હવે તારી બીમારી વિષે પણ કહી જ દે…!”, મેં જરા આજીજીભર્યા સ્વરે કહ્યું.
“અરે એમાં એટલું પણ કઈ ખાસ નથી. હું બસ ચાર-છ મહિનામાં મરી જવાની છું !”, એ બોલી.
એનું વાક્ય સાંભળી, હું શોક થઇ ગયો, “શું…!?”
“હા… બસ ચાર થી છ મહિના, અને આ કાંચી ની સ્ટોરી નો ધી એન્ડ…!”
“પણ કઈ રીતે…? આઈ મીન, એવું શું થયું છે તને..!?”
“કંઈ ખાસ નહિ, અંશુમને ડિવોર્સ ની સાથે સાથે, મને એક રોગ પણ ભેટમાં આપ્યો હતો. મારા ટેસ્ટમાં એચ.આઇ.વી. પોસિટીવ આવેલ હતો, અને હવે એ એઈડ્સ સુધી આગળ વધી ચુક્યો છે…!”
“વ્હોટ…? આર યુ સીરીયસ… !?”, હું આઘાત પામી ગયો ! અને વિચારોમાં સરી ગયો, અને એ જોઈ એ બોલી,
“ડોન્ટ વરી, કિસિંગ થી એઇડ્સ જલ્દી નથી ફેલાતો… અને એટલે જ મેં તને આગળ વધતા રોકી લીધો હતો..!”

“કાંચી, હું એ વિચારતો જ ન’હોતો, હું કંઇક બીજું વિચારતો હતો…!”
“તું જે વિચારે એનાથી હવે મને શું ફેર પડશે ? મેં તને મારી વાત આખેઆખી સાચી કહી છે ! હવે તું એને કઈ રીતે વર્ણવીશ, અને વર્ણવીશ પણ, કે નહી એ પણ નથી ખબર? , એ તારી પર છે.”
“કાંચી… તું મને ગલત સમજી રહી છે ! હું તો એમ વિચારતો હતો, કે આટલા બધા ઉતારચઢાવ જોયા બાદ, આટલું બધું જોયા, સહ્યા બાદ… આવી જીવલેણ બીમારી ! અને છતાં… તું આટલી ખુશ પણ રહી શકે છે… !?”

“એને જ તો જિંદગી કહેવાય છે, લેખક સાહેબ..!”
“પણ કાંચી, તું બાબાને આ કઈ રીતે કહી શકીશ…?”
“એ મારી આંખોમાં વાંચી જશે…!”

અને એ પછી કાંચી, મોબાઇલ મંતરવામાં પડી,
“એય, આમ જો તો…!”, મેં તેની તરફ જોયું, અને એણે ‘ખચ્ચાક’ કરતો મારો એક ફોટો પાડી લીધો !
“કાંચી…! એ ફોટો ડીલીટ કર ! મારા ફોટા સારા નથી આવતા, આઈ એમ નોટ અ ફોટોજેનીક પર્સન !”
“ના, આ તો મારે એક યાદગીરી માટે જોઇશે ને…!”
“તો પછી, મને પણ તારો એક ફોટો લેવા દે…!”
“ના હોં… તારું નક્કી નહી…! ક્યાંક બુક ના કવર પેજ પર જ છાપી દે તો…!?”, કહી એ હસવા માંડી.
“કાંચી, તને ખબર જ છે, કે તું મરી જઈશ, છતાં તું હસી શકે છે…!?”
“જનાબ, આ મોત નસીબ વાળા ને જ મળે છે ! અને હું તો ખુશ છું…કે હું મારી જિંદગી મારી મરજી પર જીવી છું ! અને મને એ જિંદગી પર લેશમાત્ર અફસોસ નથી…!”

હવે અમે કોલકત્તામાં પ્રવેશી ચુક્યા હતા ! કોલકત્તા ની હવા ખુશનુમા લાગી રહી હતી. રસ્તા પર થોડો થોડો ટ્રાફિક, અને એમાં ગાડીઓના હોર્નના અવાજ ! એ ઉપરાંત કાને પડતા થોડા બંગાળી શબ્દો… ! કોલકત્તા આવી ચુક્યું હતું… કાંચી નું કોલકત્તા ! અને લગભગ દસેક જ મિનીટ બાદ અમે છુટા પણ પડી જવાના હતા.

“અરે ઓ ભાવી-લેખક, તું અહીં જ રોકાઈ જા ને… હું તને કોલકત્તા ફેરવીશ !”
“ના… હમણાં નહી… ફરી ક્યારેક આવીશ !”
“પછી ક્યારે ? અને પછી કદાચ એવું પણ બને કે, તું આવે અને, તને કોલકત્તા ફેરવવા માટે ‘હું’ જ ના હોઉં તો…!?”

મારી પાસે એના એ પ્રશ્ન નો કોઈ જવાબ નહોતો.
થોડીવારે ગાડી વિક્ટોરિયા ટર્મિનલ પર આવી પંહોચી…. હવે અમારે છુટા પડવાનું હતું ! હંમેશા માટે…!

“કાંચી, તારો નંબર, કે એડ્રેસ તો આપ… હું તને સંપર્ક કઈ રીતે કરીશ !”
“જરૂર શું છે સમ્પર્ક કરવાની ! આપણો સાથ અહીં સુધી જ હશે.”
“એક કામ કર… મને તારો ઓટોગ્રાફ આપ…!”, કાંચી એ કહ્યું.
“હા… હમણાં કરી આપું.”,કહી હું કાગળ લેવા વળ્યો.
“એક કામ કર રેહવા જ દે… એની પણ કોઈ જરૂર નથી !”, તેણે કહ્યું.
“કાંચી… તારા મરતા પહેલા હું બુક તારા સુધી પંહોચાડવા માંગું છું ! એટલીસ્ટ એની માટે તો એડ્રેસ આપ…”, હું કરગર્યો.
“તારી બુક હું ભેટ નહિ લઉં, ખરીદીને વાંચીશ…!”, એ એની જીદ પર કાયમ રહી.
“પણ તને ખબર કઈ રીતે પડશે… કે મારી બુક આવી ગઈ એમ? તને તો મારું નામ પણ નથી ખબર…!?”

“જેમ તને મારામાં વાર્તા મળી, એમ જ મને પણ તારી લખેલી વાર્તા મળી જ જશે…!”
એ ગાડીમાંથી નીચે ઉતરી, અને મારા દરવાજા તરફ આવી. બારી માંથી સહેજ ઝુકી… અને મને ગાલ પર ચુંબન આપતા બોલી…
“ઓલ ધ બેસ્ટ ફોર યોર ફર્સ્ટ બુક… મી.રાઇટર !”
“કાંચી… એક પ્રશ્ન પુછું !?”
“હા, પૂછ… પણ હવે એમ ન પૂછતો, કે ‘કાંચી, પછી શું થયું..?’, કારણકે પછી કંઇ નથી થયું… !”, કહી એ હસી.
“હું એમ પૂછતો હતો… કે તું મને યાદ કરીશ કે નહી…!?”
“બહુ ભારે પ્રશ્ન પૂછ્યો હં લેખક સાહેબ ! અફકોર્સ, હું તને યાદ કરીશ ! મારી જીવનમાં પુરુષો નો બહુ મોટો ફાળો છે, પછી એ ચાહે બાબા હોય, કે પછી ઇશાન, અંશુમન, કે પછી ચાંદ ! અને તને પણ એક ‘સારા દોસ્ત’ તરીકે યાદ રાખીશ જ…!”

એ બોલી, અને ફરી એકવખત ‘આભાર’ નો ભાર લાદતી, ચાલી નીકળી ! એ મારી નજરો થી દુર થતી ગઈ. ફરી એકવખત એ દુર જઈ રહી હતી, પણ આ વખતે મારી પાસે એને રોકવા માટે કોઈ બહાનું ન’હોતું ! છેલ્લે એ જઈ રહી હતી, ત્યારે મને એક વાર્તા દુર જતી દેખાતી હતી… અને આજે મને તેની સાથે એક જિંદગી દુર જતી દેખાતી હતી ! એક ‘જીવંત-હસતું’ વ્યક્તિત્વ !મારી આંખોમાં સહેજ પાણી તરી આવ્યું, અને હું એ ઝળહળિયાં નયને, એને નિષ્પલક રહી એને જતા જોઈ રહ્યો !

~ Mitra


Read Full Novel Here : – ( પ્રકરણ – ૧ ) | ( પ્રકરણ – ૨ ) | ( પ્રકરણ – ૩ ) | ( પ્રકરણ – ૪ ) | ( પ્રકરણ – ૫ )( પ્રકરણ – ૬ )( પ્રકરણ – ૭ ) | ( પ્રકરણ – ૮ ) | ( પ્રકરણ – ૯ ) | ( પ્રકરણ – ૧૦ ) | ( પ્રકરણ – ૧૧ ) | ( પ્રકરણ – ૧૨ ) | ( પ્રકરણ – ૧૩ ) | ( પ્રકરણ – ૧૪ ) | ( પ્રકરણ – ૧૫ ) | ( પ્રકરણ – ૧૬ ) | ( પ્રકરણ – ૧૭ ) | ( પ્રકરણ – ૧૮ ) | ( પ્રકરણ – ૧૯ ) | ( પ્રકરણ – ૨૦ ) | ( પ્રકરણ – ૨૧ ) |

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.