Gujarati Writers Space

કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૭ )

લગભગ એક-દોઢ કલાક સુધી અમારી વચ્ચે શાંતિ છવાઈ રહી ! ગાડી પુરઝડપે હાઇવે પર દોડી રહી હતી. વરસાદી મોસમમાં આજુબાજુ બધે હરિયાળી પથરાયેલી હતી… અને કાંચી એની મજા લેતા, વિચારોમાં ગળાડૂબ રહી, બારી બહાર જોઈ રહી બેઠી હતી.

અને પછી અચાનક બોલી, “મને ભૂખ લાગી છે… ! કંઇક ખાવાનું છે…?”
“ના… હું જોડે તો કંઇ લઇ નથી આવ્યો. પણ આગળ ક્યાંક હોટલ આવે, એટલે રોકાઈએ… ભૂખ તો મને પણ લગી જ છે !”, અને હું ગાડી ચલાવતા ચલાવતા, જોડે હોટલની શોધમાં પડ્યો.

દસેક મિનીટ બાદ, અમે એક નાનકડી હોટલ પર રોકાયા. ત્યાં મોટાભાગે ટ્રક ડ્રાઈવરો, અને જોડે તેમના કલીનરો હતા. બેસવા માટે ખાટલાઓ પાથરેલા હતા. અમે જઈને ગોઠવાયા. એક યુવાન છોકરો આવી, અમારો ઓર્ડર લઇ ગયો.

મારી ઈચ્છા હતી, કે એ હવે એની વાત કહેવી શરુ કરે તો સારું ! પણ એ તો જમવામાં જ એટલી વ્યસ્ત હતી, કે આજુબાજુનું તો જાણે કઈ ભાન જ નહોતું !
અમે જમવાનું પતાવ્યું, અને મેં પેમેન્ટ કર્યું.

“અરે, એક સિગારેટ નું બોક્સ લઇ લે ને… મને રસ્તામાં પીવા જોઇશે… !”, હોટલમાંથી નીકળતી વખતે એણે કહ્યું.

“હા, લઇ આવું…”, કહી હું હોટલમાં ગયો. હું એની એવી માંગણીથી જરા સ્તબ્ધ થઇ ચુક્યો હતો. આ સિગારેટ પણ પીતી હશે, એવું મેં ધાર્યું પણ ન હતું.

મેં બોક્સ ખરીદી ખિસ્સામાં મુક્યું, અને ફરી કાર નજીક ગયો.
“એક કામ કર… મને એક સિગારેટ હમણાં જ આપી દે ! મને જમ્યા પછી સિગારેટ પીવાની આદત છે…”

મેં એક સિગારેટ કાઢી એને આપી. અને એણે હોઠ વચ્ચે દબાવી, માચીસ માંગી. મેં ખિસ્સામાં પડેલ લાઈટર કાઢ્યું, અને ચાલુ કરી, એને સિગારેટ સળગાવી આપી ! એ આરામથી કશ ખેંચી રાખી, હવામાં ધુમાડાના ગોટા ઉડાવ્યે જતી હતી… ! અને હું એને મોઢું ફાડીને જોઈ રહ્યો હતો ! અલબત, દુર બેઠેલા ડ્રાઈવરો, અને ક્લીનર છોકરાઓ પણ એને ત્રાંસી નજરોએ જોઈ લેતા હતા ! અને કદાચ એને પણ એનો અંદાજો હતો જ !

“તું સિગાર નથી પીતો…?”, એણે મારા મોઢા પર જ ધુમાડો છોડતા કહ્યું. જેનાથી મને ખાંસી આવી ગઈ, “પીવું છું… પણ ક્યારેક જ…!”

“લે, આ સિગારેટ… પી હમણાં !”, કહી એણે મને એની સિગાર ધરી.
મેં લઇ, હોઠ વચ્ચે દબાવી, અને એક કશ ખેંચ્યો. મને જાણે એ સિગારેટના ઠુંઠા પર એની લીપ્સ્ટીક નો સ્વાદ આવી રહ્યો હતો, કે પછી એના અધરો નો… ! મેં ક્યાંક વાંચ્યું હતું, કે આવી રીતે સિગારેટ પીવાની પદ્ધતિ ને ‘પેસીવ કિસિંગ’ પણ કહેવાતી હોય છે… ! તો એનો મતલબ, ‘મેં અને કાંચી એ હમણાં પેસીવ કિસિંગ કર્યું…?’, એ વિચાર સાથે હું એને જોઈ રહ્યો !

“આમ શું જોવો છો લેખક સાહેબ? ક્યારે કોઈ છોકરી સાથે સિગારેટ નથી પીધી કે શું…?”, કહી એ હસી પડી. મેં એને સિગાર પાછી આપી, અને કારમાં જઈ બેઠો. થોડીવારે એણે સિગારેટ પગ નીચે દબાવી બુઝાવી,અને કારમાં ગોઠવાઈ.

“તું થાક્યો હોય તો લાવ હું ડ્રાઈવ કરી લઉં…”
“ના, ના.. હું ચલાવી લઈશ ! તું તારી વાત ચલાવ હવે…”, મારાથી ઉતાવળમાં આગ્રહ થઇ ગયો.
કદાચ મારે એં ન’હોતું કરવું જોઈતું… પણ હવે બોલ્યા બાદ કરી પણ શું શકાય !

હું તેનાથી નજરો ચુરાવતો બેસી રહ્યો,અને મન ગાડી ચલાવવામાં પરોવવા લાગ્યો. એ પાણીની જેમ શાંત બની બેસી રહી.

“મને ખબર છે, તને મરી વાતમાં રસ પડી રહ્યો છે,”, એણે કહ્યું, “પણ મારી સાથે એટલી બધી ઘટનાઓ ઘટી ચુકી છે કે,કયાંથી શરુ કરવું, શું કહેવું… શું છોડી દેવું,એ મને જ નથી સમજાતું…”
હું ચુપચાપ એને જોઈ રહ્યો. એ ખરેખર મુંજવણમાં લાગતી હતી !

અને એની વાત પણ વ્યાજબી જ હતી, જયારે અન્ય વિષે કંઇ કહેવું હોય ત્યારે આપણે ખુબ સરળતાથી બોલી જતા હોઈએ છીએ… પણ આપણા પોતાના વિષે બે વાક્ય બોલતા પણ અચકાઈ જવાતું હોય છે ! કાંચીએ કહ્યું એમ, શરૂઆત ન છેડો જ ન મળે !

“હમમમ…. શરુ ક્યાંથી કરું, એ હજી પણ નથી જ સમજાતું… પણ જો શરુ જ નહી કરું, તો પૂરું ક્યારેય નહિ થાય. ક્યાંક ને ક્યાંકથી તો શરુ કરવું જ પડશેને…. !”

હું હવે ઉત્સુક થઇ ચુક્યો હતો, ફાઈનલી એ એની વાત કહેવા જઈ રહી હતી !
“હું મારા માતા-પિતાની એક ની એક દીકરી છું. અલબત મારા જન્મ બાદ તેમણે બીજા સંતાન માટે પ્રયાસ કર્યા હતા, પણ એમના નસીબમાં ફક્ત હું એક જ લખેલી હતી !

મારા જન્મ પહેલા, જયારે હું મા ના પેટમાં હતી, ત્યારથી પરિવારના બધા અટકળો લગાવતા કે, દુર્ગા ને, એટલે કે મારી મા ને છોકરો જ આવશે… ! અને એ માટે વિવિધ મન્નતો, ટુચકાઓ પણ થયા કરતા ! પણ બધું અસફળ થયું, અને હું આવી ! દુર્ગાના પેટે, ઘરમાં લક્ષ્મી અવતરી હતી. પણ કોઈને એની કોઈ ખાસ ખુશી ન હતી ! માત્ર એક જ વ્યક્તિ ખુશ હતી… મારા બાબા !”

એના ચેહરા પર એક પ્રેમભર્યું સ્મિત આવ્યું. અને એ જોઈ હું સહેજ મલક્યો !
“મારા બાબા… એ ખરેખર એક અલગ જ માટીના બનેલા છે ! એમણે ક્યારેય મને એવું નથી લાગવા દીધું કે, હું એમની દીકરી છું, તેમણે મને એક દીકરા તરીકે જ ઉછેરી છે… ! બેશક, એક બાપ-દીકરી વચ્ચે એક અલગ જ નાતો હોય છે… પણ મારા બાબા… ! મારા બાબા મારા માટે એથી પણ વિશેષ છે… !

અને તેમણે મને આપેલું આ નામ… ‘કાંચી’ ! આ નામમાં કંઇક એવું છે જે મને ખુબ જ ગમે છે. આજે પણ મને કોઈ બીજું નામ પસંદ કરવાનું કહે તો પણ હું કાંચી જ પસંદ કરું !”, કહી એ હસવા માંડી.
“મારા જન્મ બાદ થોડા જ વર્ષોમાં મા નું દેહાંત થઇ ગયું. અને મારા બાબાના માથે એક મા બીનાની દીકરી ઉછેરવાની જવાબદારી આવી ! બાબા રેલ્વેમાં કર્મચારી હતા. માટે નોકરી માટે અવારનવાર બદલીઓ થતી રેહતી ! આજે કોલકત્તા તો ક્યારેક, દિલ્હી, તો ક્યારેક પટના ! બાબાની નોકરીના કારણે મને ફાયદો પણ થયો છે, અને નુકસાન પણ ! ફાયદો એ થયો, કે લગભગ હું અડધા ઉપરનું ભારત ફરી ચુકી છું, જાતજાતના લોકોને મળી છું, તેમના પાસેથી ઘણું શીખી છું ! અને નુકસાન એ થયું કે, ક્યારેય એ લોકો મારા જીવનમાં કાયમી સ્થાન નથી પામી શકયા… !”, એના ચેહરા પર પળભર માટે ઉદાસી આવી અને ફરી એકાએક ઉડી ગઈ !

નોકરીઓ બદલાતી રેહ્વાથી, મારી સ્કૂલિંગ માં પણ ઘણી વિવિધતાઓ આવતી રહી છે ! હું અલગ અલગ રાજ્યો માં અલગ અલગ ધોરણો ભણી છું. હા, ક્યારેક પરીક્ષાઓ દરમિયાન તકલીફ પણ પડતી જ રહી છે ! અને સૌથી મોટી વાત… મેં ક્યારેય બાળપણ જોયું જ નથી ! મા ના ગયા બાદ, જાણે હું રાતોરાત જવાનીમાં પ્રવેશી ચુકી હતી. હું હવે ધીરે ધીરે રસોઈનું કામ શીખતી ! શરૂઆતમાં બાબા ખીચડી બનાવી લેતા, અને અમે બંને જમી લેતા ! પછી મેં શીખવાનું શરુ કર્યું… ! બાબાના રેલવેના એ નાના પગારમાંથી ઘર કઈ રીતે ચાલવવાનું છે, કઈ વસ્તુ કેટલી લાવવાની છે, કઈ નથી લાવવાની… એ બધું હું ઘણી નાની ઉમરે શીખી ગઈ હતી !

એક મા વિનાની છોકરીને ઉછેરવામાં એક બાપને શું તકલીફ પડે, એ કદાચ તું કલ્પી પણ નહિ શકે ! એનો પહેલો અંદાજો મને મારા 12મા વર્ષે આવ્યો હતો ! જયારે મને ઋતુચક્ર ની શરૂઆત થઇ હતી ! હું બાબાને વાત કરતા શરમાતી હતી, પણ એ પુરુષ જાણે મને મારી આંખો થી જ સમજતો હતો ! એને વાતનો તાગ મેળવવામાં સહેજ પણ વાર ન લાગી ! એ દિવસે મેં ખરેખર જુવાનીના ઉંબરે પગ માંડ્યો હતો !

બાબાએ બધી શરમ સંકોચ નેવે મૂકી દઈ, એક મા પોતાની પુત્રીને સમજાવે તેમ, એ જૈવિક શારીરિક ક્રિયા વિષે સમજાવ્યું હતું ! એ ઉપરાંત મને મારા બીજા શારીરિક ફેરફાર વિષે સમજાવ્યું, હવે મારે કઈ બાબતે સજાગ રેહવું એ જણાવ્યું, શું કરવું, શું ન કરવું… લગભગ બધું જ…. ! અને છેલ્લે એક વાત બોલ્યા, “કાંચી… હવે તું મોટી થઇ રહી છે !”

અને ત્યારે હું એમને કહેવા માંગતી હતી, “બાબા, તમારી કાંચી તો ક્યારનીય મોટી થઇ ગઈ હતી !”
એ વાક્ય સાથે કાંચી ની આંખ ભીંજાઈ આવી… !

~ Mitra


Read Full Novel Here : – ( પ્રકરણ – ૧ ) | ( પ્રકરણ – ૨ ) | ( પ્રકરણ – ૩ ) | ( પ્રકરણ – ૪ ) | ( પ્રકરણ – ૫ )( પ્રકરણ – ૬ )( પ્રકરણ – ૭ ) | ( પ્રકરણ – ૮ ) | ( પ્રકરણ – ૯ ) | ( પ્રકરણ – ૧૦ ) | ( પ્રકરણ – ૧૧ ) | ( પ્રકરણ – ૧૨ ) | ( પ્રકરણ – ૧૩ ) | ( પ્રકરણ – ૧૪ ) | ( પ્રકરણ – ૧૫ ) | ( પ્રકરણ – ૧૬ ) | ( પ્રકરણ – ૧૭ ) | ( પ્રકરણ – ૧૮ ) | ( પ્રકરણ – ૧૯ ) | ( પ્રકરણ – ૨૦ ) | ( પ્રકરણ – ૨૧ ) |

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.