Gujarati Writers Space

કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૩ )

સવારના વહેલા પહોરમાં હું મારું બેગ પેક કરી, કારમાં નાખી મુસાફરી પર જવા તૈયાર હતો. અને ત્યાં જ મારો ફોન રણક્યો ! મોબાઈલ સ્ક્રીન પર મી.બંસલ નું નામ ફ્લેશ થઇ રહ્યું હતું. મેં ફોન કટ કર્યો અને ગાડીમાં ડ્રાઈવર સીટ પર ગોઠવાયો. અને ત્યાં જ ફરી મારો ફોન રણક્યો…

“યસ મી. બંસલ… ગુડ મોર્નિંગ !”
“ગુડ મોર્નિંગ ના બચ્ચાં… મારો ફોન કટ કરે છે, એમને !? અને પહેલા મને એમ કહે, કે તું જઈ ક્યાં રહ્યો છે એમ બોલ ? હમણાં જ લીનાનો મારી પર ફોન આવ્યો હતો, કહેતી હતી કે, સર ક્યાંક બહાર ‘ફરવા’ જઈ રહ્યા છે !”, ફરવા શબ્દ પર એમણે થોડો વધારે ભાર મુક્યો.

ઘડીભર મને લીના પર રોષ ચઢી આવ્યો. “તમારી સ્ટોરીના કામ અર્થે જ જઈ રહ્યો છું…”, મેં શાંત રહી જવાબ આપતાં કહ્યું.

“વ્હોટ ડુ યુ મીન…? તારે તો હમણાં, ચોટલી બાંધીને મારી સ્ટોરીની પાછળ મચી જવું જોઈએ… અને તું છે કે, તને ફરવાનું સુઝે છે… ! યુ આર વેરી અનપ્રોફેશનલ !”

“મી.બંસલ… તમે મને થોડો ટાઇમ આપ્યો છે ને…? તો બસ, મને મારું કામ કરવા દો…”
“અરે પણ… આમ કેમ…?”, એમની વાત અધુરી રહી ગઈ. અને મેં ફોન કાપી નાંખ્યો.
ફોન સ્વીચઓફ કરી દઈ, એક ઊંડો નિસાસો નાખ્યો. અને ગાડી સ્ટાર્ટ કરી !

થોડી જ વારમાં ગાડી મુંબઈની સડકો પર દોડતી થઇ ગઈ. વહેલી સવારે ટ્રાફિક પણ ઓછો હતો, અને વાતાવરણ પણ ઘણું ખુશનુમા હતું… કદાચ એક સારી શરૂઆત નો શુભ સંકેત ! પણ મારે જવું ક્યાં હતું..? એ તો મને પણ ખબર ન’હોતી… !

હા, થોડું અજીબ તો લાગે જ કે, ‘ક્યાં જવું છે…? કેટલા દિવસ જવું છે…? અને શું કામ જવું છે…?’, આવા મૂળભૂત પ્રશ્નો ના મારી પાસે કોઈ જવાબ ન હતા. અને કદાચ એટલે જ આ મુસાફરી કંઇક રોમાંચ ભરી લાગતી હતી !

એકાદ કલાક બાદ હું મુંબઈ ની સડકો પાછળ મૂકી, મુંબઈ બહાર આવી પંહોચ્યો હતો. બાજુની સીટ પર મારી નાની બેગ મુકેલ હતી, જે મને વારંવાર આકર્ષી રહી હતી. એમાં મેં કાગળ, પેન, પાટિયું… અને લખાણ ને માટે જરૂરી, બીજી અન્ય થોડી સામગ્રીઓ લીધી હતી. અને રસ્તાની આજુબાજુ પથરાયેલી વનરાઈ જોઈ, હમણાંથી જ મનમાં શેર અને કવિતાઓ, ઉગવા માંડ્યા હતા. મને પોતાને આવું કંઇક અજુગતું કરવાની મઝા પડી રહી હતી.

રાત્રે જ ઊંઘમાં વિચાર કર્યો હતો, કે કોઈક ટેકરી ની ચોટી પર બેસી, કે પછી નદીના કાંઠે બેસી… અથવા તો પ્રકૃતિ ની ગોદમાં ક્યાંય પણ હું મારા કામની શરૂઆત કરીશ… ! અને એ વિચાર માત્ર થી મન પ્રફુલ્લિત થઇ ઉઠ્યું હતું. અને હમણાં હું એવી જ કોઈક જગ્યા ની શોધમાં હતો.

ગાડી પુરઝડપે આગળ વધતી જતી હતી… અને હું વિચારોમાં દુર ને દુર ચાલ્યો જતો હતો !
મને ઘરેથી નીકળ્યે પણ લગભગ બે-અઢી કલાક થઇ ચુક્યા હતા… પણ હજી કોઈ, મન લલચાવી જાય એવી કોઈ જગ્યા ધ્યાન પર આવી ન હતી !

રસ્તા પરના થોડાક વળાંકો બાદ, થોડીક દુર એક ટેકરી નજરો એ પડી. અને એ કદાચ એવી જ જગ્યા હતી, જે હું શોધી રહ્યો હતો. મેં ગાડી હાઇવે પરથી ઉતારી લઇ, એ તરફ હંકારી !

થોડી જ ક્ષણોમાં હું એક પગદંડી પર આવી અટકી પડ્યો. મેં ગાડી ઉભી રાખી. અને બેગ લઇ નીચે ઉતર્યો. પગદંડી ની દિશા તરફ તાકી રહી, ‘આજુબાજુ એકાદ નાનું ગામ હશે’, એમ મેં અનુમાન કર્યું.
હું એ નાનકડી ટેકરી પર ચડવા લાગ્યો. જમીન પર ઉગી નીકળેલી, ઘાસની નાની નાની કુપળો, મારા ભારેખમ બુટ નીચે દબાતી ગઈ, અને પગ ઉપાડતાં, એ જવાન કુંપળો ને એકાએક બુઢાપો આવી ગયો હોય, એમ સહેજ જુકીને ઉભી રહી જતી !

હું ટેકરી ની ટોચ પર આવી પંહોચ્યો. ત્યાંથી દેખાતો નજારો… ! આહા… ! અદભૂત ! ચારેય તરફ હરિયાળી જ હરિયાળી ! ક્યાંક પક્ષીઓ ના મીઠા ટહુકા, તો ક્યાંક નાના જીવડાંઓ નો અવાજ…. ! અને જોડે થોડેક દુર દેખાતો મેઈન-હાઇવે, અને તેના પરથી પસાર થતાં વાહનોનાં હોર્નના, હળવાં છતાં કર્કશ અવાજો !

ટેકરી પર થોડા મધ્યમ કદના વૃક્ષો હતા, અને કિનારા પર બે મોટા પથ્થર પડેલા હતા. એટલા મોટા કે પાછળ કોઈ વ્યક્તિ છુપાઈ જાય, તો પણ સામેની બાજુથી અંદાજ ન આવે !

હું એક સાફ જગ્યા જોઈ બેસી ગયો, અને બેગ ખોલી. કાગળ અને પેન હાથમાં લીધા… અને પેન હોઠ પર અડાવી વિચારવા લાગ્યો.

મનમાં એક સાથે અનેક વિચારો આવતાં… થોડાક ક્ષણભર માટે રોકાતા, અને ફરી ચાલી નીકળતાં !
મેં એક વિચાર પર લખવાનું શરુ કર્યું… એક પેજ, બે પેજ… અને ફરી એ વિચાર પ્રત્યે અણગમો ! અને પેજનો ડૂચો વાળીને ઘા !

આવું લગભગ બે કલાક સુધી ચાલ્યું. હવે તો સુરજ પણ માથે ચઢી આવ્યો હતો… પણ વાતાવરણમાં હજી પણ એવી જ ઠંડક હતી, જે સવારે હતી !

મારી ચારેય બાજુ કાગળના વિવિધ સાઈઝના ડૂચાઓનો ઢગલો થઇ ગયો હતો. હું ફરી, એક બીજા વિચાર ને કાગળો પર ઉતારવાની મથામણમાં પડ્યો.

એકાએક પાછળથી, ટેકરી પર ચઢવાના રસ્તે મને થોડોક અવાજ સંભળાવા લાગ્યો, અને જોડે જોડે, થોડીક હલચલ અનુભવવાઇ ! હું એ તરફ ફર્યો.

બે છોકરીઓ ટેકરી ની ઉપર તરફ આગળ વધી રહી હતી. તેમાંની એક માંડ ૧૪-૧૫ વર્ષની લગતી હતી, અને વિચિત્ર વાત તો એ હતી, કે એ નાની છોકરીએ નવવધુ ના કપડાં માં હતી. અને એ જોઈ હું જરા ડઘાઈ ગયો ! તેની જોડે હતી એ છોકરી… ના એ કદાચ ‘સ્ત્રી’ હતી. એણે સ્કાય બ્લ્યુ કલરની સાડી પહેરેલી હતી. અને એ બંને હાંફતા, સહેજ ડરતા ઉપર તરફ આગળ આવી રહી હતી !

મને ત્યાં જોઈ, પેલી સ્ત્રી જરા ચમકી અને પેલી છોકરીને આગળ કરી, પથ્થરો પાછળ જવા આગળ વધી. અને ક્ષણભરમાં બંને પથ્થરો પાછળ અલિપ્ત થઇ ગઈ. જતા જતા, પેલી સ્ત્રીએ મારી તરફ જોતાં, હોઠ પર આંગળી મૂકી, મને ચુપ રેહવાનો ઈશારો કર્યો !

હું કંઇ સમજી ન શક્યો, કે આખરે આ થઇ શું રહ્યું હતું !? હું કાગળ, પેન બાજુએ મૂકી, ઉભો થયો. અને ધીરે ધીરે એ મોટા પથ્થરો તરફ ચાલવા લાગ્યો. પણ ત્યાં જ મને ટેકરી ના નીચેના ભાગેથી બુમ સંભળાઈ…

“અરે ઓ શહેરી બાબુ… કોઈ દો લડકિયોં કો યહાં સે જાતે હુએ દેખે ક્યા…?”, હાથમાં ભારેખમ લાકડીઓ લઇ પાંચ-સાત પુરુષો ઉભા હતા. તેમનો પહેરવેશ ગામઠી હતો… અને મારા પહેરવેશ પરથી તેમણે મને ‘શહેરી બાબુ’ તરીકે સંબોધ્યો હતો.

“નહી ચાચા… મેં કબ સે યહીં પર હું… ! યહાં ઇસ્સ તરફ કોઈ નહી આયા…”, પેલી સ્ત્રી ના ઈશારા ની ગંભીરતા સમજી હું તેમને જુઠું બોલ્યો ! તેઓ જરા ચર્ચાઓ કરવામાં પડ્યા, અને ફરી ગામ તરફ જતી પગદંડી તરફ ચાલવા માંડ્યા.

“મેડમ… તમે બહાર આવી શકો છો… એ બધા ચાલ્યા ગયા છે…”, મેં પથ્થરો તરફ જોઈ રહી કહ્યું. અને એ બંને બહાર આવી. પેલી નાની છોકરી રડવા માંડી હતી, અને પેલી સ્ત્રી બચી જવાનો હાશકારો અનુભવતી હોય એમ ઊંડો શ્વાસ લઇ છોડ્યો.

“થેંક યુ ફોર યોર હેલ્પ… !”, એ સ્ત્રી બોલી.
“પણ મને જરા સમજાવશો… આ બધું થઇ શું રહ્યું છે? અને આ છોકરી…? એ દુલ્હનના કપડામાં કેમ છે…?”
“એ બધું હું તમને હમણાં નહિ જણાવી શકું… !”, કહી એ છોકરીને શાંત પાડવામાં લાગી. અને પછી અચાનક કંઇ યાદ આવ્યું હોય એમ બોલી, “ટેકરી નીચે જે કાર ઉભી છે, એ તમારી છે…?”

“હા…”, મેં ટૂંકમાં જવાબ આપ્યો.
“થેંક ગોડ ! તમે મારી નાની એવી મદદ કરશો…?”, એના સ્વરમાં આજીજી ભળી ચુકી હતી.
“કેવી મદદ…?”
“અમને બંને ને મારા એન.જી.ઓ. સુધી પંહોચાડી દેશો તો તમારો ખુબ ખુબ આભાર…”
“ક્યાં છે, તમારું એ એન.જી.ઓ. ?”
“જી મુંબઈ થી બહાર તરફ આવતાં રસ્તામાં પડે છે…”
“ઓકે વાંધો નહિ… ચાલો !”, કહી હું મારા કાગળ અને પેન લેવા પાછો ફર્યો.

એ બંને મારા કાગળના ડુચાઓને જોઈ રહી.
“…પણ તમારે મને રસ્તામાં આખી વાત કરવી પડશે… !”, ટેકરી ઉતરતા-ઉતરતા મેં કહ્યું.
“ચોક્કસ… તમે અમારી મદદ કરી રહ્યા છો, તો તમને હક છે આખી વાત જાણવાનો… !”
ટેકરી ઉતરી, અમે કારમાં ગોઠવાયા.

~ Mitra


Read Full Novel Here : – ( પ્રકરણ – ૧ ) | ( પ્રકરણ – ૨ ) | ( પ્રકરણ – ૩ ) | ( પ્રકરણ – ૪ ) | ( પ્રકરણ – ૫ )( પ્રકરણ – ૬ )( પ્રકરણ – ૭ ) | ( પ્રકરણ – ૮ ) | ( પ્રકરણ – ૯ ) | ( પ્રકરણ – ૧૦ ) | ( પ્રકરણ – ૧૧ ) | ( પ્રકરણ – ૧૨ ) | ( પ્રકરણ – ૧૩ ) | ( પ્રકરણ – ૧૪ ) | ( પ્રકરણ – ૧૫ ) | ( પ્રકરણ – ૧૬ ) | ( પ્રકરણ – ૧૭ ) | ( પ્રકરણ – ૧૮ ) | ( પ્રકરણ – ૧૯ ) | ( પ્રકરણ – ૨૦ ) | ( પ્રકરણ – ૨૧ ) |

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.