Gujarati

હું કામરાજ છું ખાટલા પર બેસીને પણ ચૂંટણી જીતી શકુ : અને હારી ગયા

કુમારસ્વામી કામરાજના નામે ઓળખાતા આ વ્યક્તિનો પગ ભાંગી ગયો હતો. ચૂંટણી માથા પર હતી અને પ્રચાર કરવો ફરજીયાત હતો. કામરાજની અગાઉની જીતને જોતા લોકો પણ એ વાત માનતા હતા કે કામરાજ ચૂંટણી જીતી જશે, પણ દાવ ઉલ્ટો પડી ગયો. કામરાજ હારી ગયા. કામરાજને હારી ગયા તેનું દુખ નહોતું, પણ તમિલનાડુમાં અભિનેતાઓની પાર્ટી તરીકે ખ્યાતનામ એવી DMK જેવી નવી સવી પાર્ટીના નવાસવા નિશાળીયા છોકરાએ કામરાજને હરાવી દીધા હતા. અનુભવી કે. કામરાજને હરાવી દીધા હતા ! જેમણે સત્તાની લાલસા છોડી કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયા અને દેશને એક નહીં પણ બે-બે વડાપ્રધાન આપ્યા.

કામરાજનો ચહેરો સરદાર વલ્લભભાઈ પટેલથી મળતો આવતો હતો. તમિલનાડુમાં 15 જુલાઈ 1903ના રોજ જન્મ થયો. જ્યાં જન્મ થયો ત્યાંની જ પરંપરાગત સીટ પરથી તેઓ ચૂંટણી લડતા રહ્યા. તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા. સમગ્ર ભારતને પહેલીવાર મીડ-ડે મિલ જેવી યોજના આપી હતી. ચૈન્નઈના બીચ પર તેમની બાળકો સાથેની પ્રતિમા જોશો તો ખ્યાલ આવી જશે. એમનું બાળપણ ખૂબ ગરીબીમાં વિતેલું એટલે નક્કી કર્યું કે હું જ્યારે સત્તામાં આવીશ ત્યારે બાળકોને રખડવા નહીં દઉં, ભૂખ્યા નહીં રહેવા દઉં, ખૂબ ભણાવીશ, સારા કપડાં અપાવીશ. અરે, આઝાદી મળ્યાના 15 વર્ષમાં કામરાજે તમિલનાડુના તમામ ગામોમાં વિજળી પહોંચાડી દીધેલી.

સત્તામાં રહેવા છતાં તેમને કોંગ્રેસ પાર્ટીની ચિંતા થતી હતી. કારણ કે પાર્ટીમાં હવે સત્તાના ભૂખ્યા લોકો વધવા લાગ્યા હતા. જવાહરલાલ નહેરૂના નિધન પહેલા જ તેમણે મુખ્યમંત્રી પદ છોડ્યું અને જવાહરલાલ નહેરૂને કોંગ્રેસ પાર્ટીની સેવા કરવા માગતા હોવાનું કહ્યું. આઝાદ ભારત દેશ વિશે બીજા દેશો એવી વાતો કરતા હતા કે, નહેરૂના મૃત્યું બાદ ભારત પાકિસ્તાન બની જશે અને ત્યાં પણ લશ્કરી શાસન લાગી જશે. ભારત પાસે ત્યારે નહેરૂ બાદ કોણ ? તેનો કોઈ વિકલ્પ નહોતો. જે હતાં તે સત્તાના ભૂખ્યા લોકો હતા. એવા સમયે કામરાજે દિલ્હીમાં અને ખાસ તો નહેરૂના દિલમાં એન્ટ્રી મારી.

આ તરફ રાજનીતિમાં જવાહરલાલ નહેરૂ પછી વડાપ્રધાન બનવાની હોડ લાગી હતી. મહારાષ્ટ્ર અને ગુજરાત જ્યારે એક હતા ત્યારે મોરારજી દેસાઈ મુખ્યમંત્રી હતા. વડાપ્રધાન બનવાના તેઓ મોટા દાવેદાર હતા. બીજા અર્થમાં તેમને વડાપ્રધાનની ગાદી મેળવવા માટેના અભરખા હતા. સેકન્ડ નંબર પર યુપીના ખેડૂત લાલ બહાદુર શાશ્ત્રી હતા, જે સૌમ્ય મિજાજના માણસ હતા, પણ જવાહર લાલ નહેરૂને અંદરખાને દિકરી ઈન્દિરાને સત્તા મળે તેવી ઈચ્છા હતી. ઈન્દિરા માટે આ માર્ગ સરળ નહોતો કારણ કે 1959માં ટૂંકા ગાળા માટે જ્યારે ઈન્દિરા કોંગ્રેસની અધ્યક્ષ બનેલી ત્યારે કદાવર નેતાઓ કોપાયમાન થઈ ગયા હતા. જો આપખુદશાહીની માફક નહેરૂ ઈન્દિરાને પોતાની ઉત્તરાધિકારી બનાવી દે તો સાફ વાત છે લોકશાહી નામની જ રહી જાય. આ સમયે કામરાજની એન્ટ્રી નહેરૂ માટે સારી ક્વોલિટીનો કપાયેલો પતંગ મહેનત વિના હાથમાં આવી ગયા બરાબર હતો. જેને આવતી મકરસંક્રાંતિમાં પણ ચગાવી શકો (!)

1954માં પહેલી વખત તમિલનાડુના મુખ્યમંત્રી બનેલા કામરાજ નહેરૂના રાજકીય વિરોધી હતા. એ સમયના તમિલનાડુના ગવર્નર ચક્રવર્તી રાજગોપાલાચારીએ તેમને તમિલનાડુમાંથી હાંકી કાઢ્યા હતા. 1962માં તેમણે ફરી DMK પાસેથી સત્તા આંચકી હતી. પણ હવે સત્તામાં રાસડા રમી રમીને થાકેલા કામરાજ નહેરૂ પાસે પહોંચ્યા હતા. તેમણે નહેરૂને કહ્યું, ‘હું મુખ્યમંત્રીનું પદ છોડવા માગુ છું અને કોંગ્રેસ પાર્ટી માટે કામ કરવા માગુ છું.’ આ પાછળનું કારણ જ્યારે નહેરૂએ તેમને પૂછ્યું તો કામરાજે કહ્યું, ‘કેટલાક લોકો વૃદ્ધ થઈ રહ્યા છે અને તેમનામાં સત્તા મેળવવાનો લોભ વધતો જઈ રહ્યો છે.’ નહેરૂને કામરાજની વાતમાં દિકરી ઈન્દિરાનું વડાપ્રધાન બનવાનું એડમિશન દેખાયું.

કામરાજે આવતા વેત CWCની મિટિંગ બોલાવી લીધી. જેના પ્રતાપે 6 મુખ્યમંત્રી અને 6 કેબિનેટકક્ષાના નેતાઓએ રાજીનામા દેવા પડ્યા. કેબિનેટ મંત્રીઓમાં પોતાનું મુત્ર પી સ્વસ્થ જીવન જીવવાની એષણા રાખનારા મોરારજી દેસાઈ, ખેડૂતોના મસિહા લાલ બહાદુર શાશ્ત્રી, બાબુજીના હુલામણા નામે ઓળખાતા બાબુ જગજીવનરામ જેવા નેતાઓનો સમાવેશ થતો હતો. જ્યારે મુખ્યમંત્રીઓમાં ઉત્તર પ્રદેશના ચંદ્રભાનું ગુપ્ત, મધ્યપ્રદેશના મંડલોઈ, ઓરિસ્સાના બીજુ પટનાયક હતા. આ તમામ નેતાઓ મળેલી સત્તા અને પ્રધાનમંત્રી બનવાની આરઝુ આમ બેધારી રાજનીતિ રમી રહ્યા હતા. કામરાજની કામગીરીના કારણે નહેરૂએ તેમને કામના માનીને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર આરૂઢ કરી દીધા.

એક વખત લટાર મારતા સમયે કામરાજે નહેરૂના દિલની વાત પૂછી લીધી, ‘તમારા ઉત્તરાધિકારીના રૂપે કોને જુઓ છો?’ નહેરૂએ એ જ ઘડીએ અટક્યા વિના જવાબ આપી દીધો, ‘ઈન્દિરાને.’ 1964માં જવાહરલાલ નહેરૂનું નિધન થયું. ભારતની હાર થયેલી તે ઈન્ડો-ચાઈના વોર બાદ નહેરૂ પ્રેશરમાં હતા. નહેરૂની વિદાય બાદ હવે લોકોના જનમાનસ પર અસર કરે તેવો નેતા શોધવા કામરાજ દોડધામ કરવા લાગ્યા. તેમને ખબર પડી ગઈ કે દોડાદોડી કરવામાં માત્ર એ નહીં પણ મોરારજી દેસાઈ પણ છે. મોરારજી દેસાઈમાં સત્તાની લાલસા ઘર કરી ગઈ હતી. કામરાજને લાગતું હતું કે, જો ઈન્દિરા પહેલા મોરારજીને વડાપ્રધાન બનાવીશ તો મોરારજી કોઈ દિવસ સત્તાનો ત્યાગ નથી કરવાના એટલે તેમણે બીજુ નામ શોધવાની કવાયત આદરી દીધી. મોરારજી સામે કામરાજે ઉભા કર્યા લાલ બહાદુર શાશ્ત્રીને. જે નહેરૂ વિચારસણી ધરાવતા હતા. કામરાજે લાલ બહાદુર શાશ્ત્રીને વડાપ્રધાન પદ અંગે પૂછ્યું ત્યારે તેમણે સત્ય ઉચ્ચાર્યું,‘જો હું એક વર્ષ વડાપ્રધાન રહ્યો તો માત્ર ઈન્દિરા જ દાવેદાર રહેશે, પણ જો હું પાંચ વર્ષ વડાપ્રધાન રહ્યો તો ઘણા બધા દાવેદાર હશે.’ આખરે મોરારજીને સમજાવીને લાલ બહાદુર શાશ્ત્રીને તખ્ત પર આસીન કરવામાં આવ્યા. ઈન્દિરા ગાંધીને કેબિનેટમાં સ્થાન મળ્યું અને તે ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગના મિનિસ્ટર બન્યા. જેના તેઓ ભવિષ્યમાં છોતરા ઉડાવવાના હતા.

જાન્યુઆરી 1966માં લાલ બહાદુર શાશ્ત્રીનું નિધન થયું. રશિયામાં તાશ્કંદ કરાર પર હસ્તાક્ષર કર્યા પછી પોતાના રૂમમાં ગયા અને પાછા ન ફર્યા. વિદેશની ધરતી પર મૃત્યું પામનારા ભારતના એ પહેલા વડાપ્રધાન હતા. આ તરફ સત્તાની ખેંચતાણ ફરી શરૂ થઈ ગઈ. કામરાજે દાવ રમવાના શરૂ કરી દીધા હતા. પણ મોરારજી તૈયાર હતા. ‘‘હવે તો હું જ’’ . તેવું તેમણે મૌનની મુદ્રામાં કહી દીધું હતું. કામરાજ નહેરૂને વચન આપી ચૂક્યા હતા કે હું ઈન્દિરાને વડાપ્રધાન બનાવીશ. પણ મોરારજી માથાનો દુખાવો હતા અને રાજનીતિના માસ્ટરમાઈન્ડ પણ હતા. લાલ બહાદુર શાશ્ત્રી વખતે કરેલી ભૂલ તે રિપીટ નહોતા કરવા માગતા એટલે તેમણે સાફ શબ્દોમાં કહી દીધું, ‘સંસદમાં વોટિંગ કરાવો. જેને વધારે મત મળે તે પીએમ.’

એ દિવસે કામરાજે એક કાગળીયું કાઢ્યું અને તેમાં ત્રણ આંકડા લખ્યા. કાગળીયું ખિસ્સામાં નાખી દીધું અને ચાલતી પકડી. વોટિંગના દિવસે ઈન્દિરા જીતી ગયા. ઈન્દિરાને 355 મત મળ્યા. ઈન્દિરાની સામે આવી કામરાજે ચીઠ્ઠી બહાર કાઢી અને ઈન્દિરાને બતાવી, તેમાં 351 લખ્યા હતા. કામરાજના યુગમાં કોઈ નેતા આઘો પાછો નહોતો થઈ શકતો. એટલું કામરાજનું ચાલતું હતું. પણ હવે આઘાપાછા કામરાજને થવાનું હતું. એ પણ એ વ્યક્તિથી જેને કામરાજે વડાપ્રધાન બનાવ્યા હતા.

1967માં ચૂંટણી આવી. કોંગ્રેસની પીટાઈ થઈ ગઈ. ખુદ કામરાજ પોતાની સીટ બચાવી ન શક્યા. (પગ ભાંગ્યો તે ચૂંટણી) લોકસભામાં કોંગ્રેસની સીટનો આંકડો 285 હતો. જેના બે મહિના પછી ઈન્દિરાએ કહ્યું કે હારેલા નેતાઓ પદનો ત્યાગ કરે. કોંગ્રેસ અધ્યક્ષના પદથી કામરાજની છુટ્ટી થઈ ગઈ. તેમની જગ્યાએ તમિલનાડુથી નવા અધ્યક્ષ નિજલિંગપ્પાએ એન્ટ્રી મારી. પણ અંદરખાને રાજનીતિ કામરાજ રમી રહ્યા હતા. દુશ્મનનો દુશ્મન દોસ્ત માની તેમણે નક્કી કર્યું કે ઈન્દિરાને પાડી દેવા મોરારજી કેબિનેટમાં હોવા જોઈએ. ઈન્દિરા કામરાજનો એ નિર્ણય માની ગયા. મોરારજી દેસાઈ નાયબ વડાપ્રધાન બન્યા. ઈન્દિરાને આર્થિક નિર્ણયો લેતા નહોતા આવડતા અને ત્યાં મોરારજી સૂરાપૂરા સાબિત થતા હતા. બીજી તરફ કામરાજ ઈન્દિરાનો વિકલ્પ શોધી રહ્યા હતા.

થોડા દિવસ તો ઈન્દિરાએ ચલાવ્યું પણ પછી ઈન્દિરાને જ લાગ્યું કે પાણી હવે માથા પરથી જાય છે. કામરાજને પાડી દેવાનો નિર્ણય ઈન્દિરાએ લીધો. નહેરૂના વફાદારોની એક ટુકડી બનાવવામાં આવી. જેમાં દિનેશ સિંહ, ઈન્દ્રકુમાર ગુઝરાલ, પીએમ હક્સર જેવા લોકો હતા. ઈન્દિરા આ લોકોની વાત માની સમાજવાદી નિર્ણયો લેવા માંડી. જેમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. કામરાજ બેડામાં ખડભડાટ મચી ગયો. એટલામાં બીજો વાર થયો. રાષ્ટ્રપતિ ઝાકીર હુસૈનનું નિધન થઈ ગયું.

કોંગ્રેસે આંધપ્રદેશના નીલમ સંજીવ રેડ્ડીના નામ પર મહોર મારી. કોંગ્રેસ B તરીકે ઓળખાતા એવા ઈન્દિરાએ તેમની સામે વી.વી ગીરીને ઉભા રાખ્યા. ભાષણની શું કિંમત હોય તે અહીં ખ્યાલ આવશે. ઈન્દિરાએ પોતાના ભાષણમાં કહ્યું, ‘કોંગ્રેસજનો અંતરાત્માના અવાજ પર વોટ કરજો…’ અને વી.વી.ગીરી જીતી ગયા. કામરાજ એન્ડ કંપનીમાં હલચલ મચી ગઈ. પાર્ટીએ નિર્ણય લીધો કે ઈન્દિરાને હટાવી દો. પણ ઈન્દિરા કામરાજ પહેલા મોટી રાજનીતિ રમી ચૂક્યા હતા, જેની કામરાજને નહોતી ખબર. ઈન્દિરાને હટાવ્યા બાદ વોટિંગ થયું. જેમાં 285માંથી 229 વોટ ઈન્દિરાને મળ્યા. ઈન્દિરાએ કામરાજના વિરોધી એવા DMK અને વામપંથીઓ સાથે ભેગા મળી પાર્ટીને ફરી ઉભી કરી લીધી અને કામરાજ કોંગ્રેસમાંથી ઓલ આઉટ થઈ ગયા. એ કામરાજ જેમણે નહેરૂને કહ્યું હતું કે હું કોંગ્રેસને એક રાખીશ. એ કામરાજ જેણે દેશને નહેરૂ બાદ બે વડાપ્રધાન અપાવવામાં મદદ કરી હતી.

1971ની ચૂંટણીમાં કામરાજ એક માત્ર એવા નેતા હતા જે જીતી શક્યા હતા. તેમના નિધનના એક વર્ષ બાદ ઈન્દિરા સરકારે તેમને ભારત રત્ન આપ્યો હતો. 2017માં રાહુલ ગાંધીએ પાર્ટીને કહ્યું હતું કે, પદ પરથી રાજીનામું આપી પાર્ટીનું કામ કરો. આ રાહુલ ગાંધી નહોતા બોલી રહ્યા, પણ વર્ષો પહેલા તેમની જ પાર્ટીમાં કામ કરનારા કામરાજ બોલી રહ્યા હતા. જેમના પ્લાનને ભારતમાં ‘‘કામરાજ પ્લાન’’ તરીકે ઓળખવામાં આવે છે.

~ મયૂર ખાવડુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.