Gujarati Writers Space

આઝાદી પછીનું પત્રકારત્વ : નાના ઘરની દિકરીનું મોટા ઘરમાં ઘરઘણું

ગાંધીજી જ્યારે ચંપારણ સત્યાગ્રહની શરૂઆત કરી રહ્યા હતા. ત્યારે પત્રકારો તેમનો ઈન્ટરવ્યુ લેવા માંગતા હતા. એમ કહો કે એ સમયના બ્રેકિંગ મારવાની તાલાવેલી તે લોકોમાં હતી. ત્યારે ગાંધીજીએ ખૂદ પત્રકારોની પલટનને એવું કહી દીધુ કે, ‘કંઈ નવાજૂની હશે, અથવા તો થશે કે થવાની હશે તો હું તમને માહિતગાર કરી દઈશ. બાકી હું કંઈ બોલવા નથી માગતો. તમારે અહીં ધક્કો ન ખાવો.’

ગાંધીજીનો આ કહેવા પાછળનો ઊદેશ્ય ચોખ્ખો અને સ્પષ્ટ હતો, જેમ પાણીમાં રેતી જોઈ શકાય તેટલો અણીશુદ્ધ. ત્યારની મીડિયા અંગ્રેજોની ગુલામ બની ગઈ હતી. જે સાહેબો કહે એ જ લખવાનું અને એ જ છાપવાનું. અંગ્રેજોની આંખ નીચેથી હિન્દી છાપુ પસાર થાય અને તે પણ કોઈ દુભાષીયા દ્વારા ! પછી તેમાં ઓકેની નિશાની લાગે. તેના કરતા આપણે જ તેમનું માનવા લાગીએ તો ! હા, માનો પણ એ ખ્યાલ નહતો કે આ દુષણ પછી ચોંટી જશેને અત્યારસુધી હનુમાનની પૂછડીમાં આગ લગાવીને કેમ મકરધ્વજનો જન્મ થયો, તેમ લાંબી કહાની ચાલશે. એટલે લંકા બળી જાય, પણ દરિયો તો રહેજ.

હમણાં રવિશ કુમાર ગુજરાતની મુલાકાતે આવ્યા અને ભાષણ પણ આપ્યું, પરંતુ એ ભાષણ કરતા તેની પહેલાના ભાષણના કેટલાક શબ્દોને આઝાદી સમયે ટાંકવાની જરૂર છે. પરમદિવસે રવિશ આવ્યા તેના બે મહિના પહેલા તેમણે મોરારીબાપુને ત્યાં મહુવામાં પ્રવચન આપેલું. જૂન 2017માં.

ત્યારે રવિશ કુમારે કહેલું કે પત્રકારો રખડતા નથી. અત્યારે એક રૂમમાં બેસીને તમારૂ પ્રાઈમટાઈમ નીકળી જાય છે. તર્ક વિના લોકોને ગગળાવાની, ચિલ્લાવાની, જોર જોરથી કહેવાની અને હું જ સાચો છું અને મને જ કૈવલ્ય જ્ઞાન લાદ્યુ છે, તે જનતાને બતાવવા માગે છે. તેનો અર્થ તેની પાસે શબ્દો નથી, ભાષા નથી, જે જગ્યા પર તે ગયો નથી, તે વિશે તે બોલી રહ્યો છે, તો પછી ક્યાંનું પત્રકારત્વ…?

રહ્યું સહ્યું પ્રિન્ટમાં હતું તો તેમાં પણ હવે બેસીને કામ કરવાનું આવી ગયું છે. ચેનલમાંથી નિકળતા પ્રોગ્રામ માટે તમારી પાસે નેટ છે. અને નેટની ઊપલબ્ધ માહિતીમાંથી તમારે તમારૂ પ્રાઈમ ટાઈમ નિકાળવાનું છે. દુર્ગતી એ છે કે, નેટમાંથી એ જે લખે છે, તે લખવાવાળાની પણ ફૌજ છે. પરિણામે માથાકૂટ વિનાના પત્રકારત્વમાં દર નવી બેન્ચે 15થી 16 ડેસ્ક જર્નાલિઝમના વિદ્યાર્થીઓ નીકળે છે. પ્રિન્ટની સૌથી મોટી ખાસિયત કે મોટાભાગના, બધા તો નહીં, પણ મોટાભાગના લોકો પોતે રિપોર્ટીંગ કરે અને પોતે જ લખે ! એટલે શંકાને કોઈ સ્થાન નહીં, પણ હવે મોબાઈલના કારણે સોર્સિસ વધી ગયા છે, મારા ફલાણાએ આમ કીધુ કહી, નાકના શેડા ઊપર ચઠાવતા તેને શરમ નથી આવતી.

અધૂરામાં પૂરૂ જે લોકોને બહાર જવું છે, તેને અંદરથી અનુમતી નથી. રવિશ કુમારે પોતાના આ ભાષણમાં બે વસ્તુ સરસ સમજાવી. જનતાએ ‘ફેકુ’ શબ્દ આપ્યો અને મીડિયા જે કરે છે, તે મોટાભાગની ‘ફેક’ ન્યૂઝ. એટલે કે ફેકુને પ્રોત્સાહન આપવામાં ફેક ન્યુઝનો ફાળો. શબ્દાનુપ્રાસ… રવિશની વાતને આગળ લઈ જઈએ તો.

ઈન્ક્રેડિબલ ઈન્ડિયામાં બે વસ્તુ સૌથી વધારે ફેક ગણવામાં આવી. જેમાં હવે તમે ચોટલા કપાવાની વાતને પણ લઈ શકો. નંબર 1 ગણપતિજી દૂધ પીતા હતા. અને નંબર 2 હિન્દીનું એક અખબાર, જેમાં મંકીમેન વિશે, અવસાન નોંધ જેવા નાના ચોગઠામાં લખેલું હતું. ન તો એ છાપાને કોઈ ઓળખતું હતું, ન તો મંકીમેનનું અસ્તિત્વ હતું. રાતે મંકીમેન તમારા શરીરને હાની પહોંચાડી ચાલ્યો જાય. આ ન્યૂઝ સોરી ફેક ન્યૂઝ નેશનલ મીડિયાએ લીધા અને મંકીમેનના અસ્તિત્વના પુરાવા ભારતે ન હોવા છતા ખોજી કાઢ્યા. થેન્કસ ફોર મીડિયા.

રવિશે કહ્યું છે કે, ‘અમે જે વ્યવસાયમાંથી આવીએ છીએ, તે દુનિયાના ભ્રષ્ટતમ ધંધામાંથી એક છે. જો એકવાર તમે તેમાં પારંગત થઈ જાઓ, તો સતા મેળવવી પણ સરળ છે, કોન્ટ્રેક્ટ મેળવવા પણ સરળ છે, અને તમારી કંપનીનો કારોબાર 500 કરોડથી 1500 કરોડ થઈ શકે છે.’ આ અત્યારની હકિકત છે, અંગ્રેજોનું માનો તો તમારા છાપાનું અસ્તિત્વ ટકી રહે અને તમે એશિયાનું સૌથી જૂનું અખબાર બનો અને અત્યારે માનો તો તમે ધનિક થઈ જાઓ. આ તમારૂ આઝાદી પછીનું પત્રકારત્વ.

મીડિયાની દેશભાવના ખોવાઈ ચૂકી છે. જ્યારે શહિદ તાબૂતમાં પેક થઈ આવે છે, ત્યારે તે બ્રેકિંગ ચલાવે છે, પણ જ્યારે વન રેન્ક વન પેન્શન યોજના માટે કેટલાક પરિવારો ધરણા પર બેસેલા ત્યારે મીડિયા ત્યાં કોઈવાર આટા મારી જતુ, પણ ન્યૂઝ ન બનતા કારણ કે હજુ સુધી બબાલ નથી મચી. હવે મીડિયાનું કદ વધ્યુ છે. હવે તેમના મતે દેશના સૈનિકો જ સર્વસ્વ છે. તેમનું સન્માન કરો. હવે જે મીડિયા ખૂદનું સન્માન ન કરી શકી તે બીજાનું ક્યાંથી કરી શકે…

આ પહેલા પ્રેસ કાઊન્સિલ ઓફ ઈન્ડિયા હતી જેણે કહેલું કે અમે સરકારની પોલમપોલ ખોલી પાડીશું તો સરકારે તેના પર હાથ રાખી દીધેલો તથાસ્તુ. એ પછી ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ એસોસિએશન બનાવ્યું કે અમે અમારૂ બતાવશું ! સરકારની તમામ હસ્તક્ષેપવાળી પ્રવૃતિ પર નજર રાખીશું, તો તેના હાથમાં સરકારે બે લાડવા મુકી દીધા. તો પછી થઈને મીડિયા મોટા ઘરની વહુ !

આ પ્રવચન તો 1 કલાક 36 મિનિટનું છે, સાંભળવુ કોઈવાર ફુરસદના સમયે કારણ કે આટલો સમય કાઢવો મુશ્કેલ છે. મને પણ ખબર છે, તમને પણ ખબર છે.

પણ અંતે રવિશ કુમારે કહેલું કે, હું એક જ ચેનલમાં 27 વર્ષથી શું કામ છું…? જ્યારે નવી ચેનલો આવી ત્યારે મારા કલિગ્સ તેમા ચાલ્યા ગયા. મને કહેલું કે જોજે આ નાનું એવુ તળાવ છે, કુવો છે, અહીંથી તુ બહાર નહીં આવીશ, તો કોઈ દિવસ આગળ નહીં વધીશ. અમે તો સમુદ્ર બની જશું. આજે રવિશ એ લોકોને શોધે છે. તેમનું માનવું છે કે, તળાવ આપણું જ છે, તો પછી જ્યારે જોઈએ તેટલું તેમાંથી પાણી પી લો, કોઈવાર મહેનત કરીને તળાવને ઊંડું કરી લો. કારણ કે મીઠા જળનું પાણી પી શકો, સમુદ્રનું તો…?

અસ્તુ… જયહિંદ… વંદેમાતરમ…

~ મયૂર ખાવડુ

2 Replies to “આઝાદી પછીનું પત્રકારત્વ : નાના ઘરની દિકરીનું મોટા ઘરમાં ઘરઘણું

  1. ખરેખર સત્ય હકીકતો છે આ….
    આજે જ આ પ્રવર્ચન યુ ટ્યુબ પર શોધીને સાંભળીશ.
    એક મસ્ત અને સાચી માહિતી આપવા બદલ આભાર…

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.