Gujarati Writers Space

લાગે છે જીવન જીવવાનો ડર….

જીવન એક અમૂલ્ય ભેટ છે, પરંતુ આ ભેટ જયારે અભિશાપ લાગવા માંડે ત્યારે આજે જીવન અતિશય ઝડપી અને યાંત્રિક થઇ ગયું છે. બસ, યંત્રની જેમ દરરોજ રાત્રે ઊંઘ કરી ચાર્જ થઇ જવાનું અને ફરી પાછા દિવસ દરમિયાન એ જ ઝડપે કામે લાગી જવાનું. દિવસ દરમિયાન જીવન જીવવાનો લાગતો આ ડર કેવો વિચિત્ર અનુભવ છે! હા, રસ્તા પર ચાલીએ કે વાહન ચલાવતા અકસ્માતનો ડર, બહારગામ મુસાફરી કે અન્ય શહેરોમાં રહેવામાં બોમ-બ્લાસ્ટનો ડર . અરે..! ક્યારેક તો સ્વયંને સચોટ સાબિત કરવા માટે લાગતો ડર, તો ક્યાંક પતિ-પત્નીને લગ્નજીવનનો ડર, માતા-પિતાને સંતાનના ઉજવળ ભવિષ્યનો ડર. બહારના ખાન-પાનમાં બીમારીનો ડર.. બસ, આ બધામાંથી સ્વયંને પણ સ્વયંથી લાગતો ડર… લાગે છે જીવન જીવવાનો ડર……

આજે જીવન કોઈ જગ્યાએ જીવંત અને સલામતી ભર્યું રહ્યું નથી. આપણાં જીવનમાં દરેક બાબતે “ડર” એટલો સાહજિક થઇ ગયો છે કે ડગલે ને પગલે આપને અસંખ્ય ડરથી ઘેરાય ગયા છીએ અને આ ડરના કારણે જ આપણી માનસિકતા ખતમ થવા લાગી છે. વિનાકારણ ગુસ્સો, કંટાળો, નિરાશા, ઉદ્વેગ આ બધું જ ઘેરવા લાવે છે. આજે સુખ અને શાંતિથી કોઈ ડર રાખ્યા વગર જીવન જીવનાર કોઈ વ્યક્તિ રહ્યું નથી. જીવનને એક અમૂલ્ય ભેટ માનનાર કોઈ વ્યક્તિ, સમાજ કે વિશ્વ આ ડરથી બાકાત નથી. દરેકને સતાવે છે જીવન જીવવાનો ડર…

ભવિષ્યની ચિંતાઓ, વર્તમાનનું વલણ અને ભૂતકાળના ભયસ્થાનો દરેકના જીવનમાં વહેતા રહે છે. આપણે ભલે આધ્યાત્મિકતાની વાતો કરીએ પણ તે માત્ર થોડા સમય પુરતું જ રહે છે… પરંતુ ફરી પાછા એ જ યંત્રવત જીવન જીવવા લાગીએ છીએ. આપણે પણ જાણીએ છીએ કે વ્યવહારિક જીવનમાં આધ્યાત્મિકતા વિચારમાત્ર રહી જાય છે. શું આપણે બોમ્બ વિસ્ફોટ વખતે કે કોઈ અકસ્માત વખતે આધ્યાત્મિક વિચારો કરી શકીશું નહિ ને ! એ શક્ય જ નથી લાગતું..

સુખ અને શાંતિ કોને ગમતી ના હોય પરંતુ ઘટના કે સંજોગ જ એવા બની જાય, તો જીવનમાં યંત્ર બની જ જવું પડે છે. શું નોકરીમાં ઉપરી અધિકારીને કોઈ વ્યક્તિ આધ્યાત્મિકતાના વિચારો વર્ણવી નોકરી બચાવી શકશે કે પછી ફિલ્મોની માફક આકર્ષક સંવાદો બોલી પતિ-પત્ની પોતાનું લગ્નજીવન બચાવી શકશે જયારે જીવનમાં કોઈ ડર રહેતો નથી અને કોઈ ઈચ્છા જ રહેતી નથી ત્યારે કદાચ આવી વાતો અને વિચારો સહજ લાગે.. પરંતુ કદાચ આપણા માટે આ વાત શક્ય નથી. આ બધા ડરમાં પણ જીવન જીવવાની અલગ મજા છે.

જીવનમાં લાગતો આ ડર એક ભાગ સ્વરૂપ હોય શકે. બરોબર ને ! ભલે હસતા કે રડતા આ ડરને જીરવવો જ પડે છે અને આ તો જીવનનો એક ભાગ છે. તેમ છતાં આપણી ઈચ્છાઓ એટલી બધી પ્રબળ થઈ જાય છે કે ક્યારેક આપણને પણ સમજાતું નથી કે આપણે ખરેખર શું મેળવવું છે અને આજ ઈચ્છાઓ – અપેક્ષાઓ આપણને ડરની વધુ નજીક લઇ જાય છે. તો પછી આપણે જીવનમાં શા માટે આટલા બધા ડરથી ડરીએ છીએ. ડરથી ડરવાથી સમસ્યાનો ઉકેલ મળી શકતો નથી કે જીવન સરળ પણ બની જતું નથી. પરંતુ ડરને જીવનનો એક ભાગ માની એ બનાવ કે ઘટનાને કાળક્રમે ભૂલી જવો જ હિતાવહ છે. ડરનો હિંમતભેર સામનો કરવાનો છે. દરેક દિવસો એકસરખા રહેવાના નથી ક્યારેક ડરનું વાતાવરણ હશે તો ક્યારેક સુખમય દિવસો… તો પછી જીવન જીવવાનો ડર શાનો…

~ વાગ્ભિ પાઠક

( સંદર્ભ : વિવિધા – ઇબુકમાંથી | ક્રમાંક : ૦૭ )

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.