Gujarati Writers Space

ઈત્તેફાક: ધુમ્મસથી સિંગપોસ્ટ ટુ મર્ડર

ગઈકાલે રાજેશ ખન્ના અભિનિત 1969ની ફિલ્મ ઈત્તેફાકની રિમેકનું ટ્રેલર જોયું. એ પછી ત્યારે જ ડાઊનલોડ કરી ઓરિજનલ ઈત્તેફાક જોઈ નાખ્યું. હવે આમ કહો તો રાજેશ ખન્નાની કોઈ ફિલ્મો ન જોઈ હોય તેવું આ જીવતા જોબનિયામાં નથી બન્યું. કોઈ કહીને ન જવું જોઈએ કે, તે હિન્દી સિનેમાના પ્રથમ સુપરસ્ટારની ફિલ્મો નથી જોઈ. ક્રિટિકલી રાજેશ ખન્નાની આરાધનાને તેની સુપરહિટ ફિલ્મ ગણી શકો, પરંન્તુ ઈત્તેફાકમાં જે કામ તેણે કર્યું છે. માઈન્ડ બ્લોઈંગ. હકિકતે સિદ્ધાર્થ મલ્હોત્રા અને સોનાક્ષી સિંહાને એક રૂમમાં જ અભિનય કરતા પાણી આવી ગયું હશે. કહેવાયને રિતસરનો રેલો… બાકી અક્ષય ખન્ના તો પ્રોમિસિંગ લાગી રહ્યો છે. ખાલી નોંધ કોઈ લેતા નથી.

1969ની ઈત્તેફાક બનાવવાનો વિચાર ચોપરા બ્રધર્સને સરીતા જોશીનું ગુજરાતી નાટક ધુમ્મસ જોઈને આવેલો. ત્યાં સુધી તેમણે યશરાજ બેનરની સ્થાપના નહતી કરી. ફિલ્મ ક્લાઈમેક્સ પર પહોંચે એટલે એક ડાઈલોગ પણ આવશે, ‘સર પુલીસ કી જીપ ગાંધીનગર સેક્ટર-22 મેં પહોંચ ચૂકી હૈ !’ એટલે આટલું કહેવા પૂરતું યશજીએ ગુજરાતી જીવતું રાખ્યું છે. જેથી ઓડિયન્સને એ વાતનો ખ્યાલ આવે કે, આ ફિલ્મ ગુજરાતી બેકગ્રાઊન્ડ પર આધારિત છે. આ સિવાય ચહેરાથી ન ગમતી બિન્દુ, ‘ઈન્સપેક્ટર સાહબ ઈસ આદમીને મેરી બહેન સે શાદી તો કી, લેકિન સિર્ફ પૈસે કે લીયે.’

તો રાજેશ ખન્નાનો સ્ટાર્ટીંગ ડાઈલોગ, ‘મેંને અબ તક તો ખૂન નહીં કિયા હૈ, લેકિન અબ મેં જરૂર કરૂંગા…’ એક જ મકાન. વધીને થોડા બે ચાર રૂમના સીન લીધા છે એ. પૂરા દસ કેરેક્ટર. જેમાં બે પોલીસવાળા પણ આવી જાય. અને એક સેકન્ડ પણ બાબુમોશાય રાજેશ ખન્ના તમારી આંખ મીંચકવા ન દે. અને ઉપરથી સસ્પેન્સને નંદાના બદનની માફક ઘાટીલું કરવા વરસાદ અને રાતના સૂનકારને ઉમેરવામાં આવ્યો છે. એક રાતમાં શરૂ થતી ફિલ્મ રાજેશ ખન્ના 4:35 જે ટ્રેન પકડવાનો છે, અને ત્યાં પહોંચે કે નહીં ત્યાંજ પૂરી થઈ જાય છે. ટોટલ 1 કલાક 45 મિનિટની નાની એવી ફિલ્મ જેમાં રાજેશ ખન્ના હોવા છતા કોઈ ગીતો નથી. ખાલી એમ.એ. શેખનું મસ્તમજાનું બેકગ્રાઉન્ડ. તો ફિલ્મની સ્ટોરી શું છે ? તે ધર્માપ્રોડક્શન અને રેડચિલીસે આને પાછી બનાવવી પડી ?

રાજેશ ખન્ના જેનું નામ દિલીપ રોય છે, તે એક પેન્ટર છે. અને પાર્ટીમાં પ્રવેશ કરે છે, તો તેની પત્નીનું ખૂન થઈ ગયું છે. બિન્દુ બનેલી મિસિસ રેનું તેના પર કેસ કરે છે, કે આ માણસે જ મારી બહેનને મારી નાખી છે. ગુસ્સામાં રહેતો દિલીપ રોય પાગલ જેવો વ્યવહાર કરે છે, એટલે તમામ લોકો માની લે છે કે દિલીપ રોયનું હવે ઠેકાણે નથી. આ તમામ જાચ પડતાલ ઈન્સપેક્ટર ઈફ્તેખાર કરતા હોય છે. જેણે મોટાભાગની 60ના દસકથી લઈને 80ના દસકની ફિલ્મોમાં પોલીસનો જ રોલ પ્લે કર્યો છે. આ સિવાય એક ઈન્સપેક્ટર, એક વકિલ, એક પાગલોનો ડોક્ટર અને બે હવલદાર. પાગલખાનામાંથી ભાગીને દિલીપ રોય સીધો રેખા એટલે કે નંદાના ઘરે પહોંચી જાય છે. જ્યાં તે સવાર સુધી રહેવાની પરમિશન માંગે છે, પણ ત્યાં પણ એક ખૂન થઈ ગયું છે. હવે તે કોણે કર્યું છે ? તે આટલા પાત્રોમાંથી જ આવી જાય, તે જોઈ લેવું. બે ખૂન અને બંન્નેનો ઈલ્જામ દિલીપ રોય બનેલા રાજેશ ખન્ના પર અને સબૂત પણ તેની ફેવરમાં જ.

ફિલ્મના તમામ કેરેક્ટરો સિગરેટના બંધાણી છે. અને તેમાં પણ રાજેશ ખન્નાનું સિગરેટને બે હોઠ વચ્ચે દબાવવા કરતા માંગવાની સ્ટાઈલ, ‘એક સિગરેટ મિલેગી ક્યાં ?’ અને આ સિગરેટને પ્રજવલિત કરવાની આજુબાજુ છુપાયેલું રહસ્ય.

ભારતમાં આમ પણ આ ગજાની… તે પણ એ જમાનામાં… તેમાં પાછું ઉમેરો તો ગુજરાતી નાટક આવું બન્યું હોય… તેવું માની ન શકાય. પાગલખાનામાંથી બહાર આવતા રાજેશ ખન્નાની માથે ફરતી ટ્યુબલાઈટ જે સલમાનની માફક ટ્યુબલાઈટ છે તેવું સાબિત કરે છે. કોર્ટ કેસના છબરડામાં ફસાયેલો રાજેશ ખન્ના કોર્ટની કિતાબ લઈને જ વાંચતો હોય છે, જે તેને પાગલ સાબિત કરવાનો ઓર એક નમૂનો છે. અને આ સિવાય નંદા સાડીમાં પણ કેટલી સેક્સી લાગે છે, તે પેલી ભમ્ભો સોનાક્ષી સિંહા લાગશે ? તો બસ ઈત્તેફાક જ માનવાનું આ સિવાય કશું નહીં ! નવા ઈત્તેફાકના ટ્રેલરમાં તો રાજેશ ખન્નાની માફક જ ટિશર્ટ અને પેન્ટ પહેરીને સિદ્ધાર્થ મલ્હોત્રા દેખાઈ રહ્યો છે. હવે આ જેન્ટલમેન એક્ટિંગ કરી શકે છે કે નહીં, તે પણ GST સમજવા જેટલું અઘરૂ કામ છે.

ફિલ્મમાં એક સીન છે, જ્યારે રાજશે ખન્ના કપડાં બદલતો હોય છે, ત્યારે તે જમનાદાસના કપડાંને બારીકીથી જોઈને મેચિંગ ક્યુ થઈ શકે તે પેન્ટ અને શર્ટને બાજુમાં લાવી તપાસે છે. એ પછી તો ભારતભરમાં એ ટ્રેન્ડ ચાલેલો કે સિવડાવેલી જોડી કોઈ દુકાને ખરીદવા માટે જાઓ એટલે આ રીતે મેચિંગ કરવાનું. પેન્ટ અને શર્ટને નજીકમાં લઈ તપાસવાનું. આ રાજેશ બાબુની ફેશન સેન્સ.

નવી ઈત્તેફાકનું ટ્રેલર જોઈને તો જૂની ઈત્તેફાક ન જોયેલા લોકોને એવું લાગી રહ્યું છે કે આ રિતિક અને કંગનાની કહાની છે. કે પછી રિતિક અને કંગના ઈત્તેફાકની જેમ લડી રહ્યા છે, ખબર જ નથી પડતી. કારણ કે ટ્રેલર જોયા બાદ ટ્વીટર પર ટ્રોપ ટ્રેંન્ડિંગમાં રિતિક અને કંગના જ છે. આ ફિલ્મ માટે ફિલ્મફેરમાં યશ ચોપરાએ બેસ્ટ ડિરેક્ટર અને એમ.એ.શેખ બેસ્ટ સાઉન્ડનો ખિતાબ જીતેલો. આ સિવાય અભિનેતા, અભિનેત્રી અને સપોર્ટીંગ રોલ માટે અનુક્રમે રાજેશ ખન્ના, નંદા અને બિંદુને નોમિનેશન પણ મળેલા.

અગાઉ ગીતોની વાત કરી એટલે યાદ આવ્યું કે ઈત્તેફાક હિન્દી સિનેમાની ત્યારે ચોથી એવી ફિલ્મ બનેલી જેમાં ગીતો જ નહોય. આ ગુજરાતી સિવાય ઈત્તેફાકનું અંગ્રેજી હોલિવુડિયું કનેક્શન પણ છે. જે 1964માં રિલીઝ થયેલી ફિલ્મ સિંગપોસ્ટ ટુ મર્ડરથી પ્રેરિત હતી. હવે પ્રેરણામાં નાટક માનવું કે આ હોલિવુડ ફિલ્મ ? યશજીની આ છેલ્લી ફિલ્મ હતી જેમાં તેમણે પોતાના ભાઈ બી.આર. ચોપરાના પ્રોડક્શન હેઠળ કામ કરેલું.

સૌથી રસપ્રદ વાત મને કોઈ લાગી હોય તો તેના સેન્સર પ્રમાણપત્રની. જેમાં 4-10-1969 જારી કરવાની તારીખ અને અને અવસાન તારીખ 3-1-1979 લખેલી છે. કોઈ ફિલ્મની પણ અવસાન તારીખ લખેલી હોય, એ ખૂબ કહેવાય. મને તો અવસાન વાળુ સમજાયું નહીં. બાકી નવી ઈત્તેફાક ટ્રેલરમાં તો સારી લાગે છે. જોઈએ જોવામાં સારી લાગે છે કે નહીં. પણ ઈફ્તેખારના કિરદારને ભજવતા અક્ષય ખન્ના બોલી રહ્યા છે, તે ખૂબ પસંદ આવ્યું, ‘કૃપ્યા દરવાજા બંધ કર દે…’ એટલે અક્ષય ખન્ના લીફ્ટનો દરવાજો એકવાર બંધ કરે, ત્યાં પાછો એ જ અવાજ સંભળાય…. ‘કૃપ્યા દરવાજા બંધ કર દે…’ અને અક્ષય ખન્નાની ડાઈલોગ ડિલેવરી… ‘કેસે બંધ કરના હૈ આકે બતા દો ના…’

~ મયુર ખાવડુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.