Gujarati Writers Space

વાર્તા – હેન્ડસમ ડૉક્ટર શ્રોફ

આકાંક્ષા એરઈન્ડીયાના મુંબઈથી નૉવાર્ક જતા પ્લૅનમાં દાખલ થઈ. તે આડત્રીસ ‘એ’ નંબરની સીટ પાસે આવીને ઉભી રહી. એ વિન્ડો સીટ હતી. વચ્ચેની ‘બી’ સીટ પર એક માજી બેઠા હતા. એમણે એમના પોટલા ‘એ’ અને ‘સી’ સીટ પર પાથર્યા હતા.

‘માજી મને જરા બારી પાસેની સીટ પર જવા દેશો? મારી જગ્યા ત્યાં છે.’

‘દીકરી મારો હાથ તો નઈ પુગે, તારી જગા પરની આ બેગ જરા ઉપરના ખાનામાં ચડાવી દેને!’

આકાંક્ષાએ તેમની મોટી હેન્ડબેગ ઉપર ચડાવી.

‘આ બીજી થેલી હો ઉપર મૂકી દે બેટીઃ એમાં થેપલા છે. તને ભૂખ લાગે તો તું પણ ખાજે હોં.’

‘હાથે હાથે આ મારું પાકીટ હો ઉપર મુકી દેને. એમાં હજાર રૂપિયા છે. હવે એ થોડા કામ લાગવાના છે!’

આકાંક્ષએ તે પણ મુક્યું. તેની આગળ પોતાની બ્રીફકૅસ મુકી.

‘ને આ પોટલી હો…’
‘માજી હવે ઉપર જગ્યા જ નથી.’
‘આના કરતા તો એસ.ટી મા હો બેહવાની જગો વધારે ઓય. કોથળો ભરીને પઈહા લે ને પલાંઠો વાળવાની હો જગા ની મલે!’

માજી ફર્સ્ટ ક્લાસમાં જવું હતું ને, સૂવાની જગ્યા પણ મળતે. પણ સ્વગત્ બોલાયલા આ શબ્દોનો અવિવેક, આકાંક્ષાએ મનમાં જ ભંડારી દીધો.

બબડતા બબડતાં માજીએ ધીમે રહીને ઉભા થઈને આકાંક્ષાને બારી પાસે જવાની જગા કરી આપી.

ધીમે ધીમે બધા પેસૅન્જરો પોતપોતાની જગ્યાએ ગોઠવાતા હતા. હજુ ‘સી’ સીટ ખાલી હતી. આકાંક્ષાએ કોઈ અજાણ્યા લેખકની બુક ‘શ્વેતા’ કાઢીને વાંચવા માંડી.

માજીએ કવર જોઈને પૂછ્યું ‘આ કોઈના લગનની ચોપડી છે?’
‘માજી મને ખબર નથી. હમણાં જ વાંચવા માંડી છે.’
‘હારુ, તુ વાચી રે’ પછી મને આપજે હોં. મને વારતા વાચવાનો બૌ સોખ. અમેરિકા જતા પહેલા મોતિયો કઢાવી લીધો. અવે તો બધુ ચોખ્ખુ વંચાય છે. મારો ભગુ કે’તો ‘તો બધુ ચેક કરાવીને આવજે. અમેરિકાના દાકતરીયા બૌ મોંઘા. લૂટી જ લે. હું તો વિઠ્ઠલ વૈદની દવા અને ગોળી લઈ આવી છું. તાં તો બઊ મોંઘું પડે. પોંચ વરહ પછી બધુ મફત જ.’ માંજીને ખબર ન હતી કે આકાંક્ષા ડૉક્ટર છે.

આ બાજુની જગા પર જો કોઈ નઈ આવે તો આ દાંડો ઉભો કરી આલજે, જરા સૂઈ જઈશ.’

માજી પાસે વિષયની ખોટ ન હતી. એક વાત પરથી બીજી વાત પર કુદકા મારતા એમનું મોં ચાલુ હતું. આકાંક્ષાને થયું આ બુક એને આપી દઉં તો એની કટકટ બંધ થાય. પણ બે પાના વાંચતા જ રસ પડી ગયો. બુક આપવાનો વિચાર માંડી વાળ્યો.

એક વ્હાઈટ ટોલ અને હેન્ડસમ ઈન્ડિયન યુવાન છેલ્લી ઘડીએ પ્લૅનમાં દાખલ થયો. એ ‘સી’ સીટનો પૅસેન્જર હતો. માજીનો પાડોસી. એણે એની બેગપેક મુકવા ઉપરનું બીન ખોલ્યું. જગ્યા ન હતી. બીજી જગ્યા શોધીને મુકી આવ્યો. સીટ બેલ્ટ બાંધીને બેઠો.

‘દીકરા ગુજરાતી છો?’
‘હા બા વડોદરાનો ગુજરાતી છું.’
‘દીકરા, મને હો પટો બાંધી આપને.’
ટેમ્પરરી દીકરાએ બેલ્ટ બાંધી આપ્યો. ‘દીકરા હવે પ્લૅન ઉપર જશેને?’ પ્લેન હજુ રન વૅ પર દોડતું હતું. ટેમ્પરરી હેન્ડસમ દીકરાએ એકાક્ષરી ઉત્તર આપ્યો.

‘હા.’
માજીએ એના બધા ભગવાનને પ્રાર્થના કરવા માંડી. ‘હે ભગવાન મને હેમખેમ ઉપર પહોંચાડજે.’ બુક વાંચતી આકાંક્ષાએ સાંભળ્યું. એનાથી હસી પડાયું. પેલા યુવાને આકાંક્ષા તરફ જોયું. એણે માત્ર સ્મિત કર્યું.

‘ભઈલા, તને વાંધો ન હો તો તું મારી જગ્યાએ બેસી જા. મારે પગમાં સોજા ન આવે એટલે દાકતરે પાણીની ગોળી આપી છે. વારે વારે બાથરૂમ જવું પડે. તને કેટલી વાર ઉઠાડું?’

લાંબા પગવાળો, ઉંચો ભઈલો કમને વચ્ચે ગોઠવાયો.
જો કે આકાંક્ષાને આ ગમ્યું. ડોસીમા ખસ્યા અને હેન્ડસમ બાજુમાં બેઠો. ચાલો, હવે શાંતીથી બુક વંચાશે. બુક ન વંચાય તો હેન્ડસમ સાથે ઓળખાણ કાઢીને રસપ્રદ ગપ્પા મારીશું.
આકાંક્ષા પિડિયાટ્રિસીયન હતી. મનમોજી અને આનંદી સ્વભાવની ડૉકટર હતી. બિમાર બાળકની સાથે આવેલા વડિલોને વિઝિટીંગ રૂમમાં બેસાડીને એક્ઝામીનીંગ રૂમમાં રડતા આવેલા બાળકોને ગીલગીલાટ કરતાં બહાર કાઢતી. રડતા આવતા અને હસતા ઘેર જતા. નાના બાળકોની સાથે એ પણ નાચવા કુદવા લાગતી. ગંભીરતા એના સ્વભાવમાં જ ન હતી.

એ બે બર્ષની હતી ત્યારે માતા પિતા એક્સિડંટમાં મૃત્યુ પામ્યા હતા. કાકા-કાકીએ આકાંક્ષાને પ્રેમથી દીકરી કરી હતી. ઉછેરી હતી. કાકીને એ મોમ કહેતી અને કાકાને એ ડૅડ કહેતી. તોફાની હતી. કાકા સમૃદ્ધ હતા. કાકી પ્રેમાળ હતા. એમને ત્રણ દીકરાઓ હતા. દીકરીની ખોટ હતી. ત્રણ પિત્રાઈની એ વ્હાલી લાડકી બહેન હતી. ભાભીઓ સખી બની ગઈ હતી. કોઈના ન માનવામાં આવે એવો અમેરિકામાં લાખોમાં એક એવો આ પરિવાર હતો.

આવો સુખદ પરિવાર છોડીને કોને પરણીને સાસરે જવાનું મન થાય! છેલ્લી બર્થ ડે કૅઇક પર ત્રીસ કેન્ડલ ગોઠવાઈ હતી. આકાંક્ષા પાસે હવે ન પરણવા માટે કોઈ બહાના રહ્યા ન હતા. મૉમે વ્હાલભરી ફાયનલ નોટિસ ફટકારી.

“અક્ષી…હવે તું કોઈ કહ્યાગરો કંથ શોધી કાઢ. કોઈ ડૉક્ટર કે પ્રોફેશનલ શોધી કાઢ. એ ન મળે તો મુંબઈ જઈને કોઈ ઘરઘાટી શોધી કાઢ, તારા જેવી આળસુને કામ લાગશે. પણ આવતે વર્ષે કૅઇક પર એકત્રીસ કેન્ડલ મૂકાય તે પહેલા તારા હાથ પીળા થવા જ જોઈએ. બીજાના છોકરા બહુ રમાડ્યા; હવે બત્રીસ કેન્ડલ પહેલા તારું છોકરું રમાડતી થવી જોઈએ.”

આકાંક્ષા દોડી. કિચનમાં હળધરનો ડબ્બો ઉંધો વાળ્યો. હાથ મોં બધું પીળું. મૉમના ગાલ પણ પીળા રંગાઈ ગયા. બેડ રૂમમાં દોડી. એક નાની ઢિંગલી લઈ આવી.

‘બા આ તમારું છોકરું રડે છે. મારે ક્લિનિક પર જવાનું મોડું થાય છે…રાખો તમે.’

મૉમની આંખમાં પાણી હતા. ડેડી રિક્લાઈનર પર બેઠા બેઠા હસતા હતા.

મૉમના આંસુ એ એમનું છેલ્લું શસ્ત્ર. આકાંક્ષા એમને વળગી પડી. ઑકે. આઈ એમ રેડી. ફાંઇન્ડ મી હેન્ડસ બકરો. મને ગમવો જોઈએ.

ડિનર સમયે નિર્ણય લેવાઈ ગયો. ત્રણે ભાઈ-ભાભીઓએ શોધ આરંભી. રોજની જુદા જુદા ડૉક્ટર, વકિલ, બિઝનેસમેન મુરતિયાના સૂચન થતા. મુલાકાતો ગોઠવાતી પણ બધા નાપાસ. … એનું કંથ હંટિંગ, કંથ ફિસીંગ ચાલુ રહ્યું. પણ કંઈ જામતું ન હતું. ભાઈ નિશાંત એના કરતાં માત્ર ત્રણ વર્ષ મોટો હતો. એ પણ ડોકટર હતો. ડૉ.નિશાંત એનો મદદગાર હતો. જુદા જુદા લગ્નલાયક કુંવારા ડૉકટરોને ઘેર બોલાવતો. આકાંક્ષાની ઓળખાણ કરાવતો. પણ બધું પાણીમાં. હવે તો એને પણ પરણવું હતું. પણ બિચારીને ગમે એવો, ત્રીસ પાંત્રીસનો કાચો કુંવારો હેન્ડસમ ડૉક્ટર મળતો ન હતો.

કાકીએ આકાંક્ષાના જીવનમાં વખતો વખત જુદા જુદા રોલ ભજવ્યા હતા. માંનો, શિક્ષકાનો, સલાહકારનો અને મિત્રનો.
કાકીએ આધુનિક રસ્તો પકડ્યો. એણે આકાંક્ષાના નામે ઈન્ટરનૅટ પર શોધ આરંભી. ચેટીંગ શરૂ થયું.

ઈન્ટરનેટ પર મુંબઈના એક દેશી ડૉકટર ડૉ. અનિરુદ્ધ કુંબલે સાથે આકાંક્ષના નામે દોસ્તી થઈ. ઈન્ટરનેટ પર અનિરુદ્ધે પ્રેમાલાપો કરવા માંડ્યા.. પ્રેમગીતો ગાવા માંડ્યા. સ્વપ્રસંસા વધતી ગઈ. બોમ્બેમાં ચાર ક્લિનિક ઓપરેટ કરું છુ. બસ જરૂરત હે જરૂરત હૈ જરૂરત હૈ. શ્રીમતિકી તેરે જૈસી અમેરિકન કલાવતીકી… કાકીને એની સેન્સ ઓફ હ્યુમર્સ ગમતી.

આકાંક્ષાની જ સ્ટાઈલ. એણે નેટ પર ફોટાઓ મોકલ્યા. મજનુ ધુમ્મસમાં હેટ ગોગલ્સમાં ઉભેલી આકૃતિ જેવો દેખાતો હતો. શાહરૂખખાનની અદામાં ઘણા ફોટાઓ હતા. બેકગ્રાઉન્ડમાં બોમ્બેની કોઈ મોટી હૉસ્પિટલનો ફોટો હતો.

કાકીએ કહ્યું. અક્ષી અમદાવાદમાં મારી બહેનની દીકરીના લગ્ન છે. ત્યાં પહોંચી જા. કોઈકને કોઈક તો ઝડપાઈ જશે. સાથે સાથે તારા મજનુને પણ માપતી આવજે.

અમદાવાદમાં કંઈ મેળ ન બેઠો. ગમે એવા હતા તે પરણેલા હતા. કેટલાક આકાંક્ષાને નહીં પણ અમેરિકાને પરણવા માંગતા હતા. કોઈકને તેના જન્માક્ષર જોઈતા હતા.

છેલ્લે મુંબઈમાં બેઠેલા મેડિકલ મજનુને ચકાસવાનો બાકી હતો. જેમ તેમ કરીને સરનામા પ્રમાણે વિરારની એક શાકભાજીની લારીઓ વાળી ગલીમાં પહોંચી. ભાંગેલા ઓટલા પર એક બાજુ એક બકરી આરામ કરતી હતી. બીજી બાજુ પાનનો ગલ્લો હતો. વચ્ચે બોર્ડ હતું. “સ્ત્રી રોગના નિષ્ણાત દાકતર અનિરુદ્ધનું દવાખાનું”

આકાંક્ષાએ બે પગથીયા ચડી અંદર નજર નાંખી. એક ટાલિયો માણસ સ્ટિલની ખુરસી પર બેઠો હતો. સામે ટેબલ પર જુનું કોમ્પ્યુટર હતું, એક ફેલ્ટ હેટ હતી અને ગોગલ્સ હતા. થોડી જુદા જુદા રંગની દવાની બાટલીઓ સેલ્ફ પર ગોઠવેલી હતી. જો એ ટાલિયાના માથા પર હેટ અને આંખ પર ગોગલ્સ ચડાવી દેવાય તો મૉમને પસંદ પડેલો એ જ અનિરુદ્ધ હતો. શાહરૂખખાન નહીં પણ અનુપમ ખેર હતો. તેણે ઓટલા પરના પાનવાળાને પૂછ્યું, ‘આ જ ડૉકટર અનિરુદ્ધ છે?’

જવાબ મળ્યો ‘હાં, ઉસકા અસલી નામ તો અરવિંદભાઈ હૈ લેકીન અબ બદલ ડાલા હૈ.’

‘એમબીબીએસ કિયા હૈ?’
‘અરે કહાંકા એમ્બીબીએસ! વો તો એક ડોકટરકે વહાં કંપાઉન્ડર થા. ડોક્ટરને ઉસે નિકાલ દીયા તો યહાં ઉસને દવાખાના ખોલ દીયા.’ આકાંક્ષાને વધુ જાણવાની કે ઈન્ટરનેટ મજનુને મળવાની જરૂર ન હતી.

પ્લેનમાં બેઠી ત્યારે થાકેલી હતી. માજીની વાતોથી કંટાળેલી હતી. પણ પાસે બેઠેલો હેન્ડસમ પહેલી નજરમાં જ ગમી ગયો. શું પર્સનાલિટી? વાહ! પણ એક વાર હસ્યો એજ; પછી તો જરાક ડોકી ફેરવીને એની સામે જોવાની દરકાર પણ નહોતી કરી. ડિનર આવ્યું. માજીએ પેલા પાસે થેપલા ઉતરાવ્યા. એક થેપલું ટેમ્પરરી દીકરાને આપ્યું. સ્મિત કરીને આગ્રહ કરાવ્યા વગર લઈ લીધું. માજીએ એક થેપલું આકાંક્ષાને આપવા તેને આપ્યું. યુવાને આકાંક્ષાને ધર્યું. સામે જોયા વગર જ. આકાંક્ષાએ પણ જોયા વગર કહી દીધું ‘નો. થેન્કસ.’
સાલો હેન્ડસમ અકડુ લાગે છે.

બીગ હેડ સાથે મારેજ શરૂઆત કરવી પડશે. ગોરે ગોરે ગાલ, ગાલમે ખંજન, નીલી નીલી આંખે….બસ..બસ..જાણવું પડશે કે પરણેલો છે કે કુંવારો…? શું કરે છે…? ક્યાં રહે છે…? પણ એને પૂછવું ન પડ્યું. માજીએ જ થેપલાનો ડૂચો ચાવતા દીકરાને પૂછ્યું. ‘ભઈલા તારું નામ શું?

બા મારુ નામ મગન.
છી..છી…છી.. આવા હેન્ડસમનું આવું જૂનવાણી નામ…? મેળ બેસે એમ હોય તો નામ તો બદલવું જ પડશે. પેલા દેશી કંપાઉંન્ડરે પણ કેવું સરસ નામ બદલ્યું હતું!

‘ભઈ, તું શું કરે છે? તારી મોટૅલ છે?’ માજીની ક્રોસ એક્ઝામ ચાલુ રહી.
‘ના માજી મોટેલ નથી. હું તો દાયણનું કામ કરું છું.’
‘અમેરિકામા મરદો પણ દાયણ બને?’
‘કેમ મરદથી દાયણ ન બનાય? અહીં તો બૈરાઓ પણ મોટા મોટા ખટારા ચલાવે છે.’
‘હા ભઈ હા. જમાનો બદલાયો છે.’ ટેમ્પરરી માં દીકરાની વાતો વાતો ચાલતી હતી.

‘તું પટેલ છેને?’
‘ના, વાણિયો છું માજી.’
‘કેટલા છોકરાં છે?’
‘માજી પરણ્યો જ નથી.’
‘કેમ?’
‘માજી ટાઈમ જ ન્હોતો. હવે ટાઈમ છે પણ કોઈ પરણવા તૈયાર નથી.’
‘છાપામાં છપાવને?’
‘મારો ભગુ પણ એમ જ પરણેલો.’ અમેરિકા આવવા તો હજાર છોકરીઓ તૈયાર થાય. તું તો કેવો દેખાવડો છે…? છાપામાં એમ લખવાનું કે તું મોટો ઈજનેર છે.

ડોસી એ ડોકું લંબાવ્યું. ‘દીકરી તારું નામ શું તે પૂછવાનું તો ભૂલી જ ગઈ.’

‘માજી મારું નામ આકાંક્ષા. હું ડૉક્ટર છું. હજુ કુંવારી જ છું. પરણવું છે પણ કોઈ મુરતિયા ગમતા નથી. ગમે છે તે અભણ ને ગામડિયા હોય છે. ‘

લાઈટ બંધ થઈ. એણે ફરી પાછી શ્વેતા વાંચવા માંડી. જેટલું જાણવું હતું તેટલું જાણી લીધું.

પેલા લાંબાએ એનું લેપટોપ ખોલ્યું. ‘ફૅસબુક’ અને ‘લિન્કડ-ઈન’ પર ફાંફા મારવા માંડ્યા.

– – – – – – –

……એ છોકરી, તને પ્રભાતિયા ગાઈને ઉઠાડવી પડશે…? હમણાં અડધો કલાકમાં પ્લેન લેન્ડ થશે.

હેં?..વૉટ?..આંખો ચોળતા આકાંક્ષા પૂછ્યું. એને ખ્યાલ આવ્યો કે એનું માથું પણ પેલા હેન્ડસમના ખભા પર ટેકવાયલું હતું.

સ્વસ્થ થતાં એણે કહ્યું, ‘આઈ એમ સોરી. પ્લિઝ ડોન્ટ કોલ મી છોકરી. આઈ એમ લૅડી એન્ડ આઈ એમ ડૉક્ટર આકાંક્ષા શાહ.’

ઓહ! માફ કરજો દાકતર સાહેબા. મારો એક ખભો આ માજીને થોડો વાર મફત આપ્યો હતો. હું કોઈને મારો ખભો ભાડે નથી આપતો. કાયમ માટે વેચાતો લેનાર મળે તેને માટે સાચવી રાખ્યો છે.

મગનભાઈ શું ભાવ છે?
એક વેડિંગ રીંગ.
હેન્ડસમ ગામડિયાએ માંડ સ્થિર થયેલા મનોસરોવરમાં એક કાંકરો નહીં, પણ મોટો પહાણો ઝીંકી દીધો. સાડા પંદર કલાક બોલવાનું સૂજ્યું ન્હોતું. મનમાં બબડતી ફફડતી આકાંક્ષા કસ્ટમનું ફોર્મ ભરવા લાગી.

– – – – – – – –

પ્લેન લેન્ડ થયું.
નિશાંત એરપૉર્ટ પર બહેનને લેવા આવ્યો હતો.
‘લેસ્ટ ગો નિશાંત ભાઈ.’
‘વેઈટ. તારી પાછળ આવે છે એને જોઈલે. મારો નવો મિત્ર છે.’
આકાંક્ષાએ પાછળ જોયું હેન્ડસમ ગામડિયો માજીની વ્હિલચેરની સાથે ચાલતો હતો. એ પાસે આવી ગયો.

‘હાય ડૉકટર નિશાંત!’
‘હાય. ડૉ. મગ્ન શ્રોફ. ધીસ ઈઝ માય સીસ આકાંક્ષા.’
‘આકાંક્ષા, ડોક્ટર મગ્ન શ્રોફ જુસ્ટ મુવ્ડ ટુ ન્યુ જર્સી ફ્રોમ યુકે. હી ઈઝ વેરી ફૅમસ ગાયનેકોલોજીસ્ટ એન્ડ હી હેઝ પબ્લિશ્ડ મેની એવૉર્ડ વિનીંગ રિસર્ચ પેપર્સ.’

‘નિશાંત, સોરી તમારું આમંત્રણ હતું પણ આવી ન શક્યો. ઈન્ડિયામાં મારા દાદી દેવલોક પામ્યા અને મારે દોડવું પડ્યું. મારાથી તો ન અવાયું પણ હવે તમે જ મારે ત્યાં ફેમિલી સાથે આવો તો… શૉલ્ડર વેચાણની પણ વાતો થઈ શકે.’

નિશાંતને શૉલ્ડર વાળી વાત સમજાઈ નહીં.
‘દાયણ મગન!…ડૉ. મગ્ન. તમે..?’ આકાંક્ષાએ ક્ષોભ સાથે હેન્ડસમ ડૉક્ટર શ્રોફને પૂછ્યું.

‘હા માજીને માટે દાયણ મગન, નિશાંતને માટે બડી મગ્ન. અને તમારે માટે… તમે જ નક્કી કરજોને!’

શૉલ્ડરનો સથવારો. માત્ર સોળ કલાકનો કે જીવનભરનો…?

~ પ્રવીણ શાસ્ત્રી

Published in Tiranga In New Jersey.

( Taken with permission of author )

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.