Gujarati Writers Space

ઈન્દ્રકુમાર ગુઝરાલ અને 11મી લોકસભા

ઈન્દ્રકુમાર ગુઝરાલ અને 11મી લોકસભા : રાત્રે TDPનો સાંસદ આવીને બોલ્યો, ઉઠો ઉઠો તમારે પ્રધાનમંત્રી બનવાનું છે

11મી લોકસભાને અટલ બિહાર વાજપેયીની 13 દિવસની સરકાર તરીકે યાદ રાખવામાં આવે છે. 13 દિવસ અને લોકસભામાં અટલજીનું ધારદાર ભાષણ ‘મેં અપના ત્યાગપત્ર રાષ્ટ્રપતિજી કો દેને જા રહા હું’ આ સિવાય પણ મોટી પોલિટિકલ ગેમ રમાઈ હતી. વજીરોની તાકત હનુમાન સ્વભાવમાં પરિવર્તિત થઈ ગઈ હતી અને પ્યાદા સત્તામાં આવી ગયા હતા. અટલ બિહારી વાજપેયી, એચ.ડી.દેવેગૌડા, ઈન્દ્રકુમાર ગુઝરાલ. હજુ પાંચ વર્ષ હોત તો બે ચાર પ્રધાનમંત્રી વધારે બદલી જાત. ગોળની કાંકરી મુકી હોય અને માખીઓ સાથે કીડીઓનો ઢગલો થઈ જાય તેવી સ્થિતિ લોકસભા 11માં બની હતી. 1996માં લાલ કૃષ્ણ અડવાણી ગાંધીનગર સીટ પરથી ચૂંટણી નહોતા લડ્યા. તેમણે નક્કી કર્યું હતું કે મારા પર ચાલતા કેસમાં જ્યાં સુધી હું નર્દોષ પૂરવાર ન થઈ જાઉં ત્યાં સુધી ચૂંટણી નહીં લડુ એટલે એ જગ્યાએ વાજપેયી ઉતર્યા હતા અને જીત્યા હતા. 323,583 મત તેમને મળ્યા હતા. 13 દિવસમાં સરકાર પડી ગઈ કારણ કે વામપંથી મોર્ચાના કોમરેડ હરકિશન સિંહ સુરજીતે જનતા દળ (46) વામ મોર્ચા (53) સપા (16) તેલુગુદેશમ (16) અસમ ગણ પરિષદ (5) દ્રમુક(17) અને જીકે મુપનારની તમિલ મનીલા કોંગ્રેસ (20) ભેગા થઈ ભાજપની 13 દિવસની સરકારને ઘર ભેગી કરી દીધી. જો કે સરકાર બનાવવા કરતા સરકાર બનાવવા પાછળના ક્યા પરિબળો જવાબદાર હોય છે તે મહત્વનું છે. એ પરિબળની માતાની કુખે બળવો અને અસંતોષ નામના બે બાળકો જન્મે છે. જે 9 મહિનાની રાહ નથી જોતા.

1996 પહેલા પી.વી.નરસિમ્હારાવની સરકાર હતી. પહેલીવાર કોઈ એવો કોંગ્રેસી સત્તા પર હતો જેનું બેકગ્રાઉન્ડ ગાંધી પરિવારમાંથી ન હતું. રાવ કહેતા, ‘હું વિચારું છું, લાંબું વિચારું છું, ખૂબ વિચારું છું પછી નિર્ણય લઉં છું કે એ વિચાર કરવો જ ખોટો હતો.’ એ પી.વી.નરસિમ્હાની જગ્યાએ પ્રધાનમંત્રી બનવા એવા લોકો મેદાને આવ્યા હતા, જેમાં અટલજીને છોડો તો જેમને રાજનીતિનો ‘ર’ અને ભાષણના ‘ભ’ ની પણ ખબર નહોતી પડતી. હવે કિસ્સાઓ થોડા ચેપ્ટરવાઈઝ જાણીએ.

Chapter – 1 : એક સફેદ એમ્બેસેડર

રાયસીના હિલની પહાડીઓ પર એક એમ્બેસેડર કાર જઈ રહી હતી. અંદર ચાર લોકો બેઠા હતા. એક ધોતીધારી વૃદ્ધ વ્યક્તિ અને તેમની સાથે એક મહિલા અને એક પુરૂષ. એ મહિલા અને પુરૂષ પતિ-પત્ની હતા. એક ડ્રાઈવર હતો. થોડીવારમાં ધોતી પહેરેલા વૃદ્ધ વ્યક્તિએ રાષ્ટ્રપતિ ભવનની બહાર કારને ઉભી રખાવી. ચશ્મા સરખા કરી પતિ-પત્નીને કારમાં જ થોભવાનું કહી તે વૃદ્ધ અંદર ગયો. એ સમયે રાષ્ટ્રપતિ તરીકે શંકર દયાલ શર્મા હતા. અંદર થોડો વધારે સમય લાગ્યો. નજીકનું વ્યક્તિ કંઈ કહ્યા વિના કોઈને મળવા માટે જાય અને વાર લાગે તો સેકન્ડનો સમય કલાકમાં તબ્દિલ થઈ જતો હોય છે. થોડીવાર પછી એ વ્યક્તિ બહાર આવે છે. હાથમાં ફાઈલ છે. કારનો દરવાજો ખોલતાની સાથે અંદર બેઠેલો પુરૂષ કપાળની કરચલીઓ ભેગી કરી પૂછે છે, ‘શું થયું ?’

હાથમાં રહેલી ફાઈલને જોઈ વૃદ્ધ ફરી હસે છે, ‘અરે… કાલ પ્રધાનમંત્રી પદના શપથ લેવાના છે. શંકર દયાલ શર્માએ મુહુર્ત નીકાળી દીધું છે.’

એ વૃદ્ધ વ્યક્તિ એટલે અટલ બિહારી વાજપેયી અને અંદર બેઠેલો પુરૂષ એટલે વાજપેયીજીનો જમાઈ રંજન ભટ્ટાચાર્ય. કારમાં બેઠેલી મહિલા એટલે વાજપેયીની દત્તક દિકરી નમિત્તા ભટ્ટાચાર્ય.

Chapter – 2 : સમર્થન

એ જ દિવસે 140 સીટો સાથે બીજી મોટી પાર્ટી તરીકે ઉભરેલી કોંગ્રસની મીટીંગ ચાલી રહી હતી. ફોન જોડી તડજોડની રાજનીતિ અપનાવી તેમણે બીજા પક્ષોને મનાવી લીધા હતા. પી.વી.નરસિમ્હારાવ ફરી વડાપ્રધાન બને તેવું તેમને પણ લાગતું હતું. સમર્થન મળી ગયું છે તેની ચીઠ્ઠી તેમના હાથમાં હતી, પણ એ ચીઠ્ઠી શું કામની ? જ્યારે શંકર દયાલ શર્માએ સૌથી મોટી પાર્ટી બીજેપીને સરકાર બનાવવા માટે આમંત્રિત કરી દીધી હોય. નરસિમ્હારાવ તેમના ક્વોટની માફક વિચારવા લાગ્યા અને બસ વિચારતા જ રહ્યા. આ સિવાય તેઓ કશું કરી શકે તેમ નહોતા. જ્યારે આ ખબર જનતાદળને પડી ત્યારે તેણે વાજપેયીની સરકારને ઉથલાવવા માટે કમર કસી. જો કે વાજપેયી પહેલા તેમની સરકાર બની શકતી હતી.

Chapter – 3 : The HD દેવેગૌડા

સરકાર બનાવવા માટે સંયુક્ત મોર્ચાની તમામ પાર્ટીઓ વાજપેયી પહેલા જ સતર્ક થઈ ગઈ હતી. દોડધામ વધી ગઈ હતી. તેમના માટે સૌથી મોટી સમસ્યા એ હતી કે આટલી બધી પાર્ટીઓ ભેગી થઈ છે હવે પ્રધાનમંત્રી બનાવશું કોને ? તેમાં કર્ણાટકનો એક નેતા જેને સત્તાની લાલસા વધારે હતી તે દેવેગૌડા વારેઘડીએ પ્રધાનમંત્રી બનવાના ખ્વાબ જોઈ રહ્યા હતા. પણ મનસૂબા પાર્ટીના અન્ય નેતાઓની સમક્ષ જાહેર નહોતા કરી રહ્યા. દેવેગૌડાનું મનોબળ દ્રઢ હતું અને જેનું મનોબળ દ્રઢ હોય તેની ઈચ્છા પૂર્ણ થવાની જ !! જનતાદળના દેવેગૌડાએ પોતાની પાર્ટીના અન્ય નેતાઓને બે મત આપ્યા હતા. એક કાં તો ભાજપની સરકાર બનવા દઈ તેને ઓછામાં ઓછા સમયમાં જમીનદોસ્ત કરી દઈએ અને બે કાં તો આપણે કોંગ્રેસ સાથે ભળી જઈએ. અંદરખાને તો દેવેગૌડાને પહેલો ઓપ્શન જ પરફેક્ટ લાગતો હતો. કારણ કે તેમાંથી સરકાર બનાવવાનો રસ્તો નીકળતો હતો. પણ દેવેગૌડાએ પાર્ટીને ત્રીજો ઓપ્શન આપ્યો જે બધાને યોગ્ય લાગ્યો, ‘આપણે સરકાર બનાવીએ અને કોંગ્રેસ સમર્થન કરે.’ જેથી ઈન્દ્રકુમાર ગુઝરાલ અને વી.પી.સિંહને પણ ખબર પડી ગઈ કે દેવેગૌડા હવે ખરેખર HD થઈ રહ્યા છે.

Chapter – 4 : વિશ્વનાથ પ્રતાપ સિંહની ચા

મોરચો ભેગો થઈ ગયો હતો. લેફ્ટ અને નોર્થ બંને એક સાઈડમાં હતા. કોંગ્રેસે ઉંચો હાથ કરી સમર્થનની લીલી ઝંડી આપી દીધી હતી. પણ એ પાર્ટી શું કામની જેનો રાજા જ દેખાતો ન હોય ? પાર્ટીએ તાત્કાલિક ધોરણે નેતા પસંદ કરવાની કવાયત હાથ ધરી. બધાની નજર એક વ્યક્તિ પર ઠરી. જેનું નામ વિશ્વનાથ પ્રતાપ સિંહ એટલે કે વી.પી.સિંહ. જો કે હજુ દેવેગૌડાના અભરખા પૂર્ણ નથી થયા. તમામ મોટા નેતાઓએ વી.પી.સિંહને આ વાતની માહિતી આપી તો તેમણે ના પાડી દીધી. ફરી એક વખત .વી.પી.સિંહને સામેથી કહેવા નેતાઓ તેમના નિવાસસ્થાને ગયા. એ સમયે જ વી.પી.સિંહ ગાડીમાં બેસી રફુચક્કર થઈ ગયા હતા. એ કિસ્સો મસ્તમજાનો છે. દેવેગૌડા સહિતનું જૂથ તેમને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યું. વી.પી.સિંહે મહેમાનગતિ કરી ચા કે કોફીનું પૂછ્યું. બધા માટે ચા આવી ગઈ. 4 વાગ્યા સુધી નેતાઓ રાહ જોતા રહ્યા. આખરે એક ફોન આવ્યો. તે વી.પી.સિંહનો હતો, જેમાં તેઓ કહી રહ્યા હતા, ‘રાહ ન જુઓ, હું નથી બનવાનો.’ વી.પી.સિંહ એ સમયે નોઈડાથી વાત કરતા હતા.

Chapter – 5 : બાબુમોશાય

વી.પી.સિંહની ના બાદ સંયુક્ત મોર્ચાની પાર્ટી જ્યોતિ બસુ પાસે પહોંચી. જ્યોતિ બસુ દૂરંદેશી નેતા હતા. તેમને ખ્યાલ હતો કે, 53 ધારાસભ્યો તેમની પાસે છે, મનાવીને પણ 40 સાથે આવશે. એ 40ની સાથે બીજા 232ને ભેગા કરી સરકાર બનાવવી એ હાથે કરી દુખના ‘વાહડા’ ઉભા કર્યા જેવું છે. જેમાં 40નો સંતોષ તો ઠીક બીજા 232ના સંતોષનું શું કરવું ? જ્યોતિ બસુએ ના પાડી દીધી. આજ જ્યોતિબસુ ભવિષ્યમાં જનતાદળના નિર્ણયને સૌથી મોટી ભૂલ ગણવાના હતા. આખરે જ્યોતિ બસુએ જ એચ.ડી દેવેગૌડાનું નામ આગળ કરી પ્રધાનમંત્રીના નામ પર મહોર મારી દીધી. સંયુક્ત મોર્ચો તૈયાર થયો, પણ તેની પહેલા ચેપ્ટર-1માં વાત કરી તે એમ્બેસેડરને શંકર દયાલ શર્મા બોલાવી ચૂક્યા હતા. એટલે હવે તમામ સંયુક્ત મોર્ચાએ વિશ્વાસ મતનો પ્રસ્તાવ દાખલ કરી ભાજપને તોડી નાખવાનું નક્કી કર્યું. ભાજપ તૂટી ગયું પણ ભાજપના કાર્યકર્તાઓના મનમાં એક નવા બીજનો ઉદ્દભવ થયો કે આપણામાંથી પણ કોઈ માણસ ત્યાં પહોંચી તો શકે હો…

Chapter – 6 : બમ બમ

વિરોધના કારણે પી.વી.નરસિમ્હા રાવને પાર્ટીનું પદ છોડવું પડ્યું. તેમની જગ્યા લીધી કોંગ્રેસના ભરોસાપાત્ર અને અત્યાર સુધી કોંગ્રેસનું કોષાધ્યક્ષનું ખાતું સંભાળનારા સીતારામ કેસરીએ. વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ સીતારામ કેસરીનો ઉલ્લેખ કરી કોંગ્રેસને ઘેરી હતી કે સીતારામ દલિત હોવાના કારણે કોંગ્રેસે તેમની સાથે અન્યાય કર્યો અને સોનિયા ગાંધી કોંગ્રેસ પ્રેસિડેન્ટની ગાદી પર બેસી ગયા. જેમાં વિરોધપક્ષ પોતાના બચાવમાં ત્યાં સુધી પહોંચી ગયેલી કે સીતારામ કેસરી દલિત નહીં પણ OBC નેતા છે. હવે સીતારામ કેસરી સત્તા પર છે. રાજીવ ગાંધીના નિધન બાદ ગાંધી પરિવાર રાજનીતિથી દૂર છે. સીતારામ કેસરીને લાગે છે કે હવે આજુબાજુ કોઈ નથી તો કેમ નહીં દેવેગૌડાને હટાવી પોતે પ્રધાનમંત્રી બની જઈએ. કેસરીએ પહેલો ઝટકો નરસિમ્હારાવને જ આપ્યો અને સંસદીય દળના નેતા તરીકેનું પદ છોડવા મજબૂર કરી દીધા. જેથી સંયુક્ત મોર્ચો અને કોંગ્રસને જોડી રાખતો પુલ પડી જાય. પુલ ધરાશાયી થયો અને હવે સીતારામ કેસરી બીજુ પ્યાદુ આગળ લાવવા તૈયાર થયા. સામેથી દેવેગૌડાને રાજેશ પાયલટ મળવા પહોંચ્યા અને કહ્યું, ‘સીતારામ સામે ડૉક્ટરના મર્ડરનો એક જૂનો કેસ છે ઓપન કરીએ ?’ દેવેગૌડાએ સખ્ત ના પાડી તો બાદમાં રાજેશ પાયલોટે ઈન્ડિયન એક્સપ્રેસમાં એ ખબર છપાવી દીધી. સીતારામ કેસરી સતર્ક થઈ ગયા અને દેવેગૌડાના વિરોધી શરદ પવાર સાથે નજદિકીયા કેળવવા લાગ્યા. એ સમયે પી.ચિદમ્બરમે ડ્રીમ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ પછી દેવેગૌડાને સત્તા પરથી હટાવવા કપરા ચઢાણ સમાન હતું કારણ કે બજેટમાં સરકારે ટેક્સ ઓછો કરી દીધો હતો. એ બજેટ પાસ થતા પહેલા જ દેવેગૌડાની સરકાર પડી ગઈ. સીતારામ કેસરીએ સમર્થન પાછું ખેચી લીધું. સમર્થન ખેંચતા પહેલા જ સીતારામ કેસરીએ શરદ પવારને ફોન કરી કહ્યું હતું, ‘સમય થઈ ગયો છે, દિલ્હી આવો અને બમ બમ કરી નાખો.’ દેવેગૌડા પર એ બમ બમ થઈ ગયું.

Chapter – 7 : ફૈઝ અહેમદ ફૈઝનો વિદ્યાર્થી

ઈન્દ્રકુમાર ગુઝરાલ જમ્મુ કાશ્મીરમાં પેદા થયા હતા. ઈમાનદાર માણસ હતા. પણ પહેલો દાગ તેમના પર ત્યારે લાગ્યો જ્યારે જલંધરથી ચૂંટણી લડવા ટેવાયેલા ગુઝરાલે લાલુ પ્રસાદ યાદવના સપોર્ટથી પટણામાં ચૂંટણી લડી. વિવાદ થયો અને એ ચૂંટણી કોર્ટમાં પહોંચી ગઈ. ઈન્દ્રકુમાર ગુઝરાલ લાહોરમાં ભણતા હતા અને તેઓ ફૈઝ અહેમદ ફૈઝના વિદ્યાર્થી હતા. દેવેગૌડાની સરકારમાં વિદેશ મંત્રી હતા. મોસ્કોની એલચી સંભાળી હતી. આ એ સમય હતો જ્યારે અમેરિકા પાકિસ્તાન સાથે મળી ભારતીય દ્રીપ પર ટેન્શનનો માહોલ ક્રિએટ કરી રહ્યું હતું અને ભારતની રશિયા સાથે દોસ્તી ખૂબ જરૂરી હતી. જે કામ ઈન્દ્રકુમાર ગુઝરાલે બખૂબી કરી બતાવ્યું હતું. ઈન્દ્રકુમાર ગુઝરાલ એટલે એ વ્યક્તિ જે ઈન્દિરા ગાંધીની સરકારમાં સૂચના અને પ્રસારણ મંત્રાલય સંભાળતા હતા. એક દિવસ ફોન આવ્યો અને ઈન્દિરા ગાંધીને મળવા માટે પહોંચ્યા. ત્યાં પહોંચતા જ સંજય ગાંધી પગ પર પગ ચડાવી બેઠા હતા. ગુઝરાલનો મગજ ગયો તેણે સંજય ગાંધીને કહી દીધું, ‘હું તારા બાપની ઉંમરનો છું અને તારા નહીં તારી મમ્મીના કહેલા ઓર્ડર ફોલો કરું છું.’ ઈન્દિરાની હાર થઈ સત્તા જનતાદળના હાથમાં આવી, પણ કોઈએ ગુઝરાલને મોસ્કોથી ભારત ન બોલાવ્યા. વિદેશમંત્રી હતા ત્યારે મુફ્તી મોહમ્મદ સઈદની દિકરી રૂબીનાને ઉગ્રવાદીઓએ કિડનેપ કરી લીધી. જેને છોડાવવા માટે ગુઝરાલે આતંકીઓને જેલમાંથી છોડી મુક્યા અને પછી એ સિલસિલો ચાલુ થઈ ગયો. દેવેગૌડા બાદ હવે ચર્ચાઓનો દોર ચાલી રહ્યો હતો. કર્ણાટકના મુખ્યમંત્રી એસ.આર.બોમૈયાનું નામ સામે આવ્યું. ચંદ્રાબાબુ નાયડુને કર્ણાટકમાંથી વધારે એક પ્રધાનમંત્રી નહોતો બનાવવો, તો કરૂણાનિધિને કાવેરીજળ વિવાદને લઈ ફરી કર્ણાટકનો નેતા પ્રધાનમંત્રી બને તે મંજૂર નહોતું. પરિણામે બોમૈયાના નામ પર ચોકડી લાગી ગઈ. જી.કે.મુફનારના નામની ચર્ચા હતી. મુલાયમ સિંહ યાદવનું નામ પણ ચર્ચામાં હતું. આ બધા નામોની આંધ્રભવનમાં મીટીંગ ચાલી રહી હતી. ઈન્દ્રકુમાર ગુઝરાલ પણ ત્યાં હતા. મીટીંગોથી થાકી તે TDPના સાંસદના રૂમમાં ઉંઘવા માટે ચાલ્યા ગયા. રાત્રે નક્કી થઈ ગયું કે ઈન્દ્રકુમાર ગુઝરાલ જ વડાપ્રધાન બનશે. ચંદ્રાબાબુ નાયડુએ ઈશારો કરી સાંસદને ગુઝરાલને બોલાવવા માટે કહ્યું. સાંસદ દોડીને ગયો અને ગુઝરાલને ઉઠાડ્યા, ‘ઉઠો ઉઠો તમારે પીએમ બનવાનું છે.’ ગુઝરાલ ખુશ થઈ ગયા અને એ સાંસદને ગળે લગાવી લીધા. પણ ગુઝરાલ પર સંસદમાં સૌથી મોટો શબ્દરૂપી હુમલો કરનારા સુષ્મા સ્વરાજ હતા. સુષ્માએ કહ્યું હતું, ‘પ્રધાનમંત્રીની હાલત તો એ વહુ જેવી છે જેને સંયુક્ત પરિવારના તમામ લોકોને ખુશ રાખવાના હોય છે.’ પાંચ વર્ષ સુધી દેશમાં રાજનીતિ જ થતી રહી. કોઈને કામ કરવાની મોકળાશ કે અવસર ન મળ્યો. કોંગ્રેસે પણ DMKના સાંસદો અને રાજીવ ગાંધીની હત્યાને લઈને ઉઠેલા વિવાદથી સમર્થન પાછું ખેંચી લીધું. ગુઝરાલની સરકાર પડી ભાંગી. રાષ્ટ્રપતિ કે.આર.નારાયણે 4 ડિસેમ્બરે લોકસભા ભંગ કરી. એ દિવસે ઈન્દ્રકુમાર ગુઝરાલનો જન્મ દિવસ હતો.

~ મયૂર ખાવડુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.