Gujarati Writers Space

ગેટ આઉટ: આમંત્રિત કર્યા, અર્થ એ નથી ફરજીયાત જવુ

એક ઈગ્લીશ રિવ્યુમાં લાઈન લખેલી હતી, ‘તમને આમંત્રિત કરવામાં આવ્યા છે, તેનો અર્થ એ નથી કે, તમારે ફરજીયાત તે ઘરની મુલાકાત લેવાની.’ હોરર ફિલ્મો તો અઢળક જોઈ, અઢળક નવલકથાઓ વાંચી, પણ આવી હોરર એક પણ નથી જોઈ. જેમાં છેલ્લે સુધી ભૂતનો પડછાયો સુદ્ધા નથી દેખાતો. હોરર ફિલ્મમાં મેસેજ મળે તે પહેલીવાર જોયું, બાકી હોલિવુડની હોરર ફિલ્મો ભૂતિયા સુપરનેચરલ, સત્યકથાઓ પર આધારિત મેરવણ કરેલી હોય છે.

અહીં નાયક છે ક્રિસ. નાયિકા છે રોઝી. નાયક બ્લેક છે, કાળો છે. જ્યારે નાયિકા ચંદ્રને ઝાંખો પાળે તેવી ગોરી ચટ્ટી છે. બંન્ને ઈન-અ-રિલેશનશિપ છે. છોકરાના મત પ્રમાણે છેલ્લા ચાર મહિનાથી તેઓ રિલેશનશિપમાં છે અને છોકરી તેને સત્ય કહે છે કે, આપણે પાંચ મહિનાથી રિલેશનશિપમાં છીએ. રોઝીને ક્રિસ સાથે કિસની રમઝમાટી બોલાવતા વાર નથી લાગતી. ક્રિસના પિતા સિક્યુરીટીમાં છે. માતાનું હિટ એન્ડ રનમાં મોત થઈ ચૂક્યું છે. જે હવે ક્રિસને યાદ પણ નથી. આ ગ્રહણ જેવી પ્રેમકહાનીને લગ્નમાં ખપાવવા પોતાના પરિવાર સાથે મુલાકાત કરવાનું રોઝી વિચારે છે. અને ફિલ્મની શરૂઆત જ મુલાકાતથી થાય છે. પણ મુલાકાત પરિણમે છે અકસ્માતમાં. ભારતીય હોરર ફિલ્મમાં જેમ બીલાડી આડી આવે તેમ અહીં હરણ આડુ આવે છે. બીચારૂ મોતને પ્યારૂ થઈ જાય છે. આ વાતનું આપણા નાયક ક્રિસને દુખ છે, પણ પેલી છોકરી રોઝીને જ્યારે કંઈ થયું જ ન હોય તેમ શાંતિથી પોતાની કાર પાસે ઉભી છે. પોલીસ આવે છે અને તે બંન્નેના ડ્રાઈવીંગ લાઈસન્સ માગે છે. ડ્રાઈવીંગ લાઈસન્સ માગતાની સાથે જ ક્રિસ આપવા તૈયાર છે પણ પ્રેમિકા જ્યારે દુનિયા લુંટાઈ જવાની હોય તેમ બોલી બેસે છે, ‘ના, ડ્રાઈવીંગ હું કરતી હતી, તો આની પાસેથી કેમ લાઈસન્સ માગો છો ?’ ક્રિસનું મોં મચકોળાય છે. પોલીસ તેની આઈડેન્ટિ નથી જોતો.

ઘરે પહોંચતા જ કુમકુમ સિરીયલની જેમ સૈયા કાલા રે…ની આગતા સ્વાગતા થાય છે. તેના પરિવારની માહિતી એકત્રિત કરવામાં આવે છે. ક્રિસ જુએ છે, તો સામે એક કાળીયો ઉભો છે, જે આ પરિવારનો નોકર છે, ઘરની અંદર પણ એક નોકરાણી છે, તે પણ કાળી છે. ક્રિસના સાળાશ્રી થોડા મનોવૈજ્ઞાનિક ઈફેક્ટ ધરાવતા માણસ જેવા દેખાય છે. રોઝીની માતા ડિનર ટેબલ પરથી ઉભી થાય કે, તે ક્રિસને ઈંગ્લીશ ગાળો ભાંડવા માંડે છે. ક્રિસ આવ્યો તે મોકામાં પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. અને જંગલની વચ્ચે આ સૂમસાન ઘરમાં પાર્ટી થાય છે. બાસ્કેટબોલનો શોખીન અને ફોટોગ્રાફીના પેશનમાં જીવતો ક્રિસ આ પાર્ટીમાં બધાની તસવીરો ખેંચતો હોય છે. બધા તેની ખુશમિજાજીમાં પડ્યા છે. ખોટી પ્રશંસા કરે છે તે ક્રિસને પણ ખ્યાલ છે.

અચાનક તેની નજર એક કાળીયા પર પડે છે. પોતાનો ભાઈ છે એ હિસાબે તે તેની પાસે જાય છે અને વાત કરવા માટે આગળ આવે છે, પણ શોક ત્યાં થાય છે કે, આ ભાઈ તો સાલ્લો એક ગોરી ઓરતના પ્રેમમાં છે, જે તેનાથી 20 વર્ષ મોટી હશે. બસ આ કાળીયાનો ફોટો નથી પાડ્યો. એટલે રિટર્નમાં આ કાળીયાની મોબાઈલમાં તસવીર ખેંચવા જાય છે, ત્યાં ફ્લેશલાઈટ ઓન હોવાનું આપણા બ્લેકી ભૂલી જાય છે. ફ્લેશ લાઈટનો ઝબકારો થાય છે અને કાળીયાના નાકમાંથી લોહી નીકળે છે. ક્રિસની થનારી સાસુમાં હાયપોથેરેપિસ્ટ છે, જે તેને સાજો માજો કરી દે છે.

ક્રિસ પેલા કાળીયાનો ફોટો પોતાના પિતાને મોકલે છે. પિતા હચમચી જાય છે, ‘આ તો મારો ફ્રેન્ડ હતો. અને 6 મહિનાથી ગાયબ છે.’ ક્રિસને થાય છે લોચો પડ્યો એટલે તે ઘરે ભાગવાની તૈયારી કરે છે. પણ જતા જતા એક બારણું ખોલી તેને જોવું છે. કોઈ નથી એટલે બારણું ખોલે છે. અંદર એક લાલ બોક્સ છે. બોક્સમાં કેટલાક ફોટોગ્રાફ્સ છે. જે જોતા જ, તેના શરીરની કાપો તો લોહીના નીકળે તેવી હાલત થઈ જાય છે…

103 મિનિટ એટલે કે 1 કલાક 44 મિનિટની આ ફિલ્મ રોકેટ સ્પીડમાં ભાગે છે. તમને થાય કે સાલ્લુ હવે શું થાશે ? હવે શું થાશે ? અને તમે જે વિચારો તેનાથી વિપરિત થાય. આ પહેલી એવી હોરર ફિલ્મ જોઈ જેમાં કોઈ ભૂત નથી તેમ છતા ભૂત હોવાનો ભાસ થયા કરે. એક્ઝેટલી ઈટ્સ વન કાઈન્ડ ઓફ સ્લેવરી. શા માટે કાળીયાઓ જ અહીં ગુલામ છે, તેનો પ્રશ્ન મગજમાં પરિભ્રમણ કર્યા કરે. જોર્ડન પીલેને આ ફિલ્મ માટે, પોતાની ડેબ્યુ ફિલ્મ માટે ! બેસ્ટ સ્ક્રિનપ્લેનો ઓસ્કર એર્વોડ મળ્યો છે. અને તે આ લાગના જ છે. આમ તો અભિનય માટે ડેનિયલ કાલુલ્યાને પણ નોમિનેશન મળેલું, પણ ડેનિયલ જીતી ન શક્યો. બાકી ડર એટલે શું એ ડેનિયલની આંખોમાં જુઓ તો ખબર પડે. ઈરફાન ખાન આંખોથી અભિનય કરે છે, તે ચોરેનેચોટે આપણે બોલતા હોઈએ છીએ. પણ ડેનિયલે જે આંખથી અભિનય કર્યો છે, તેની સામે પ્રિયા પ્રકાશનું કંઈ ન આવે. કારણ કે ડેનિયલની આંખો જ એટલી મોટી છે. વિચાર આવે કે, શા માટે તેણે બ્લેક પેન્થર જેવી હલકી કક્ષાની સ્ક્રિપ્ટવાળી ફિલ્મ કરી. આમ જુઓ તો ડેનિયલને બ્લેક પેન્થર બનાવવામાં કોઈ નુકશાન ન હતું.

જોર્ડન પીલે સ્વીકારી ચૂક્યા છે કે આ ફિલ્મ બનાવવાનો વિચાર મને 1975માં આવેલી ફિલ્મ સ્ટેપફોર્ડ વાઈવ્સ પરથી આવ્યો હતો. જે 1972ની ઈરા લેવિનની નવલકથા પર આધારિત હતી. તેમનો તો એન્ડ બદલવાનો પણ વિચાર હતો. કેટલીક કૃતિઓનો અંત અધૂરો રહી જાય તો સારૂ અને કંઈક આવું જ ગેટ આઉટમાં છે. એન્ડમાં તેમને ક્રિસ પોલીસના હાથે પકડાય જાય તેવું કરવું હતું, પણ બાદમાં એન્ડ બદલી નાખ્યો. પોલીસની કાર આવે છે, પણ તેમાંથી પોલીસ નથી ઉતરતી. તો કોણ ઉતરે છે ?

આમ તો ક્રિસને રોઝીના ઘરે આવ્યા બાદ જ ખબર પડી જવી જોઈએ કે, તેના પિતા ન્યુરોલોજીસ્ટ છે. પણ અહીં દૂર દૂર સુધી તેમનું કોઈ ક્લિનિક નથી આવ્યું. તેનો ભાઈ ક્યાં આવે છે, ક્યાં જાય છે, કઈ કોલેજમાં તેનો અભ્યાસ ચાલુ છે. આ બધા અધૂરા પ્રશ્નો છે. જ્યારે રોઝી તો સાક્ષાત ક્રિસની તારામૈત્રક હોય તેમ ક્રિસને ચુંબનથી નવડાવવામાં અને આઈ લવ યુ કહેવામાં છોછ નથી આવતો.

ફિલ્મમાં એક સીન છે. જ્યારે રોઝીની માતા ક્રિસને હિપ્નોટાઈઝ કરી નાખે છે. માણસ ઉંઘમાં ક્યાં હોય ? પોતાની સપનાઓની દુનિયામાં. ત્યાં કોઈ દખલ કરે તો શું થાય ? તે સફાળો જાગે. પરંતુ તેની ઈચ્છા હોય છે કે કોઈ તેને જગાવે નહીં. આવુ ક્રિસ સાથે પણ થાય છે. તે પોતાની આંખોની અંદર આઘાતમાં ખોવાય ચૂક્યો છે. માતા યાદ આવી રહી છે. બહાર નીકળવા માટે અને તેની સામે ઉભેલી રોઝીની માતાને પકડવા માટે, તે હાથ ફેલાવ્યા કરે છે, પણ ઈમ્પોસિબલ છે. કારણ કે તે તો આંખોમાં કેદ થયેલો છે. પોતાની આંખોમાં !!!

ફિલ્મની શરૂઆતમાં બે ગીતો છે. જે આફ્રિકન અમેરિક સ્ટાઈલમાં કમ્પોઝ કરવામાં આવ્યા છે. ક્રેડીટ લાઈન આવતી હોય ત્યારે આ ગીતો આવે છે. અને તેમાં ક્રિસની ફોટોગ્રાફીના નમૂના પણ દેખાશે. જો તમે ઈગ્લીશમાં ફિલ્મ જોવાના હો (ઈગ્લીશમાં જ છે !) અને આ મેં તમને ન કહ્યું હોત કે શરૂઆતમાં ક્રિસે પાડેલા ફોટા ફિલ્મમાં દેખાશે, તો અડધે રસ્તે સુધી તમે અંદાજો ન કાઢી શકેત કે, ક્રિસ ફોટોગ્રાફર છે.

તમામ રિવ્યુઅરોએ એમ જ કહ્યું છે કે ફિલ્મનો સાચો સ્ટાર જોર્ડન પીલે છે. ફિલ્મ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. બાકી આ કોઈ વન ટાઈમ વોચેબલ ફિલ્મ નથી. વારંવાર જોયા જેવી છે. ઘણાને અંત નિરાશ કરશે. કારણ કે… ? જોર્ડનના મનમાં સિક્વલ બનાવવાનો ઉદ્દીપક પ્રજવલિત થયો છે. બાકી ફિલ્મ જોયા પછી થોટ ક્રિએટ થશે કે ઓસ્કરના ચાર નોમિનેશન એમનેમ તો નહીં જ હોય. બેસ્ટ ઓરિજનલ સ્ક્રિનપ્લે માટે ઓસ્કર મળ્યા બાદ જોર્ડને 45 સેકન્ડની મર્યાદામાં પૂરી કરવી જરૂરી એવી સ્પીચમાં કહેલું, ‘મેં ફિલ્મ 20 વખત લખી છે.’ હજુ કહુ છું, માણસ વિધાઉટ ભૂત કેવી રીતે ડરાવી શકે ?

~ મયુર ખાવડુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.