Gujarati

દૃશ્યમ : આંખો કા હે ધોખા, એસી તેરી ચાલ, તેરા વિઝ્યુઅલ ઈન્દ્રજાલ!

તમે ડ્રાઈવ કરીને અમદાવાદથી રાજકોટ આવો ત્યારે શું તમને એ તમામ કાર યાદ રહે જે તમે રસ્તામાં જોઈ હોય? નહીં. પણ તમે જેટલી કાર જોઈ હોય એ પૈકી કોઈ એકનો તમે અકસ્માત જોયો હોય તો? સ્વાભાવિક છે કે, એ કાર તમને યાદ રહી જવાની. તમે રોજબરોજ અનેક છોકરીઓ સામે જોતા હો એ બધી તમને યાદ ન રહે એ સ્વાભાવિક છે પણ તમે જોતા હોય એ પૈકીની કોઈએ તમને મારકણુ સ્મિત આપ્યુ હશે તો તમે એ ભૂલી નહીં શકો. તમે તમારી દુકાને આવતા દરેક અજાણ્યા ઘરાકનો ચહેરો યાદ ન રાખી શકો પણ જો દિવસમાં કોઈ એક અજાણ્યો ઘરાક તમારી પાસે ઉધાર વસ્તુ લઈ ગયો હોય તો એનો ચહેરો તમને યાદ રહી જશે. તમે પાઠ્ય પુસ્તકોમાં મંગળનું વર્ણન વાંચીને ગમે તેટલું ગોખ્યું હોય પણ શક્ય છે કે એ તમને યાદ ન રહે પણ જો તમને મંગળ પરની ડિસ્કવરી કક્ષાની કોઈ ડોક્યુમેન્ટ્રી જ બતાવી દેવામાં આવે તો તમે મંગળનું વર્ણન નહીં ભૂલો. કેક કેટલી સ્વાદિષ્ટ હતી એનું તમારી સમક્ષ વિસ્તૃત વર્ણન કરવાના બદલે તમને કેકનો ટૂકડો જ ચખાડી દેવામાં આવે તો એ સ્વાદ, એ કેક તમે વધુ સારી રીતે યાદ રાખી શકશો.

લેકિન, કિન્તુ, પરંતુ, બંધુ જો હું એમ કહું કે આ બધુ જ તમે નજરે નીહાળ્યું હોય કે કાને સાંભળ્યુ હોય છતાં એ વાતો-વસ્તુઓની માત્ર યાદ સાચી હોય પણ માહિતી ખોટી હોય તો? આઈ મિન તમે તમારી દ્રષ્ટિએ સાચા જ હોવ છતાં તમે જે બોલતા હો તે ખોટું હોય તો? અથવા તમે એ જ બોલતા હોવ જે તમે જોયું કે સાંભળ્યુ હોય છતાં એ ખોટું હોય તો? એ કારના અકસ્માત અને યુવતીના સ્મિતથી માંડી તમને ચખાડવામાં આવેલી કેક સુધીની તમામ ઘટનાઓ માત્રને માત્ર એટલા માટે સર્જવામાં આવી હોય કે એને તમે યાદ રાખી શકો તો?

ન સમજાયુ ને? બધુ જ બાઉન્સ ગયુ ને? ચલો સમજવાની વધુ એક ટ્રાય કરીએ.

તમે જાદુના શો તો નીહાળ્યા જ હશે. ધ ઝીગ ઝેગ લેડી નામની એક પ્રખ્યાત જાદુની ટ્રીક છે. જેમાં જાદુગર એક યુવતીને તમારી નજરની સામે જ એક કેબિનમાં પૂરીને અંદર ધારધાર બ્લેડ્સ નાખી એને કાપી નાખે છે. પછી એમાંથી જ એને વન પીસમાં જીવતી બહાર કાઢે છે. એ તમારી નજર સામે જ કપાઈ હોવા છતાં અને પ્રથમ દ્રષ્ટિએ જોતા એના બચવાના કોઈ ચાન્સ ન હોવા છતાં એ જીવતી જ હોય છે ને? જાદુગર ટોપલીમાંથી કબુતર કાઢવા સહિતની એવી અનેક ટ્રિક તમારી નજર સામે બતાવે છે આમ છતાં એ સાચી થોડી હોય છે? એ દ્રષ્ટિભ્રમ સર્જે છે.

ઈન શોર્ટ તમે જે નજરે જોયું હોય એ તમામ સાચુ જ હોય એ જરૂરી નથી. તમે નજરે જોયું હોય એ પણ ક્યારેક ખોટું હોઈ શકે છે. કેવી રીતે? એનો જવાબ જાણવા માટે તમારે સાઈકોલોજિકલ થ્રીલર ‘દૃશ્યમ’ જોવી પડે.

ગોવાના એક નાના પ્રદેશમાં કેબલ ઓપરેટર વિજય સલગાંવકર(અજય દેવગણ), પત્ની નંદિની(શ્રીયા સરન) અને બે પુત્રીઓ (ઈશિતા દત્તા અને મૃણાલ જાધવ) સાથે રહે છે. કરકસર અને કંજુસી કરીને પણ પરિવારને ખુશ રાખવો અને સતત ફિલ્મો જોવી એ જ એની દુનિયા છે. વિજય સિનેમાદેવ(જય હો…જય હો…)નો ગાંડો ભક્ત છે. એ સતત ફિલ્મો જોયે રાખે છે. ફિલ્મોએ જ તેની તર્કશક્તિની ધાર કાઢી, નોલેજ વધારી તેની થોટપ્રોસેસ ઘડી છે. માત્ર ચાર ચોપડી ભણેલા વિજયનું દિમાગ ફિલ્મો જોવાના કારણે ખુબ તેજ છે. જેના કારણે તે બેંકની ઉઘરાણી માટે પોલીસ જેના પુત્રને ઉઠાવી ગઈ છે તેવા દંપતીને કોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરવાની શાતિર સલાહ આપીને પુત્રને પાછો મેળવવાનો રામબાણ ઈલાજ બતાવી શકે છે. (બાય ધ વે, આ કિસ્સાને ફિલ્મની મૂળ સ્ટોરી સાથે કંઈ લેવા દેવા નથી. આ ઘટના માત્ર તેના કેરેકટરાઈઝેશન માટે બતાવાઈ છે. બેફિકર રહીને આગળ વાંચજો. હું કોઈ સસ્પેન્સ ઉજાગર નહીં કરું.) પરિવાર સાથે ખુશીથી જીવન વિતાવતા વિજયના જીવનમાં ત્યારે ઝંઝાવાત સર્જાય છે જ્યારે ઈન્સપેક્ટર જનરલ ઓફ પોલીસ મીરા દેશમુખ(તબ્બુ)નો પુત્ર સેમ રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ જાય છે. અને કોઈ કારણોસર તેના ગુમ થવાના તાર વિજયના પરિવાર સુધી લંબાય છે અને સર્જાય છે પ્રેક્ષકોને રીતસર ખુરશીની ધાર પર જકડીને નખ ચાવવા મજબૂર કરતી સનસનાટી ભરી રહસ્યકથા.

એકાએક ગુમ થઈ ગયેલા આઈજીના પુત્ર સેમ સાથે શું થાય છે? કેવી રીતે થાય છે અને શા કારણોસર થાય છે એ તો દર્શકોને પહેલી કલાકમાં જ બતાવી દેવાય છે. માટે સેમ સાથે શું થયુ? એ તો ફિલ્મનું રહસ્ય છે જ નહીં. અંતમાં બે ટ્વિસ્ટ કહી શકાય એવા રહસ્યો છે ખરા. પણ એનો કેટલીક સેકન્ડ્સ પૂર્વે તાગ મેળવી શકાય છે. બધા જ પત્તા દર્શકો સામે ખુલ્લા હોવા છતાં ક્રિમિનલ અને પોલીસ વચ્ચેની સંતાકૂકડી, સામસામા રમાતા શેહ અને માતના શતરંજી દાવ, એક-બીજાના દિમાગ વાંચી લેવાની ચબરાકીઓ, રહસ્ય સંતાડવાના આટા-પાટા, ગુમસુધા પુત્રને પામવા કોઈ પણ હદ સુધી જવા તૈયાર થયેલી માતાની જિજીવિષા તો કાયદાની ચૂંગાલમાં ફસાયેલા પરિવારનું રક્ષણ કરવા મરણીયા બનેલા પિતા વચ્ચેનું મનોયુદ્ધ દર્શકોને રોમાંચની એક અદ્દભુત રોલર કોસ્ટર રાઈડ કરાવે છે. ‘શોલે’ અને ‘દિવાર’ ફેમ સફળ લેખક બેલડી સલીમ-જાવેદે એક ઈન્ટરવ્યૂમાં કહેલું કે, ‘જો તમે દર પાંચ મિનિટે દર્શકોના મનમાં એ સવાલ ઉભો કરી શકો કે, ‘હવે શું થશે?’ તો તમે સફળ છો.’ શરૂઆતમાં થોડી ધીમી ચાલ્યા બાદ લેખકજોડીના આ વિધાનને યથાતથ પડદા પર સાકાર કરે છે ફિલ્મ ‘દૃશ્યમ’.

આ મુવી એક માઈન્ડ ગેમ છે. વિજય પરની શંકાના કારણે ઈન્સપેક્ટર ગાયતોંડે(કમલેશ સાવંત) જાણી જોઈને તેની હાજરીમાં સેમના કેસમાં સામે આવેલા એક તથ્યનો ઉલ્લેખ વિજય સાંભળે એ રીતે કરીને અરીસામાંથી તેના પર નજર રાખી તેની આંખના ફેરફારો નોંધે છે. (ક્યા બ્બાત. વોટ અ સીન.) વિજયની આંખમાં અંદેશો જોઈ મજબૂત થયેલી શંકાના પગલે ગાયતોંડે રેસ્ટોરાંની બહાર જઈ પોતાના અધિકારી સમક્ષ પોતાની મજબૂત થયેલી શંકા વર્ણવે છે. એટલામાં જ ત્યાંથી વિજય પસાર થાય છે તો ઈન્સપેક્ટર કહે છે કે, ‘અગર ઉસકે દિલ મેં ડર હે તો વો મૂડ કે જરૂર દેખેગા’. (ક્રિમિનલ માઈન્ડને પારખવાની શું સુઝ બતાવી છે! વાહ! વોટ અ ક્રાઈમસેન્સ!) અને પછીની થોડી સેકન્ડ્સમાં જે થાય છે અને જે થવા જાય છે એ દ્રશ્ય કેટલીક સેકન્ડ્સ માટે દર્શકોના જીવ તાળવે ચોંટાડી રાખે છે.

આઈજી મીરા દેશમુખને ગળા સુધીનો વિશ્વાસ છે કે, વિજય અને તેનો પરિવાર પોતાના ગુમ થયેલા પુત્ર વિશે કંઈક જાણે છે. એના ભેદી રીતે ગુમ થવા પાછળ કોઈને કોઈ રીતે આ પરિવાર સંડોવાયેલો છે એની એને ખાતરી હોવા છતાં તે કોઈ જ કડી મેળવી શકતી નથી. ઉલ્ટાના એક પછી એક સામે આવતા તથ્યોથી તો આખો પોલીસ ડિપાર્ટમેન્ટ ઘોદે ચડે છે. કોઈને કંઈ સમજાતું જ નથી કે આ શું ચાલી રહ્યું છે.

ફિલ્મમાં એક તરફ ‘ક્રાઈમ પેટ્રોલ’ કે ‘સાવધાન ઈન્ડિયા’માં જે દર્શાવાય છે તે પ્રકારના ક્રાઈમ સર્જાવા માટેના સંજોગોનું તાદશ ચિત્રણ કરવાનો પ્રયાસ કરાયો છે. જે આ ફિલ્મને એક લાગણીશીલ ફેમીલી ડ્રામા બનાવે છે. તો એ પણ દર્શાવ્યુ છે કે કોઈ પોલીસની કામ કરવાની પદ્ધતી પચાવી જાણે તો શું થાય? તમે જ્યારે ચેસ રમતા હો ત્યારે સામેવાળો બીજી કેટલી ચાલ ચાલી શકે તેનો ક્યાસ કાઢીને એ તમામ ચાલ પૈકી સૌથી વધુ શક્યતા ધરાવતી ચાલનો અંદાજ બાંધીને ચાલ ચાલો છો. પણ જો તમે સામેવાળાનું મન વાંચી લો અને તમને સામેવાળો જે ચાલવાનો હોય એ તમામ ચાલ અગાઉથી જ ખબર હોય તો શું થાય? તો તમે એ રમતના દુર્યોધન(જેને યુદ્ધમાં હરાવી ન શકાય તે.) બની જાવ. એ સંજોગોમાં જે થાય અને જે થવું જોઈએ એ જ થાય છે આ ફિલ્મમાં.

2015ની શરૂઆતમાં આવેલી આરૂષિ મર્ડર કેસ પર આધારીત ‘સ્ટોનમેન્સ મર્ડર’ ફેમ મનિષ ગુપ્તાની ‘રહસ્ય’ની શ્રેણીમાં મુકી શકાય એવી ભારતની શ્રેષ્ઠત્તમ થ્રીલર્સ પૈકીની એક કહી શકાય તેવી ‘દૃશ્યમ’ની સ્ટોરી જ એનો હિરો છે. નેશનલ એવોર્ડ વિનર અજય દેવગણ અને તબ્બુ જેવા કલાકારોએ સ્ટોરીમાં પ્રાણ પૂર્યા છે. અમિતાભ બચ્ચન બાદ એંગ્રીયંગ મેનનો વારસો પચાવી ચુકેલો અને બિગ બીની જેમ જ પ્રમાણમાં ઓર્ડિનરી લૂક છતાં ક્લાસથી માંડી માસ સિનેમા સુધીની વિશાળ એક્ટિંગ રેન્જ ધરાવતો અને ઈમોશન-કોમેડીથી લઈ એકશન સુધીના જોનરમાં એકસરખી હથોટી ધરાવતો કલાકાર એટલે અજય દેવગણ. ખાન ત્રિપુટીના દબદબા વચ્ચે માથું મારીને અક્ષય કુમારની જેમ જ પોતાનું એક અલગ સ્થાન બનાવનારો એક ઉમદા અભિનેતા. ‘વન્સ અપોન ટાઈમ ઈન મુંબઈ’માં અંધારી આલમ અને ‘સિંઘમ’માં ગુંડાઓને થથરાવતા રફ એન્ડ ટફ પાત્રો અને રોહિત શેટ્ટીની ફિલ્મોમાં કોમેડી કરનારા આ કલાકારે આ ફિલ્મના એક સીધાસાદા વ્યક્તિના કિરદારને બરાબર આત્મસાત કર્યુ છે. આંખથી અભિનય કરી જાણે છે આ માણસ. અજય આ પાત્રને પોતાની રીતે ભજવવા માંગતો હોવાથી એણે મોહનલાલ સ્ટારર મૂળ મલયાલમ ‘દૃશ્યમ’ જોઈ નથી.

ગુનેગારો સાથે કડક હાથે કામ લેતી આઈજી અને પુત્રનો વિરહ વેઠતી માતાના કોમ્પલેક્સ કિરદારમાં તબ્બુ સિવાય ભાગ્યે જ બીજી કોઈ એકટ્રેસને કલ્પી શકાય. અજય દેવગણે એક ઈન્ટરવ્યૂમાં બરાબર જ કહ્યું છે કે, ફિલ્મના કેટલાક દ્રશ્યોમાં હિરો તબ્બુ છે. પતિથી રુસણા-મનામણા કરતી અને પોલીસથી ફફડતી ગૃહિણીના પાત્રને 2014માં હૈદ્રાબાદ ટાઈમ્સની મોસ્ટ ડિઝાય્રબલ વૂમન ફોર સાઉથની યાદીમાં બીજા નંબરે સ્થાન પામનારી શ્રીયા સરને બરાબર ન્યાય આપ્યો છે. વિજયની મોટી પુત્રીનું પાત્ર ભજવતી ઈશીતા દત્તા તેની મોટી બહેન તનુશ્રી જેટલી જ હોટ લાગે છે. અજયની નાની પુત્રીનો રોલ કરનારી મૃણાલ જાધવ પણ ઈમ્પ્રેસ કરી જાય છે. તબ્બુના પતિનો રોલ કરનારો રજત કપુર તો જાણે આ પ્રકારના કેરેકટર્સ માટે પરફેક્ટ મટિરિયલ છે. ઈન્સપેક્ટર ગાયતોંડે બનતો કમલેશ સાવંત જામે છે.

વિશાલ ભારદ્વાજના સંગીતમાં રાહત ફતેહઅલી ખાનના અફીણી અવાજે ગવાતા ગુલઝાર સાહેબના શબ્દો ‘મેરે ઉઝડે ઉઝડે સે હોઠો મેં, બડી સહેમી સહેમી સી રહેતી હે જબાં, મેરે હાથો-પૈરો મેં ખૂન નહીં, મેરે તન-બદન મેં હે ધૂંઆ…સિને કે અંદર પલકે હે નમ નમ…..ઘૂંટતા હે દમ દમ…દમ દમ…’ ફિલ્મની વાર્તા સાથે વણાઈ જાય છે. તો નેશનલ એવોર્ડ વિનર મરાઠી ફિલ્મ ‘કિલ્લા’ બનાવનારા અવિનાશ અરૂણની સુંદર સિનેમેટોગ્રાફી વચ્ચે વાગતા સોંગ ‘ક્યારે જિંદગી ક્યા હે તું….’માં ગીતની ધૂન પર જ ગુલઝારપુત્રી મેઘનાએ વગાડેલી મીઠડી સિટી દિલ જીતી લે છે.

નેશનલ એવોર્ડ વિનર મરાઠી ફિલ્મ ‘ડોબિંવલી ફાસ્ટ’ અને ‘મુંબઈ મેરી જાન’ જેવી ક્લાસ તો ‘ફોર્સ’ જેવી કોમર્શિયલ મુવી બનાવનારા ડાયરેક્ટર નિશિકાંત કામતે ‘દૃશ્યમ’માં ડ્રામાના લગભગ તમામ તત્વોનું ભારોભાર સંતુલન જાળવી કમાલ કરી છે. ધીસ ઈઝ નોટ હાર્ડકોર ક્રિમિનલ થ્રીલર ધીસ ઈઝ ઈમોશનલ ફેમીલી ડ્રામા ઓલ્સો. ફિલ્મમાં ક્યાંક ક્યાંક ચહેરા પર સ્મિત લાવી દેતી તો ક્યાંક ખડખડાટ હસાવી દેતી હળવીફૂલ ક્ષણો પણ છે. જોકે, વાર્તામાં એકાદ બે ચુક પણ નજરે ચડે છે. જેમ કે જે કામ પોલીસે સૌ પહેલા જ પતાવી દેવું જોઈતુ હતુ એ છેક છેલ્લે શા માટે કરે છે? કોઈ ગુમ થયાના કેસમાં જે બેઈઝીક તપાસ કરવાની હોય એમાં પોલીસ દ્વારા આટલી મોટી ચુક કેમ? મને બીજા પણ એકાદ બે લોજિકલ ડાઉટ છે પણ સસ્પેન્સ ખુલવાના ભયે લખવાની ઈચ્છા નથી થતી.

આ સુપર્બ થ્રીલરની ક્રેડિટ મૂળ મલયાલયમ ‘દૃશ્યમ’ બનાવનારા સર્જક જીથુ જોસેફને પણ જાય છે. માત્ર 35 વર્ષની ઉંમરે મલયાલમ મુવી ‘ડિટેક્ટિવ’ સાથે ડેબ્યુ કરનારા જીથુ જોસેફ અત્યાર સુધીમાં ચાર ભાષાઓમાં દસ ફિલ્મો બનાવી ચુક્યા છે. જેમાં ત્રણ તો મલયાલમ ‘દૃશ્યમ’ની જ રિમેક છે. તામિલમાં તેમણે કમલ હાસનને લઈ આ જ ફિલ્મ ‘પાપનાશમ’ નામે બનાવી છે. આ ફિલ્મના મૂળ રહસ્યકથાઓ માટે જાણીતા જાપાનીઝ લેખક કેઇગો હિગાશિનોની નોવેલ ‘ધ ડિવોશન ઑફ સસ્પેક્ટ X’ (Yōgisha X no Kenshin)માં મળી આવે છે. જોકે, જીતુ જોસેફ એ વાતનો ઈનકાર કરી ચૂક્યા છે પણ ફિલ્મ જોઈને આ નોવેલનો પ્લોટ વાંચો એટલે આઈડિયા આવી જ જાય કે છે આ ફિલ્મની ગંગોત્રી ત્યાંથી જ વહી રહી છે. ઓલટાઈમ ટોપ 100 જાપાનીઝ મિસ્ટ્રી નોવેલ્સમાં 13માં ક્રમે સ્થાન પામેલી અને અડધો ડઝન જેટલા જાપાનીઝ અને એક અમેરિકન એવોર્ડ મેળવી ચુકેલી આ નોવેલ પરથી ‘સસ્પેક્ટ X’ નામની જાપાનીઝ અને ‘પરફેક્ટ નંબર’ નામે સાઉથ કોરિયન ફિલ્મ બની ચુકી છે. જાપાનીઝ લેખક કેઇગો હિગાશિનોની કથાઓ પરથી અત્યાર સુધીમાં ત્રણથી વધુ ભાષાઓમાં દોઢેક ડઝન ફિલ્મો અને અડધો ડઝન સિરિયલ્સ બની ચુકી છે.

ફ્રી હિટ:

તાજેતરમાં જ અજય દેવગણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, તેની ટીમ ‘દૃશ્યમ’ જેવી વધુ સ્ટોરીઝની શોધમાં છે અને ભારતમાં ‘ધ ડિવોશન ઑફ સસ્પેક્ટ X’ નોવેલના રાઈટ્સ એકતા કપુર પાસે છે! 😉

~ તુષાર દવે

( આર્ટીકલ લખાયા તારીખ ૦૪-૦૮-૨૦૧૫ )
વેબસાઈટ (davetushar.com)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.