Gujarati Writers Space

ગુજરાતી હોરરકથા, ડ્રેક્યુલાના પડછાયાથી દૂર…

લાંબા દાંત, કાળા કલરનો કોટ, ગીનીસ બુકમાં રેકોર્ડ સ્થાપિત કરી શકે તેવા મજબૂત સિમેન્ટના ચોસલા જેવા નખ, પાતળી પણ ડરાવની આંખો અને રાત થતા પાદરીઓના ક્રોસથી બચીને યુવતીઓના ગળામાં દાંત ભોકવતો રાક્ષસ એટલે ડ્રેક્યુલા. ડ્રેક્યુલા એટલો પોપ્યુલર થયો કે, હોલિવુડમાં તેની ઉપર 200 ફિલ્મો બની. બોલિવુડમાં રામસે બ્રધર્સે તેને જીવતો કર્યો એ પછી તે મર્યો જ નહીં. ભૂતોની ફિલ્મો ભૂતની માફક બનાવતા વિક્રમ ભટ્ટે કહ્યું હતું કે, ‘1921 મેં બનાવેલી તેના પછીના ભાગ ફ્લોપ ગયા કારણ કે મેં નહોતા બનાવ્યા…’ આટલો ઓવર કોન્ફિડન્સ હતો તેમને !! વિક્રમ ભટ્ટે કહ્યું, ‘અંગ્રેજી ફિલ્મોમાં ભૂતોને ભગાવવા પાદરીઓ આવે છે, હું હનુમાન ચાલીસાનો ઉપયોગ કરૂ છું, તો લોકો મજાક ઉડાવે છે. ત્યાં ક્રોસનો ઉપયોગ કરવામાં આવે છે, તો હું માળાનો ઉપયોગ કરૂ છું, પેલુ તેમનું ભૂત છે, આ આપણું ઘરનું ભૂત છે, એટલે આપણા ભૂતમાં કંઈક આપણું પણ હોવુ જોઈએને ? એ રીતે હું ભૂતને ભારતીય ભૂત બનાવુ છું, ભલે તે ઈંગ્લેન્ડમાં રહેતું હોય, પણ તેની આત્મા તો કોઈ ભારતીયના શરીરમાં જ વસવાટ કરતી હોય છે, ઉપરથી ભારતીય આર્ટિસ્ટો તેમાં કામ કરતા હોય છે. વિદેશની ઓડિયન્સને કંઈક નવુ જોવા મળે.’

ફરી ડ્રેક્યુલા પર આવીએ તો, આ નામનો ભૂત બ્રામ સ્ટ્રોકરે ક્રિએટ કર્યો, પછી તેના પડછાયામાંથી ભૂતકથા સર્જનારાઓ બહાર ન નીકળી શક્યા. બ્રામ સ્ટ્રોકરનો ડ્રેક્યુલા છોકરીઓનું ખૂન પીતો હતો, આપણી હોરર ફિલ્મોમાં ભૂતના સેક્સી કિસ્સાઓ આવવા લાગ્યા.(સમજણનો અભાવ ?) મૂળ આઈરીશ એવા બ્રામ સ્ટ્રોકર રહસ્યકથાઓ વાંચવાના એવા શોખીન હતા કે તેમને ફ્રેકેન્સ્ટાઈન નામની કૃતિ ખૂબ ગમતી હતી. તેમણે તો સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે, હું ફ્રેન્કેન્સ્ટાઈનથી ચાર ચાસણી ચડે એવો ભૂત જગતને આપવાનો છું. ડ્રેક્યુલા સુપરહિટ રહી, પણ બ્રામ ડ્રેક્યુલા પછી ફ્લોપ નિવડ્યા. જગતની સર્વશ્રેષ્ઠ કૃતિમાં તરબોળ થઈ જનારા લોકો ગાંઠ બાંધી લેતા હોય છે કે, આ લેખક પાસે આપણને આવનારા સમયમાં આનાથી વધારે ઢાંસુ એને ફોલાદી કૃતિ પ્રાપ્ત થશે. પણ તે મળતી નથી. બ્રામ સ્ટ્રોકરના કિસ્સામાં પણ આવુ જ થયેલું, ડ્રેક્યુલાની પ્રિન્ટ અંગ્રેજી હિન્દી સહિત દુનિયાની મોટાભાગની ભાષાઓમાં અનુવાદિત થઈ હોવા છતા, બ્રામ સ્ટ્રોકરની બીજી કૃતિઓ કઇ છે, તે જાણવાની હવે ખૂદ પ્રકાશકો પણ તસ્દી નથી લેતા. કારણ કે ડ્રેક્યુલા બાદ ખૂદ બ્રામે એવું મસમોટુ સર્જન કર્યું જ નહોતુ. જો કે આ વાતનો તેમને અહેસાસ થાય એ પહેલા જ તેમનું નિધન થઈ ગયું.

ભૂત કેટલી વસ્તુઓથી ડરે ? તેની લિસ્ટ આપનારા બ્રામ હતા. લસણથી, ક્રોસથી, લોખંડથી, આવી અગણિત વસ્તુઓ તેમણે ડ્રેક્યુલામાં લખી છે. જેનો ઉપયોગ ભવિષ્યમાં શૂ…. કોઈ હૈ ! જેવી હિન્દીની માસ માટેની હોરર સિરીયલ અને ખૌફ, આહટમાં આપણે ઉજાગરા કરી જોઈ ચૂક્યા છીએ. હકિકતે 1456થી 1462માં એકહથ્થુ સરમુખત્યાર રાજ કરનારા વેલેડ ધ લેમ્પરે 40,000થી વધારે લોકોને મૌતને ઘાટ ઉતારી દીધા હતા. જેના પિતા પણ તેના જેવા જ હતા. એટલે બાપ એવા બેટા અને વડ એવા ટેટાની કહેવત મુજબ દિકરો પણ આવો જ થયો. તેના પિતાને બધા ડ્રેક્યુલ બોલાવતા અને રાજ્યમાં અરાજકતા ખૂનની નદીઓ વહેતી કરનારા આ પ્રિન્સને ડ્રેક્યુલા. પણ બુરાઈનો અંત થાય છે, તેમ એક વિદેશી રાજાના હાથે તેની સેના પરાસ્ત થઈ ગઈ. તે બચવા માટે પહાડી પર આવેલા પોતાના કિલ્લામાં નાસીપાસ થઈ ગયો. થોડા સમય પછી ત્યાંથી તેની ગરદન કપાયેલી લાશ મળી આવી. અને પછીથી તે ભૂત બન્યો તેવુ લોકો માને છે.

ગુજરાતી સાહિત્યમાં જેને સાહિત્ય કહેવુ કે નહીં, તે વિવેચકોએ કોઈ દિવસ નોંધ્યું નથી તેવા એચ.એન ગોલીબારે મસ્તમજાના ભૂતો બનાવ્યા છે. તેમની ડંખ નવલકથામાં એક છોકરી સાથે છોકરો લગ્ન કરી લે છે. તેનો મિત્ર તેને ના પાડતો હોય છે, કે આવો ધંધો ન કરતો કારણ કે ઓલરેડી તેના બે હસબન્ડ પરલોક પહોંચી ચૂક્યા છે. પણ આપણો નાયક માનતો નથી. રાજ્યબહાર પોતાનું કામ પતાવીને તેનો મિત્ર આવે છે, ત્યાંસુધીમાં તેને માહિતી મળે છે કે, મિત્ર પરણી ચૂક્યો છે. અને સુહાગરાતના બીજા દિવસેથી ઘરમાં ભૂત ભૂલૈયા શરૂ થાય છે. છોકરીના ગળામાં એક સાપનું લોકેટ હોય છે, જે તેની માતાએ તેને આપ્યું હોય છે. ઘરમાં એક મૂર્તિ હોય છે, જેને ગળે વીંટાળી એક છોકરી અલ્લડ બની બેઠી હોય છે. રાત થતા પેલો અજગર છોકરીના શરીરમાંથી નીકળી એક રૂમમાં ચાલ્યો જાય છે. અને પેલાની પત્ની સાથે રોમાન્સ કરતો હોય છે. નાયક દરવાજાના તીણા કાણામાંથી આ જુએ છે. અને પવિત્ર રિસ્તા સિરયલની માફત તેની આંખો ફાટી જાય છે. બારણું ખોલી નાયક જાય છે, તો અંદર કોઈ નથી હોતું. મિત્રની વાત સાચી હતી, તેના ભણકારા વાગતા મિત્રને વાત કહે છે અને પછી નવલકથામાં સાપ, રીંછથી લઈને એક પૂરાની હવેલી અને એચ.એન.ગોલીબારના ઓલટાઈમ ફેવરિટ સાધુબાબાઓ પણ આવી પહોંચે છે.

નવલકથા રાતરાણીમાં જે મુજબ વર્ણન છે, તે પ્રમાણે ઉન્નત સ્તન ધરાવતી એક છોકરી ભણવા જતી હોય છે. રોજ તેને એક ફુલ દેખાય છે. એક દિવસ એ ફુલને ઘરે લઈ જાય છે. તેની સુગંધથી એક ભૂત જીવતુ થાય છે, જે પેલી છોકરીના શરીરને કાબુમાં લઈ લે છે. ગોલીબારની નવલકથા ખેલ ખતરનાકની માફક પછી જાદુ-ટોના શરૂ થાય છે. અને રાતના મસ્તમજાના વર્ણનો પણ ! તો છાયા પડછાયાનું ભૂત અદ્દલ કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો નવલકથાની યાદ અપાવે. જ્યાં નાના છોકરામાં રહેલું ભૂત તેના ગયા જન્મનો બદલો લેવા તલપાપડ હોય છે. જેની કુખે જન્મ્યું તેની મદદ લઈને તે આ બધાનો કાળ બની કોળીયો કરી નાખે છે. જિન્નાતમાં એક સારા ભૂતની વાત છે, તેનો એક હોરર કિસ્સો ટાંકુ તો, આપણા નાયકને ભૂત મુંબઈની એક બિલ્ડીંગમાં બોલાવે છે. નાયક જાય છે, જ્યાં અગાઉ તેને કહ્યા મુજબ તેની તમામ સમસ્યાનું સોલ્યુશન પડેલું છે. લીફ્ટમાં તે રૂમ પર જાય છે. લીફ્ટનો દરવાજો જ્યાં ખુલે છે, ત્યાં આકાશ આવી જાય છે. કોઈ ધાબુ નથી, કોઈ મકાન નથી. ડરથી ફરી તે લીફ્ટની મદદથી નીચે ઉતરી સિક્યુરિટીને કહે છે, ‘આ રૂમ ઉપર છે… જ નહીં.’ સિક્યોરિટી કહે છે, ‘આ બિલ્ડીંગ આટલા માળની છે જ નહીં !!!’

ઘોર-અઘોરીમાં અઘોરીની કહાની, ભૂતપલીતનો ખતરનાક ભૂત, કે મલિન મંતરનું ડરાવનું પોસ્ટર આવા ન્યૂ કન્સેપ્ટ એચ.એન.ગોલીબાર લાવ્યા છે. જેમાં ક્યાંય ડ્રેક્યુલાની છાપ જોવા નથી મળતી. બાકી મોટાભાગની નવલકથા ત્યાંસુધી કે હિન્દીના લુગદી સાહિત્યના ભૂતોમાં પણ ડ્રેક્યુલાનો પડછાયો દેખાયા કરે છે. મુકુલ શર્માની મોબિયસ ટ્રીપ્સ એટલે કે એક થી ડાયન અને ગોલીબારની નવલકથા જિન્નાત વચ્ચે એક સમાનતા છે. ગોલીબારની નવલકથામાં લીફ્ટ ઉપર જતી હતી અહીં લીફ્ટ પાતાળમાં ચાલી જાય છે. પણ ડાયનની જીવસૃષ્ટિમાં પહેલીવાર કોઈએ પ્રકાશ પાડી લખ્યું, કે ગરોળી ડાયન હોઈ શકે, તેને લાંબા વાળ હોય, ચોટલી કાપો તો ગઈ કામથી.

આમ તો એશ્વિની ભટ્ટની આયનોનું ભૂત એટલુ ડરાવનું નહોતુ. પણ એમાં જે રહસ્યગાથાની કડીઓ રચવામાં આવેલી તે કાબિલેદાદ હતી. પોતાના ખોવાયેલા મિત્રની શોધ. ક્લાસમાં ભણતી એક છોકરી જેને બંન્ને મિત્રો ચાહે છે, પણ એક મિત્ર વાદો કરે છે કે, કેતન, તારી આ થઈ તો હું આનાથી પણ સારી છોકરી લાવીશ. અને છોકરી તેને પેંઈન્ટિંગમાં મળી જાય છે, જેનું નામ કેસર બા… આ નવલકથા મેં 11થી 12 લોકોને ભેટ ધરેલી છે, તો પણ લોકોને મારી ચોપડીઓ ચોરતા શરમ નથી આવતી ! (હાહાહાહા)

આ આપણા ભૂત હતા, ગુજરાતી સાહિત્યના ભૂત. ડ્રેક્યુલાના હોરર પડછાયાને જોયા વિના નવા કન્સેપ્ટ સાથે આવેલા. અંગ્રેજીમાં ફ્રેન્કેન્સ્ટાઈન બાદ અઢળક ફ્રેન્કેનસ્ટાઈ થયા તેમ, ડ્રેક્યુલા બાદ અગણિત ડ્રેક્યુલા થયા. ડ્રેક્યુલાની દિકરી તેના મામા અને કાકા અને બાપા…. પણ ફૅન્સને બ્રામના ડ્રેક્યુલા સિવાય કોઈ વસ્તુમાં રસ ન પડ્યો. બાદમાં સ્ટીફન કિંગે કેટલાક નવા ભૂતો સાથે મુલાકાત કરાવી. વૅકેશન પણ ઉજવાઈ જશે અને નોકરી ધંધો પણ થઈ જશે આ વિચારી એક ભાઈ તેમની પત્ની અને નાનો અબરામ ખાન જેવો દેખાતો બાળક હોટેલમાં રોકાઈ છે. ભાઈને આલ્કોહોલની ચાની માફક લત્ત છે. જે નવલકથા પણ લખે છે. પણ ધીમે ધીમે પત્ની અને તેના બચ્ચાને ખ્યાલ આવી જાય છે કે પિતામાં કંઈક લોચો છે. કારણ કે હોટેલમાં તેમના સિવાય કોઈ નથી. તો રોજ તેમને દારૂ કોણ પીવડાવે છે, રોજ મસમોટી પાર્ટીઓનું આયોજન કોણ કરે છે. અને છેલ્લે પાગલ થઈ તે પત્ની અને બાળકને મારવા માટે દોટ લગાવે છે. આ છે સ્ટીફન કિંગની સાઈનીંગ. મુવી કરતા નવલકથા વાંચવી. નોવેલ ઈઝ સુપર્બ… અને ફિલ્મ નરેન્દ્ર મોદીની નોટબંધીમાં પરેશાન થતી એક મિડલ ક્લાસ ફેમિલી જેવી નબળી લાગે. ખૂબ ધીમી અને ક્લાઈમેક્સમાં માથુ ઉંચુ કરી બગાસા ખાવાના મન થાય.

સ્ટીફને જ સર્જેલો દુનિયાનો સૌથી હોરર ભૂત પેનીવાઈસ ક્લાઊન ગયા વર્ષે થીએટરમાં આવ્યો. ઓલરેડી નોવેલ અને બાદમાં તેના પરથી બનેલી ટીવી સિરીયલ જોઈ ચૂક્યા છીએ. સિરીયલ હવે ઓનલાઈન બે કલાક પચાસ મિનિટ જેવી ફિલ્મ સાઈઝમાં મુકી દેવામાં આવી છે. જેમાં બાળપણ અને યંગ એજને 15-15 મિનિટના ટુકડા સાથે દર્શાવવામાં આવી છે. 2019માં આવનારી IT ના બીજા પાર્ટમાં શું થશે તે જોવા આ ટચુકડી સિરીયલ જોઈ લેવી. પણ નવલકથામાં પેનીવાઈસની ઉત્પતિના અંશોને દર્શાવવામાં આવ્યા છે ફિલ્મમાં તે પોસિબલીટી દેખાતી નથી. મસ્તી કરતો ક્લાઊન ક્યારે ભયંકર બની જાય અને દાંતથી જ્યોર્જીનો હાથ કાપી લે ખબર ન પડે. પણ એક વાત માનવી પડે, બાળપણમાં આપણે બધા પોતપોતાના મિત્રો સાથે એક એવી જગ્યા શોધતા જે આપણું બીજુ ઘર હોય અને એવી દંતકથાઓ પણ ક્રિએટ કરતા કે, ત્યાં સામે ઝાડીમાં એક ભૂત થાય છે. મેં મારા સમયમાં વડલાની ઉપર રાત્રે બાર વાગ્યે ઘેટુ થતુ હોવાની અફવા ફેલાવેલી. તેનું કારણ રાત્રે રબારીના છોકરા ઘેટા ચરાવવાના બહાને બેસવાની જગ્યા પર બકરીઓની લીંડીઓ ન મુકી જાય.

પણ ગોલીબાર પોતાની તમામ નવલકથાઓમાં લખે છે, જેમને ભૂત પર વિશ્વાસ છે, તેમને મારે કશુ કહેવાનું રહેતુ નથી… ગુજરાતી સાહિત્યનું આ પ્રથમ ડિસક્લેમર હતું. એ પછી કોઈ ડિસ્ક્લેમર ચોપડીઓમાં નથી આવ્યા, સિવાય કે આ નવલકથા ફિક્શન છે, તેવુ બધી બુકમાં લખેલું હોય. હવે તો આત્મકથા છે, તો પણ લોકો ફિક્શન છે, તેમ માની લે છે. કહેવાનું એટલું કે બ્રામ સ્ટ્રોકરના રવાડે અમેરિકન અને બ્રિટનના લેખકો ચડી ગયા. અદ્દલ તેવી જ નવલકથાઓ આપી. થોડી નવી પણ આપી, પણ ગુજરાતીમાં આ એકમાત્ર જોનર ગણી શકાય જે કોપીકેટ નથી થયું. વિક્રમ ભટ્ટે કહ્યું તેમ પોતાના ભૂતો રહ્યા. ઘરના ભૂતો. જે ગોલીબારની નવલકથામાં ધુણતા હોય, પછડાતા હોય, અને બાવા પણ હોય. અફસોસ હવે ભૂતિયા નવલકથાઓ નથી લખાતી. હા, રેડ એફએમમાં સાંભળવા મળે છે….

~ પોકર ફેસ

‘‘જ્યારે આપણે આપણી જાત સાથે ખોટુ બોલીએ છીએ, ત્યારે દુનિયાનું સર્વશ્રેષ્ઠ જુઠ્ઠાણુ બોલીએ છીએ….’’ – સ્ટીફન કિંગ (IT)

~ મયુર ખાવડુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.