Gujarati Writers Space

આફ્ટર ધ ક્વેક અને ડ્રિમીંગ મુરાકામી

15 ફેબ્રુઆરી 1995. કટાગીરી નામનો જાપાનનો એક બૅન્કમાં સામાન્ય કામ કરતો કર્મચારી છે. જે લાંબા સમયથી ટોકિયોમાં કૅશિયર તરીકેની સેવા આપે છે. એક દિવસ તે પોતાના એપાર્ટમેન્ટમાં જાય છે. અને જુએ છે, તો તેનાથી એક ફુટ લાંબો એટલે કે 6 ફુટનો, પોતાના પગે ચાલતો, ફ્રોગ, દેડકો ત્યાં છે. કહે છે કે, “આપણે એક અરજન્ટ કામની ચર્ચા કરવાની છે.” તે આવ્યો છે કારણ કે થોડા સમયમાં ટોક્યો હતું ન હતું થઈ જવાનું છે. તેનો વિનાશ નજીક છે.

દેડકો કહે છે કે, ‘કટાગીરી નથી તું સપનું જોઈ રહ્યો કે હું છું કે નહીં તેની ચિંતામાં પડ્યા વિના મારૂ અસ્તિત્વ છે, તે તારે માનવું રહ્યું.’

કટાગીરી દેડકાને કારણ પૂછે છે કે, “તું અહીંયા શા માટે આવ્યો છો.” દેડકો કહે છે કે, “ત્રણ દિવસમાં ભૂકંપનો જોરદાર આંચકો આવવાનો છે, જેના કારણે ટોકિયો તહેસનહેસ થઈ જશે. એક લાખ પચાસ હજાર લોકો મૃત્યુ પામશે. જેનું એપી સેન્ટર તારી બેંકની નીચે છે, એટલે તારી સાથે મુલાકાત કરવી જરૂરી હતી.” કટાગીરી તેને જોતો રહી જાય છે, “તો કરવાનું શું છે ?” આવો પ્રશ્ન થાય. ત્યાં દેડકો બોલે છે, ‘પ્રિય મિત્ર કટાગીરી. આપણે ટનલની નીચે જવાનું છે, જે તારી ઓફિસની એકદમ નીચે છે. ત્યાં કેટલાક વોર્મ રહે છે. નાના એવા નહીં ખૂબ વિશાળકાય આપણે તેનો સામનો કરવાનો છે. આ બધુ કાલ્પનિક કથાની જેમ કટાગીરી સાંભળ્યા કરે છે, પણ ફ્રોગ મને શા માટે આવું કહે છે, અને હું શા માટે આ મિશનનો ભાગ છું, તે કટાગીરીને ખબર નથી પડતી.

દેડકો કહે છે, “ધાડપાડુઓ આવ્યા એ સમયે મેં તારી બહાદુરી જોયેલી. તુ પૈસા એકઠા કરવામાં માહિર છે, અને આ ક્રિયા હું વર્ષોથી જોતો આવુ છું. આખા ટોકિયામાં મને તારા સિવાય કોઈ પર ભરોસો નથી. કારણ કે બેંકનો કેશિયર એ જ બને જેને પૈસાની લાલચ નથી હોતી.”

કટાગીરી તો અચંબિત થઈ જાય છે. તો પછી સ્વાર્થી લોકોનો જીવ બચાવવા માટે મારા જેવા માણસ પર દેડકાએ પસંદગી ઉતારી છે. આવો ઉદગાર તેના મનમાં ઉપદ્રવે છે.

“જો હું વોર્મ સાથે લડતી વખતે ભાગી જાઉં તો…?” જેના જવાબમાં ફ્રોગ કહે છે, “તો મારે એકલાએ લડવું પડે.” અને અન્ના કેરિના વિશે બોલતા ફ્રોગને દુખ થાય છે, કે આ માણસે લીયો તોલ્સતોયને વાંચ્યો નથી. 17 ફેબ્રુઆરીએ લડવા માટે જવાનું છે, જ્યાં લડતા સમયે તેને કોઈ પિસ્તોલથી શૂટ કરે છે. અચાનક કોઈ તેના ખભ્ભા પર હાથ રાખે છે અને બીજા દિવસે તે હોસ્પિટલમાં હોય છે. કટાગીરી પાછી આંખો બંધ કરે છે, ત્યારે તેને યાદ આવે છે કે કેવી રીતે ફ્રોગ લડતો હતો અને તેણે ટોકિયોને બચાવ્યું. એટલામાં આખા રૂમમાં વોર્મ, કિટકો, વંદા, જીવાતો આવવા માંડે છે, કટાગીરી રાડ પાડે છે, ત્યાં નર્સ બોલે છે, “તમને ફરીવાર કોઈ દુ:સ્વપ્ન આવ્યું લાગે છે.” ઈન્જેક્શન ભોંકાય છે… અને… કટાગીરી…

વાર્તા તો ઘણી લાંબી છે. 6 વાર્તાઓના સંગ્રહ આફ્ટર ધ ક્વેકમાં સંગ્રહ પામેલી આ અદભૂત વાર્તા પર 58 મિનિટ જેટલી ટૂંકી ડોક્યુડ્રામા ફિલ્મ બની છે. જેના પોસ્ટરો અવારનાવાર મારા ફેસબુક આઈડી પર આવ્યા કરે છે. દેડકાને જોઈ રહેવાતું નથી અને લાઈકનું બટન દબાઈ જાય છે. ફિલ્મના ડિરેક્ટર ભારતીય નિતેશ અજાના છે, પણ તેમના વિશે ફરી ક્યારેક.

મુરાકામી એ કોઈ સામાન્ય લેખક નથી. શિશિર રામાવત બુધવારની પૂર્તિ ટેક ઓફમાં તેના વિશે મસ્તમજાનો લેખ લખી ચૂક્યા છે. મેં પણ પંદર સો જેટલા શબ્દોમાં 2 વર્ષે પહેલા હારૂકી મુરાકામીની લાઈફ અને તેની રાઈટીંગ સ્ટાઈલ પર લખેલું. ફિલ્મનું મૂળ કથાવસ્તુ તો જર્મન લેખક અને મેજીક રિયાલીઝમના બાપ ગણાતા ફ્રાન્સ કાફ્કાની નોવેલ મેટામોર્ફોસિસના આધારે રચાયેલું છે. તેમાં માણસમાંથી કિડો બનતો અને પછી અનુભૂતિના ઓઝારને શબ્દોથી ન કહી શકતા માણસની વાત હતી. ફ્રાન્ઝની ફિલોસોફી કિડો બન્યા બાદ ન બોલી શકતા માણસ પર હતી. અહીં દેડકો ફિલોસોફીઓની ઝંડી જાળે છે.

યસ, આ કોઈ સામાન્ય ટુંકી વાર્તા નથી. શોર્ટ સ્ટોરીની સમરીમાં જ લિયો તોલ્સતોયની વાતનો આપણે ઉલ્લેખ કર્યો. તોલ્સતોય મુરાકામીના ફેવરિટ રાઈટર છે અને તેની ફિલોસોફીને ઘણીવાર સંવાદોમાં દેડકો બોલતો હોય છે.

“હું વોર્મને થોડા ડરાવવા માગુ છું. જોસેફ કોનર્ડની માફક.” હવે આ જોસેફ ભાઈ બીજુ કોઈ નહીં પણ 1857માં જ્યારે ભારતમાં બળવાનો ભારેલો અગ્નિ ચાલતો હતો ત્યારે તેમનો જન્મ થયો અને તે બ્રિટનના ફેમસ નવલકથાકાર છે. તેમની નવલકથાઓમાં વિલનોને ડરાવવાની વાતો જ એવી આવતી હતી, જેનો મુરાકામીએ સંવાદમાં ઉલ્લેખ કર્યો છે. વાસ્તવિકતામાં દેડકાનું અસ્તિત્વ હોય તેવું લાગે પણ વોર્મનું અસ્તિત્વ નથી. અહીં વોર્મ એટલે માણસની અંદરના શૈતાનની વાત કરવામાં આવી છે. વાંરવાર કટાગીરો જે બેન્કમાં નોકરી કરતો હોય છે, ત્યાં ધાળપાડુઓ હુમલા કરે છે. કટાગીરી પૈસા બચાવ્યા કરે છે. અને આ ધાળપાડુઓ પૈસા લઈને જમીનની અંદર એટલે કે ટનલમાં છુપાઈ જાય છે, જ્યાં પોલીસ પકડી ન શકે. ટનલમાં છુપાતા આ લોકો બીજી રીતે વોર્મ છે. જે પાપીઓ છે.

પેલુ વિધાન યાદ આવ્યું. ધરતી પર પાપનો વધારો થાય તે પછી તેનો વિનાશ કરવા માટે ઈશ્વર આવે છે. ધરતીની અંદર ફણીધર નાગ બેઠો છે, આ શેષનાગની ફેણ પર ધરતી છે. પાપ વધે ત્યારે તે ફેણથી પૃથ્વી હલાવી ઈશારો કરે છે. જેથી પાપ ઓછા થાય. અન્યથા વિનાશ નક્કી છે. એવી જ રીતે આ વાર્તામાં પાપીઓ ટનલમાં છે અને ભૂકંપ લાવવા મથી રહ્યા છે. જેનો નાશ કરવો જરૂરી છે.

દેડકાનું કામ માત્ર ડરાવવાનું છે. ડરો, ડરાવો, પાપ ઘટાડો અને ભૂકંપને રોકો. ભૂકંપ તો માત્ર “કેન્દ્રબિંદુ” તરીકે વાપરવામાં આવ્યું છે.

વાર્તામાં છેલ્લે સુધી એ વાતનો ફોડ પાડવામાં નથી આવ્યો કે, દેડકાની હાજરી અને વોર્મની ગેરહાજરી છે કે નહીં. કેટલાક લેખકોને બે વખત વાંચવા પડે. હારૂકી મુરાકામીનું પણ આવુ જ છે. બે વાર વાંચવા પડે. અને ન સમજાય તો વારંવાર કે મજા આવે તો ફરીવાર. મુરાકામી મેજીક રિયાલીઝમના માસ્ટર છે. આ પહેલા ગ્રેબ્રિયલ ગ્રેસિયા માર્કવેઝના પુસ્તકોનું મેજીક રિયાલીઝમ દુનિયાભરના પુસ્તક શોખીનોને ખબર છે. ભૂંડની પૂંછડીમાંથી બાળકનું પેદા થવું અને કીડીઓ તેને ઉપાડીને લઈ જાય. હિમાલય જેવો ઠંડો પહાડ. સ્ત્રીની યોની પાસે ચોંટેલું લોખંડી પહેરણ. આવું તો ઘણું તે નોવેલમાં હતું, પણ વાત એ કે ગેબ્રિયલ બાદ વિશ્વકક્ષાના સારામાં સારા મેજીક રિયાલીઝમ લખનારાઓમાં હવે નંબર વન હારૂકી મુરાકામી છે. બે વખત નોબેલ માટે નોમિનેશન મળ્યું અને બંન્ને વખતે મુરાકામી પરાસ્ત થયા. છેલ્લે તો જાપાનના જુઓ ઈશીગુરો પાસે જ નોબેલ ગયો ત્યારે ખરા હકદાર મુરાકામી હતા.

મેજીક રિયાલીઝ આપણી ગુજરાતી ભાષામાં લખવામાં આવે, તો તે બાળ સાહિત્યમાં ખપી જાય છે. એટલે કોઈ પ્રયત્ન નથી કરતું. મેજીક રિયાલીઝમને મેચ્યોર સાહિત્ય કરવા માટે ગુજરાતી લેખકે તેમાં શૃંગારિક વર્ણનો કરવા પડે. આવા વર્ણનોથી બુક નાના બાળકોના વાંચવા માટે નથી તેવી છબી ઉભી થાય અને શાયદ એ લેખક પર મેજીક રિયાલીઝમનું લેબલ લાગી જાય.

છેલ્લે મેં ફેસબુકમાં કેટલાક લોકોને મુરાકામીની બુકના ફોટો અપલોડ કરતા જોયેલા. તે લોકો નખશીખ ગુજરાતી વર્તાતા હતા. કારણ કે ચોપડી સાથે ચાનો કપ અને પેન જેવું પણ ફોટોમાં અપલોડ કરેલું હતું, પણ પછી કાફ્કા ઓન ધ શોર કે વિન્ડબોલ વાંચ્યા બાદ તેમનું જીવન અને ફિલોસોફી તત્વ બુક સાથે કનેક્ટ થાય છે, કે નહીં ?! તે વિશે તો તેમણે લખ્યું જ નહીં !! આ તો લાઈક મેળવવાના અભરખા હતા ? મુરાકામીની બધી બુકો પીડીએફમાં ઉપલબ્ધ છે વાંચી લેજો. અને ખરીદવાનો કિડો તમને નહીં સળવળે, કારણ કે અંગ્રેજી બુકો જે વિન્ટેજ પબ્લિકેશન દ્વારા છપાયેલી છે. તે એક બુકની કિંમત 400થી 700 સુધીની છે. સસ્તી ખરીદવા એમેઝોનનો સંપર્ક કરવો. બાકી મુરાકામીની એક બુકનો મરાઠીમાં અનુવાદ થઈ ચૂક્યો છે. જોઈએ કોઈ ગુજરાતી મરાઠી તેનું ગુજરાતી કરણ કરે છે કે નહીં..

~ મયુર ખાવડુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.