dil bechara - sushsant singh rajput - last movie - mukesh chhabda - sanjna sanghi
Filmystan Gujarati Writers Space

દિલ બેચારા : ખુલ કે જીના તરીકા તુમ્હે શિખાતી હૈ…

દિલ બેચારા ખુલ કે જીના તરીકા તુમ્હે શિખાતી હૈ… કે જિંદગીનું કોઈ ગીત અધૂરું રહી જાય તો પણ દિલને બિચારા ના બનવા દેવું.

માણસ આજીવન બે જંગ નિરંતર લડતો રહે છે. એક જંગ બહારની દુનિયા સાથેનો હોય, અને બીજો જંગ પોતાની જાત સાથે લડવાનો હોય છે. આમ જ આંતરિક-બ્રાહય યુદ્ધ લડતા લડતા હૃદયના સંતુલનનું પલ્લું કોઈ એક બાજુ નમી ના પડે એ સતત ધ્યાન રાખવાનું હોય છે. જો કે બુદ્ધિશાળી અને સંવેદનશીલ માણસ માટે આ સંતુલન જાળવવું એ મોતના કૂવામાં બાઇક ચલાવવા કરતા પણ વધારે જોખમી હોય છે.

દરેક વખતે ફિલ્મની જેમ ગમતી વ્યક્તિ ના મિલનથી કે ભેટી પડવાથી મનની ભીતર ઉઠતા ઝંઝાવાતો શમી જતા નથી. દુનિયાદારીની દ્રષ્ટિએ ઠાવકા બનીને જીવવામાં એક અને એક એટલે બે એવી સીધી ફોર્મ્યુલાઓ કામ આવતી નથી. ઘણા દાખલાઓ એવા ઉખાણા જેવા હોય છે કે એના કોઈ ઉકેલ હોતા જ નથી. અને જ્યારે ઉકેલ કદાચ મળી જાય તો શેષ કંઈ બચતી નથી.

જગત સતત વધારે ને વધારે ગતિએ આગળ વધતું જાય છે. પ્રોફેશનલિઝમ એ હદે વધી ગયું છે કે માણસે ડાહ્યાડમરા બનીને જીવ્યા કરવું પડે છે. મનના ઉમંગો અને કઠણાઈ પુરેપુરા શેર કરીને હળવા થવા જેવો કોઈ હમદમ મળે તો એ સદભાગ્ય! બાકી તો જ દુનિયાએ નક્કી કરેલી પગદંડીની બહાર જરાક પગલું પડે એટલે પ્રતિભાની પ્રતિમાનું ખંડન કરવા તલપાપડ એવા ટાંટિયા ખેંચનારાઓ એક કહેતા હજાર તૈયાર જ હોય છે. માટે કદાચ પાર્ટીઓમાં ડ્રિન્ક અને સિગારેટ કે ઓફિસની ચ્હા-પાનની આપ લે ભાગ્યે જ મનના ઉભરા કે આંખના આંસુઓની આપ લે સુધી પરિણમે છે!

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી ઘણા લોકોને આજની દુનિયાની ‘એકલતા’ ખૂંચેલી. અને એ બાબતે ટિપિકલ ફિલોસોફી સોશિયલ મીડિયામાં ઠલવાતી હતી, જેનો સામાન્ય સુર એ હતો કે એક એવી વ્યક્તિ જીવનમાં હોવી જોઈએ જેની સાથે દિલ ખોલીને તમામ લાગણીઓ શેર કરી શકો. આમ જનતાની આ વેદના ખોટી બિલકુલ નહોતી, પણ સામાજિક વાસ્તવિકતાથી જોજનો દૂર તો હતી જ.

સુશાંતની અકાળે વિદાય પછી નેપોટીઝમ- ડિપ્રેશન વગેરેની ચર્ચાઓ ઘણી ચાલી. પછી થયું એવું કે સલમાન, કરણ જોહર અને એકતા કપૂર જેવા બોલીવુડના માંધાતાઓએ સાચા ખોટા આરોપો માટે આમજનતાની ગાળો પણ ખાધી. પણ આ જ જનતા ભૂલી ગઈ કે અને કેદારનાથની રિલીઝ વખતે સુશાંત પોતે કટ્ટરવાદીઓ દ્વારા ટ્રોલ થતો હતો. એ ટ્રોલિંગ બાબતે માફી માંગવાનું તો હજી સુધી કોઈને સૂઝ્યું જ નથી! એટલે આખું વર્તુળ એવું રચાયું છે કે એક રીતે જોઈએ તો આપણે બધા જ આ ગુન્હામાં ભાગીદાર, અને બીજી રીતે કડવી હકીકત સ્વીકારીએ તો મરનાર માણસ પોતે જ પોતાની સંવેદનાઓ કે અકળામણ માટે પોતાનો જ ગુન્હેગાર. (નજર સામે ભલે સુશાંત હોય પણ આ કારસો તો આખી દુનિયાના ટેલેન્ટેડ અને સંવેદનશીલ માણસો સામે કોઈને કોઈ રીતે રચાતો જ હોય છે!)

તો પછી એક જ રસ્તો બચે છે કે ‘દિલ બેચારા’માં એક ગીત છે એમ ખુલ્લા મનથી જીવવાનો રસ્તો પકડી લેવો. શાહરૂખે એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે હું આજે પણ અંદરથી એકલો જ છું. સ્વ. કાંતિ ભટ્ટ કહેતા કે એકલતા તો જીનિયસ થવાની કોલેજ છે. પણ પહેલો નિયમ એ કે એકલતાને જીવતા પહેલાં એકલતા સ્વીકારતા શીખવું પડે.

આપણે કદાચ એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સનાલિટી હોઈએ, પણ જગત તો એ જ સામાન્ય રહેવાનું છે. માટે આપણા મનના તરંગો કોઈ બીજી વ્યક્તિ કે સમગ્ર સમાજ સાથે મેચ થાય એવી ખોટી આશાઓ રાખવી વ્યર્થ છે. સતત કોઈ આપણને સમજ્યા કરે કે રડવા માટે ખભો કાયમ ધરી જ દે એ અપેક્ષા પણ ક્યારેક નાદાનિયત સાબિત થાય છે. ઊલટું, પડ્યા પછી ઉભા કરનારાઓ કરતા પડયા પર પાટુ મારનારાઓ કે ચુપચાપ તમાશો જોયા કરનારાઓની સંખ્યા વધી જતી હોય છે. સફળતા જોઈને ખુશ થનારાઓ કરતાં અદેખાઈથી છળી મરનારા દુશ્મનો વગર કારણે ઉભા થાય ત્યારે મજબૂત દેખાતો માણસ પણ અંદરખાનેથી થોડોક ભાંગે તો ખરો જ. સેલિબ્રિટીઓના કિસ્સામાં તો આવુ ખાસ બનતું જ હોય છે. જગતના છળકપટ અને ટાંટિયાખેંચ સામે માણસે અડીખમ ઉભું રહેવાનું હંમેશા શક્ય નથી બનતું. ક્યારેક હારી જવાય તો એક ખૂણામાં બેસીને એકલા રડી લઈને, ફરીથી બીજા કોઈ રસ્તે એ જ મસ્તીથી રમતા રમતા લડતા રહેવાનું નામ એટલે જ જિંદગી!

બધીય સમજણ છતાં, સંવેદનશીલ માણસ ક્યારેક ‘હોશિયાર’ કે ‘ચતુર’ નહિ બની શકતો હોય. યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ જેવી કોઈ ટીસ હૃદયના ઊંડાણમાં ક્યારેક ઉઠતી હશે. ત્યારે કોઈક ભયંકર ક્ષણે લાગણીઓનો આવેગ બુદ્ધિની સ્થિરતા પણ કબજો જમાવી દેતો હશે. અને ઘણા સુશાંત સિંહ રાજપૂત ‘ભૂતકાળ’ બની જતા હશે!

‘દિલ બેચારા’ ફિલ્મ કેવી છે એ વાત જ હવે અસ્થાને છે. કદાચ અગાઉ કોઈ સુપરસ્ટારની કોઈ ફિલ્મની આટલી રાહ નહિ જોવાઈ હોય! એમ.એસ. ધોનીના રોલ પછી બોલીવુડમાં ડંકો વગાડનાર સુશાંતની આ ફિલ્મ હવે ધોનીના આખરી ‘રન આઉટ’ની જેમ ભીની આંખો અને ગળામાં ડુમા સાથે જોઈ લેવાની છે.

સુશાંતે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોઈ ફિલસુફને છાજે એવા ઘણાં વિચારો વ્યક્ત કરેલા. એમાંથી એક ક્વોટ બહુ ગમી ગયું. પણ અફસોસ કે સુશાંતે એ કવોટનું પાલન કર્યું કે ના કર્યુ એ પણ આપણે સમજી ના શકીએ એટલું ગહન ક્વોટ છે

‘કોઈ જ અભિમાન વગર બધું પ્રાપ્ત કરતા શીખવું, અને ઇમોશનલ એટેચમેન્ટ રાખ્યા વગર એનો ત્યાગ કરતા પણ શીખવું…’

~ ભગીરથ જોગિયા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.