Gujarati Writers Space

દાર્જીલિંગ : સતા, સ્વમાન અને મોહભંગ

દાર્જીલિંગની પહેચાન છે ચા, તો કલકતાની સાહિત્ય અને કળા વધીને હાવડાબ્રિજ અને રવિન્દ્રનાથ ટાગોરના નામ પર ઓળખ છે. દાર્જીલિંગની વાદીઓ ચા માટે ઓળખાય છે. કરોડો રૂપિયાનો તેમનો વ્યસાય છે. અને આ જ વસ્તુ કલકતાને દાર્જીલિંગનો મોહ છોડવા નથી દેતી.

મમતા બેનર્જીથી ત્રસ્ત આવી ચુકેલ દાર્જીલિંગના ગોરખા જનમુક્તિ મોર્ચાના નેતા બિમલ ગુરૂંગ ગુજરાતીમાં વિમલ ગુરૂંગે રાજનાથ સિંહની મુલાકાત લીધી. દિલ્હી જઈ તેમણે પોતાના ઘરે કેવી રીતે મમતા કર્મીઓએ રેડ પાડી તેનું વિવરણ કર્યુ, રેડ પાડતા અંદરથી વિસ્ફોટકો અને હથિયાર હાથમાં લાગ્યા. તેના બે દિવસ બાદ દાર્જીલિંગમાં હિંસાત્મક આંદોલનો થઈ ગયા. મમતા બેનર્જીનું એવુ માનવુ છે કે, આ આતંકીઓએ કરેલુ કારસ્તાન છે. હું બલિદાન વહોરીશ, પરંતુ કોઈ દિવસ રાજ્યના ભાગલા નહીં થવા દઉં. હવે જ્યારે બિમલ ગુરૂંગ અને તેમના તમામ દાર્જીલિંગીઓને ત્યાંથી હથિયાર બરામત થયા, તો એમ પણ કહી શકાય કે હિંસામાં તેમનો હાથ છે, પરંતુ જો મમતાદીદીએ તેમના હથિયારો પર કબ્જો જમાવી લીધો હતો, તો કોનો હાથ છે ?

બંગાળી ભાષાને ઠોકી બેસાડવા માટેની ગૂંજ છેલ્લા ઘણા વર્ષોથી દાર્જીલિંગમાં જોવા મળી રહી છે, પરંતુ તેની આગની લપેટમાં શહેર અત્યારે આવ્યુ છે. ગોળીઓની માફક ટોળાઓને કોઈ નામ સરનામા નથી હોતા, અને પ્રશ્ચિમ બાજુ તો ભાષા અને સંસ્કૃતિ માટે પોતાનું સર્વસ્વ યાહોમ કરી દેનારા લોકો વસવાટ કરે છે. વિમલ ગુરૂંગે રાજનાથ સિંહ સાથેની મુલાકાતમાં સોઈ ઝાટકીને કહેલુ, અમારી સંસ્કૃતિમાં હથિયારો રાખવામાં આવે છે, અમારી સંસ્કૃતિનો તેમની સંસ્કૃતિ સાથે કોઈ મનમેળ નથી, તો અમે તેમની સાથે કેવી રીતે રહી શકીએ ?

બને એવુ કે કોઈવાર પાળીતો સાંપ ગળામાં હોય અને તેને છંછેડો તો ડસી પણ લે. મમતા દીદીની સરકાર મેદાનમાં આવતા જ તેમણે આ મુદ્દાથી દૂર રહેવાની પૂરી કોશિષ કરી. અને ગોરખાઓને શાંત પણ રાખ્યા. જો કે મૂંઢ માર શિયાળામાં દુખે પણ ખરો, મુદ્દો દાબવા બેઠેલી સરકાર બંગાળી ભાષાને ફરજીયાત કરવાની તવાઈ કરી બેઠી, અને દાર્જીલિંગીઓમાં જુસ્સાનો સંચાર થયો.

હવે, આ કોઈ અલગ રાજ્ય મેળવવાની ભૂખ નથી. વહુની રિસ સાસુને સંતોષ જેવુ થઈ રહ્યું છે. રાજનીતિક સમીકરણો જોવામાં આવે તો જનમુક્તિ મોર્ચો તૃણમુલ સરકારની સાથે રહી ન શકે. બંગાળમાં ધીરે ધીરે પગ પેસારો કરતી ભાજપ સરકારના હાથમાં લાડવો તો નથી આવ્યો, પણ ઘી મળી ગયુ છે. લાંબા સમયથી સીપીએમ ત્યાં વિરોધ પક્ષનો મોરચો સંભાળી, અડીંગો જમાવીને બેસેલુ, જેને હટાવી અને ભાજપ અત્યારે વિપક્ષનું સ્થાન ભોગવી રહ્યું છે. કેન્દ્રમાં પણ ભાજપ જ છે, અને ભાજપ આસાનીથી આ મોરચાને મદદ કરી શકે તેમ છે, એટલે જનશક્તિ મોરચાના બાળકને સાચવવાની જવાબદારી ભાજપે લીધી છે. અત્યાર સુધી તો અલગ રાજ્યની સરકાર ન બની શકી પરંતુ બીજેપી હવે હવા આપી રૂખ બદલી રહી છે.

બંગાળના વાઘણ કહેવાતા મમતા બેનર્જી માટેની આ સૌથી મોટી લડાઈ છે. કારણ કે બંગાળમાં જ્યારથી ગોરખા લેન્ડને રાજ્ય બનાવવાની વાત આવી ત્યારથી કોઈપણ સરકારે તેને બનવા નથી દીધુ. અને હવે જો મમતાની સરકારમાં ગોરખાલેન્ડ અલગ રાજ્ય બની જાય, તો મમતાજીનું સ્વમાન વાઘણની જેમ ઘવાઈ.

પણ એક રીતે જોવામાં આવે તો આ મોરચાને પાળવા પોષવાનું કામ ખૂદ દીદીએ કર્યુ છે. મમતાજીએ વર્ષ 2011માં દાર્જીલિંગને ચલાવનારા ગોરખાલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશનના ખર્ચાનું ઓડિટ કરાવ્યુ. અને વિમલ ગુરૂંગની સાથે કેટલાક કરારો કરવામાં આવ્યા. જેના પરિણામે ગોરખાલેન્ડ મોર્ચાને ઘણા અધિકારો મળી ગયા. મમતાદીદીએ બાળકના હાથમાં તલવાર મુકી દીધી. વચ્ચે ગોરખા અને મમતાજી વચ્ચે મોહભંગ થયો. ખટાશ ઉમેરાઈ અને આશ્ચર્યની વચ્ચે 2014માં આ મોરચાએ બીજેપીનો સાથ આપતા મમતાદીદીની હાલત કાપો તો લોહી ના નીકળે તેવી થઈ ગઈ, અને આ કારણે જ બીજેપીએ સીપીએમને વિરોધ પક્ષમાંથી હટાવ્યુ અને હવે બંગાળનો વાઘ થવા માગે છે.

વર્ષો પહેલા અંગ્રેજોએ સિક્કીમમાંથી દાર્જીલિંગને છીન્યુ અને આઝાદી પછી તેનું બંગાળમાં વિલીનીકરણ કરવામાં આવ્યુ. પણ બે શેરીના કૂતરા ચહેરાથી સરખા હોવા છતા લડે ખરા ! દાર્જીલીંગ અને બંગાળમાં સંસ્કૃતિ બાબતે મતભેદ થવા લાગ્યા. ગોરખાઓ ખાન, પાન, રાજનીતિ આ તમામ વસ્તુઓમાં બંગાળીઓને પોતાનાથી અલગ માનતા હતા.

ત્યાંના ગોરખા એટલે કે નેપાળીઓનું માનવુ છે કે, બંગાળીભાષાની સાથે જ નેપાળી ભાષા પણ બંધારણની 8મી અનુસૂચિમાં દર્શાવવામાં આવી છે. જો ભાષાની સ્વતંત્રતાનો અધિકાર હોય તો શા માટે એક જ ભાષા બોલવી જોઈએ ? અમારા પર શા માટે બંગાળી ભાષા ઠોપવામાં આવે છે. હવે જ્યારે તીસ્તા જળ મુદ્દા પર મમતાએ મચક નહતી આપી, તો આમા આપશે ખરા ?

~ મયુર ખાવડુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.